- ReadGujarati.com - http://www.readgujarati.com -

મુરબ્બી – જ્યોતિન્દ્ર દવે

[ ‘ગૂર્જર પ્રકાશન’ના ‘અમૃતપર્વ યોજના’ હેઠળ પ્રકાશિત થયેલ પુસ્તક ‘જ્યોતીન્દ્ર દવે હાસ્યવૈભવ’માંથી પ્રસ્તુત હાસ્યલેખ સાભાર લેવામાં આવ્યો છે. પુસ્તકનું સંપાદન શ્રી રતિલાલ બોરીસાગરે કર્યું છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[dc]મ[/dc]હાપુરુષો અને કવિઓની પેઠે મુરબ્બીઓ પણ જન્મે છે. અમુક વય આવ્યા પછી જ મુરબ્બીપણું આવે છે, એમ નથી; કેટલાક મનુષ્યો પૂર્વજન્મના સંસ્કારે જગતમાં પ્રવેશ કરતાંની સાથે જ મુરબ્બીપદ લેતા આવે છે. તેઓ રડે છે, હસે છે, રમે છે, તે પણ મુરબ્બીપણાના ભાવથી જ.

આવા પુરુષો આખા જગતના પિતૃપદે વિરાજે છે. તે તેમના પિતાના પુત્રો હોતા નથી, પત્નીના પતિ હોતા નથી, ભગિનીના બંધુ હોતા નથી; સુહૃદના મિત્રો હોતા નથી; પરંતુ પોતાના પિતાના, પત્નીના, ભગિનીના, સુહૃદના સર્વના શિખામણ આપનારા પિતા થાય છે ! તમે એમને ઓળખતા હો કે નહિ, મુરબ્બી તરીકે સ્વીકારતા હો કે નહિ, પરંતુ એ તો તમને દરેક કાર્યમાં સલાહ આપવાના જ. ‘હું ન હોઉં તો જગતનું શું થાય ?’ એવી ચિંતા અહોનિશ એમના મુખ પર, એમના વાર્તાલાપમાં, એમના એકેએક હાવભાવમાં સ્પષ્ટ રીતે જણાઈ આવે છે. બાળક જેવું બિચારું જગત ઠોકર ખાઈને પડી જાય છે, ત્યારે એનો હાથ ઝાલી ઊભું કરવા તથા તેને ચાલતાં શીખવવા તેમના જેવા મુરબ્બી ન હોય તો એ બાળજગત ચાલતાં શીખે પણ શી રીતે ? પહેલા પુરુષ સર્વનામનું બહુવચન (માનાર્થે) – અમે; ને બીજા પુરુષ સર્વનામનું એકવચન (તિરસ્કારાર્થે) – તું; એ બે એમના પાળેલા શબ્દો હોય છે અને તે બીજાના પાળેલા કૂતરાની પેઠે અન્યને ખીજવી પાલકને રીઝવે છે.

આ બે મુરબ્બીઓ સર્વ વિષયના જ્ઞાતા હોય છે. દાળમાં મીઠું વધારે પડે તો શું કરવું – દાળ ખાવી કે નહીં – એ વિષયથી માંડી ઈંગ્લૅન્ડના વડાપ્રધાનથી બીડી પિવાય કે નહીં, ત્યાં સુધીના સર્વ વિષયો પર એ ગંભીર વિવેચન કરી શકે છે; એટલું જ નહીં, પરંતુ મુરબ્બીની છટાથી, અનુભવીની જવાબદારીથી સલાહ પણ આપી શકે છે. ‘સહેજ મીઠું વધારે હોય તો ફિકર નહીં, દાળ ખાવી, એમાં નુકશાન નથી; પણ બહુ જ વધારે – ખવાય જ એમ ન હોય તો ન ખાવી. તબિયત બગડે,’ આવા પ્રકારની વાતો કરવાનો તેમનો સ્વભાવ જ પડી ગયો હોય છે.

