પંચરત્ન (સત્યઘટનાઓ) – સંકલિત

[1] પરેશાનીના પરિણામે એક અદ્દભુત શોધ – હિતેશ જોશી

[dc]વ[/dc]ર્ષ 1903ના કોઈ મહિનાનો એક દિવસ, જ્યારે 1866માં જન્મેલ અને વ્યવસાયે એસ્ટેટ ડેવલપર અને પોતાની વિધવા મા સાથે અમેરિકાના અલ્બામામાં રહેતી મેરીને પોતાના વ્યવસાયના કામે ન્યૂયોર્ક જવાનું થયું. એ દિવસે વાતાવરણ થોડું ખરાબ હતું. બરફ પડવાની શરૂઆત થવામાં હતી, પરંતુ તેને ત્યાં પહોંચવું જરૂરી હતું. તેથી હવામાનની ફિકર કર્યા વગર મેરી ટ્રોલી કારમાં બેસી નીકળી પડી ન્યૂયોર્ક જવા માટે.

કાર થોડી આગળ ચાલી પછી અચાનક બરફ વરસવો શરૂ થયો અને ડ્રાઈવર થોડી થોડી વારે કાર ઊભી રાખી દેતો. જલદી પહોંચવાનું હતું અને મેરી વિલંબ થવાથી પરેશાન થતી હતી. થોડીવાર પછી ફરી જ્યારે ડ્રાઈવરે કાર ઊભી રાખી તો અકળાઈને મેરી પણ નીચે ઊતરી કે કારનો ડ્રાઈવર કેમ વારંવાર કાર ઊભી રાખી દે છે. તેણે જોયું કે ડ્રાઈવર કાર ઊભી રાખી આગળના કાચ પરથી હાથથી બરફ સાફ કરતો હતો. મેરીએ જોયું તો રસ્તે કેટલીયે કારના ડ્રાઈવર આ રીતે જ કાર ઊભી રાખી કાચ સાફ કરી આગળ વધતા હતા અને બીજી વાર આખો કાચ ખરડાઈ જાય તો ફરી કાર ઊભી રાખી કાચ સાફ કરતા હતા. આ જફાને કારણે પરેશાન મેરી ન્યૂયોર્ક સમયસર પહોંચી તો ના શકી, પરંતુ તેણે નક્કી કરી લીધું કે આ કાચ સાફ કરવાનું તો કંઈક કરવું પડે. જેથી કરીને કોઈને આટલી બધી પરેશાની ના ઊઠાવવી પડે. બાદમાં તેણે પોતે જ એક ચીપીયો ડિઝાઈન કર્યો, જેના પર રબ્બર લગાવેલ હતું અને ડ્રાઈવર અંદરથી તેને ફેરવી બહારનો કાચ સાફ કરી શકે. આ સ્ત્રીનું નામ હતું ‘મેરી એન્ડરસન’ અને તેણે જે અત્યંત મહત્વની શોધ કરી એ હતી વાઈપરની. સફરમાં થોડી પરેશાની વેઠ્યા બાદ મેરીએ જે શોધ કરી એ હાલમાં એટલી જરૂરી થઈ ગઈ છે કે વાઈપર વગર વાહન ચલાવવાની કોઈ કલ્પના પણ ના કરી શકે. ક્યારેક કોઈનું પરેશાન થવું સમગ્ર માનવજાત માટે આશીર્વાદરૂપ બની જતું હોય છે. (‘ફીલિંગ્સ’ સામાયિકમાંથી સાભાર.)

