ગઝલ – ભગવતીકુમાર શર્મા

મેં મારા મનને આકરી શિક્ષા કરી હતી;
કારણ કે એણે મોક્ષની ઈચ્છા કરી હતી.

આવો ન આવો આપ; ફરક કંઈ નહીં પડે;
હું પણ ન જાણું તેમ પ્રતીક્ષા કરી હતી.

બોલાયું’તું તો માત્ર તમારું જ નામ ત્યાં;
લોકોએ મારા નામની ચર્ચા કરી હતી.

અપરાધ જો ગણો તો ફક્ત એટલો જ કે;
સંભવ નહોતો ત્યાં મેં અપેક્ષા કરી હતી.

ખુશ્બૂ તમારા શ્વાસની ફેલાઈ’તી સભર;
ફૂલોએ માત્ર મ્હોરીને શોભા કરી હતી.

તો પણ મળ્યો નકારમાં ઉત્તર તો શું કરું ?
ઠેકાણું જોઈને જ મેં પૃચ્છા કરી હતી.

દર્શન ન દો તમે તો હું આગ્રહ નહીં કરું;
મેં તો તમારી પ્રાણપ્રતિષ્ઠા કરી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “ગઝલ – ભગવતીકુમાર શર્મા”

Copy Protected by Chetan's WP-Copyprotect.