સામાજિક નિસ્બત અને લોકપ્રિય સાહિત્ય (અસ્મિતાપર્વ : 15) – ડૉ. શરદ ઠાકર

[ ‘અસ્મિતાપર્વ : 15’ અંતર્ગત વધુ એક વક્તવ્ય આજે અહીં પ્રકાશિત કરવામાં આવ્યું છે. આપ ડૉ. શરદભાઈનો આ સરનામે drsharadthaker@yahoo.com સંપર્ક કરી શકો છો.]

[dc]પૂ[/dc]જ્ય મોરારિબાપુ, શબ્દના શાસકો અને શબ્દના આશકો,

દર બુધવારે અને રવિવારે 19 વર્ષથી અખબારની પૂર્તિમાં લપેટાઈને હું તમારા ઘરમાં ફેંકાતો રહ્યો છું. આજે પહેલીવાર ફેંકાયો નથી પરંતુ ખેંચાયો છું. હનુમાનદાદાનો હુકમ થયો અને હું હાજર થયો. આજે હું અહીં ઊભો છું એનું કારણ છાપાની પૂર્તિ નથી, બાપાની મૂર્તિ છે. મારો આજનો વિષય છે : ‘લોકપ્રિય સાહિત્ય અને સામાજિક નિસ્બત’. થોડી વાત ‘સાહિત્ય’ વિશે કરીશ, એનાથી પણ ઓછી વાત ‘લોકપ્રિયતા’ વિશે કરીશ અને બાકીની વાત ‘સામાજિક નિસ્બત’ વિશે કરીશ.

પ્રાયમરી સ્કૂલના શિક્ષકના ઘરે જન્મ લેવો, ડૉકટર બનવું અને લેખક બનવું એ બહુ મોટા સદભાગ્યની વાત છે. હું દ્રઢપણે માનું છું કે સાત પેઢીનું પુણ્ય જમા થાય ત્યારે પરિવારમાં એક સંતાન લેખક બને છે. લોકપ્રિય લેખક હોવું એ એનાથીયે મોટા સદભાગ્યની વાત છે. એના માટે ઈકોતેર પેઢીનું પુણ્ય જોઈએ. હું જાણું છું કે હું લેખક છું, સાત પેઢીનો સંચય કરીને આવ્યો છું અને હું લોકપ્રિય છું એ પણ હું જાણું છું. મારી પાછળ મારી 71 પેઢીનું પુણ્ય બોલે છે, બાકી હું કંઈ જ નથી…. કંઈ જ નથી. સાથે સાથે હું એ પણ જાણું છું કે લોકપ્રિયતા બહુ નાશવંત ચીજ છે. લટકણી, બટકણી અને ભટકણી ચીજ છે. એ લાલચનું ગાજર આપીને આપણને લટકાવે છે. પછી આપણી પાસે આવે છે અને ક્યારે બટકી જાય છે એ ખબર નથી પડતી. આપણી આંખો ખૂલે ત્યારે એ બીજા પાસે ભટકીને ચાલી ગઈ હોય છે. આજે શરદ ઠાકર વંચાય છે…, કાલે શરદમાંથી હું રદ થઈ જઈશ. જય ને બદલે કોઈ વિજય હશે, કાજલ ઓઝાને બદલે કોઈ રાજલ હશે… પણ લોકપ્રિય સાહિત્ય હશે. એ ચોક્કસ હશે. અમારી પહેલા પણ એ સાહિત્ય હતું, અમારી પછી પણ હશે.

