કેટલીક બાળવાર્તાઓ – સંકલિત

[ ‘ગૂર્જર બાળવાર્તાવૈભવ શ્રેણી’ના કુલ 20 પુસ્તકોમાંથી અહીં ચૂંટેલા ત્રણ પુસ્તકમાંથી એક-એક વાર્તાઓ આપવામાં આવી છે. આ પુસ્તકોના નામ અનુક્રમે છે : ‘હુંદરાજ બલવાણીની શ્રેષ્ઠ બાળવાર્તાઓ’, ‘રમણલાલ ના. શાહની શ્રેષ્ઠ બાલવાર્તાઓ’, ‘નવનીત સેવકની શ્રેષ્ઠ બાલવાર્તાઓ’. રીડગુજરાતીને આ પુસ્તકોનો સેટ ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] સોનાની માટી – હુંદરાજ બલવાણી

[dc]દૂ[/dc]ર દેશમાં એક બાદશાહ હતો.
સિંહાસન પર બેસતાં જ તેને પોતાનો ખજાનો વધુ સમૃદ્ધ બનાવવાનો વિચાર આવ્યા કરતો. આથી જ્યારે એને ખબર પડતી કે કોઈ દેશ સમૃદ્ધ છે, પૈસેટકે સુખી છે, તો તેના ઉપર ચડાઈ કરી, એ દેશને લૂંટી લેવા એ તત્પર રહેતો અને ત્યાંથી મેળવેલી અઢળક દોલત પોતાના ખજાનામાં ઉમેરતો. બાદશાહે એવા જાસૂસો પણ રાખ્યા હતા કે જેઓ વિવિધ દેશોની સમૃદ્ધિ અને ખજાનાઓની માહિતી લઈ આવતા. બાદશાહ અવારનવાર જાસૂસોના સહકારથી શાહુકાર દેશો પર ચડાઈ કરતો અને એ દેશનું ધન લૂંટી લાવીને પોતાના ખજાનાને વધુ સમૃદ્ધ બનાવતો.

એક વાર એક જાસૂસે આવીને બાદશાહને કહ્યું કે : ‘દક્ષિણ તરફ એક એવો દેશ છે, જ્યાંના રહેવાસીઓ સૌથી વધુ સુખી અને સમૃદ્ધ છે. એ દેશની માટીય સોનાની છે !’
‘સોનાની માટી !’ બાદશાહની આંખો પહોળી થઈ ગઈ.
એણે અત્યાર સુધીમાં કેટલાયે દેશો જોયા હતા, લૂંટ્યા હતા પણ કોઈ દેશની માટી સોનાની હોય એવું સાંભળ્યું નહોતું. બાદશાહે તુરત જ લશ્કર મોકલીને એ દેશને લૂંટવાની યોજના બનાવી. પણ એક મુશ્કેલી હતી. એ દેશ કઈ બાજુ છે, એ દેશનું નામ શું છે, એની તો રાજાને ખબર જ ન હતી.
જાસૂસે કહ્યું : ‘જહાંપનાહ, મને મળેલી માહિતી તદ્દન સાચી છે. પણ એ દેશનું નામ હું જાણતો નથી. અલબત્ત, એ દેશ દક્ષિણ દિશાએ આવેલો છે. એ દેશના લોકો બહાદુર છે. એ દેશમાં પ્રવેશતાં પહેલાં કેટલાંયે પહાડો અને નદીઓ ઓળંગવાં પડે છે.’
બાદશાહે કહ્યું : ‘વાંધો નહિ. ગમે તેટલી તકલીફ પડે તોપણ મારે એ સોનાની માટીવાળા દેશને જીતવો જ છે.’

સોનાની માટીવાળો દેશ જીતવાની તાલાવેલીમાં બાદશાહે ઉતાવળ કરી અને દક્ષિણ તરફ કૂચ કરવાનો હુકમ આપ્યો. બાદશાહના હુકમ મુજબ લશ્કર તૈયાર થઈ ગયું. વજીરોએ અને અન્ય અમલદારોએ સલાહ આપી, ‘સોનાની માટીવાળા દેશની પૂરી માહિતી મેળવીને પછી હુમલો કરીએ તો સારું.’ બાદશાહે કહ્યું : ‘નહિ, હું ધીરજ રાખી શકું તેમ નથી. મારે સોનાની માટીવાળો દેશ બને એટલો જલદી જીતવો છે.’

