તાણમુક્તિ ! – વ્રજેશ વાળંદ

[‘જલારામદીપ’ સામાયિકમાંથી સાભાર.]

[dc]‘એ[/dc] જાય ! એ જાય !’ ના અનેક આશ્ચર્યોદ્દગાર વચ્ચે હંમેશની ટેવ મુજબ પૂરા અગણોસિત્તેર વર્ષ ને ત્રણસો ચોસઠમા દિવસે પાકા કોટ સુધીનો ઊભો ઢાળ દેસાઈ સાહેબ પોતાની જૂની સાયકલ પર રમતાં રમતાં ચઢી ગયા. ઢાળ પાસે જ પશાકાકાનું ઘર. સામે રહેતા નારાણભાઈ સામે હાથ લંબાવી તેઓ બોલ્યા : ‘જુઓ તો ખરા, નારણભાઈ ! આ ઉંમરેય સાહેબનો જુસ્સો કેવો છે !’ ને નારણભાઈએ સ્વીકૃતિમાં હળવું સ્મિત લહેરાવ્યું. અવારનવાર દેસાઈ સાહેબ પર આવી પ્રશંસાવૃષ્ટિ થતી રહેતી. દેસાઈસાહેબ એ સાંભળીને મલકાટ સાથે છાણીના બજારમાં લટાર મારવા સાયકલ મારી મૂકતા.

સાયકલ અને દેસાઈસાહબે ! આ યુતિ છાણીના ગ્રામજનો લગભગ ચાર દાયકાથી જોતા આવતા હતા. ને કેમ ન હોય આટલો જુસ્સો ! આવતીકાલે તો એમની સિત્તેરમી વર્ષગાંઠ ! પુત્રીઓ અને દૌહિત્ર-દૌહિત્રીઓની આખી ફોજને આ ઉત્સવની ઊજવણી કરવા હરખભેર નોંતરી હતી. ભારે જલસો રાખ્યો હતો. વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને પણ આગ્રહપૂર્વક નિમંત્ર્યા હતા.

નિવૃત્તિ બાદ પણ દેસાઈસાહેબ કાલયાપનાર્થે શિક્ષણ પ્રવૃત્તિમાં ગળાડૂબ હતા. ગણિત-વિજ્ઞાનના એ નિષ્ણાત શિક્ષક હવે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંતાનોને નજીવી ફી લઈ ટ્યૂશન આપતા હતા. ખાનપાન અને નિયમિતતાના ચૂસ્ત આગ્રહી. તંદુરસ્તી યુવાનને આંટી દે એવી. સ્ફૂર્તિ તો એવી કે નવમા ધોરણની તરવરિયણ વિદ્યાર્થીનીઓ સાથે ત્રીજે માળે ઝડપથી જવાની હોડ બકતા. ટિવંકલ અને વિશ્વા બે-ત્રણ પગથિયાં ચડે એટલે હાકોટો પાડી દેસાઈસાહેબ એમનો પીછો કરતા. વિદ્યાર્થીનીઓ આગળ અને એ પાછળ. પગથિયાં ચડવામાં એવી ઝડપ દાખવતા કે બીજા માળના છેલ્લાં પગથિયાં સુધીમાં એમને આંબી જતા મજાકમાં કહેતા પણ ખરા : ‘જે દિવસે હું તમને દોડીને પકડી નહીં શકું તે દિવસથી ટ્યૂશન બંધ !’ પણ આવું તો તેઓ છેલ્લા દશેક વર્ષથી કહ્યા કરતા. પણ હજી એની નોબત આવી ન હતી. અને હા, નિવૃત્તિ બાદ માદરે વતનમાં જવાને બદલે છાણી ગામને જ એમણે પોતાનું વતન બનાવી દીધું હતું.

આજે ખરે જ તેઓ ભારે ઉત્સાહમાં હતા. પગે પાંખો આવી હતી. એમનો સિત્તેરમો જન્મદિન ! સવારના દસ થતાં થતાં તેઓ પોતાની સદાની સહચરી-દ્વિચક્રી પર મીઠાઈ અને ચૉકલેટ લેવા નીકળી પડ્યા. સામે મળતાં આત્મીયજનોના ‘જય શ્રી કૃષ્ણ’ને પ્રતિસાદિત કરતાં કરતાં તેઓ ઢોળાવ પાસે આવી પહોંચ્યા. પૅડલ પર જોર આપ્યું. પણ આ શું ! સાયકલ ઢોળાવ ચડવામાં આનાકાની કરવા લાગી. એમણે વધારે જોર લગાવ્યું. સાયકલ આગળ વધવાની જાણે ધરાર ના પાડી રહી હતી. એડીચોટીનું જોર વ્યર્થ ગયું. ‘આમ કેમ બન્યું !’ એ મનોમન વિચારી રહ્યા ત્યાં તો સામેથી એમના પ્રિય ભૂતપૂર્વ વિદ્યાર્થી મહેશ પટેલ સ્કૂટર પર આવતા જોયા. એમણે સ્કૂટર ઊભું રાખ્યું, ‘સર ! હવે સાયકલ તાણવી રહેવા દો ! બહું થયું ! બાય ધ વે હૅપી બર્થ ડે, સર !’ કહી દેસાઈસાહેબને વંદન કરી ઉષ્માપૂર્વક હસ્તધૂનન કર્યું. ‘થૅંક યૂ’ કહી સાહેબ સાયકલ પરથી ઊતરી ગયા. મહેશ પટેલે ભાવપૂર્વક વિવેક દાખવ્યો, ‘સર, સાયકલ અહીં જ પશાકાકાના ઘર પાસે મૂકી દો. મારા સ્કૂટર પર આપ કહેશો ત્યાં લઈ જઈશ.’
‘નો, થૅંક્સ ! ઈટ્સ ઑલ રાઈટ !’ કહી સાયકલ દોરીને તેઓ આગળ વધ્યા. સાહેબના જન્મદિનની ખબર અડધા ગામને પડી જતી. બે દિવસ અગાઉથી જ વિદ્યાર્થીઓ વાતને ગામમાં વહેતી કરી દેતા.