મિત્રો, લોકપ્રિયતાની વ્યાખ્યા કઈ ? વિશ્વમાં છ અબજ કરતાં વધારે લોકોની વસ્તી છે અને હું માનું છું કે લોકપ્રિયતાની વ્યાખ્યા પણ છ અબજ કરતાં વધારે છે. જેટલી વસ્તી એટલી વ્યાખ્યા. પરંતુ શ્રેષ્ઠ વ્યાખ્યા ભારતના સુપરસ્ટાર, બોલીવુડના બાદશાહ, બીગ બી અમિતાભ બચ્ચને વર્ષો પહેલાં આપી છે. એમના એક ટીવી ઈન્ટરવ્યૂમાં પત્રકારે એમને પૂછ્યું કે ‘તમને પહેલીવાર ક્યારે ખબર પડી કે તમે આટલા બધા લોકપ્રિય છો ?’ અમિતાભે બહુ માર્મિક જવાબ આપેલો કે ‘જ્યારે ટિકિટબારી પર મારી ફિલ્મો ટંકશાળ સાબિત થઈ હતી ત્યારે નહીં, પરંતુ મને પહેલીવાર એ વાતની ત્યારે ખબર પડી કે જ્યારે એક રિક્ષાવાળાની રિક્ષા પાછળ મારો ફોટો ચીપકાવેલો હતો.’ આ જનસામાન્ય સુધી પહોંચવાની વાત છે. ગાંધીજી પણ પહોંચ્યા હતા. અમે શબ્દથી થોડેઘણે અંશે પહોંચી શક્યા છીએ. મને પણ હું લોકપ્રિય ક્યારે થયો એ ‘સાહિત્ય પરિષદ’નું ઈનામ મળ્યું ત્યારે ખબર નથી પડી પરંતુ મને પહેલીવાર એ વાતની જાણ ત્યારે થઈ હતી જ્યારે ગોધરાનો એક રિક્ષાવાળો અને એ પછી હમણાં ગયા વર્ષે રાજકોટનો એક રિક્ષાવાળો…. એક ગરીબ શ્રમજીવી માણસ, ત્રણ-ચાર કલાકની એની રોજી પડતી મૂકીને પેઈન્ટરની પાસે જાય અને પોતાના ગાંઠના પૈસા ખર્ચીને પેઈન્ટરને કહે કે મને મારી રિક્ષા પાછળ ચીતરી આપો : ‘રણમાં ખીલ્યું ગુલાબ.’ ત્યારે મને ખબર પડી કે હું લોકપ્રિય હોઉં તો કદાચ હોઉં પણ ખરો કારણ કે આ રિક્ષાવાળો મને ચાહે છે. મને ખબર છે કે અમિતાભ બચ્ચન સાથે મારી તુલના શક્ય નથી. પરંતુ મને એ પણ ખબર છે કે એનો રિક્ષાવાળો અને મારો રિક્ષાવાળો બંને સરખાં છે. ચાહકોનું સ્તર એક છે, સર્જકોના સ્તર અલગ હોઈ શકે છે.

મિત્રો હું તો સમૃદ્ધ પણ નાની ભાષાનો એક પામર લેખક છું. જગતમાં કેટલીય મહાન ભાષાઓ છે, મહાન લેખકો છે અને તેઓ કેટલી બધી લોકપ્રિયતા પ્રાપ્ત કરી ગયા છે. ઓ-હેનરી, મુન્શી પ્રેમચંદ, મન્ટો, ચેખોવ, મેઘાણી, પન્નાલાલ પટેલ, ર.વ. દેસાઈ જેવા કેટકેટલા લેખકો. એ બધા અમાપ લોકપ્રિયતા ધરાવી ગયા. કેવી રીતે લોકપ્રિયતા તેઓએ સાચવી હશે ? જો તમે સમતા ન રાખો તો આ લોકપ્રિયતા માથું ફાડી નાખે. એ પ્રશંસાને અંદર ઘૂસવા ન દેવાય. આ કોશિશમાં જ અત્યારે તો જિંદગી વીતી રહી છે. આ બધા જ લેખકો જેઓ આટલી લોકપ્રિયતા પ્રાપ્ત કરી ચૂક્યા છે એમનો સમાજ સાથે કંઈક ને કંઈક નાતો જરૂર રહ્યો હશે. બાકી એમ નેમ લોકપ્રિયતા ન મળે. ગુજરાતી સાહિત્યમાં સામાજિક નિસ્બત સૌથી વધારે જો કોઈએ ધરાવી હોય તો એ મેઘાણીભાઈએ.

