સુખની ટેવ પાડવી પડશે – હરેશ ધોળકિયા

[ પ્રેરણાત્મક લેખોના પુસ્તક ‘શક્યતાની ક્ષિતિજ’ માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[dc]આ[/dc]ધુનિક અમેરિકન મનોવિજ્ઞાનના પિતા ગણાતા વિલિયમ જેમ્સે એક જગ્યાએ લખ્યું છે કે ઓગણીસમી સદીની મહાન શોધો ભૌતિક વિજ્ઞાનના ક્ષેત્રમાં નથી થઈ. ઓગણીસમી સદીની મહાન શોધો રહી છે ‘શ્રદ્ધાના સ્પર્શવાળી મનની શક્તિની.’ તે કહે છે કે દરેક માનવમાં અમાપ શક્તિનો અનંત ઝરો છે જેની સહાયથી કોઈ પણ સમસ્યા ઉકેલી શકાય છે.
પણ મનની આ શક્તિથી સુખ મળી શકે ?
હા મળી શકે.
પ્રશ્ન એ છે કે સુખ ક્યારે મળે ?

સાચું અને શાશ્વત સુખ આપણા જીવનમાં તે ક્ષણે આવશે જ્યારે આપણને એ સાક્ષાત્કાર થશે, સમજ આવશે કે આપણી કોઈ પણ નબળાઈને આપણે પાર કરી શકીએ છીએ. એ ક્ષણે આવશે જ્યારે આપણે અનુભવશું કે આપણું મન આપણા પ્રશ્નોને હલ કરી શકે છે, અતિક્રમી શકે છે, આપણા શરીરને સાજું કરી શકે છે, આપણાં સ્વપ્નોને સાકાર કરી શકે છે. બસ ! તે ક્ષણે આપણે સુખી હોઈશું. આપણને અત્યારે ક્યારે સુખ મળે છે ? ઘરમાં બાળક જન્મે, લગ્ન થાય, કૉલેજમાં ગ્રૅજ્યુએટ થઈએ. ઈનામ મળે, પ્રમોશન મળે, ગમતી વ્યક્તિ મળે, પ્રવાસ કરીએ…. વગેરે વગેરે ! આવી અગણિત યાદી તૈયાર કરી શકીએ જેના દ્વારા આપણે સુખ મેળવવા પ્રયત્ન કરીએ છીએ. પણ વાસ્તવમાં, તે બધાં શાશ્વત સુખ આપી શકે ? અંતરના ગહનતમ ભાગમાંથી આપણે સમજીએ છીએ કે આ બાબતો કાયમી સુખ નથી આપી શકતી. આ અનુભવો અદ્દભુત છે, પણ શાશ્વત નથી. બાળક મૃત્યુ પામે તો ? લગ્નજીવન નિષ્ફળ જાય તો ? પાસ થયા પછી નોકરી ધંધો ન મળે તો ? ગમતી વ્યક્તિ બેવફા નીકળે તો ? એટલે આ બધા અનુભવો ઉત્તમ હોવા છતાં ક્ષણિક છે – પરપોટા જેવા.

એટલે જ, તેના જવાબમાં, એક વિચારક કહે છે કે, ‘જે ઈશ્વરમાં શ્રદ્ધા રાખે છે, તે સુખી છે.’ આનો અર્થ એવો કરી શકાય કે જે વ્યક્તિ પોતાના મનના ડહાપણની શક્તિ પર ભરોસો રાખે, તેને આધારે દોરાય, તેના પાસેથી જ માર્ગદર્શન મેળવે, દિશાસૂચન મેળવે….. તે વ્યક્તિ શાંત અને સ્વસ્થ બનશે. વ્યક્તિ જેવી બધા તરફ પ્રેમ, શાંતિ અને શુભેચ્છા પ્રગટ કરે, તરત જ તે પોતાના જીવન માટે, આવનાર દિવસો માટે, સુખનું બહુમાળી મકાન બાંધવાની શરૂઆત કરે છે. સુખ માટે પ્રથમ વાત એ યાદ રાખવાની જરૂર છે કે ‘સુખ એ મનની સ્થિતિ છે.’ કોઈ પણ વ્યક્તિએ યાદ રાખવું પડશે કે સુખ કે દુઃખ – બન્નેમાંથી ગમે તે આપણને ‘પસંદ’ કરવાની છૂટ છે. આ વાક્ય વિચિત્ર રીતે સાદું લાગે તેવું છે ને ! તે છે જ ! કદાચ તેથી જ મોટા ભાગના લોકો સુખના માર્ગમાં ઠેસ ખાધા કરે છે. તેમને સુખ મેળવવાની આ સાદી ચાવી નથી મળતી. સાચી વાત તો એ છે કે જીવનમાં સત્યો સાદાં, ગતિશીલ અને સતર્ક હોય છે. તેઓ જ સુખ-શાંતિ આપી શકે છે. એટલે, પાયાની વાત એ યાદ રાખવાની જરૂર છે કે સુખની ટેવ પાડવી પડશે. જીવનમાં સુખ પસંદ કરવું પડશે. અત્યારે જે દુઃખનો શોખ કેળવ્યો છે, દુઃખને પાળ્યું છે, દુઃખને વળગી બેઠા છીએ, તે ટેવ છોડવી પડશે. સતત સુખના વિચાર કરવા પડશે. તેને જીવવું પડશે.

