એક અનોખો અનુભવ – મૃગેશ શાહ

[dc]શ[/dc]હેરના મુખ્ય માર્ગથી દૂર કાચા રસ્તે આગળ વધતાં શરૂ થતી નાની શેરી. એ શેરીની અંદર તરફ વળતાં સાંકડો રસ્તો અને એ રસ્તાને છેડે નાની-મોટી ત્રણ-ચાર ગલીઓ. એ દરેક ગલીની અંદર એનાથીયે સાંકડી બીજી કેટલીય ગલીઓ…. આવું કોઈક દ્રશ્ય તમારી આંખો સમક્ષ ખડું થાય ત્યારે તમને તાજેતરનું ‘કહાની’ મુવી યાદ આવ્યા વગર ન રહે. ફિલ્મ આખરે તો એક ફિલ્મ છે પરંતુ તે છતાં તેમાં વાસ્તવિકતાનું પ્રતિબિંબ હોય છે. આવી સાંકડી ગલીઓમાંથી હમણાં એકવાર પસાર થવાનું બન્યું ત્યારે પહેલી વખત એવો અહેસાસ થયો કે જેવું ફિલ્મોમાં દેખાય છે એવું આપણી આસપાસ પણ ક્યાંક હોય છે. સવાલ ત્યાં સુધી પહોંચવાનો છે.

વાત જાણે એમ બની કે અહીં ‘વિચારબિંદુ’ પુસ્તિકા વિશે લખ્યા બાદ જેઓ વડોદરાની આસપાસ રહેતા હતા તેઓ રૂબરૂ આ પુસ્તિકા મેળવવા માટે મારે ત્યાં આવતા. પરંતુ મોટી કંપનીઓના માલિકો રૂબરૂ આવવાનું ટાળીને પોતાના પટાવાળાને મોકલી આપતા. એવી જ એક સવારે મને એક ભાઈનો ફોન આવ્યો. આપણે તેમને હરીશભાઈના કાલ્પનિક નામથી ઓળખીશું. એમણે મને ફોન પર વાત કરી કે આ પુસ્તકની નકલ મેળવવી છે તો બપોરે આવી શકાય ? પ્રત્યુત્તરમાં મેં હા પાડી એટલે તેમણે સરનામું નોંધીને બપોરે ત્રણ વાગ્યે આવવાનું મને જણાવ્યું.
એક તો ઉનાળાની આ બપોર…
અને એમાંય વડોદરાનો ઉનાળો !
હરીશભાઈ લગભગ પાંચ-સાત કિલોમીટર સાઈકલ ખેંચીને ભરબપોરે મારે ત્યાં આવી પહોંચ્યા. સાદો પહેરવેશ હતો. મોં પર થાક વર્તાતો હતો. પહેલાં તો મને ગરીબ નોકરિયાત વર્ગનું આ રીતે શોષણ કરતા માલિકો પર ઘૃણા ઉપજી પરંતુ સાચી હકીકત તો કંઈ જુદી જ નીકળી !

પંખાની સ્પીડ વધારી, ઠંડુ પાણી આપીને મેં એમની સાથે વાત શરૂ કરી. વાત વાતમાં મને ખબર પડી કે આ પુસ્તિકા મેળવવા માટે એમને કોઈ બૉસે નથી મોકલ્યા, આ તો એમના પોતાના વ્યક્તિગત શોખને કારણે તેઓ આવ્યા છે. ખરેખર, સ્તબ્ધ થઈ જવાય એવી આ ઘટના હતી ! એક સામાન્ય માણસ ખરા બપોરે આટલે દૂરથી સાઈકલ ખેંચીને કોઈક સારું પુસ્તક મેળવવા માટે હોંશભેર આવી પહોંચે એ કંઈ જેવી તેવી વાત થોડી છે ? ગુજરાતી ભાષા પાસે કેવા કેવા વાચકો છે એનું આ જીવંત પ્રમાણ છે.
‘ઑફિસમાં જ્યારે સમય મળે ત્યારે તમારી સાઈટ વાંચી લઉં છું. એમાંથી જે લેખ ઉપયોગી લાગે એ પુસ્તકોના નામ નોંધી લઉં છું. આર્થિક પરિસ્થિતિને કારણે બધા પુસ્તક તો ખરીદી શકતો નથી પરંતુ મહિને એકાદ પુસ્તક ખરીદવાની કોશિશ કરું છું….’ એમ કહીને ખિસ્સામાં સાચવી રાખેલી દશ રૂપિયાની ગડી વાળેલી બે નોટો તેમણે કાઢી અને પાંચના સિક્કાસહિત મારા હાથમાં મૂકી.
મેં એમને એ રકમ પરત આપતાં કહ્યું :
‘મારે આ રકમ નથી જોઈતી. તમે સાચવી રાખો અને તેનો અન્ય પુસ્તક ખરીદવામાં ઉપયોગ કરજો… ’