[2] ખેલદિલીનો પાઠ – મયૂર પટેલ

1986માં ચેસ ચેમ્પિયન વિશ્વનાથ આનંદ નેશનલ બી રમી રહ્યો હતો. બાળખેલાડી ભારતના વર્ષો જૂના ખેલાડી નાસીર અલી સામે રમી રહ્યો હતો. રમત આનંદ જીતી શકે તેમ હતું પરંતુ બાજી ડ્રો થઈ ગઈ. આનંદે એકદમ ગુસ્સામાં આવી મહોરા પાડી નાખ્યાં. આ રમત એનાં મોમ જોઈ રહ્યાં હતાં. તેમણે આવી આનંદને એક ધબ્બો લગાવી દીધો અને કહ્યું, ‘તેમની માફી માગ. સારી ચેસ રમતા પહેલાં સારી રીતભાત શીખ.’ આનંદ હવે રડી પડ્યો. નાસીરસાહેબ એકદમ શાંત સ્વભાવના અને આદરણીય ખેલાડી. તેમણે આનંદનાં મોમને કહ્યું, ‘ધીમે ધીમે શીખશે. જ્યારે વધારે પડતા રમતમાં ડૂબી જઈએ ત્યારે જ આટલું દુઃખ થાય. એને જીતેલ બાજી ડ્રો જવાનું દુઃખ થયું. ખરેખર તે ઘણો આગળ વધશે.’ પરંતુ આનંદનાં મધર એવું માનતાં કે ખેલાડી મોટો હોય કે નાનો પરંતુ બીજી વ્યક્તિઓ પ્રત્યેનો આદરભાવ અને વર્તન તો સૌમ્ય જ હોવું જોઈએ. આ બાળપણના પાઠને લીધે તે હવે વર્તનમાં ઘણો જ સૌમ્ય છે. (‘ચેસની રસપ્રદ વાતો’ પુસ્તકમાંથી સાભાર.)

[3] મારો અનુભવ – રાહુલ દ્રવિડ (અનુ. મુકેશ મોદી)

મારી ક્રિકેટર તરીકેની કારકિર્દી દરમિયાન મને એક અનુભવ થયો છે, જે હું આપની સાથે શેર કરવા માગું છું. ક્યારેક હું જ્યારે મહત્વની મેચ રમતો હોઉં કે સ્લિપમાં ફિલ્ડિંગ ભરતો હોઉં કે નોન-સ્ટ્રાઈકર છેડે ઊભો હોઉં ત્યારે એકાએક એવી સંવેદના થાય છે કે અન્ય સઘળું ગાયબ થઈ ગયું છે. એ ક્ષણે હોય છે માત્ર રમત, અને એ રમત રમવાનો નિર્મળ આનંદ એક પ્રકારના ધ્યાનનો જ અનુભવ છે જેમાં તમે ક્રિકેટ સાથે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું ત્યારે જે રીતે જોડાયા હતા એનું અનુસંધાન થાય છે. એ ધ્યાનનો સમયગાળો બહુ અલ્પ હોય છે, પણ હું માનું છું કે દરેક ક્રિકેટરે આ ક્ષણોની મજા લેવી જ રહી.

હું જાણું છું કે પ્રોફેશનલ ક્રિકેટર્સ શોખ માટે રમતા લોકોની જેમ ન રમી શકે. પણ, શોખ માટે રમતા લોકોનો આ રમત માટેનો જે લગાવ અને ભાવ છે એને તો આપણામાં લાવી શકીએ ને ?….. દરેક ક્રિકેટરમાં એક સ્પર્ધક જીવતો હોય છે કે જેને હારવું નથી ગમતું, પણ તમે જ્યારે ક્રિકેટ રમો છો ત્યારે માત્ર જીતવું જ અગત્યનું નથી. તમે જે રીતે રમો છો એ પણ અગત્યનું છે, કારણ કે આપણે દરેક જે રીતે રમત રમીએ છીએ તે ઢબ ક્રિકેટના ઈતિહાસમાં એની છાપ છોડે જ છે. અને આપણે એ ક્યારેય ન ભૂલવું જોઈએ કે વ્યાવસાયિક ક્રિકેટર તરીકે આપણે મેદાનમાં જે પણ કરીએ છીએ તેને ગલીમાં રમનારા દરેક રીતે અમલ કરે છે – બેટિંગ, બોલિંગ, ફિલ્ડિંગ, અપીલિંગ, જીતની ઉજવણી, અસંતોષ, દલીલબાજી. આ રમતના હિતેચ્છુ તરીકે, એ જરૂરી છે કે આપણે ટૂંકા ગાળાના ફાયદાથી લલચાઈ ન જઈએ. (‘નવનીત સમર્પણ’માંથી ટૂંકાવીને)