પણ સુખની ટેવ પાડવી કેમ ?
દરરોજ પ્રભાતના જ્યારે આપણી સુંદર આંખો ગાઢ અંધકારને છોડી પ્રકાશમાં ખૂલે, ત્યારે તરત ઊભા ન થતાં શાંતિથી પથારી પર જ આસન લઈ આવું વિચારવું : ‘પરમ કૃપાળુ કુદરત આજે અને દરરોજ સવારે મારા જીવનની સંભાળ રાખે છે. આજે સમગ્ર દિવસ મારા હિત માટે જ જશે. આજનો દિવસ મારા માટે અદ્દભુત અને નૂતન દિવસ છે. આવો અદ્દભુત દિવસ ફરી નહીં આવે. આજે આખો દિવસ મને પ્રભુનું માર્ગદર્શન મળ્યા કરશે અને હું સમૃદ્ધ થઈશ. દિવ્ય પ્રેમ મને વીંટળાઈ વળ્યો છે. મને પોતામાં સમાવે છે અને મને પરમ શાંતિની અનુભૂતિ થાય છે. જ્યારે જ્યારે શુભ પ્રત્યેથી મારું મન ભટકવા લાગશે ત્યારે તરત હું શુભ અને કલ્યાણકારી તત્વ પર જ વિચાર કરીશ. હું વિશ્વનાં સઘળાં શુભ તત્વોને મારાં માનસિક લોહચુંબકથી આકર્ષીશ. આજે હું અવશ્ય સુખી થઈશ.’ દરરોજ આ વિચારથી દિવસની શરૂઆત કરવી. આ વિચાર પચતો જશે કે તરત વ્યક્તિ સુખને પસંદ કરતી જશે. તે પ્રકાશમાન અને સુખી વ્યક્તિ બનતી જશે. સમગ્ર દિવસ દરમ્યાન તે આ વિચારને જ વાગોળ્યા કરશે અને તેમ તેમ તે સુખને પોતા તરફ આકર્ષાશે.

મનોવિજ્ઞાની મરફીએ નોંધ્યું છે કે તેણે એક એવા ખેડૂતને જોયો હતો જે આખો દિવસ પ્રસન્ન દેખાતો. ગીતો ગણગણ્યા કરતો અને રમૂજો કરતો. મરફીએ તેને તેની પ્રસન્નતાનું કારણ પૂછ્યું, તો ખેડૂતે જવાબ આપ્યો કે ‘મને સુખી કરવાની તો મને ટેવ છે. સવારે જાગું ત્યારે અને રાત્રે સૂવા જાઉં ત્યારે હું મારા કુટુંબને, મારા પાકને, મારાં પશુઓને, ગામલોકોને આશિષ આપું છું અને ઈશ્વરનો ખૂબ આભાર માનું છું.’ આ ખેડૂત છેલ્લા ચાળીસ વર્ષથી આ વિચારનો મહાવરો કરતો હતો. મનોવિજ્ઞાનના આ નિયમનો આપણને ખ્યાલ જ છે કે જે વિચાર નિયમિત રીતે પદ્ધતિસર વાગોળવામાં આવે છે, ફરી ફરી વિચારવમાં આવે છે, તે આપણા આંતરિક મનમાં ઊતરે છે, પચે છે અને ટેવમાં પરિણમે છે. આ ખેડૂતને પણ ખબર પડી ગઈ હતી કે ‘સુખ તો ટેવ છે.’ (Happiness is a habit)

