- ReadGujarati.com - http://www.readgujarati.com -

એકાંત – હિમાંશી શેલત

[ ટૂંકીવાર્તાઓના પુસ્તક ‘અન્તરાલ’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. આજે એક જ લેખ પ્રકાશિત કરવામાં આવ્યો છે જેની નોંધ લેશો.]

[dc]એ[/dc]ક તીવ્ર ઈચ્છા હતી એને એકાંતની, જેમાં એ પોતાના ઘરની પ્રસન્ન સવારોને યાદ કરી શકે, રાત્રે બારી બહાર વિસ્તરેલા અંધકારના મુલાયમ પોતને સ્પર્શી શકે, મન થાય તો એકાદ પુસ્તક લઈને વાંચી શકે, કશુંક ગણગણી શકે અને એમ કરીને પોતાની વેરવિખેર જાતને જતનથી એકઠી કરી શકે. એકાંતે એને માટે ખૂબ જરૂરી હતું પણ અહીં, આ અજાણ્યા ઘરમાં, એને કોઈ એકલી પડવા દેતું નહોતું. સંભવ છે કે આ બધાને એને માટે ખૂબ પ્રેમ હતો, પણ ધોધમાર વરસાદ નીચે નાજુક છોડ બેવડ વળી જાય, ગૂંગળાઈ મરે, એ વાત આ લોકોને સમજાવવી સહેલી નહોતી.

બપોરે માંડ થોડી ક્ષણો મળે એવી શક્યતા હતી ત્યાં કામિની ધસી આવી, એની બહેનપણીઓ સાથે. એમના કલબલાટથી આખું ઘર ધ્રૂજી ઊઠ્યું. એક જ વાત પકડીને બેઠાં બધાં, અત્યારે પિક્ચરમાં જઈએ. ખૂબ આનાકાની કરી પણ એને ખેંચીતાણીને તૈયાર કરી. કુટુંબની કોઈ વડીલ સ્ત્રીએ તો સલાહ પણ આપી કે ઘરમાં સૌ સાથે હળીએ-ભળીએ, એમ એકલાં બેસી ન રહેવાય. એ તો અમારી કામિની સાચવી લેશે, એને એકલી પડવા જ નહિ દે ને ! બહુ બોલકી ને મળતાવડી છે કામિની, સાસુ બોલ્યાં હતાં. રોજ કોઈ ને કોઈ મળવા આવે. વાતો બધી એક જ પ્રકારની. આ બંગડીનો ઘાટ સરસ છે. આ સાડી આપણે ત્યાંથી આપી, વિવાહ વખતે હોં, લગ્નમાં નહિ. એ તો જુદી છે. મોતીની બુટ્ટી એને ત્યાંની, વાસણોમાં તો એક આખો ડિનર-સેટ…. કોઈએ એના શોખમાં ઝાઝો રસ લીધો નહિ. મારાં ભાભી ગાય છે એવું કામિની બોલ્યા કરતી, પણ શું શીખ્યાં છો, શું ગમે છે એવું બધું કંઈ નહિ. મારાં ભાભીની સ્કિન બહુ સરસ છે કે વાળ બહુ લાંબા છે એના જેવી જ આ પણ એક વાત. હિજરાવું એટલે શું એ હવે એને સમજાતું હતું, જો થોડા સમય માટે એકાંત મળે તો ઠીક થાય એવું લાગ્યા કરતું હતું.

આ ઘર આમેય અવાજોનું ઘર હતું. હો-હા, ધમાલ, દોડાદોડ, કલબલાટ, કોઈને એકાંતની જરૂર જ નહોતી લાગતી. સાંજ પછીનો બધો સમય ધીરેનનો કહેવાય. એ આવે એટલે તૈયાર થવું જ પડે, બહાર જવું જ પડે, એને જેવી આવડે એવી પ્રેમની વાતો સાંભળવી જ પડે. બહુ જુદી દુનિયામાંથી એ અહીં આવી પહોંચી હતી. ખૂબ બોલવાનું એને ફાવતું નહોતું. એકલી જ ઊછરી, થોકબંધ પુસ્તકો-સંગીત-ચિત્રોની વચ્ચે મોટી થઈ. કેટલા ઉત્સાહ અને ખંતથી બંગાળી શીખી, ખાસ રવીન્દ્ર સંગીત માટે ! એક હોંશ હતી એને કે આટલાં સુંદર ગીતો એ ગાઈ શકશે, કોઈને સંભળાવી શકશે. લગ્ન પછી પંદરેક દિવસ બહાર ગયા ત્યારે પહાડોમાં ફરતી વખતે કે ઝરણાંનું પાણી ખોબામાં ભરતી વખતે કે ઠંડી લીલી હરિયાળીને સ્પર્શતી વખતે એક વાર પણ ધીરેનને યાદ આવ્યું નહિ કે આવામાં એકાદ ગીત સાંભળી શકાય. જોકે એમાં ધીરેનનો વાંક નહિ, એ સંગીતનો માણસ જ નહોતો. પસંદ કરેલાં કેટલાંય ગીતો એના હોઠ પર થીજી ગયાં.