બીજે દિવસે બાદશાહ લાવલશ્કર સાથે આગળ વધ્યો. ઘણા દિવસો વીતી ગયા પણ બાદશાહને એ દેશનો પત્તો ન લાગ્યો. ઊંચા ઊંચા પહાડો પાર કરવાનું બાદશાહને મુશ્કેલ લાગ્યું. પણ સોનાની માટીનો લોભ છેવટે બાદશાહને ત્યાં સુધી ખેંચી ગયો. ખૂબ જ યાતનાઓ વેઠીને લશ્કર તથા રાજા એ સુંદર દેશમાં આવી પહોંચ્યા. બાદશાહને લાગ્યું કે આ જ સોનાની માટીવાળો દેશ હોવો જોઈએ. બાદશાહે લશ્કરને સાવધાન કર્યું અને સોનાની માટીવાળા દેશ પર હુમલો કરવા કહ્યું. લશ્કર પૂરા જોશથી એ દેશ જીતી લેવા આગળ વધ્યું. એ દિવસોમાં એ દેશ નાનાંનાનાં રાજ્યોમાં વહેંચાયેલો હતો. એક જ મોટા દેશનાં અલગ-અલગ રાજ્યો પર અલગ-અલગ રાજાઓનું રાજ્ય હતું. લશ્કરે આ નાનાં નાનાં રાજ્યો જીતી લીધાં. એ રાજ્યોના રાજાઓને કેદ પકડીને બાદશાહ સમક્ષ રજૂ કરવામાં આવ્યા.
બાદશાહે તેમને પૂછ્યું : ‘ક્યાં છે સોનાની માટી ?’
‘સોનાની માટી !’ બધા એકબીજાનાં મોઢાં જોવા લાગ્યાં. એક રાજાએ હિમ્મત કરીને કહ્યું : ‘અહીં તો આવી કોઈ માટી નથી.’
‘તમે લોકો જૂઠું બોલો છો.’ બાદશાહે કહ્યું, ‘અમે સાંભળ્યું છે કે આ દેશ સોનાની માટીવાળો છે. અમે તમને છોડી મૂકવા તૈયાર છીએ. પણ તમે અમને સોનાની માટી બતાવો એ શરતે.’ કેદ થયેલા રાજાઓએ ફરી વાર એકબીજા સામે જોયું. આટલાં વર્ષોથી રાજ્ય કરવા છતાં એમણે ક્યારેય સોનાની માટીનાં દર્શન કર્યાં ન હતાં. સોનાની માટી અહીં છે એવું વળી બાદશાહને કોણે કહ્યું હશે ? સૌ વિચારમાં પડ્યા.

રાજાઓએ કહ્યું : ‘હજૂર, આપને કોઈએ ખોટી માહિતી આપી છે, અહીં એવું કાંઈ જ નથી.’
બાદશાહે કહ્યું : ‘મારા જાસૂસો કદી ખોટા હોય નહિ. તમારે સોનાની માટી બતાવવી જ પડશે.’ રાજાઓએ ફરી ધીરજથી વિચાર કર્યો. આખરે એક રાજાએ ધીમેથી કહ્યું : ‘મને એ સોનાની માટીની ખબર છે. ચાલો, હું તમને સોનાની માટી બતાવું.’ સોનાની માટી ખરેખર છે જ એવું સાંભળીને બાદશાહ રાજી થયો. તેણે એ રાજાને છોડી મૂકવાનો હુકમ કર્યો. રાજાએ બાદશાહને પોતાની સાથે આવવા કહ્યું. બંને એક લીલીછમ વાડીમાં પહોંચ્યા. રાજાએ ખેતરની જમીન તરફ આંગળી ચીંધીને કહ્યું : ‘આ રહી સોનાની માટી.’