બપોરનો સમય હતો અને થોડી નવરાશ પણ હતી. મને એમના વિશે થોડું જાણવાનું કૂતુહલ થયું. એવી તે કઈ ઘટના એમના જીવનમાં બની કે જે એમને વાંચન તરફ દોરી ગઈ ? આ બધું જાણવા માટે મારે એમના પરિવાર વિશે અને તેમના જીવન વિશે જાણવું જરૂરી હતું. ‘આપ ક્યાં રહો છો ?’ એવો પ્રશ્ન પૂછતાં મને જે ઉત્તર મળ્યો તેના પરથી હું સમજી ગયો એ ઝૂંપડપટ્ટીનો વિસ્તાર છે. મારી જિજ્ઞાસાવૃત્તિ વધી રહી હતી. છેક આ પરિસ્થિતિમાં રહીને પણ તેમણે કઈ રીતે વાંચન ટકાવી રાખ્યું હશે ?

‘ત્રણેક વર્ષ પહેલાં પિતાજીનું નિધન થયું…’ એમણે પોતાની જીવનકથાના પાનાં ખોલ્યાં, ‘પૈસાના અભાવે બારમા ધોરણ પછી કંઈ ભણાયું નહીં. પિતાજી ચોકીદાર હતા. એમનું આરોગ્ય કથળતું ગયું અને છેક અંત સુધી અમે અદ્ધર જીવે રહ્યાં. બીજી બાજુ, મારાં લગ્ન થયાં. જ્ઞાતીના રિવાજોને કારણે આ પ્રસંગોમાં ધાર્યા કરતાં વધારે દેવું થઈ ગયું. હવે દેવું ઉતારવું શી રીતે ? ભારે મુશ્કેલીના દિવસો આવ્યા. થોડો સમય મુંબઈ જઈને નોકરી કરી પરંતુ અહીં ઘરના સભ્યોને એકલા છોડીને રહેવાનું ફાવ્યું નહીં. અહીં કોઈ જગ્યાએ નોકરી મળતી નહોતી. ઘણા મહિનાઓ તો જાણે ડિપ્રેશનમાં જ પસાર થઈ ગયા. શું કરવું કંઈ જ સમજાતું નહોતું. એવામાં વળી પ્રથમ સંતાનનું મૃત્યુ થયું અને મારા પર તો જાણે આભ જ તૂટી પડ્યું. પિતાજીના નિધન બાદ લગ્નનો ખર્ચ અને એ પછી આ પ્રથમ સંતાનનું મૃત્યુ…. દિવસે દિવસે હું માનસિક રીતે ખલાસ થતો જતો હતો. કુદરત એક પર એક કારમા ઘા મારી રહી હતી…..’ હરીશભાઈ થોડું થોભી ગયા. હું તેમની ભરાયેલી આંખો જોઈ રહ્યો હતો.
એમણે પોતાની વાત આગળ ચલાવી : ‘બસ… એ દિવસોમાં કંઈ ખાસ કામ હતું નહીં. અખબાર-પૂર્તિઓ વાંચતો. જે લેખ સારા લાગે એ લેખકના નામ યાદ રાખતો. બજારમાં જઉં ત્યારે સસ્તાં એવાં એકાદ-બે પુસ્તક ખરીદતો અને છૂટક કામ કે નોકરી બાદનો સમય વાંચનમાં પસાર કરતો. મને એ દિવસોમાં વાંચનથી અપાર શાતા વળી. થોડી હૂંફ મળી. કેટલાક મહાનુભાવોના જીવનપ્રસંગો વાંચીને થોડો સધિયારો મળ્યો. ધીમે ધીમે હું આઘાતમાંથી બહાર આવ્યો. છેવટે એ દિવસો પણ પસાર થઈ ગયા અને મને આ સારી નોકરીની તક મળી. પગાર સારો અને કામ અનુકૂળ હતું. દિવસો-મહિનાઓ વીત્યા અને ધીમે ધીમે બધું દેવું ચૂકતે થઈ ગયું. આ નોકરીમાંના સહકર્મચારીઓએ મને કોમ્પ્યુટર વાપરતાં અને ઈન્ટરનેટ ખોલતાં શીખવ્યું. એક ભાઈએ મને કહ્યું કે તમે બધા પુસ્તકો ખરીદી ન શકો તો કોઈ વાંધો નહીં પરંતુ આ સાઈટ વાંચજો, તમને તમારો ખોરાક મળી રહેશે !…. અને બસ, એ રીતે હું અહીં તમારા સુધી પહોંચી ગયો….. હવે તો ઈશ્વરની કૃપાથી અમારે ત્યાં બીજું તંદુરસ્ત સંતાન છે, સરકારે અમને આ રહેઠાણને બદલે પાકું મકાન પણ આપવાની ઑફર આપી છે. બધું ઠીક ઠીક ચાલે છે….’