પ્રશ્ન એ છે કે કોઈ પણ લેખક લોકપ્રિય થઈ શકે છે પરંતુ પછી શું કર્યું ? મેં સમાજ માટે શું કર્યું ? મારો સીધો ઈશારો સામાજિક નિસ્બત સાથે છે. કોઈ સર્જક પોતાના એકદાંડિયા મહેલમાં એક હજાર સૂરજનું અજવાળું સમેટીને આખી જિંદગી બેસી રહે એનાથી સમાજને શો ફરક પડે છે ? આ દલિત, પીડિત અને વંચિત સમાજને મેં જોયો છે. દિવસ-રાત જોઉં છું. મેં એવા ઘરોમાં ભોજન લીધું છે જ્યાં ચમચીથી માંડીને ખીચડી-દાળ-ભાત શાકના તપેલાઓ પણ ચાંદીના હોય અને મેં એવા દર્દીઓ પણ જોયા છે જેમની પાસે દવા ખરીદવાના પૈસા નથી. કન્સલટિંગના પૈસા નથી. હું ફી માફ કરું છું, દવાનું સેમ્પલ આપું છું પછી પણ આંખમાં આંસુ સાથે ઊભા રહે છે. હું પૂછું છું કે હવે શા માટે ઊભા છો ? તેઓ રડી પડે છે અને કહે છે કે ‘સાહેબ તમે કહ્યું કે એક ચમચી સવારે પીવાની અને એક ચમચી સાંજે પીવાની પરંતુ અમારા ઘરમાં ચમચી નથી.’ આ સાંભળીને હું રડી પડું છું. સવાલ એ છે કે ઘરમાં રોશની એકઠી કરી લીધી, પણ આ લોકો માટે મેં શું કર્યું ?

બહુ લાંબી વાત નથી કરવી. એક ચિંતકે બહુ સરસ વાત કહી છે કે ‘જો તમને ખબર હોય કે આ જગતના મૌનમાં તમે કશું ઉમેરી શકો તેમ છો તો જ વાત કરજો.’ અહીંના સુંદર પવિત્ર મૌનમાં મને એમ લાગશે કે મારે જે ઉમેરવું હતું એ ઉમેરી દીધું છે ત્યારે હું બેસી જઈશ. મારી હવે પછીની વાતમાં ક્યાંક આત્મકથન આવશે પણ આત્મરતિ નહીં આવે. તમને આત્મશ્લાઘા દેખાય તો સમજી લેજો કે મારી વાણી એ પવિત્ર વાણી નથી પરંતુ ગટરનું પાણી છે. મારી વાતમાં ક્યાંક તમને ‘હું’ ડોકાતો લાગે તો એ ‘હું’ મારો નથી, એ તમારો છે… દરેક સર્જકનો છે…દરેક શબ્દનો છે. હું અહીં પહેલો પુરુષ એકવચન થઈને નથી આવ્યો, હું અહીં બીજો પુરુષ બહુવચન થઈને આવ્યો છું. આ ‘હું’ નથી ‘તમે’ છો. હું આજે જે કંઈ સમાજ પાસેથી કમાઈને લાવ્યો છું એ આપણી સહિયારી મૂડી છે. તમારી બધાની મૂડી છે. મિત્રો, વિશ્વ સાહિત્યમાં કળાના ત્રણ ઉદ્દેશો માન્ય થયા છે : કળા ખાતર કળા, આનંદ ખાતર કળા અને જીવન ખાતર કળા. મિત્રો, પહેલી બે કળાનો હું આદર કરું છું પરંતુ આ જે ત્રીજો ઉદ્દેશ છે એને બે હાથે નમસ્કાર કરું છું. મારે તો એની સાથે જ નિસ્બત છે. જીવનખાતર કળા એ મારું જીવનકાર્ય છે. પહેલા બે ઉદ્દેશોની મને બહુ પરવા પણ નથી અને મને બહુ ફાવટ પણ નથી. સાહિત્ય અને લોકપ્રિયતાના બે મુદ્દા પુરા થયા. હવે સામાજિક નિસ્બત પર આવું.