બાદશાહે આંખો ફાડીને ધૂળનાં ઢેફાં જોયાં અને ગુસ્સે થઈને કહ્યું :
‘આ સોનાની માટી છે ? આ ?’
‘જી હજૂર, આ જ સોનાની માટી છે, આ માટીમાં જ અનાજ થાય છે, જેની કિંમત સોનાથી પણ વધુ ગણાય. જે ખાઈને આ દેશના લોકો પેટ ભરે છે તથા વધારાનું અનાજ જરૂરિયાતવાળા દેશોને મોકલે છે. ભૂખ્યાની ભૂખ સંતોષે એ માટી સોનાની ન કહેવાય ? અહીંના ખેડૂતો લગનથી માટીમાં પોતાનો પરસેવો ભેળવીને માટીને સોનાની બનાવે છે. તમે જે સોનાની માટીની તલાશમાં અહીં સુધી આવ્યા છો, તે આ જ છે.’
‘હેં !’ બાદશાહ વિચારમાં પડી ગયો. તેને હવે સમજાયું કે નાહક ઠેઠ દૂરથી આ માટીની તલાશમાં આવ્યો ! આવી માટી તો દરેક દેશમાં હોય છે. આ રીતે તો દરેક દેશની માટી સોનાની કહેવાય. ખેડૂત જો મહેનત કરે તો દરેક દેશની માટી પણ સોનું ઉગાડી શકે. તરત જ બાદશાહ પોતાના દેશ તરફ પાછા વળવાની તૈયારી કરવા લાગ્યો.
.

[2] ખોટી નકલ – રમણલાલ ના. શાહ

એક ફકીર એક વાર એક જંગલમાં થઈને પસાર થતો હતો. એણે જંગલમાં એક જગાએ એક શિયાળને સૂતેલું જોયું. શિયાળના આગળના બંને પગ અકસ્માતથી ભાગી ગયેલા હતા, અને એ ચાલી શકતું ન હતું. ફકીરને નવાઈ લાગી. ભરજંગલમાં, હાલવા-ચાલવાને અશક્ત એવા આ શિયાળને રોજ કોણ ખવડાવતું હશે ? એણે બની શકે તો આ બાબત પાકી તપાસ કરવા ઠરાવ કર્યો, અને નજીકના ઝાડ ઉપર આરામથી બેઠો.

કેટલોક વખત જવા બાદ એક સિંહ ત્યાં આવ્યો. ક્યાંકથી મારી આણેલું એક ઘેટું એના મોંમાં હતું. એણે એ ભક્ષને ખવાયો એટલો ખાધો. બાકીનો શિકાર એણે પેલા શિયાળ આગળ નાખ્યો, ને પોતાના રસ્તે ચાલતો થયો. શિયાળે આરામથી પોતાની ભૂખ મટે ત્યાં લગી પેલો શિકાર ખાધો. ફકીરે વિચાર કર્યો : ‘આજ તો આ રીતે સિંહના શિકારમાંથી શિયાળને હિસ્સો મળ્યો. આવતીકાલે શું બને છે, એ પણ હું જોઈશ.’ ફકીર બીજે દિવસે એ જગાએ આવ્યો.

આજે પણ સિંહ ક્યાંકથી શિકાર લઈ આવ્યો. ધરાઈને પોતે ખાધું. પછી બાકીના ભાગ શિયાળ પાસે ગઈ કાલની જેમ નાખી, એ ચાલતો થયો. આજે પણ શિયાળે પેટ ભરીને ભોજન કર્યું. દરવેશ બોલ્યો : ‘એમ વાત છે ! પ્રાણીઓ મહેનત કરે કે ન કરે, પણ પાક પરવરદિગાર સૌને માટે ભોજનની જોગવાઈ કરે જ છે. આવી બાબત છે, તો પછી મારે પણ શું કામ રોજની રોજ રોટી માટે આંટા-ફેરા કરી, ભીખ માગી, ટાંટિયા-તોડ કરવી ? હું પણ કોઈક જગાએ બેસી જઈશ. મને પણ સર્વ શક્તિમાન સરજનહાર ક્યાંકથી પેટપૂર ખોરાક માટે જરૂર જોગવાઈ કરશે. આવડો મોટો હાથી પોતાના ગુજરાન માટે ક્યાં કમાવા જાય છે ? એ પોતાનો ખોરાક મેળવવા પોતાના બળનો ઉપયોગ કરતો નથી. ખુદાએ એના માટે ઘાસ અને ઝાડનાં કૂણાં પાંદડાં તૈયાર જ રાખ્યાં છે.’ ફકીર તો આવો વિચાર કરી બીજે દહાડે નજીકના ગામ બહાર એક નિર્જન ગુફા હતી, તેમાં ગયો. કામળો પાથરી સૂઈ ગયો. ક્યાંકથી પણ ભોજનની જોગવાઈ થશે, એમ એને લાગ્યું.