હિલ-સ્ટેશનની ભીની ભીની સવાર એને ગમતી. ધીરેન સાથે ન હોય તો પણ બહાર ઊભા રહીને એ હવાને સૂંઘવાનું એને ગમતું. એને આમ એકલી એકલી આનંદથી ફરતી જોઈ ધીરેન અકળાતો અને ખભે હાથ વીંટાળી આગ્રહપૂર્વક એને રૂમમાં લઈ જતો. ધીરેનને ખુલ્લામાં બહુ ફાવતું નહિ. એકાદ વખત એ ખૂબ ગુસ્સે થયેલી; મનમાં હતું કે આટલા ગુસ્સાથી પણ ધીરેન એનો સહેજ પરિચય મેળવી શકે તો કેટલી મોટી રાહત ! એના આશ્ચર્ય વચ્ચે ધીરેનને એ અણગમાના ધગધગતા શબ્દો ફૂલના દડાની જેમ ઝીલી લીધા. આ ગુસ્સો લાડનો સમજી એ હસ્યો, ખડખડાટ હસ્યો, એને રમૂજ પડી. પહેલી વાર સમજી શકી એ કે ધીરેનને પોતાની વાતો પહોંચાડી શકાય એવું કોઈ માધ્યમ જ નથી. એટલે જ પાછા આવ્યા પછી એકાંતની ઝંખના તીવ્ર બની ગઈ. પોતાની કહેવાય એવી થોડી ક્ષણો જો મળી જાય તો ઘણું થઈ શકે. ઘરના તમામ માણસોની વાતો અને ઘોંઘાટમાં સ્ટીરિયોની ચિચિયારીમાં એને પોતાની વાત સાંભળવાનું ફાવતું નહોતું. બહાર બેસવા જાય કે તક મળતાવેંત અગાશીમાં દોડી જાય કે તરત કોઈ પાછળ આવી જ પહોંચે. કેમ આમ એકલી એકલી ? કંઈ થયું ? અહીં, આ ઘરમાં, કંઈ થાય તો જ માણસ એકલું બેસી રહે એવી એક સાદી સમજ હતી.

ધીરેનને અણધાર્યું બેંગલોર જવાનું થયું. કંપનીનું તાકીદનું કામ હતું એટલે જવું પડે એ વાત ધીરેનને અનેક વાર કહી અને ઘર છોડ્યું ત્યાં સુધી એ જ વાત કરતો રહ્યો. તું એકલી પડી જઈશ, તને ગમશે નહિ. તારે ઘેર જઈ આવવું છે થોડા દિવસ મમ્મી-પપ્પાને મળવા ? એ ઘરે ન ગઈ. જો આ ઘરમાં જ એકાંત શોધવાનું હોય તો બીજે ભાગી છૂટવાનો અર્થ નહિ. પંદર દિવસ સુધી ધીરેન આવવાનો નહોતો, એ પંદર દિવસની પ્રત્યેક ક્ષણ મૂલ્યવાન હતી, એને જતનથી જાળવવાની હતી. ધીરેનની આંખો એને ચોંટી ન રહી હોય એવો આ પ્રથમ પહોર હતો રાતનો. બારીમાંથી મોગરાની અધખીલી કળીઓ દેખાતી હતી, હવામાં એની સુગંધ હતી. ગાવાનું મન થયું. પછી વિચાર માંડી વાળીને એણે પોતે ગાયેલાં ગીતોની કૅસેટ સાંભળી. દિવસો પછી સાંભળેલો એ અવાજ કેટલો અપરિચિત લાગતો હતો ! મોડી રાત સુધી એણે વાંચ્યું અને છેવટે ડબલ-બેડની સુંવાળી ચાદર પર મોકળાશથી આળોટતી આળોટતી એ નાનકડી છોકરી બની ગઈ પાછી. માને વળગતી હોય એમ ઓશીકાને બાઝી રહી. સરસ ઊંઘ આવી. લાંબા સમય પછી આમ વાંચ્યું એટલે સવારે એની આંખોમાં જાસૂદના ફૂલનો રંગ હતો. ભાભી ઊંઘતાં નથી લાગતાં, એકલાં એકલાં ગમતું નહિ હોય ! કામિનીએ મજાક કરી. એ સંતોષથી ભર્યું ભર્યું હસી. ધીરેન વગરના પંદર દિવસો સડસડાટ વહી ગયા. ધીરેન પાછો આવી ગયો.

અને પછી ગાઢ અંધકારમાં સાત સમુદ્ર પાર કરીને એના લગી માંડ માંડ પહોંચતો ધીરેનનો અવાજ એને ઢંઢોળી રહ્યો – બહુ એકલી પડી હતી ? મારા વગર ગમતું નહોતું ને ? ધીરેનના હાથનો સ્પર્શ અનુભવી શકાય નહિ એટલો આછો હતો. કોઈ રોમાંચ હતો પણ તે પેલા સ્પર્શનો નહિ. એકાએક એના આખા અસ્તિત્વમાં એક મધુર ગીત ફેલાઈ ગયું. એ ગીતનો પ્રત્યેક સ્વર શીતળ જળની છાલક પેઠે એને ભીંજવી રહ્યો. ભીતરના આ રણઝણ સંગીત સાથે કોઈને કશો જ સંબંધ નહોતો. આકાશને સ્પર્શતાં વૃક્ષો વચ્ચે એ સાવ એકલી એને પ્રિય એવું ગીત ગાતી ફરી રહી હતી…… તુમિ મોર પાઓ નાઈ પરિચય….. પાઓ નાઈ પરિચય….. ફરતી ફરતી એ જે પ્રદેશમાં પહોંચી ગઈ હતી ત્યાં ધીરેનનો કે બીજા કોઈનોય પ્રવેશ શક્ય નહોતો. એનું એકાંત એની અંદર જ હતું, એ એકલી જ હતી, સાવ એકલી.

[ કુલ પાન : 104. કિંમત રૂ. 60. પ્રાપ્તિસ્થાન : અરુણોદય પ્રકાશન. 202, હર્ષ કૉમ્પ્લેક્સ, ખત્રીપોળ, પાડાપોળ સામે, ગાંધી રોડ, અમદાવાદ-380001. ફોન નં : +91 79 22114108. ઈ-મેઈલ : arunodayprakashan@yahoo.co.in ]