જાહેરાત ખાનગી ન હોય – ડૉ. નલિની ગણાત્રા

[‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર. આપ ડૉ. નલિનીબેનનો (અમદાવાદ) આ નંબર પર સંપર્ક કરી શકો છો: +91 9428351120.]

[dc]પ[/dc]રિણીત પુરુષ ખાનગીમાં પ્રેમ કરે, પરિણીત પત્ની ખાનગીમાં પૈસા ભેગા કરે, શિક્ષકો ખાનગીમાં ટ્યૂશન કરે, સરકારી નોકરી ન મળે તો કેટલાક લોકો ખાનગી (પ્રાઈવેટ) નોકરી કરે, અરે, મૂળચંદ ન ખાવા-પીવા જેવું ખાનગીમાં ખાય-પીવે એવુંય બને, પણ…. જાહેરાત કદી ખાનગી ન હોય ! આજે મારે આ જાહેરાતની જ જાહેરમાં વાત કરવી છે.

આજકાલ જાહેરાત વગર વેપાર કે વેપારી પણ ‘ચાલતો’ નથી ! મતલબ બંનેને ‘લકવો’ થઈ જાય છે. એટલે જાહેરાત જ વેપારીઓની લાકડી છે. જોકે એ જાહેરાતરૂપી લાકડીનાં ફટકા ઘરાકે જ ખાવા પડે છે, કારણ કે જાહેરાત પાછળ કરવા પડતા અંધાધૂંધ ખર્ચાને લીધે જ પાંચ રૂપિયાની વસ્તુ આપણને પચીસમાં પડે છે અને જાહેરાતથી અંજાઈને જ પત્ની અને બાળકો મૂળચંદનું ખિસ્સું ખંખેરીને એને ખાખરાનાં પાન જેવો ખરબચડો કરી નાખે છે ! જોકે રમખાણોમાં જેમ ‘છૂટાછવાયા બનાવોને બાદ કરતાં એકંદરે શાંતિ હોય છે’ એમ જાહેરાતને કારણે આપણને ચીજવસ્તુ મોંઘી પડે છે એટલું જ, બાકી આપણને રાહત જ છે, કારણ કે જાહેરાતને કારણે જ આપણને ફક્ત બે કે ત્રણ રૂપિયામાં અખબારનાં વીસ-પચીસ પાનાં વાંચવા મળે છે અને જાહેરાતને કારણે જ ટી.વી.માં જોવાલાયક અને રોવાલાયક સિરિયલો માણવા મળે છે.

અત્યારે જાહેરાત ઈશ્વર સ્વરૂપ થઈ ગઈ છે. કોઈ જગ્યા એવી બતાવી આપો કે જ્યાં ઈશ્વર અને જાહેરાત ન હોય ! બસ, રિક્ષા, સ્કૂટર, ટ્રકની પાછળ અને રસ્તા પર હોર્ડિંગ સ્વરૂપે કે પછી રસ્તા પરની દીવાલો પર પણ. મતલબ જ્યાં જુઓ ત્યાં જાહેરાત હોય. અરે, ‘આ ભીંતનો જાહેરાત માટે ઉપયોગ કરવો નહીં’ એવી જાહેરાત પણ એ જ ભીંત પર લખી હોય ! મને તો લાગે છે કે અત્યારે તો વાહનો અને દીવાલો પર જાહેરાત શોભે છે, પણ એક દિવસ એવો આવશે કે માણસોનાં કપાળ, ગાલ, નાક, કાનની બૂટ, હાથ અને ગળા-ગરદન પર પણ કોઈ વાંચી ન જાય એવા ઝીણા અક્ષરે જાહેરાતો છાપવામાં આવશે ! ક્યૂં કિ.. યે જમાના હૈ જાહેરાત કા જમાના….! અને જમાનો એટલે કેવો ? કે જાહેરાત માટેય જાહેરાત કરાય છે કે જાહેરાત માટે સંપર્ક કરો : 4204204200 ! શરૂઆતમાં ટી.વી.માં હમલોગ, મહાભારત કે ચાણક્ય જેવી રસપ્રદ સિરિયલો આવતી ત્યારે બ્રેકમાં આવતી જાહેરાત આપણને વણનોંતર્યા ‘મહેમાન’ની જેમ ખૂંચતી અને તેથી બે જણની વાતમાં વચ્ચે ટપકવાની ટેવવાળાને અમે ‘જાહેરાત’ કહીને ચીડવતા ! પરંતુ ધીરે ધીરે સિરિયલોનું સ્ટાન્ડર્ડ કથળવા લાગ્યું એટલે દર્શકોને સિરિયલ કરતાં જાહેરાત વધુ ગમવા લાગી. એટલે અત્યારે વચ્ચે ટપકીને ડિસ્ટર્બ કરતી ત્રાહિત વ્યક્તિને ‘સિરિયલ’ કહેવાનો રિવાજ થઈ ગયો છે !