સવારના બપોર થયા. નમતા પહોરની વેળા પણ વીતી ગઈ. સાંજ પડી. રાતનાં અંધારાં પણ ઊતર્યાં. ધીમેધીમે મધરાત વીતી ગઈ, અને બીજા દિવસની સવાર પણ પડી. પણ ફકીરની પાસે ક્યાંયથી એક દાણો અનાજ પણ આવ્યું નહિ. કોઈ દોસ્ત યા સખી દિલનો આદમી એને ગમે તે રીતે કટકો રોટી આપી જશે, એ ફકીરની ઈચ્છા જરા સરખી પણ ફળી નહિ. ભૂખના દુઃખથી એના પેટમાં ગડગડાટ થવા લાગ્યો. એની આંખે અંધારાં આવવા લાગ્યાં. એ કમતાકાત બની ગયો.

હવે મારું શું થશે, એની વિમાસણમાં ફકીર પડ્યો હતો, ત્યાં આકાશમાંથી એના કાને કોઈક ફિરસ્તાનો ગેબી અવાજ આવ્યો : ‘મૂર્ખ ફકીર ! તારી મૂર્ખતા ખંખેરી નાખ. મગજમાં ભરાયેલા ખોટા ખ્યાલ કાઢી નાખ. અપંગ શિયાળનો દાખલો લઈશ નહિ. શક્તિશાળી અને ઉદાર દિલના સિંહનો દાખલો લે. સિંહનું વધ્યુંસધ્યું ખાઈ પેટગુજારો કરતા શિયાળ મુજબ તું વર્તીશ નહિ. પોતાની તાકાતથી પોતાનો ભક્ષ પેદા કરી, ખાતાં વધે તે બીજાને આપી દેવાની જોગવાઈ કરનાર સિંહની માફક તું કામ કર. તું તારી રોટી તારાં કાંડાં-બાવડાંની તાકાતથી પેદા કર. તારા ખાતાં વધે, તેનું કોઈ લાચાર મોહતાજને દાન કરી, બીજી દુનિયાનું ભાથું બાંધતો જા. માંગણ મટી દાતા બનતાં શીખી જા. જેનામાં સિંહની જેમ રોટી રળવાની તાકાત છે, તે આવી રીતે હાથ-પગ જોડી બેસી રહે, તો તે નાચીજ કૂતરા કરતાં પણ કંગાલ છે.’

મહાકવિ શેખ સાદી કહે છે કે, તું જુવાન અને તાકાતવાળો હોય ત્યાં લગી અશક્ત અને અપંગની સહાયરૂપ બન. બીજાની ઉપર તારા ગુજરાનનો આધાર રાખીશ નહિ. જે પોતાનામાં તાકાત હોય ત્યાં લગી ખુદાનાં પેદા કરેલાં ઈન્સાનો સાથે ભલાઈનું કામ કરે છે, તે આ દુનિયા અને બીજી દુનિયા, બંનેમાં એનો બદલો મેળવે છે.
.

[3] એક તમાચો – નવનીત સેવક

એક મોટા ડૉક્ટર.
ડૉક્ટર ભારે ભલા. ગરીબ લોકો પર ઘણો પ્રેમ રાખે. ગમે તેવું કામ મૂકીને ય કોઈ ગરીબની સેવા કરવા દોડી જાય. પૈસાવાળા પાસે ઘણા પૈસા લે. પણ એ જ દવા જો ગરીબને આપવાની હોય તો મફતને ભાવે આપે. પૈસા વગરના બિચારા લોકો બીજું તો કશું આપી શકે નહીં. એટલે ડૉક્ટરને આશીર્વાદ આપે.