બીજી વાત : સુખી થવા માટે સુખી થવાની ‘ઈચ્છા’ કરવી પડશે. કેટલાક લોકો લાંબા વખતથી એવા ઉદાસીન થઈ ગયા હોય છે, તેમને દુઃખની એવી ટેવ પડી ગઈ હોય છે કે જો તેમને અદ્દભુત, આનંદપ્રદ સમાચાર વડે સુખી કરવાનો પ્રયાસ કરવામાં આવે તો તેમની સ્થિતિ પેલી સ્ત્રી જેવી થશે જેણે આના પ્રત્યાઘાત રૂપે જવાબ આપ્યો હતો કે ‘સુખી થવું એ ખોટું છે.’ તેઓ જૂની ટેવોની ઘરેડમાં એવા બંધાઈ ગયા હોય છે કે સુખના પ્રદેશમાં પારકાપણું અનુભવે છે. એક વૃદ્ધા ઘણાં વર્ષોથી વાની દર્દી હતી. તે પોતાના ઘૂંટણને પંપાળતી અને કહેતી, ‘મારો વા આજે તો ભયંકર છે. હું બહાર નથી જઈ શકતી. તે મને દુઃખી કરે છે.’ તેનું ધ્યાન તેનાં પુત્ર-પુત્રીઓ અને પડોશીઓ રાખતાં હતાં, પણ વૃદ્ધાને તો વા ગમી ગયો હતો. તેનું દુઃખ તે માણતી હતી. તેને તેની એવી તો ટેવ પડી ગઈ હતી કે સુખી થવાની ઈચ્છા થતી જ ન હતી. તેને વિવિધ ઉપાયો બતાવવામાં આવ્યા હતા, પ્રાર્થનાઓ શીખવવામાં આવી હતી, જેથી તેનું મનોવલણ બદલે, પણ તેને તેમાં રસ જ ન પડ્યો. આવી મનોદશા ઘણા લોકોમાં હોય છે. તેઓ દુઃખનો શોખ રાખે છે. તેમને તેમાં જ મજા પડે છે. તેઓ એવું વિચારે છે કે, ‘આજનો દિવસ ખરાબ છે અને મને નુકશાન જવાનું જ છે’, ‘હું હંમેશ મોડો જ પડું છું.’, ‘બીજાને સફળતા મળશે, મને તો કદી નહીં મળે.’ આવું વલણ સવારના પહોરમાં જો કેળવાય, તો તે સહજ રીતે મનમાં સ્થિર થશે અને વ્યક્તિ દુઃખી જ થવાની.

ખરેખર તો એવું વિચારવાનું છે કે જે વિશ્વમાં આપણે રહીએ છીએ, તે આપણા મનમાં આવતા વિચાર અને વ્યવહારનું જ પરિણામ છે. રોમના તત્વજ્ઞાની રાજા સૉલૉમને કહ્યું છે કે, ‘માણસનું જીવન તેના વિચારોથી જ બને છે.’ (A man’s life is what his thoughts make it.) અમેરિકન વિચારક ઈમર્સન પણ એ જ મતલબનું વાક્ય કહે છે, ‘માણસ આખો દિવસ વિચારે તેવો બને છે.’ જે પ્રકારના વિચારો મનમાં વારંવાર સેવવામાં આવે, તે જ ભૌતિક પરિસ્થિતિમાં પરિણમે છે.’ માટે જ કદી નકારાત્મક વિચારો ન કરવા. પરાજિત વિચારો ન કરવા. ઉદાસીન થવાય તેવું ચિંતન ન કરવું. મનને વારંવાર યાદ દેવડાવવું કે આપણે આપણી માનસિક સ્થિતિથી બહાર કશું નહીં અનુભવી શકીએ.