‘હરીશભાઈ, તમે જે વિસ્તારમાં રહો છો ત્યાં આસપાસ શાળામાં અભ્યાસ કરતાં બાળકો ખરાં ?’
‘હાસ્તો. ઘણાં બધાં.’
‘એ શું ગુજરાતી બરાબર વાંચી શકે ખરાં ?’ મેં પૂછ્યું.
‘હા…હા.. કેમ નહિ ? બધા ગુજરાતી શાળામાં જ ભણે છે… પાસે જ મ્યુનિસિપાલિટીની સ્કૂલ છે.’
‘અચ્છા. અત્યારે બાળકોને વેકેશન છે તો આપણે એમને બાળવાર્તાઓના પુસ્તકો આપીએ તો કેવું ? આપ એમાં મને મદદ કરશો ?’ મારા મનમાં વિચાર સ્ફૂર્યો. એક સાચો વાચક જ બીજા વાચકોને તૈયાર કરી શકે. જેણે પોતાના જીવનમાં વાંચનની અગત્યતા અનુભવી હોય તે આ વાત અન્યને સરળતાથી સમજાવી શકે. રીડગુજરાતીના પરદેશમાં રહેતા એક વાચકે મને આશરે 4000 રૂ. જેટલી રકમ આપીને કહ્યું હતું કે આને યોગ્ય જગ્યાએ વાપરજો. હરીશભાઈ સાથેની વાતચીત પરથી મને થયું કે આ યોગ્ય જગ્યા છે અને તેઓ આ કામ માટે ઉત્તમ માધ્યમ બની શકે તેમ છે. મોટેભાગે સ્લમ વિસ્તારમાં જઈને એકદમ કામ કરવું કઠિન હોય છે પરંતુ વચ્ચે જો કોઈ મધ્યસ્થી મળી જાય તો આપણે આપણો હેતુ સ્પષ્ટતાપૂર્વક રજુ કરી શકીએ. વળી, મને આ રીતનો કોઈ અનુભવ નહોતો તેથી હરીશભાઈની મદદ મળી શકે તો જ આ શક્ય બને તેમ હતું. એમણે આ કામ માટે ઉત્સાહભેર તૈયારી બતાવી. માત્ર એટલું જ નહિ, કુલ કેટલા બાળકો છે એ ગણીને તમામ વિગતો તૈયાર કરીને બીજા દિવસે મને મળવાનું કહ્યું.