દેસાઈસાહેબ સાયકલ દોરીને ઘેર આવ્યા. વિદ્યાર્થી-વિદ્યાર્થીનીગણ ત્રીજા માળે શિસ્તબધ્ધ ગોઠવાઈને એમની આતુરતાભેર પ્રતીક્ષા કરી રહ્યો હતો. કોણ જાણે કેમ પણ આજે દોડીને પગથિયાં ચડતાં એમનો જીવ ન ચાલ્યો. તરવરાટ અને જુસ્સો ઓસરી ગયાની પ્રતીતિ થઈ. વિદ્યાર્થીઓના ‘હૅપી બર્થ ડે, સર !’ના સામુહિક ગુંજારવને ‘થૅંક યૂ, થૅંક યૂ’ કહી વધાવ્યો. હૃદયપૂર્વક મંગળ આશીર્વચન ઉચ્ચાર્યાં. એમની શુભેચ્છાઓ અને ઉપહારો સસ્મિત સ્વીકાર્યાં. મીઠાઈ-ચૉકલેટનું વિતરણ કર્યું. નાનકડા ઉદ્દબોધનને અંતે એમને કહેવાનું મન થયું : ‘વિદ્યાર્થીઓ ! આવતીકાલથી ટ્યૂશન બંધ !’ પણ જીભ ન ઊપડી. બધાના ઊતરી ગયા પછી હળવે હળવે તેઓ નીચે આવ્યા. ભોજન બાદની વામકુક્ષીમાંય વ્યવધાન સર્જાયું.

સાંજે દેસાઈસાહેબ પોતાના આત્મીય મિત્ર ડૉ. જગદીશ ભટ્ટી પાસે જવા તૈયાર થયા. હજી ઘરના લોકોને એમણે કંઈ જણાવ્યું ન હતું. ‘પૂરેપૂરા ચૅક-અપ પછી જ વાત બહાર પાડીશ !’ એ વિચારી રહ્યા. અત્યાર સુધી નખમાંય રોગ ન ધરાવનાર આ સમર્પિત શિક્ષક અંદરથી ખળભળી ગયા હતા. ‘શું થયું હશે ! અચાનક કઈ બીમારીએ મને ભરડામાં લીધો હશે !’ એ મનોમન બબડ્યા, ‘કમિંગ ઈવેન્ટ્સ કાસ્ટ ધેર શેડૉઝ બિફોર !’ (આવનાર આપત્તિ એનો સંકેત અગાઉથી આપે છે.) એ જોમ, જુસ્સો ક્યાં ગયાં ! ‘બજારમાં જરા આંટો મારી આવું.’ કહીને ઘરની બહાર નીકળે એ પહેલાં જ સોળેક વર્ષના એમના દૌહિત્ર ધૈર્યએ એમને હાક મારી, ‘નાનાજી, તમારી સાયકલ તો લેતા જાવ !’ તેઓ એને કંઈ અષ્ટમ પષ્ટમ સમજાવવાની વેતરણમાં શબ્દો શોધી રહ્યા હતા ત્યાં જ ધૈર્ય હસતાં હસતાં બોલ્યો : ‘તમારી સાયકલ મેં બપોરે રિપેર કરી નાખી છે. આગલા પૈંડામાં કાદવ ચોંટી ગયો હતો એટલે પૈડું બ્રેક સાથે જામ થઈ ગયું હતું. પૈંડા સાથે બ્રેક ઘસાતી હતી. મેં સાયકલને પાણીથી બરાબર ધોઈને ઑઈલિંગ પણ કરી નાખ્યું છે !’ પછી આંખો નચાવતાં એમની જ શૈલીમાં બોલ્યો : ‘જરા તમારી દ્વિચક્રી પર આરૂઢ તો થાઓ ! પવન સાથે વાત કરે છે કે નહીં !’