મારા લેખનકાર્યની શરૂઆતના પાયામાં જ એક સામાજિક ઘટના રહેલી છે. બહુ આઘાતજનક ઘટના છે. 1979ની સાલ. મારી ઉંમર માત્ર 24 વર્ષની. તાજો એમ.બી.બી.એસ થયેલો, ઈન્ટરશીપ હાલમાં જ પૂરી થયેલી. પોસ્ટગ્રેજ્યુએશન કરવા હેતુથી બસ પકડવા માટે જૂનાગઢના એસ.ટી સ્ટેન્ડે ઊભો હતો. રાતનો 9 વાગ્યાનો સમય. બસ મુકાઈ અને ધક્કામુક્કી થતી ભીડમાં હું પણ જોતરાઈ ગયો. એમાં અચાનક મને ખ્યાલ આવ્યો કે મારું ખિસ્સું હળવું થયું છે. ઝડપથી મારો હાથ ખિસ્સા પર ગયો, પરંતુ મારું પાકીટ ગાયબ હતું. કોઈ મોરલો કળા કરી ગયો હતો. બસના પ્રવાસીઓમાં અરેરાટી ફેલાઈ ગઈ. લોકો અંદરોઅંદર વાતો કરવા લાગ્યા કે સરકાર કશું કરતી નથી, જનતા લૂંટાય છે…. ચોર પકડાતા નથી…. વગેરે વગેરે. એક પેસેન્જર મને ઓળખી ગયો, ‘અરે ડૉક્ટર સાહેબ, તમારું ખિસ્સું કપાયું ?’ સાથેનો આખો માહોલ પલટાઈ ગયો ! એક જૂનાગઢી માણસ તો બોલ્યો કે ‘જે થયું તે સારું થયું, આ ડૉકટરો જનતાના ખિસ્સા કાપે છે, આજે એક ચોર આ ડૉક્ટરનું ખિસ્સું કાપી ગયો !’

એ આખી રાત હું ઊંઘી ન શક્યો. મને એમ થયું કે કેવા કેવા સપનાં અને અરમાનો લઈને હું તબીબી લાઈનમાં પ્રવેશ્યો હતો. મને તો એમ હતું કે આ ઈશ્વરનું ધામ છે, સેવાનું કામ છે ને દેવદૂતનું નામ છે. એને બદલે આ સમાજ મને ખિસ્સાકાતરું સમજે છે ? તે જ ક્ષણે મેં સંપર્ક કર્યો કે ભવિષ્યમાં જો મને તક મળશે તો સારા ડૉક્ટરો વિશે લખીશ. સમાજને બતાવીશ કે આપણા સમાજમાં સારા ડૉક્ટરો પણ છે. માત્ર કાચના ટૂકડાઓ નથી, કોહિનુર હીરાઓ પણ છે. ‘ડૉક્ટરની ડાયરી’નું ગર્ભાધાન થવાની એ ખિસ્સું કપાવાની ક્ષણ હતી. ત્યાર પછી કૉલમ તો મને વર્ષો પછી મળી. મારે તો એવા ડૉક્ટરો વિશે લખવું હતું જેમની ક્લિનિકની દીવાલો પર અદશ્ય અક્ષરોમાં એમ લખેલું હોય કે “અહીં સારવાર બાદ ફી આપવાનું ફરજિયાત નથી.” મેં એવા હીરાઓ વિશે લખ્યું છે. આ સમાજની કરુણાજનક સ્થિતિ એ છે કે કોહિનુર હીરાને પણ શૉ-કેસમાં મૂકીને ઉપર રોશની ફેંકવી પડે છે, નહીંતર લોકો જોતા નથી ! એ કામ 20 વર્ષથી હું કરતો આવ્યો છું. કિડની ઈન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ત્રિવેદી સાહેબ, ડૉ. અશોક મહેતા, ડૉ. નારકરણી, ડૉ. કિરિટ આચાર્ય, મહુવાના ડૉ. કનુભાઈ કળસરિયા વગેરે અનેક વિશે લખ્યું. રઘુવીરભાઈ ચૌધરીના એક ભાષણમાં અનાયાસ મને એક વાક્ય જડી ગયું હતું કે ‘અઘરું લખવું બહુ સહેલું છે પરંતુ સહેલું લખવું બહુ અઘરું છે.’ તે દિવસથી મેં આ જ કોશિશ કરી છે. સહેલું લખવાનું અઘરું કામ કરતો આવ્યો છું. સહેલું લખ્યું છે માટે લોકોને સમજાયું છે, લોકોને સમજાયું છે માટે લોકોએ ઝીલ્યું છે. મારી લોકપ્રિયતા તો લોકોએ વાંચ્યું છે માટે લોકપ્રિયતા છે, બાકી મારી કોઈ ઔકાત નથી.