‘એશા દેઓલ’ કરતાં હેમા માલિની સારી લાગે છે એમ અત્યારે સિરિયલ કરતાં જાહેરાતો જોવી ગમે એવી હોય છે. મૂળચંદ તો બધી ચેનલ પર જાહેરાત જ જુએ છે, એટલું જ નહીં, એ તો સિરિયલ ચાલુ થાય એટલે રિમોટથી ચેનલ બદલવા માંડે છે. એ તો એટલે સુધી કહે છે કે, મારે તો એકલી જાહેરાતની ડીવીડી લાવવી છે !! આ ટી.વી.માં તો જાહેરાતની વચ્ચે વચ્ચે સિરિયલ આવી આવીને મૂડ ખરાબ કરી નાખે છે ! આ જાહેરાતની ઉત્પત્તિમાં એક કહેવતનો હાથ છે. ‘બોલે તેના બોર વેચાય.’ એ કહેવતનું કઠિન ચિંતન કરતાં કરતાં વેપારીઓને જ્ઞાન લાધ્યું કે, બોલે તેના બોર જ નહીં, ઠળિયા પણ વેચાય ! અને વેચાય જ છે એ આપણે સૌ જોઈએ છીએ. દોડો….દોડો…..દોડો… એવી જાહેરાત વાંચીને આળસુ સ્ત્રીઓ પણ જલદી જલદી કામ પતાવીને દસ વાગ્યામાં દોડે છે, પણ બેના, આ આપણી દોડની હરીફાઈ નથી કે તને ઈનામ મળશે. એ તો વેપારીઓના ધંધાની દોડ હરીફાઈ છે ! અને કોઈકની હરીફાઈ આપણે ફક્ત જોવાની જ હોય, એમાં ઝંપલાવવાનું ન હોય, પણ માને તો માનુની શેની ? જોકે, જાહેરાતનો કરિશ્મા પણ જેવો તેવો નથી. એટલે સ્તો ‘મા પાવા તે ગઢથી ઊતરે’ એમ અમિતાભ જેવો ‘ઊંચેરો’ સ્ટાર પણ નીચે ઊતરીને જાહેરાતમાં ખાબકી પડ્યો ! અરે, મૂળચંદને કોઈકે કહ્યું કે, ‘ઐશ્વર્યાને દીકરી આવી’ તો મૂળચંદ કહે કે, કોણ ઐશ્વર્યા ?…. અરે પેલી ‘લક્સ’ની જાહેરાતવાળી… તો મૂળચંદ કહે…. હં…હં…. એમ બોલને !!! આવું છે જાહેરાતનું જોર. જાહેરાતોમાં જેમ એક્ટર ક્રિકેટરને લેવાય છે એમ રાઈટરને પણ લેવા જોઈએ. રાઈટરનો તો શબ્દશઃ ‘રાઈટ’ કહેવાય ને ? હાસ્યલેખકને જાહેરાતમાં લેવાય તો લોકો પ્રોડકટને કદાચ હસવામાં કાઢી નાખે, પણ ગંભીર લેખકોને તો લઈ શકાય ને ? આમેય ધંધામાં ક્યારેય ખોટ પણ બતાવવાની જ હોય છે ને ?!

વીરપુરનું ‘જલારામ મંદિર’ મંદિર હોવા છતાં દાન નહીં સ્વીકારવા માટે વિશ્વવિખ્યાત છે. એમ ‘જનકલ્યાણ’ મેગેઝિન જાહેરાત વગરના મેગેઝિન તરીખે સુખ્યાત છે. જે સાચા દિલથી જન-કલ્યાણ કરવા જ બેઠા છે એને ‘જાહેરાત’ની શી જરૂર ?