એક દિવસ કોઈએ ડૉક્ટરને પૂછ્યું : ‘ડૉક્ટર સાહેબ, તમે ગરીબોની દવા મફત કેમ કરો છો ? બીજા ડૉક્ટરો તો બરાબર કસીને ફી લે છે. ગરીબ કે પૈસાદાર કશું જોતા નથી. બે વરસમાં તો ઘણાય ઘરના બંગલા બંધાવીને બેઠા છે ને તમે દયાનું પૂછડું કેમ પકડીને બેઠા છો ?’
પેલા ભાઈની વાત સાંભળીને ડૉક્ટર હસ્યા. બે-ત્રણ માણસો ત્યાં બેઠા હતા. એમાંથી એક કહે : ‘કાં ડૉક્ટર, હસ્યા કેમ ?’
ડૉક્ટર કહે : ‘મને જૂની વાત યાદ આવી ગઈ એટલે હસવું આવી ગયું.’
બધા કહે : ‘એવું હોય તો અમને ય કહો, અમે પણ હસીશું.’
ડૉક્ટર કહે : ‘સાંભળો ત્યારે.’

ઘણાં વરસ પહેલાંની વાત છે.
હું તે વખતે તાજો-તાજો જ ડૉક્ટર થયેલો. મારા બાપુજીએ દેવું કરીને મને ભણાવ્યો હતો. મોટામાં મોટી ડિગ્રી મને મળે એટલા માટે પૈસા ખરચવામાં પાછું વાળીને જોયું નહોતું. મારે વધારે ભણવા માટે વિલાયત જવાનું હતું. તે વખતે બાપુજી પાસે પૈસા નહીં એટલે ઘર વેચીને એમણે મને વિલાયત મોકલેલો. હું વિલાયત ભણી આવ્યો. ઘણો મોટો ડૉક્ટર બનીને પાછો આવ્યો. દેશમાં આવીને દવાખાનું ખોલ્યું એટલે દર્દીઓની લાઈન લાગી. રૂપિયાની છોળો ઊડવા લાગી. મારું નામ ખૂબ જાણીતું બની ગયું.

એક વખત રાતના સમયે હું ઘરની બહાર વરંડામાં એક ખુરસી નાખીને બેઠો હતો. એવામાં જ એક ગામડિયો બંગલામાં ઘૂસી આવ્યો. આવ્યો એવો જ મારા પગમાં પડી ગયો. બે હાથ જોડીને કહે, ‘ડૉક્ટર સાહેબ, હમણાં ને હમણાં ચાલો મારી સાથે. મારી પત્ની બીમાર પડી ગઈ છે. તમારા વિના એને કોઈ બચાવી શકે એવું નથી.’ ગામડિયો ગંદો હતો. એણે મારા પગ પકડ્યા એથી મારું પાટલૂન મેલું થયું હતું. મેં પગ ખસેડી લઈને કહ્યું :
‘તને કંઈ વિવેકનું ભાન છે કે નહીં ?’
ગામડિયો બાઘા જેવો બનીને મારી સામે જોઈ રહ્યો હતો. મેં કહ્યું : ‘શું થયું છે તારી પત્નીને ?’
ગામડિયો કહે : ‘એ બેઠી હતી ત્યાંથી એકદમ ગબડી પડી છે. બોલાતું પણ નથી. આપ ઝટ મારી સાથે ચાલો, નહીં તો કોણ જાણે શુંયે થશે ?’
મેં કહ્યું : ‘તને ખબર છે કે ડૉક્ટરને ઘેર બોલાવવા હોય તો ગાડી લાવવી પડે !’
ગામડિયો કહે : ‘ગાડી તો હું હમણાં લઈ આવું છું, સાહેબ. આપ તૈયાર થઈ જાવ.’ એમ કહીને એ ઊભો થયો.
મેં કહ્યું : ‘મારી ફીનું શું છે ?’
ગામડિયાએ ફાળિયાને છેડે બાંધેલા પાંચ રૂપિયા કાઢીને મારા હાથમાં મૂક્યા. કહે : ‘મારી પાસે તો આટલા પૈસા છે સાહેબ. આપ બધા લઈ લો પણ મારી સાથે ચાલો.’

મને તે વખતે ખૂબ અભિમાન હતું. મેં પાંચની નોટ ફેંકી દીધી. કહ્યું :
‘તારા જેવા ભિખારીની દવા મારાથી નહીં થાય. હું તો એક વિઝિટના પચ્ચીસ રૂપિયા લઉં છું. એટલા પૈસા હોય તો કહે ને નહીં તો રસ્તો માપ.’
ગામડિયો કાલાવાલા કરવા લાગ્યો. મારા પગ પકડીને રડવા લાગ્યો. કહે : ‘વધારે પૈસા ક્યાંથી લાવું, સાહેબ ! અનાજ લાવવા આટલા રાખી મૂક્યા હતા તે આપું છું.’ ગામડિયે ઘણી વિનંતી કરી પણ મેં એની એકેય વાત ન સાંભળી તે ના જ સાંભળી.