ડૉક્ટરો વિશે લખાઈ ગયા પછી બીજી સંવેદનાત્મક અનેક ઘટનાઓ લખાતી ગઈ. પણ એ સાથે મેં શબ્દના પ્રયોગો શરૂ કર્યા. ગાંધીજીએ ‘સત્યના પ્રયોગો’ કર્યા હતા, મેં ‘શબ્દના પ્રયોગો’ કર્યા. મેં સેવાભાવી સંસ્થાઓ વિશે લખવાનું શરૂ કર્યું. મને અનુભવસિદ્ધ શ્રદ્ધા છે કે સમાજને માટે જ્યારે તમે તમારી કલમ ઉપાડો છો ત્યારે શબ્દ શક્તિ બની જાય છે અને તમારી કલમ એ ભક્તિ બની જાય છે. કોઈ દિવ્ય તાકાત આવીને તમારી કલમમાં શાહી પૂરે છે. બાકી ઘણી વખત લખ્યા પછી વાંચતી વખતે મને એમ થાય છે કે આ મેં જ લખ્યું છે ? હું તો આવું ન લખી શકું ! કોઈ આપણી પાસે લખાવી જાય છે. સૌથી પહેલા મેં મંથન સંસ્થા વિશે લખ્યું. અમદાવાદથી 20 કિલોમિટર દૂર આવેલી સંસ્થા. નિરુબેન ત્યાં 62 દીકરીઓને સંભાળીને બેઠેલા. આજે ત્યાં 450 દીકરીઓ છે. ત્રણ કાચા ઓરડા, વરસાદમાં ટપકતાં નળિયા, આખીરાત પાણી ટપક્યા કરે અને દીકરીઓ પથારી બદલ્યા કરે. બટાયેલું અનાજ, ફાટેલા કપડાં અને કણસતી જિંદગી. પાંખ વિનાની પારેવડીઓ. નિરુબેને કહ્યું કે ‘શરદભાઈ, તમે કંઈ લખશો અમારી સંસ્થા વિશે ?’ મેં કહ્યું લખીશ તો ખરો પણ આ સમાજ કેવો પ્રતિસાદ આપશે એવી ખબર નથી. બે પ્રકારના સમાજ હોઈ શકે. એક તો સપાટ મેદાન જેવા. તમે સાદ પાડો ને તમારો અવાજ દૂર દૂર ફેલાઈ જાય અને વિલીન થઈ જાય. બીજી પ્રજા છે પહાડ જેવી, જ્યાં તમે સાદ પાડો અને એ પ્રતિસાદ પાડે. મને એ ખબર નહોતી કે સંવેદનાસભર લખ્યા પછી આ પ્રજા શું કરશે ? આ શબ્દનો પ્રયોગ હતો. ખતરાજનક અખતરો હતો. જે દિવસે એ લેખમાળા પ્રગટ થઈ એનો પ્રતિસાદ એવો મળ્યો કે આજે ત્યાં વગડાની જગ્યાએ વૃંદાવન ઊભું છે. આ પ્રજા પહાડ સાબિત થઈ છે. અમદાવાદના શ્રેષ્ઠ આર્કિટેકે ત્યાં જઈને પોતાના ખર્ચે નકશાઓ બનાવી આપ્યા. દરેક દીકરીને રહેવા માટે અલાયદો ખંડ, કોઠારરૂમ, ભોજનશાળા, પ્રાર્થનારૂમ, સ્કૂલ, હાઈસ્કૂલ, હોસ્પિટલ બધું જ બનાવી આપ્યું. અમદાવાદના શ્રેષ્ઠ બિલ્ડરો ત્યાં જઈને મકાન ચણી આવ્યા. દુકાનવાળાઓ મફત રેતી, કપચી, સિમેન્ટના ગાડાઓ ઠાલવી આવ્યાં. આ શબ્દની સામાજીક નિસ્બત છે. આમાં શરદ ઠાકરની કોઈ વડાઈ નથી. મેં તો લખ્યું અને છૂટી ગયો. પ્રજા આ બધી વાતો ઝીલી લે છે. પ્રજાને ‘મુન્ની બદનામ હુઈ’માં રસ નથી. પ્રજાને આમાં રસ છે. અમદાવાદનો મોંઘામાં મોંઘો દરજી કે જેની પાસે હું સીવડાવવા ગયો હતો અને મને સિલાઈ ન પરવડતાં હું પાછો આવ્યો હતો, એ દરજી જાડું કાપડ લઈને બે-બે જોડી કપડાં આ 62 દીકરીઓને આપી આવ્યો.