[4] માનવતાના મશાલચી – મહેશ સી. વાઘેલા

સુરેન્દ્રનગર જિલ્લાનો લખતર તાલુકો 45 ગામડાંનો બનેલો તાલુકો છે. વિઠ્ઠલગઢ ગામ તાલુકા મથકથી 25 કિલોમીટર દૂર છે. વિઠ્ઠલગઢ ગામ એટલે આજુબાજુનાં 8 થી 10 ગામોનું મુખ્ય મથક. આ વિઠ્ઠલગઢમાં મુખ્યત્વે કોળી, ભરવાડ, દલિતોની મુખ્ય વસ્તી. ઉપરાંત જૈન, પટેલ, ક્ષત્રિય, મુસલમાન, ખોજા, લુહાણા, વાળંદ વગેરેના વસવાટવાળું આ ગામ છે. ગામમાં 8 થી 10 નોકરિયાત પરિવારો વસવાટ કરતા હતા.

જિલ્લા પંચાયત સંચાલિત આયુર્વેદિક દવાખાનામાં ડૉક્ટર તરીકે ડૉ. રસિકલાલ હરજીવનદાસ ખખ્ખર છેલ્લાં 15 વર્ષથી ગામમાં વસવાટ કરીને, ગામને પોતીકું ગણીને સૌની સારવારનું કાર્ય કરી રહ્યા છે. ડૉ. ખખ્ખર કોડીનારના ગર્ભશ્રીમંત લોહાણા પરિવારનું સૌથી નાનું સંતાન. મોટા ત્રણ ભાઈઓ બાપ-દાદાનો વ્યવસાય સંભાળીને રાજકોટ શહેરના મધ્યમાં સારા, આલીશાન બંગલાઓમાં વસવાટ કરે. પરંતુ ડૉ. ખખ્ખરને ગરીબ, પછાત, અશિક્ષિત લોકોની વચ્ચે રહીને તેમના આરોગ્યની જાળવણીના કાર્ય સાથે પોતાની આજીવિકા રળવામાં આનંદ આવતો હતો.

15 મે, 1985ની બપોરે ડૉ. ખખ્ખર વામકુક્ષી પતાવીને દવાખાને જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યાં જ પોસ્ટમેન મુઝલખાન મલેક ડૉ. ખખ્ખરના નામનો તાર લઈને આવ્યો. ડૉ. ખખ્ખરનાં માતાના દુઃખદ અવસાનની જાણ કરતો તાર હતો. બરાબર આ જ સમયે વિઠ્ઠલગઢની બાજુના ખારી ગાગડ ગામના દલિત યુવાન કાનાભાઈ પોતાની પત્નીને સુવાવડ માટેની વેણ ઊપડી હોવાનું જણાવીને ડૉ. ખખ્ખરને સુવાવડ કરાવવા આવવા માટે બે હાથ જોડી દયામણે ચહેરે વિનવણી કરતા હતા. હાથમાં માતાના અવસાનની ખબર આપતો તાર છે અને પોતાની સન્મુખ ફરજ માટે વિનવણી કરતો દલિત યુવાન કાનાભાઈ સેનવા છે. ડૉ. ખખ્ખર પળનોય વિલંબ કર્યા વિના કાનાભાઈ સેનવા સાથે પોતાની મોટરસાઈકલ લઈને ગયા અને સુવાવડનું કાર્ય સુખરૂપ પૂર્ણ કરીને, કાનાભાઈ સેનવાના પરિવારમાં પુત્રરત્નનો જન્મ કરાવી પોતાને ઘેર પાછા ફર્યા ને પરિવારજનોને માતુશ્રીના દુઃખદ અવસાનના સમાચાર જણાવીને રાજકોટ જવા સહપરિવાર રવાના થયા. ડૉ. ખખ્ખરનાં માતુશ્રીના અવસાન નિમિત્તે બેસણામાં વિઠ્ઠલગઢ અને આજુબાજુનાં 8 થી 10 ગામોના 150 જેટલા સદગૃહસ્થો આવ્યા ત્યારે તેમના મોટા ભાઈઓને નવાઈ લાગી કે એક સામાન્ય સરકારી દાકતરનાં માતુશ્રીના અવસાન નિમિત્તે બેસણામાં 150 કિલોમીટર દૂરથી ગામડાના માણસો આવે !