આવું ચાલતું હતું એવામાં જ અંદરથી મારા બાપુજીએ મારા નામની બૂમ પાડી. હું અંદર ગયો. બાપુજીએ મને જોતાં જ પૂછ્યું : ‘બહાર કોણ રડે છે ?’
મેં કહ્યું : ‘એક ગામડિયો આવ્યો છે તે આ બધી ધમાલ કરે છે. જવાનું કહું છું પણ જતો નથી.’
બાપુજી કહે : ‘ગામડિયો શું કામ આવ્યો છે ?’
મેં કહ્યું : ‘એની પત્ની બીમાર છે એટલે મને તેડી જવા આવ્યો છે.’
બાપુજી કહે : ‘તો તું હજી અહીં કેમ ઊભો છે ? ગયો કેમ નથી ?’
મેં કહ્યું : ‘જાઉં કેવી રીતે ? દર્દીને જોવા જવાની મારી ફી પચ્ચીસ રૂપિયા છે અને એની પાસે તો પાંચ જ રૂપિયા છે. મેં એને કહી દીધું કે બીજા ડૉક્ટર પાસે જા. પણ માનતો નથી.’ હું આમ બોલતો હતો એવામાં જ બાપુજીનો હાથ ઊંચો થયો ને ફટાક કરતો એક તમાચો એમણે મારા ગાલ ઉપર ફટકારી દીધો. મારો ગાલ ચમચમી ઊઠ્યો. હું તો આભો બની ગાલ ઉપર હાથ મૂકીને બાપુજીની સામે ફાટી આંખે જોઈ રહ્યો.
બાપુજી લાલ-લાલ આંખો કરીને કહે : ‘નાલાયક પાજી ! આટલા માટે દુઃખ વેઠીને તને ભણાવ્યો હતો ? કોઈ બિચારાનો જીવ જતો હોય તે વખતે તું પૈસાનો લોભ છોડી શકતો નથી ? ડૉક્ટરનો ધંધો તો સેવાનો ધંધો છે. તું ભણીગણીને મોટો ડૉક્ટર થાય, ગરીબોની સેવા કરે એટલા માટે તો મેં ઘરબાર વેચીને તને ભણાવ્યો છે. આવા ગરીબોને તો તારે મફત દવા આપવી જોઈએ. ઉપરથી ફળફળાદિ લાવવાના પૈસા પણ આપવા જોઈએ, એને બદલે તું રાક્ષસ જેવો બની ગયો છે ?
મેં ડરતાં ડરતાં કહ્યું : ‘પણ બાપુજી…..’
બાપુજી કહે : ‘તારી એક વાત પણ મારે સાંભળવી નથી. મેં તને ભણાવવા માટે જેટલા પૈસા ખરચ્યા છે એ બધા મને આપી દે. હમણાં ને હમણાં મારા ઘરમાંથી નીકળી જા. નહીં તો બીજા ગાલ ઉપર બીજો તમાચો ફટકારી દઈશ !’
મેં કહ્યું : ‘બાપુજી, હું આ ગામડિયાની દવા કરવા જાઉં છું. ને હવે કોઈ ગરીબ પાસે પૈસા નહીં લઉં.’

બાપુજી રાજી થયા.
તે દિવસથી હું ગરીબોની સેવા કરતો રહું છું. કોઈ વાર મનમાં લોભ જાગે ત્યારે બાપુજીનો તમાચો યાદ આવી જાય છે. અને હાથ ગાલ તરફ વળે છે. બાપુજીના તમાચાએ મારી આંખો ખોલી નાખી છે. ડૉક્ટર સાહેબે વાત પૂરી કરી.

[ ‘ગૂર્જર બાળવાર્તાવૈભવ શ્રેણી’. પ્રત્યેક પુસ્તકના પાન : 152. કિંમત : 100 રૂ. (કુલ 20 પુસ્તકો.) પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

15 thoughts on “કેટલીક બાળવાર્તાઓ – સંકલિત”

Copy Protected by Chetan's WP-Copyprotect.