મારે હૃદય હલબલાવી નાખે એવી એક ઘટનાની વાત કરવી છે. જ્યારે જ્યારે હું યાદ કરું છું ત્યારે મારી આંખો આંસુથી છલકાઈ ઊઠે છે. ભૂજથી બે વાચકો આવ્યા. મને કહે અમે ચાલતા આવ્યા છીએ આ સંસ્થા જોવા માટે. મેં એમને કીધું કે પદયાત્રામાં તો ડાકોર કે અંબાજી ન જવાય ? તેઓ કહે કે ત્યાં તો એક એક મૂર્તિ છે અહીં તો 62 મૂર્તિઓ છે. મેં કહ્યું કેટલા હજાર આપવા આવ્યા છો ? તો કહે : ‘સાહેબ, અમે એક હજાર રૂપિયાની નોટ આખી જિંદગીમાં જોઈ નથી. એક સામટા એકલા પૈસા કદી જોયા નથી.’ મારા ગળે ડૂમો ભરાઈ ગયો. મેં કહ્યું કે શું આપશો તમે ? તો કહે, ‘અમે બંને જણ ચાલતા આવ્યા છીએ. ચાલતા જઈશું. અને આવવા-જવાનું બે સમયનું એસ.ટી.નું ભાડું જે બચે એટલી રકમ આપીને જઈશું.’ આ ભારતની તાકાત છે. આ સંસ્કૃતિ જીવે છે તો આ લોકોને લીધે જીવે છે.

એ રીતે ડૉ. ત્રિવેદી સાહેબ વિશે ત્રીસ લેખો લખ્યા છે. એમાં છેલ્લે રડી પડ્યો છું, છેલ્લી લીટીઓ મારા આંસુથી ખરડાઈ છે. એમના પ્રથમ ત્રણ લેખ પછી છ મહિના બાદ ડૉ. ત્રિવેદી સાહેબે મને કહ્યું કે ‘તારા ત્રણ લેખ પછી મને 56 લાખ રૂપિયા મળ્યા.’ મેં એમને હસતાં હસતાં કહ્યું કે ‘તમે અત્યાર સુધી મને કેમ ના કહ્યું.’ એમણે કહ્યું કે ‘તારામાં અભિમાન પ્રવેશી ન જાય ને એટલા માટે.’ આ બધા વડીલો અને મહાનુભાવો છે જે આપણું માથું ઠેકાણે રાખે છે. એક બાવીસ વર્ષની દીકરી 2200 રૂપિયાનો પહેલો પગાર લઈને આવી. મેં પૂછ્યું બેટા શું કરે છે ? કહે કે નોકરી કરું છું. આ પહેલો પગાર છે અને આ કિડની સંસ્થા માટે દાનમાં આપવા આવી છું. મેં એને પૂછ્યું કે તારા પરિવાર વિશે કંઈક કહે. તે દીકરી બોલી, ‘મા બિમાર છે, પિતાજી પેન્શન પર ઉતરી ગયા છે કારણ કે લકવો થયો છે અને પથારીવશ છે. મારે સાત બહેનો છે અને સૌથી નાનો ભાઈ છે. કમાનાર વ્યક્તિ હું એક જ.’ દશ જણાનો આ પરિવાર તપ કરીને રાહ જોઈને બેઠો છે કે દીકરી ક્યારે પહેલો પગાર લાવે. એ પહેલો પગાર આ કિડની સંસ્થામાં દાનમાં આપવા માટે આવી છે. મેં કહ્યું કે ‘બેટા ન લેવાય. આની પર કાં તો ઈશ્વરનો હક છે કાં તો તારા માતાપિતાનો અધિકાર છે.’ એ રડી પડી. એ કહે કે ‘સર, તમને આ રકમ નાની લાગે છે ને ? તમને તો લાખો રૂપિયાવાળા ડોનર આવતા હશે.’ હું એને શું સમજાવું કે આ રકમ મને બહુ મોટી લાગે છે. ન લેવાય એટલી મોટી લાગે છે. મેં ન લીધા. એને પાછી મોકલી.