આજે માનવીની પૈસા પાછળની વધતી જતી ઘેલછા, આધુનિકીકરણ, વૈશ્વિકીકરણ, તકલાદી માનવીય સંબંધોની વચ્ચે ડૉ. ખખ્ખર જેવાઓ માનવતાની મશાલ પ્રજ્જ્વલિત રાખે છે. (‘અખંડ આનંદ’માંથી સાભાર.)

[5] મનઝરૂખો – ડૉ. કુમારપાળ દેસાઈ

અમેરિકાના વિખ્યાત મનોચિકિત્સક ડૉ. વિલિયમ એલ. એડગરની પાસે ‘નર્વસ-બ્રેકડાઉન’થી પીડાતા શિકાગો શહેરમાં વ્યાપારી પેઢી ધરાવતા ધનપતિ સારવાર માટે આવ્યા. તેઓ ગભરાયેલા, મૂંઝાયેલા, ચિંતાથી ઘેરાયેલા અને પુષ્કળ ટેન્શન અનુભવતા હતા. એમણે આ મનોચિકિત્સકને પોતાની રામકહાણી કહેવાની શરૂ કરી, ત્યાં તો એડગર પર એક ફોન આવ્યો અને એડગરે એનો ત્વરિત ઉત્તર આપી દીધો. એ પ્રશ્નને કઈ રીતે ઊકેલવો એનું સીધેસીધું માર્ગદર્શન આપ્યું. એવામાં એક બીજો ફોન આવ્યો અને એણે એડગર સાથે ચર્ચા કરવાની વાત કરી, તો એડગરે પોતાનો નિરાંતનો સમય ફાળવી આપ્યો. પછી એડગર નિરાંતે ધનિક દર્દીની વ્યથાની કથા સાંભળવા લાગ્યા.

શિકાગોમાં વ્યાપારી પેઢી ધરાવતા સજ્જન એડગરની કાર્યપદ્ધતિ અત્યાર સુધી જોતા રહ્યા અને એમના મનમાં ચમકારો થયો. એમણે ડૉ. એડગરને કહ્યું, ‘મારે તમારા ટેબલનાં બધાં ખાનાં જોવા છે’ અને જોતાં ખ્યાલ આવ્યો કે એક માત્ર ‘સપ્લાય’ કરવાના ખાનાં સિવાય બીજાં બધાં ખાનાં ખાલી હતાં.
‘તમારા વ્યવસાયના બીજા કાગળો ક્યાં મૂક્યા છે ?’
‘સઘળું કામ પૂરું થઈ ગયું છે. જરૂરી કાગળો ફાઈલ થઈ ગયા છે.’
‘પણ જવાબ આપવાના પત્રો તો બાકી હશે ને ?’
એડગરે કહ્યું : ‘ના, હું કોઈપણ પત્રનો જવાબ તરત મારી સેક્રેટરીને લખાવી નાખું છું. કોઈ કાગળ બાકી રહેવા દેતો નથી.’ શિકાગોમાં વેપારી પેઢી ધરાવનાર ધનપતિ સમજી ગયો કે એની સૌથી મોટી ભૂલ હતી એ કોઈપણ કામનો ત્વરિત ઉત્તર કે ઉકેલ આપવાને બદલે એ કામને અદ્ધર લટકાવી દેતો હતો. આને પરિણામે કામો ભેગાં થતાં, કાગળો ભેગા થતાં અને પત્રો ભેગા થતાં અને આ અવ્યવસ્થા એ જ એના ટેન્શનનું કારણ બનતી હતી. (‘ગુજરાત સમાચાર’માંથી સાભાર.)

Leave a Reply to Harshad Patel Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “પંચરત્ન (સત્યઘટનાઓ) – સંકલિત”

Copy Protected by Chetan's WP-Copyprotect.