સદભાગ્યે દરેકને એવો એકાદ મુરબ્બી તો મળી જ આવે છે. અમને અમારા ઘેલાકાકા મળ્યા હતા. જન્મ્યા ત્યારથી ઉપદેશ આપી પામર જીવોનું કલ્યાણ કરવા સિવાય એમણે બીજો ધંધો કર્યો ન હતો. ન કરે નારાયણ ને એ સ્વર્ગમાં જાય, તો ત્યાં પણ માણસનાં નાક કેવાં બનાવવાં એ વિષે ઈશ્વરને સલાહ આપ્યા વગર રહે નહિ. બધાંના પિતા થઈને મહાલતા ઈશ્વરને પણ વાત્સલ્ય ને પિતાના ઉપદેશનો લહાવો મળે. જગતમાં જેટલાં મનુષ્યો સુખી છે, તે એમની સલાહ માન્યાને લીધે જ, ને જેટલાં દુઃખી છે તે એમની અવગણનાને પ્રતાપે જ, એવો એમનો દઢ સિદ્ધાંત છે – જો કે અમે જરા જુદું માનીએ છીએ. એમની સલાહ પ્રમાણે ચાલવાથી અત્યારે એક પ્રતિષ્ઠિત પુરુષ જેલમાં સબડે છે, એક મોટો વેપારી ભીખ માગતો બની ગયો છે, ને એક કૂતરાનું બચ્ચું સ્વર્ગવાસી થઈ ગયું છે ! મુંબઈ જેવા શહેરમાં રહી આરોગ્ય શી રીતે જાળવવું, ઉજાગરો ન કરીને શરીર શી રીતે ન બગાડવું, એ વિશે પ્રવચન કરતાં રાતના 3-30 સુધી જગાડીને એમણે અમને બધાંને માંદાં પાડ્યાં હતાં. બીજી એક વખત રસ્તામાં મને ઊભો રાખીને જમણી બાજુએ ટ્રામ, ડાબી બાજુ પર મોટર, પાછળથી ગાડી અને સામેથી સાઈકલ આવે ત્યારે શું કરવું એ વિશે સલાહ આપતા હતા, ત્યારે સાત વખત મોટર હેઠળ આવી જતાં એ બચી ગયા હતા, ને ત્રણ વાર હું સાઈકલની અડફટમાં આવી ગયો હતો !

મારા શરીર વિશે બોલવાની એમને બહુ ફાવટ આવતી હોય એમ લાગે છે. ‘અમે તારી ઉંમરના હતા ત્યારે કસરત કરતા. આવા ‘માયકાંગલા’ નહોતા. મહેનત કરવાની ટેવ રાખ. મફતનું ખાધેલું પચે જ નહિ. હાડકાં આખાં હોય તો તબિયત એની મળે સારી રહે.’ એવાં એવાં વાક્યો મને જોતાં સ્વાભાવિક રીતે જ એમના મુખ બહાર નીકળી આવતાં.

દુર્ભાગ્યવશાત એક દિવસ એ મારે ત્યાં મહેમાન બનીને ઊતર્યા. ખાસ્સો એક મહિનો રહે એમ હતું. મેં મારો વીમો ઉતરાવીને ‘વિલ’ બનાવી મૂક્યું. એમણે તો આવ્યા તે દિવસથી જ મારી સંભાળ રાખવા માંડી. મારે કઈ કઈ બાબતમાં શું શું કરવું તે દર્શાવવા માંડ્યું : ‘જો દાતણ, આમ ન ઝાલીએ. કોગળા કરવા તે પાણી ઠેઠ ગળા સુધી લઈ જવું, દાળનો ફડકો ન મારીએ, અંતરાસ જાય ને ઉધરસ આવે. ટોપી જરા આમ નીચી પહેર. મોટા માણસ સાથે આમ બોલીએ ત્યારે લગાર વિનય રાખીએ. દીવો હોલવીએ ત્યારે ફૂંક ન મારીએ, ધુમાડો મોંમાં જાય, ઉધરસ આમ ન ખાવી, છાતીમાં દુખાવો થાય. છીંક આમ ખાવી કે બરાબર ખુલાસો થાય.’ પુષ્કળ ધામ પડતો હોય, હું મજૂરની પેઠે કામ કરતો હોઉં ને શરીરે પરસેવાના રેલા ચાલતા હોય તે વેળા આરામખુરશી પર પડ્યા પડ્યા મારા દરેક કામની ખોડ કાઢવામાં એમને બહુ આનંદ આવતો : ‘અરે ! એમ નહિ ! તું શીખવાનો ક્યારે ? ચાકરી કરે તો ભાખરી પામે. એવો તે કેટલો પરસેવો થઈ ગયો કે લૂછવા ઊભા રહેવું પડે છે ? તારાં હાડકાં જ આખાં છે ! અમે તારા જેવડા હતા ત્યારે આમ પડી રહેતા નહીં.’ કોઈક વખત અર્ધમીંચી આંખે ઊંઘના ઘેનમાં કહેતા : ‘પરિશ્રમ કરવાથી જ ખરો આનંદ મળે છે. કામ કર્યું તેણે કામણ કર્યું. આળસુનું જીવન એળે જાય છે.’ કોઈક વખત દયાવૃત્તિથી હૃદય ઊભરાઈ જતું, ત્યારે એ મને અમુક કાર્ય શી રીતે કરવું તે જાતે બતાવતા; પરંતુ એમની રીત પ્રમાણે મારાથી તે કાર્ય કદી પણ થઈ શક્યું નથી અને નથી થયું તે સારું જ થયું છે, એમ એમણે કરેલાં કાર્યોનું પરિણામ જોતાં કોઈ પણ કહી શકે એમ છે.