આજકાલ તો સસ્તી વસ્તુની જાહેરાત પણ વેપારી અને ગ્રાહક બંનેને મૂઢમાર જેવી મોંઘી પડે છે. જોકે બિચારી કોઈ પણ જાહેરાતનો ઈરાદો જોક કરવાનો હોતો નથી. એ તો આપણે બદઈરાદાથી એની સામું જોઈએ તો જ આપણને એમાંથી જોક મળી આવે. મતલબ જાતમહેનતથી જાહેરાતમાંથી જોક મેળવવી પડે છે. તો ચાલો, જાતમહેનત ઝિંદાબાદ કરીએ. એક પ્રોડક્ટની જાહેરાતમાં સૂચના લખેલી કે, ‘કાકાનો ફોટો જોઈને જ ખરીદો.’ હવે આમાં ફોટો જોઈને કાકા ખરીદવાના છે કે પ્રોડક્ટને, કેમ ખબર પડે ? જો કે કોઈ કાકી હોય એ જ કાકાને ખરીદે, આપણે તો પ્રોડક્ટ જ ખરીદવાની હોય ને ? મૂળચંદનું કહેવું છે કે, પ્રોડક્ટ કરતાં ફોટો સારો હોય તો કાકા ખરીદી લેવાના ! એક જાહેરાતમાં લખ્યું’તું કે, ‘ઈચ્છિત સંતાન પ્રાપ્તિ માટે મળો.’ આ જાહેરાત વાંચીને ત્રણ દંપતી પહોંચી ગયા. એક કપલ કહે કે, અમારું સંતાન બી.કોમ છે અને અમારે સી.એ. સંતાન જોઈએ છે. બીજું કપલ કહે કે, અમારું સંતાન ડિપ્લોમા છે અને અમારે ડૉક્ટર સંતાન જોઈએ છે. ત્રીજા કપલે કહ્યું કે અમારું સંતાન કલાર્ક છે અને અમારે કલાકાર સંતાન જોઈએ છે. આપો ને ! પેલા જાહેરાત આપનારને તો ‘લેને કે દેને’ પડ ગયે ! જાહેરાતમાંય ચોખવટ કરવાનું રહી જાય તો બઘઈ જવાનો વારો આવે. આ તો ઠીક છે, બાકી આવી જાહેરાતો વાંચીને કાલે ઊઠીને ખુદ સંતાનો પણ એવી જાહેરાત આપવા માંડશે કે ‘અમારે ઈચ્છિત મા-બાપ જોઈએ છે’ તો ?!! આવી જાહેરાત વાંચીને આપણને ઉદ્વેગ એ થાય કે, આપણે સત્તર દુકાને ભટકીએ તોય ઘણીવાર ઈચ્છિત શર્ટ કે સાડી નથી મળતી અને લોકો ઈચ્છિત સંતાનનો સ્ટોર ખોલીને બેસી જાય છે !

અલ્પવિરામ કે પૂર્ણવિરામ પાસે અટકવાની ભાન કેટલીક વાર આધેડ ઉંમરનાને પણ નથી પડતી તો અર્ધી ટિકિટ અર્થાત ‘ચંચળ’ બાળકો તો અલ્પ કે પૂર્ણ ‘વિરામ’ શેનો જ લે ? એકવાર એવું જ થયું. ‘થર્ડ સ્ટાન્ડર્ડ’માં ભણતો હર્ષિલ માતૃભાષા ‘ગુજરાતી’થી અળગો ન થઈ જાય એવી અભિલાષાથી એના પપ્પા એને વાંચવા માટે રોજ્જે ગુજરાતી છાપું પકડાવી દેતાં. એમાં એક દિવસ હર્ષિલના હાથમાં પ્રોપર્ટીની જાહેરાતનું પાનું આવી ગયું. આ પ્રોપર્ટીની જાહેરાતમાં ઉપર એરિયાનું નામ અને નીચે એ એરિયાના દુકાન, મકાન કે ફલેટ લેવાના કે વેચવાના કે ભાડે આપવાના હોય એની વિગતો લખેલી હોય, પણ વાંચવાની પરાણે પ્રેક્ટિસ કરી રહેલો હર્ષિલ અટકવાની ઐસી કી તૈસી કરીને સીધેસીધું સળંગ વાંચ્યે રાખતો’તો. જેમ કે, ‘વસ્ત્રાપુર વેચવાનું છે, ભૂયંગદેવ ભાડે આપવાનું છે, જમાલપુર જોઈએ છે…..’ આ સાંભળીને બધા ખડખડાટ હસી પડ્યા, હર્ષિલ સિવાય !!