એક અદિતિ નામની દીકરી એ મારી દુઃખતી નસ છે. અત્યારે બારમા ધોરણની પરીક્ષા આપી રહી છે. થેલેસેમિયા મેજર. બાર સાડાબાર લાખ રૂપિયાનો ખર્ચ. અખબારી કૉલમમાં તો વ્યક્તિગત સહાય માટે કાયદેસર લખવાની મનાઈ હોય છે. જો એમ કરવામાં આવે તો કૉલમ બંધ થાય. એ આખી રાત આત્મમંથનમાં પસાર કરી કે શું કરું ? મારે મારી કૉલમ જાળવી રાખવી કે મારો ધર્મ નિભાવવો ? મારા વડીલમિત્ર શ્રી પ્રિયકાન્ત પરીખની સલાહ લીધી કે શું કરું ? મને કહે લખો, પડશે એવું દેવાશે. મેં એ છોકરી વિશે લખ્યું. લાગણીના શેરબજારમાં એનો પબ્લિક ઈસ્યૂ તરતો મૂક્યો હતો. સાત દિવસમાં ભરણું છલકાઈ ગયું. પૈસા કેટલા મળ્યા એ મહત્વનું નથી, ક્યાંથી મળ્યા એ મહત્વનું છે. કેવા કેવા લોકો આપી ગયા છે ! એના પણ બે દાખલા છે જે મને રડાવી ગયા છે. રાતે આઠ વાગ્યે એક પાંત્રીસેક વર્ષનો પિતા આવ્યો. હાથરૂમાલની ચાર ગાંઠો બાંધેલી. અંદર ખખડતું પરચુરણ. મારી પાસે આવીને મને કહે કે ગણી લો. મેં કહ્યું કે આટલી મહેનત ના કરાવ ને ભાઈ ! પણ મને કહે કે ના એ તો ગણવા પડશે. મેં ગણ્યા તો દોઢસો રૂપિયા થયા. હું જરા અકળાયો કે પચાસની ત્રણ નોટ લઈ આવ્યો હોત તો ! તારો ને મારો સમય બગાડ્યો…. મને એ ભાઈ કહે કે આ જે સ્વરૂપે આવ્યા છે એ જ સ્વરૂપે મારે તમને આપવા પડે. એ મારી દીકરીએ નાની બચતનો ગલ્લો તોડીને આપ્યા છે.