જુદી જુદી વયજૂથનાં કુલ મળીને આશરે 60 જેટલાં બાળકો થયાં. હરીશભાઈ સાથે મળીને અમે જુદા જુદા પુસ્તકોના સેટ ખરીદ્યા. ખાસ કરીને નાની વયના બાળકો માટે રંગીન ચિત્રકથાઓ લીધી. કિશોરો માટે વિક્રમ-વેતાળની વાર્તાઓ, હિતોપદેશની કથાઓ, અકબર-બીરબલની વાતો, મિયાંફુસકી વગેરે પુસ્તકો લીધાં. સ્વામી વિવેકાનંદના જીવનપ્રસંગો, અબ્દુલ કલામની પ્રેરક વાતોના કેટલાંક પુસ્તકો પણ લીધાં. થોડાંક પુસ્તકો મેં હરીશભાઈ માટે પણ ખરીદ્યા. એમ કરીને મોટું પાર્સલ તૈયાર થયું. એમણે બધા જ બાળકોને એક જગ્યાએ ઝાડ નીચે ઓટલા પર ભેગા કરવાનું નક્કી કર્યું અને મને રાત્રીનો સમય આપ્યો.

મારા માટે આ વિસ્તારમાં જઈને કામ કરવાનો પહેલો અનુભવ હતો.
રાત્રે જમી પરવારીને હું નીકળ્યો.
મુખ્ય રસ્તાને પસાર કરીને સાંકડી શેરીઓમાંથી તો ગાડી પસાર થઈ ગઈ પરંતુ હવે આગળ જવાનું શક્ય નહોતું. ગાડી ત્યાં જ પાર્ક કરીને થોડું ચાલીને હું એ ચોગાન પાસે જઈ પહોંચ્યો. મોટા ઓટલા પર બે-ત્રણ બાંકડા હતા. એકાદ મ્યુનિસિપાલિટીની લાઈટ ઝબકતી હતી. ત્યાં ઝાડ નીચે બાળકોનું મોટું ટોળું બેઠું હતું. દૂર સુધી બુમાબૂમ અને ચીસાચીસ સંભળાતા હતા. સૌ વેકેશનનો આનંદ માણતાં હતાં. થોડા મોટાં બાળકો બાંકડા પર બેઠા હતાં. આસપાસથી પસાર થતાં લોકો અને એમના માતાપિતાઓ પણ ત્યાં આવી ગયા હતા – એ જાણવા માટે કે આજે અહીં શેનો કાર્યક્રમ છે ? હરીશભાઈ બધા બાળકોને શાંત રાખવાનો પ્રયત્ન કરીને બેસવા માટે ક્યાંકથી ખુરશી લઈ આવ્યા. બાળકો શાંત થતાં નહોતાં. મોટા ભાગના બાળકોના પગમાં સ્લીપર-ચંપલ નહોતાં. કેટલાંક સ્વચ્છ તો કેટલાંક લઘરવઘર હતાં. હું તેમના હાવભાવને નીરખી રહ્યો હતો. એમને કશુંક નવું મળવાનું હતું એનો ઉત્સાહ હતો. એ ઉત્સાહ એટલો બધો હતો કે જે કદાચ નવી કાર લેનારના મોં પર પણ તે ક્યારેય જોવા નથી મળતો.