ટાઈલ્સને ટકાટક ચોખ્ખી કરનાર એક લિક્વિડ ક્લિનરની જાહેરાતમાં એ લિકવિડ ઢોળીને ટાઈલ્સ ચકાચક બતાવાય છે. આ જાહેરાત જોઈને ઝમકુડોશી જીવ બાળે કે, આ લોકો રોજ્જે આટલું બધું ટીવીમાં ઢોળી દે છે એના કરતાં આપણને મફતમાં આપી દેતાં હોય તો ? એ તો પછી અમે સમજાવ્યું કે ઝમકુબા આ તો એક જ વાર ફિલ્મ ઉતારી હોય, પછી એની એ જ બતાવે રાખે. આ સાંભળીને ઝમકુબાનો બળતો જીવ ઓલવાયો !! એક જાહેરાતમાં તો આપણને જાણે બીવડાવવાની મનોકામનાથી વારંવાર પૂછે છે : ‘ચૌંક ગયે ?!’ એને કહેવાનું મન થાય કે, મોંઘવારીથી મહાત થઈ ગયેલા લોકો મોતથીયે નથી ચોંકી જતા એ તારી ચીજવસ્તુથી શું કામ ચોંકે ?!! જોકે, ‘ચૌંક ગયે’ના જવાબમાં મેં તો ના કહી. એટલે એ લોકો ફરી ફરી પૂછ્યા કરે છે. મને ખાતરી છે કે, જવાબમાં હું હા નહીં પાડું ત્યાં સુધી તેઓ ચૌંક ગયે ? ચૌંક ગયે ? કરીને બીવડાવવાનો પ્રયત્ન ચાલુ જ રાખશે, પણ હું કંઈ બીકણ થોડી જ છું તે ચોંકી જઉં ? જા ભ’ઈ જા…..!! એક પ્રોડક્ટની જાહેરાતમાં તો એવું પૂછે છે કે, પાંચ કરોડ પરિવારોએ અપનાવ્યો. શું તમે અપનાવ્યો ? મેં તો કહી દીધું કે, ના હોં, આટલા બધા વાપરતા હોય એવી સામાન્ય વસ્તુ અમે વાપરતા હોઈશું ? વી આર નોટ કોમનમેન, વી આર સ્પેશ્યલ. ઓ.કે ?! આમ હું તો ક્યારેક ક્યારેક જાહેરાતને આવા જડબાતોડ જવાબ જ આપી દઉં !!

જ્યોતિષ માટેની એક જાહેરાતમાં લખ્યું’તું કે ‘બધી જગ્યાએથી નિરાશ થયેલા ખાસ મળો.’ આ વાંચીને એવું લાગે કે, આ ભાઈને નિરાશવદન જોવાનો શોખ હશે કે, પછી પોતે નવી ફલેવરની નિરાશા રાખતા હશે અને નિરાશાવાંચ્છુઓને બાંટવા માંગતા હશે ! અને બિચ્ચારો મૂળચંદ કંઈ નિરાશાની ભક્તિફેરીમાં થોડો નીકળ્યો છે તે છેલ્લે તમને મળવા આવે ?!! જોકે, આ જાહેરાતનો લાભ લેવાની મારી ઈચ્છા હતી, પરંતુ આ ભાઈએ, બધી જગ્યાએથી નિરાશ થયેલાઓને જ મળવાની ઑફર મૂકી છે અને મારે હજુ બે-ત્રણ જગ્યાએથી નિરાશ થવાનું બાકી છે એટલે ભવિષ્યમાં વાત !!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

21 thoughts on “જાહેરાત ખાનગી ન હોય – ડૉ. નલિની ગણાત્રા”

Copy Protected by Chetan's WP-Copyprotect.