માન્યામાં આવતું ન હોય એમ દેસાઈ સાહેબે એની પાસે સાયકલનું તાળું ખોલાવ્યું. કચવાતા મને સાયકલ પર સવાર થયા. ને પૅડલ ઘુમાવ્યું. સાયકલ ખરે જ હળવી ફૂલ થઈ ગઈ હતી. ને પાકા કોટનો ઢોળાવ પલકારામાં પાર કરી પોતે ય હળવાફૂલ થઈ ગયા. હસતાં હસતાં પોતાની જાત પર બળાપો કાઢવા લાગ્યા : ‘સિત્તેરમા વર્ષની ઊજવણીના આનંદાતિરેકમાં આવી મામૂલી વાતનો ય ખ્યાલ ન રહ્યો ! અરે, સાયકલ પરથી ઊતરી એના પર સહેજ સાજ નજર કરી હોત તો ય ખબર પડી જાત !’ ત્રણેક મીટર લાંબા ચીકણી માટીવાળા પાણીથી ભરેલા ખાડામાંથી એમણે સાયકલ હંકારી મૂકી હતી એ યાદ આવ્યું. બબડ્યા : ‘હત્તારીની ! આટલી નાની અમસ્તી વાત પણ ન સમજાઈ !’

પણ પછી એ ગજબની ‘તાણમુક્તિ’ અનુભવી રહ્યા. હા….આ….આશ….! પછી તો એ ખૂબ હસ્યા. એટલું બધું હસ્યા કે આંખમાં પાણી આવી ગયાં. જો કે ટ્યૂશન બંધ કરવાની જાહેરાત કરવાનો વિચાર હાલ એમણે માંડી વાળ્યો છે.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous એકાંત – હિમાંશી શેલત
સુખની ટેવ પાડવી પડશે – હરેશ ધોળકિયા Next »   

13 પ્રતિભાવો : તાણમુક્તિ ! – વ્રજેશ વાળંદ

 1. Ashish Makwana says:

  સુંદર આલેખન સાથે જીવન નો માર્મિક અર્થ સમજાવી જાય છે…ખુબ સરસ.

 2. સુંદર વાર્તા….

 3. jigisha says:

  nice uncle i am sureshjani daughter(Bahadarpur)you are written so fine this artical.I like most.

  From Jigisha Jani

 4. jayshree says:

  હાશ !!!

 5. ilaben says:

  બહુ સરસ

 6. Vaishali Maheshwari says:

  Very light and inspiring story.

  Many times in life we do not face the real issue, but negativity and thinking about the problem/disease makes us tensed about the future.

  Just as in this story Desai Saheb started to shatter on knowing that he could not drive the bicycle, but later when he knew the reason why he could not ride, he became completely alright. It is our mind that makes us start thinking in some direction and then we get relief on knowing that our thoughts were not right…

  Enjoyed reading it. Thank you Shri Vrajeshji Vanand.

 7. Mukundrai Virparia says:

  Really TANMUKTI

 8. Manish says:

  मन एव मनुष्यानाम् कारण बन्ध मोक्षयो

 9. Yatindra Bhatt says:

  Khub saras.Title appropriate apuchhe.

 10. Disha says:

  Mara papa yaad avi gaya..avo j tararat avi j sfurti..chhata ek raate achanak heart attek..ne hmesha mate e tarvarat ame khoi didho..

 11. Dharmesh Gandhi says:

  Sir story vachine mane Mara standard 8 thi 10 na class na divaso yad aavi gaya

 12. Arvind Patel says:

  ભય અને કાલ્પનિક ભય. કાલ્પનિક ભય કરતાં પણ વધુ ખરાબ હોય છે. સાપ અને દોરડા જેવી વાત છે. અંધારા માં દોરડું પડ્યું હોય અને આપણે તેને સાપ સમજી લઈએ તેવી વાત છે, તેને કહેવાય કાલ્પનિક ભય. આપના દૈનિક જીવન ના ૯૯ % ભય કાલ્પનિક જ હોય છે, જો આપણે તેનું ઝીણવટ પૂર્વક તેનું પૃથક કારણ કરીએ તો. આમ થશે તો સારું નહિ થાય અને કોઈ આમ કહેશે તો શું થશે !! વગેરે વગેરે. આપણે જો વાસ્તવિકતા અને વર્તમાન માં જીવીએ તો કાલ્પનિક ભય ની કોઈ જ અસર નહિ થાય.

  • Kalidas V,Patel {Vagosana} says:

   અરવિંદભાઈ,
   આપની સાથે સહમત છું.
   ભય કરતાં કાલ્પનિક ભય ખૂબ જ વિકરાળ અને ભ્રમિત કરી દે તેવો હોય છે.
   વાર્તામાં વ્રજેશભાઈએ સુંદર રીતે સમજાવી દીધું.
   કાલિદાસ વ.પટેલ {વાગોસણા}

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.