માંડ માંડ બાળકો શાંત થયા એટલે મેં એમની સાથે થોડી વાતચીત કરી. તેમનું નામ, તેઓ કઈ શાળામાં ભણે છે, ક્યા ધોરણમાં ભણે છે અને શું વાંચે છે એવા કેટલાક પ્રશ્નો પૂછ્યાં. મોટાભાગના બાળકોને કાગડા-શિયાળની અને સસલા-કાચબાની વાર્તા ખબર હતી. પુસ્તકોમાં એમણે ફક્ત વિક્રમ-વેતાળની વાર્તાનું જ એકાદ પુસ્તક જોયું હતું, અને એ પણ શાળાના પુસ્તકાલયમાં. હજુ સુધી એમનું પોતાનું કોઈ રંગબેરંગી પુસ્તક હોય એવી ઘટના એમના જીવનમાં બની નહોતી ! હવે સવાલ આ બધા બાળકોને વ્યવસ્થિત ગોઠવવાનો હતો. હરીશભાઈ સાથે મળીને અમે 2-3-4 ધોરણ, 5-6-7 ધોરણ તથા 8-9 ધોરણ એમ ત્રણ લાઈન બનાવી જેથી દરેકને એની ઉંમર પ્રમાણે યોગ્ય પુસ્તક આપી શકાય. અંતે વિતરણ શરૂ થયું. જેમ જેમ બાળકોને પુસ્તક મળવા લાગ્યાં તેમ તેમ તેઓ કુતુહલતાથી જોવા લાગ્યા. રંગબેરંગી ચિત્રો જોતાની સાથે જાણે તેઓ પરીલોકમાં પહોંચી ગયા ! અમે દરેક પુસ્તકો જુદા રાખ્યાં હતાં જેથી તેઓ આપ-લે કરીને અંદરોઅંદર વહેંચી શકે. બધા એકબીજાને પોતાનું પુસ્તક બતાવી રહ્યા હતાં. પુસ્તકોની વહેંચણી પૂરી થઈ એટલે ફરીથી કોલાહલ શરૂ થઈ ગયો. જેમના સંતાનો વેકેશનમાં મામાને ઘેર ગયા હતા એમના માતાપિતાઓ આવીને પુસ્તક માંગવા લાગ્યા. ‘આપણે રહી તો નહીં જઈએ ને ?’ એમ ધારીને બધા જ ઓટલા પર ચઢી આવ્યા. કોઈક ભાઈ એક નાના બાળકને દોરીને લઈ આવ્યા, ‘સાહેબ, આને જરા એક પુસ્તક આલજો….. એને મા-બાપ નથી….. એકલો છે….’ કોઈક વળી એમ પૂછવા લાગ્યા કે, ‘અમારો નાનિયો દહમામાં સે, એની હારુ તમારી પાસે કસું સે ?’ થોડા ભણેલા અને નોકરી કરતા યુવાનો એમ પણ પૂછતા હતાં કે ‘આ તમે કઈ સંસ્થા તરફથી આવ્યા છો ?’ બધા પોતાના બાળકોને વધારે પુસ્તક મળે એ માટે પ્રયત્ન કરતા હતા અને અમારે એ સૌને શાંત રાખવાના હતા. આખો માહોલ રોમાંચક હતો પરંતુ સાથે સાથે આપણા જ શહેરમાં, આપણી આસપાસ રહેતા આવા લોકોને જોઈને દુઃખ પણ થતું હતું.

વહેંચણી પૂરી થઈ એટલે ધીમે ધીમે બાળકો પુસ્તકો જોતાં જોતાં વીખેરાવા માંડ્યાં.
‘સાહેબ, જરા બે મિનિટ મારી ઘેર પધારશો ? અહીં પાછળ જ છે…’ હરીશભાઈના સ્વરમાં આજીજી હતી.
‘અરે, કેમ નહીં ? ચાલો, હમણાં જ જઈએ….’ મેં કહ્યું અને ‘કહાની’ ફિલ્મની યાદ અપાવે એવી ગલીઓમાં અમે ચાલવા માંડ્યાં. એક પછી એક સાંકડી ગલીઓ વટાવતા હું આસપાસના દ્રશ્યો જોઈ રહ્યો હતો. મોટેભાગે એ કામવાળી બહેનો, શાકભાજી-ફ્રુટ્સની લારીઓ કે રિક્ષા ચલાવનારા લોકોના ઘર હતા. માત્ર સાઈકલ જઈ શકે એવી સાંકડી ગલીઓમાં ક્યાંક ખૂણા પર શાકભાજીની ખાલી લારીઓ પડી હતી, જેની પર બેસીને બાળકો રમતો રમી રહ્યાં હતાં. રસ્તા વચ્ચેથી પાણીની નીક વહેતી હતી. મોટા ઘરોનાં કામ કરતી કેટલીક કામવાળી બહેનોને પોતાનાં ઘરના વાસણો તો રાત્રે જ ધોઈ લેવા પડે ને ? તેઓ વાળું પતાવીને બહાર વાસણ માંજી રહી હતી. કેટલાક તો વળી દારૂ પીને બહાર ખાટલામાં પડ્યા હતાં. કાચા-પાકાં મકાનો ઘણાં નીચાં હતાં. બધા જ મકાનો પર પતરાં હતાં. લગભગ દરેકના ઘરે સામાન્ય પ્રકારનું સાદુ ટીવી હતું. ક્યાંક રેડિયો વાગતો હતો તો ક્યાંક મોટેથી બોલાચાલી થતી હોય એવા અવાજ સંભળાતા હતાં. આ બધા જ દશ્યો ફિલ્મોમાં આપણે જોતાં હોઈએ છીએ પરંતુ જ્યારે આંખ સામે આવીને તે ઊભા રહે છે ત્યારે એની અનુભૂતિ સાવ જુદી હોય છે.