એ જ દિવસોમાં મને એક પત્ર આવ્યો. મને છોકરાનું નામ બરાબર યાદ છે… વિકી. એ હિંદીભાષી હતો. એના પિતાએ કદાચ એને લેખ વાંચી સંભળાવ્યો હશે. બહુ નાનો બાળક હશે. પત્રમાં ખાલી બે જ વસ્તુ લખેલી કે ‘પ્રિય બહેના અદિતિ’… પછી આખો પત્ર કોરો અને નીચે લખેલું ‘તેરા ભૈયા વિકી.’ સાથે ફક્ત 20 રૂપિયાની નોટ. તે સાથે એના પપ્પાનો પત્ર હતો કે મારો દીકરો બહુ નાનો છે એને વધારે લખતાં નથી આવડતું એટલે બે જ વસ્તુ લખી છે. વચ્ચેની જે કોરી જગ્યા છે એમાંથી તમારે જે વાંચવું હોય એ વાંચી લેજો. ફરી એક વખત હું રડી પડ્યો. કૉલેજની દીકરીઓ આ લેખની ઝેરોક્ષ કરાવીને કૉલેજના દરવાજે ઊભી રહી છે અને ફંડ ઊઘરાવીને આપી ગઈ છે. હાઈસ્કૂલમાં ભણતા છોકરાઓ એમના સ્કૂટીના પેટ્રોલના પૈસા બચાવીને આપી ગયા છે. એક સરળ સાધુ દસ હજાર રૂપિયા મૂકી ગયા કે આ દીકરીને બચાવવા માટે આપું છું. એમની એ જિંદગીભરની બચત હતી. મેં કહ્યું નામ લખાવો તો કહે કે ‘બમ બમ ભોલે’ લખો. મેં કહ્યું કે સરનામું ? તો કહે ‘સબ ભૂમિ ગોપાલ કી’. આપણા દેશમાં બે-અઢી કરોડ સાધુઓ છે, એ જો બેઠાં થઈ જાય તો આખો દેશ ઊંચકાઈ જાય. એ તાકાત આપણા સમાજમાં છે.

વધારે વાત નથી કરવી. ‘પોલિયો ફાઉન્ડેશન’ વિશે પણ સરસ કામ થયું છે, રક્તપિતની સંસ્થાઓ માટે પણ કામ થયું છે. આજકાલ રાજપીપળાના જંગલમાં વાલ્મિકી આશ્રમ છે એના અઢીસો આદિવાસી છોકરાઓ માટે કામ કરી રહ્યો છું. એક જ રૂમમાં અઢીસો છોકરાઓ સૂએ છે. ઓઢવાની શેતરંજી નથી, પાથરવાની ચાદર નથી. ચાર ટુવાલથી શરીર લૂછે છે, ચામડીના રોગોથી પીડાય છે અને પોષણ પણ નથી. મિત્રો, વધારે વાત નથી કરવી…. આ હું છું, આ સાહિત્ય છે, આ સમાજ છે અને આ મારી સમાજ સાથેની નિસ્બત છે. મેં પૈસાનો અભાવ પણ જોયો છે અને પૈસાનો પ્રભાવ પણ જોયો છે. મેં માનવીનો સમાજ પણ જોયો છે અને માનવીની સમજ પણ જોઈ છે. ક્યારેક ક્યારેક વર્ષમાં એક-બે વાર આવું લખાઈ જાય છે એને જ હું શબ્દ સાથેની સોબત ગણું છું. બાકી તો બધું મડદા સાથેની મહોબ્બત છે. હું કોઈ પણ સમારંભમાં જઉં છું ત્યારે મારા વાચકો મને પૂછે છે કે તમે લખો છો શા માટે ?….. હું એમને શું કહું ? આ બધી વાત ક્યાં માંડું કે હું આના માટે લખું છું… મને હિતેન આનંદપરાનો એક શેર યાદ આવે છે જેમાં મારા વાચકોના પ્રશ્નોનો જવાબ આવી જાય છે :

ક્યાંક ખૂટે, ક્યાંક તૂટે, તે છતાં લખતા રહો…
શક્ય છે આ માર્ગ પર, આગળ જતા ઈશ્વર મળે.

મિત્રો, મળે કે ન મળે બીજાની ખબર નથી, મને ઈશ્વર મળી ગયા છે. આભાર.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

45 thoughts on “સામાજિક નિસ્બત અને લોકપ્રિય સાહિત્ય (અસ્મિતાપર્વ : 15) – ડૉ. શરદ ઠાકર”

Copy Protected by Chetan's WP-Copyprotect.