ઘેલાકાકા ઘણુંખરું કંઈ કામ કરતા જ નહીં. પરંતુ કરતા ત્યારે પરિણામ આવું જ આવતું. એટલેથી જ પત્યું હોત તોયે ઠીક. પણ મારા મિત્રો મને મળવા આવતા, ત્યારે પણ એ ત્યાં આવી વચ્ચોવચ બેસી જતા ને દરેકને વણમાગી સલાહ આપતા. પોતે કેવી રીતે ચાર રૂપિયાના પગાર પરથી ચૌદ રૂપિયા સુધી ચડ્યા હતા, તે વાત કહી દરેકને એ ચાર રૂપિયાની નોકરી શોધવાનું ફરમાવતા. ધીરે ધીરે મારા મિત્રો મને મળવા આવતા બંધ થઈ ગયા. ઘેલાકાકા મને ન છોડે તો મારે એમને છોડવા એમ ધારી મેં એક દિવસ એમને કહ્યું : ‘ઘેલાકાકા ! મારું શરીર સારું ચાલતું નથી, ક્ષયનાં ચિહ્નો જણાય છે ને ડૉક્ટરે હવાફેર જવા માટે ખાસ કહ્યું છે.’
‘ક્ષય ! ક્ષય કેવો ? મહેનત કર, મહેનત ! ને હવાફેરનું નામ પણ બોલતો નહિ. હવાફેરથી માંદા માણસની તબિયત કદી સુધરી નથી. હવાફેર જઈને આપણે માંદા માણસનું શરીર લાશ જેવું બનાવીને તથા આપણે- આસપાસનાં બીજા સૌ- ઘોડા જેવાં થઈને પાછાં આવીએ છીએ !’

આ યુક્તિ અફળ જતાં મેં બીજી અનેક યુક્તિઓ અજમાવી. મિત્રોને મળીને તેમની સલાહ લીધી. તેમની સૂચનાઓ અમલમાં મૂકી જોઈ પરંતુ વસ્તુસ્થિતિ ઊલટી વધારે ખરાબ થતી ગઈ. છેવટે અમે એક નવી યોજના ઘડી; તેને અમલમાં મૂકવાનો વિચાર કર્યો. પાછું મારા મિત્રોએ મારે ત્યાં આવવા માંડ્યું. ઘેલાકાકાએ પણ મારા મિત્રમંડળનું સ્વયંનિર્ણીત મુરબ્બીપદ પાછું સ્વીકારી લીધું. ઘેલાકાકાની પરવા કર્યા વગર મારા મિત્રો ફાવે તેમ તોફાન કરતા, એકેકને બનાવતા. ક્વચિત ઘેલાકાકાની પણ મજાક કરતા. કોઈ કોઈ વખત તે પીધેલાનો પણ ઢોંગ કરતા. છતાં ધારેલી અસર ન થઈ. ઘેલાકાકાએ ઘેર જવાની રજા માંગી નહીં, પણ મને કહ્યું :
‘તું આ લોકોને અહીં આવતા બંધ કર, બધા છિછલ્લા છે. લગાર તારી આબરૂનો વિચાર રાખ.’
મેં જવાબ દીધો : ‘હું મારા દુશ્મનને પણ ઘરમાંથી કાઢી શકું એમ નથી, તો મારા મિત્રોને તો કેમ જ કઢાય ? આબરૂની મને પરવા નથી.’ પણ ઘેલાકાકા મારા કહેવાનો ગુઢાર્થ સમજ્યા નહિ.