બે-ત્રણ ગલીઓ વટાવીને હરીશભાઈના ઘરે પહોંચ્યા.
એમના મોં પર કંઈક સંકોચ વર્તાઈ રહ્યો હતો.
નીચા બારણાવાળા એમના ઘરમાં પ્રવેશતાં મેં જોયું કે તે એક માત્ર રૂમ હતો. ઘરમાં કશું જ નહોતું. જમીન પર ટાઈલ્સ નહોતી, પ્લાસ્ટર હતું. એક નાની તીજોરી, લોખંડનો પલંગ અને અનાજના પીપડા પર જૂનું ટીવી ગોઠવેલું હતું. એમનાં પત્ની બાળકને પલંગમાં સુવડાવી રહ્યા હતાં. આખો દિવસ પતરાંની ગરમીથી તપેલા ઘરમાં બાળક આકળવિકળ થતું હતું. એમના વિધવા માતા ભોંય પર બેઠાં હતાં. હવે હું સમજી ગયો કે શા માટે હરીશભાઈ સંકોચ અનુભવી રહ્યાં હતાં. એમના સંકોચનું મુખ્ય કારણ એ હતું કે ઘરમાં કશું બેસવાનું સાધન નહોતું. મેં કહ્યું કે, કશો વાંધો નથી, આપણે અહીં નીચે બેસીશું. પરંતુ તેમણે ક્યાંકથી ટેલિફોનના કેબલ વીંટવાની પૂંઠાની મોટી ગરગડી કાઢી અને મને કહ્યું : ‘અરે, આની પર બેસો સાહેબ….’ આ ક્ષણ આંખમાં આંસુ લાવી દે તેવી હતી. કેટલું અભાવગ્રસ્ત જીવન હોય છે એનું આ વરવું દ્રશ્ય હતું. આપણે તો વધારે ને વધારે આરામદાયક કાર લેતા હોઈએ છીએ, જ્યારે અહીં તો ઘરમાં જ બેસવાનાં કોઈ સાધનો નહોતાં.

ખેર, એ પછી તો થોડીક ક્ષણો ત્યાં વીતાવીને મેં હરીશભાઈની વિદાય લીધી, પરંતુ આ બધા દશ્યો હંમેશને માટે જાણે મનમાં જડાઈ ગયા. જેઓ સામાજિક ક્ષેત્રમાં આવા વિસ્તારોમાં જઈને કામ કરે છે એ લોકોએ શું-શું અનુભવ્યું હશે એ પણ સમજાઈ ગયું. એ સંવેદના અને પીડા જેણે નજરે જોયું હોય તે જ અનુભવી શકે. મને ખરેખર એ વાતનો ગર્વ છે કે રીડગુજરાતી પાસે આવા વાચકો પણ છે જે આ પરિસ્થિતિમાં પણ વાંચન છોડતાં નથી. આપણી ગુજરાતી ભાષા આવા વાચકોને લીધે મહાન છે. એમની માટે આપણે જેટલું કરી શકીએ તેટલું ઓછું છે.

મિત્રો, આ ઘટનાને એક અનુભવરૂપે આપની સાથે વહેંચવાની ઈચ્છા હતી જેથી આ લેખરૂપે આપની સમક્ષ મૂકી છે. આમાં કોઈ વ્યક્તિ વિશેષની કે રીડગુજરાતીની મહત્તાની વાત નથી. આ તો આપણા સૌનું સહિયારું કર્તવ્ય છે. શુભકાર્યો સમાજમાં થતાં જ રહે છે, આપણે તેમાં જેટલો સમય નિમિત્ત બની શકીએ એટલું આપણું સદભાગ્ય છે. રીડગુજરાતીના વાચકોએ આવા શુભ કાર્યમાં નિમિત્ત બનવાનો મને જે લાભ આપ્યો છે એ માટે હું એમનો ઋણી છું. આભાર.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

41 thoughts on “એક અનોખો અનુભવ – મૃગેશ શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.