મોટા ભાગના લોકો બીજી ભૂલ એ કરે છે કે તેઓ રેડિયો, ટીવી, મોટર, સ્કૂટર, વિશાળ બંગલો, સ્વિમિંગ પુલ વગેરે દ્વારા સુખ મેળવવા પ્રયત્ન કરે છે. પણ સુખ કદી આવી રીતે ખરીદી શકાતું નથી. સુખનું સામ્રાજ્ય તો વ્યક્તિના વિચારોમાં અને ભાવનાઓમાં છે. સુખ માટે બાહ્ય પરિસ્થિતિ બદલાવવાની જરૂર નથી. કોઈ શહેરના મેયર બનાય, ધંધામાં મૅનેજર બનાય, વડા બનાય તો જ સુખી થવાય એવું માનવાની જરૂર નથી. સુખ તો માનસિક અને આધ્યાત્મિક અવસ્થા છે. મનના દૈવી નિયમો સમજી તેને અનુકૂળ થવાથી જ સુખી થવાશે. વચ્ચે વર્તમાનપત્રમાં એક સમાચાર આવેલા કે એક ઘોડો રસ્તાના એક ખૂણે આવ્યો, ત્યારે ત્યાં પથ્થર જોઈ ખચકાઈ ગયેલો. પછી જ્યારે ત્યાં આવતો ત્યારે ઊભો રહી જતો. ખેડૂતે પછી તો પથ્થરોને ઉખેડીને ફેંકી દીધેલા અને રસ્તો સરસ કરી નાખ્યો, છતાં પચીસ વર્ષ સુધી જ્યારે પણ ઘોડો ત્યાંથી પસાર થતો, ત્યારે ત્યાં ક્ષણભર પણ ખચકાઈ જતો. કેમ ? પેલા પથ્થરની સ્મૃતિ તેના મનમાં જડાઈ ગઈ હતી. સુખમાં પણ આવું જ છે. સુખ મેળવવા માટે કોઈ પથ્થર આપણી આડે નથી- સિવાય કે મન અને કલ્પનામાં. એ વિચારવું એ કોઈ ભય તો આપણને નથી નડતો ને ? અને ચિંતા અને ભય પણ આખરે તો મનના વિચાર જ છે ને ! તેનો ઉપાય છે તેને મનમાંથી હાંકી કાઢી સફળતા, સિદ્ધિ વગેરેથી શ્રદ્ધા દ્વારા મનને પુનઃ મજબૂત કરવું.

એક એવો વેપારી હતો જે ધંધામાં નિષ્ફળ ગયો હતો. તેણે કહ્યું કે, ‘મેં ભૂલો કરી, પણ હું ખૂબ શીખ્યો છું. હું પાછો તેમાં જઈશ અને મને શ્રદ્ધા છે કે હું સફળ થઈશ જ.’ તેણે પોતાના મનના માર્ગમાં પડેલા પથ્થરને પિછાણ્યો. તે ભયભીત ન થયો. ન મૂંઝાયો. તેણે આ પથ્થરને ઉખેડી મનની આંતરિક શક્તિના બળે ભય-ચિંતા-ઉદાસીનતાને દૂર કર્યા. તેનું સૂત્ર સાદું હતું : ‘પોતામાં માનો ને સફળ થાવ અને સુખી થાવ.’

સુખ મેળવવાની છેલ્લી વાત.
સુખી વ્યક્તિ તે છે જે પોતાના શ્રેષ્ઠત્વને (best) સતત પ્રગટ કરે છે. શ્રેષ્ઠ લોકો જ સુખી છે અને સુખી લોકો જ પોતાનું શ્રેષ્ઠત્વ પ્રગટ કરી શકે છે. આપણામાં રહેલ ઈશ્વર જ શ્રેષ્ઠ છે. દૈવી પ્રેમ, પ્રકાશ, સત્ય, સૌંદર્યને વધુમાં વધુ પ્રસરાવવામાં આવે, તો વ્યક્તિ આ જ ક્ષણે વિશ્વની સૌથી સુખી વ્યક્તિ બનશે. માટે જ એપિક્યુરસ કહે છે, ‘મનની શાંતિ અને સુખનો એક જ ઉપાય છે : સવારે ઊઠો, આખો દિવસ કામ કરો કે રાત્રે સૂવા જાવ, ત્યારે બાહ્ય પરિસ્થિતિની ચિંતા ન કરો. તે બધું ઈશ્વરને અર્પણ કરો.’ એટલે જ ગીતાનું આ વાક્ય મનમાં કોતરી રાખવું : ‘મનુષ્ય પોતે જ પોતાનો મિત્ર છે અને પોતાનો જ શત્રુ છે.’

[કુલ પાન : 136. કિંમત રૂ. 100. પ્રાપ્તિસ્થાન : અરુણોદય પ્રકાશન. 202, હર્ષ કૉમ્પ્લેક્સ, ખત્રીપોળ, પાડાપોળ સામે, ગાંધી રોડ, અમદાવાદ-380001. ફોન નં : +91 79 22114108. ઈ-મેઈલ : arunodayprakashan@yahoo.co.in ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

14 thoughts on “સુખની ટેવ પાડવી પડશે – હરેશ ધોળકિયા”

Copy Protected by Chetan's WP-Copyprotect.