એક દિવસ હંમેશના રિવાજ મુજબ મિત્રમંડળ ભરાયું હતું. ઘેલાકાકા પણ બેઠા હતા. તોફાન શરૂ થવાની હું વાટ જોઈ રહ્યો હતો. પરંતુ કોણ જાણે કેમ, તે દિવસે બધા જ ડાહ્યાડમરા થઈને બેઠા હતા. બધાની મુખમુદ્રા એવી ગંભીર હતી કે કોઈએ જિંદગીમાં જરા પણ તોફાન કર્યું હોય એમ લાગતું નહોતું. જાણે કંઈક નવું બનવાનું હોય એમ વાતાવરણ પરથી મને લાગ્યું. શું નવું થવાનું હશે, તેની હું કલ્પના ન કરી શક્યો.
‘કેમ, આજે કંઈ ડાહ્યાડમરા થઈને બેસી રહ્યા છો ?’ મેં પૂછ્યું.
‘શું તું અમને ગાંડા થવાની સલાહ આપે છે ? લગાર ગંભીર થા – ઘેલાકાકા જેવો !’ રસિકલાલે જવાબ દીધો. ઘેલાકાકાએ આશ્ચર્યથી રસિકલાલ સામે જોયું. જીવરામે ઘેલાકાકા સામે જોઈ કહ્યું : ‘કોઈ આપણું નામ દે ત્યારે આમ જનાવરની માફક ના જોઈ રહીએ !’ ઘેલાકાકા દિગ્મૂઢ થઈ ગયા. આકાશ ફાટીને માંહીથી વજીકાકી એમના માથા પર પડ્યાં હોત તોયે આથી વધારે આશ્ચર્ય એમને થાત નહિ.
‘કોઈ આપણને શિખામણના બે શબ્દો કહે, ત્યારે આમ બાવરા બનીને જોયા ન કરીએ !’ મારા ત્રીજા મિત્રે ઘેલાકાકાને એમનો જ ઉપદેશ સંભળાવ્યો.
‘કોઈ આપણને બોલાવે, ત્યારે વિનયપૂર્વક તેમની સાથે વાતચીત કરીએ. બાઘાની માફક આમ બેસી ના રહીએ. હવે તમે કંઈ નાના નથી કે તમને આ બધું શીખવવું પડે.’ ચોથાએ ઘેલાકાકાને અમૂલ્ય બોધ આપ્યો.
‘ને ધોતિયું બરાબર ઠીક કરો. ઘૂંટણ ઉપર ધોતિયું ચડાવી બેસવું એ સારા માણસનું લક્ષણ નહિ.’ પાંચમાએ કહ્યું. ઘેલાકાકાએ હોઠ ઉઘાડ્યા. કંઈ બોલવાનો પ્રયત્ન કર્યો પણ પછી મૂંગા મૂંગા બહાર ચાલ્યા ગયા.

આવું બેચાર દિવસ ચાલ્યું. એમણે અમારા મિત્રમંડળમાં આવવાનું છોડી દીધું. પરંતુ હવે અમે એમને છોડીએ એમ નહોતા. અમે એમની પાસે જઈ બેસવા માંડ્યું. એ બહાર જતા તો અમે પણ એમની સાથે જ જતા ને રસ્તામાં કેવી રીતે ચાલવું. કોઈ ઓળખીતો મનુષ્ય સામે મળે તો શું કરવું, લપસી પડાય ત્યારે જોડેના આદમીને ગળચીમાંથી પકડી તેની સાથે જ શી રીતે સરી પડવું ઈત્યાદિ અનેક વસ્તુઓ એમને સમજાવતા. એકેએક બાબતમાં એમને માથે સલાહ ને શિખામણનો વરસાદ વરસાવતા. આ સર્વમાં હું પોતે ભાગ લેતો નહોતો, માત્ર તટસ્થવૃત્તિથી જોઈ રહેતો, એમ કહેવું જોઈએ. અંતે ‘મારે ખાસ કાર્યપ્રસંગે ઘેર જવાનું છે.’ કહી એમણે માફી માગી. અમે રહી પડવાનો એમને ખૂબ આગ્રહ કર્યો; પરંતુ એમણે માન્યું નહીં. આખરે એમને જવાનો દિવસ આવી પહોંચ્યો. અમે બધા એમને સ્ટેશન પર વળાવવા ગયા. આગગાડીમાં કેમ વર્તવું તે વિશે મારા પ્રત્યેક મિત્રે પૃથક પૃથક રીતે તેમ જ સંયુક્ત રીતે એમને સલાહ આપી. ડબ્બામાં બેઠેલા બીજા આદમીઓને એમની સોંપણી કરીને હરખાતે હૈયે અમે ઘેર આવ્યા.

બે દિવસ રહી વજીકાકીનો મારા પર પત્ર આવ્યો. તેમાં ઘેલાકાકાની સારી મહેમાનગીરી કર્યા બદલ મારો ઉપકાર માન્યો હતો ને હવે મારા મગજની સ્થિતિ સારી હશે એવી આશા દર્શાવી હતી.

[કુલ પાન : 154. કિંમત રૂ. 42. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]