બધાને પૂછપૂછ ન કરશો – મોહમ્મદ માંકડ

[જીવનપ્રેરક લેખોના પુસ્તક ‘ચાલતા રહો, ચાલતા રહો’ માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[dc]શે[/dc]ક્સપિયરે લખ્યું છે કે, વાત બધાની સાંભળજો, પણ તમારા મનની વાત બહુ ઓછાને કહેજો. આનો અર્થ એ છે કે, કાન ખુલ્લા રાખવા અને મોઢું બંધ રાખવું. પરંતુ આનો અર્થ એ નથી કે આપણા જીવનની અગત્યની બાબતોમાં બીજાની શિખામણ ઉપર જ ચાલવું. બીજા માણસોની શિખામણ એમના પોતાના અનુભવમાંથી કે એમણે જાણેલી હકીકતોમાંથી જન્મી હોય છે. આપણને તે દરેક વખતે, દરેક સંજોગોમાં ઉપયોગી થઈ શકતી નથી. અને એક વાત ખાસ યાદ રાખવી, આપણા જીવનની અગત્યની બાબતોના નિર્ણયો આપણે પોતે કરવા અને નાનીમોટી દરેક વાતોમાં બીજાને પૂછપૂછ ન કરવું.

ઘણા માણસો મનના એટલા બધા નબળા હોય છે કે, ખાવાપીવાથી માંડી કપડાં પહેરવા જેવી અનેક બાબતોમાં બીજાને પૂછપૂછ કરે છે. એવી વ્યક્તિઓ બહુ લાડમાં ઊછરી હોય છે, અથવા તો કુટુંબના બીજા સભ્યોએ ‘તને એમાં ખબર નહિ પડે.’, ‘તને નહિ આવડે.’, ‘તારું એ કામ નહિ’ એમ કહી કહીને એના આત્મવિશ્વાસને હાનિ પહોંચાડી હોય છે. આવી વ્યક્તિઓ મા, બાપ, ભાઈ, બહેન, મિત્રો, સંબંધીઓ ઉપર આધાર રાખતી થઈ જાય છે. પરાવલંબી બની જાય છે.

કેટલાક માણસો તો પોતાની કોઈ વાત પોતાના મનમાં રાખી શકતા નથી કે પોતાના જીવનનો કોઈ નિર્ણય પોતે કરી શકતા નથી. દીકરા-દીકરીના લગ્નની વાત હોય કે દીવાલમાં ખીંટી મારવાની વાત હોય, બીજાને પૂછ્યા વિના કશું જ કરી શકતા નથી અને જ્યારે જુદા જુદા માણસો જુદી જુદી શિખામણ આપે છે ત્યારે મુંઝાઈ મરે છે. આ બાબતમાં ટટ્ટુ વેચવા માટે મેળામાં જનાર બાપ-દીકરાની પ્રખ્યાત વાત યાદ રાખવા જેવી છે. એક વાર એક બાપ અને તેનો દીકરો પોતાનું ટટ્ટુ લઈને થોડે દૂર ભરાયેલા મેળામાં વેચવા માટે ઊપડ્યા. તેમને ટટ્ટુને દોરીને ચાલ્યા જતા જોઈને માણસો તેમના ઉપર હસવા માંડ્યા, ‘કેવા માણસો છે ! છતે ઘોડે પગે ચાલીને જાય છે !’ બાપ-દીકરાને એમની વાત સાચી લાગી. પણ ટટ્ટુ નાનું હતું. એટલે બાપે આગ્રહ કરીને દીકરાને એના ઉપર બેસાડી દીધો.
એ જોઈને માણસોએ કહ્યું : ‘કેવો કળિયુગ આવ્યો છે ? જુવાન દીકરો ઘોડા ઉપર બેઠો છે અને ઘરડો બાપ બિચારો પગે ચાલે છે !’ દીકરો શરમાઈને નીચે ઊતરી ગયો અને આગ્રહ કરીને વૃદ્ધ બાપને બેસાડ્યો. પણ એ જોઈને બીજા માણસોએ ટીકા કરી, ‘જોયું ? કેલૈયાકુંવર જેવો દીકરો પગે ચાલે છે પણ આ ડઠ્ઠર હૈયાના ઘરડા બાપને ઘોડા ઉપર બેસતા શરમ પણ નથી આવતી !’ એ સાંભળતાં જ બાપને તો મરવા જેવું થયું. એણે રસ્તો કાઢ્યો. બાપ અને દીકરો બંને જણા ટટ્ટુ પર બેસી ગયા.
રસ્તે જતાં, જૈન સાધુઓ મળ્યા, ‘અરર, આ બિચારા નાનકડા ટટ્ટુ ઉપર બે જણાને બેસતાં શરમ નથી આવતી ? આવી હિંસા કરીને ક્યા ભવે છૂટશો ?’

હવે બાપ-દીકરો બંને મૂંઝાયા. આખરે એમણે નવો રસ્તો શોધી કાઢ્યો. ઝાડની એક મોટી ડાળ લઈને ટટ્ટુને એ ડાળી સાથે બાંધ્યું અને એને પોતાના ખભે ઉપાડીને ચાલવા માંડ્યું. હવે એમને હિંસાનો ડર ન રહ્યો. પણ ડાળી સાથે બંધાયેલું, ઊંધું લટકતું ટટ્ટુ છૂટવા માટે તોફાન કરવા લાગ્યું અને બાપદીકરો એક નદીના પુલ ઉપરથી પસાર થતા હતા ત્યારે તોફાને ચડેલું ટટ્ટુ ડાળી સહિત નદીમાં પડી ગયું. બાપ-દીકરો માંડ માંડ બચ્યા.

બધી બાબતમાં જો બીજા માણસોની સલાહ માનીએ તો આપણી હાલત પણ એ બાપ-દીકરા જેવી જ થાય. કારણ કે, જુદી જુદી વ્યક્તિઓ પાસે જુદી જુદી સલાહ હોય છે. એ સલાહ એમના અનુભવ ઉપર આધારિત હોય છે અને નવાઈની વાત એ છે કે બીજાને સલાહ આપવામાં માણસો સહેજ પણ વિલંબ કરતા નથી. અમેરિકાના જાણીતા હાસ્યલેખક આર્ટ બુકવાલ્ડે આવી સલાહ આપવાની બાબત ઉપર સુંદર કટાક્ષલેખ લખ્યો છે. એનો સાર આવો છે : ‘લેખકને એક વાર શરદી થઈ ગઈ. છીંક, ઉધરસ, નાક ગળવાનું ચાલુ થઈ ગયું. લેખકે એમની સેક્રેટરીને ફોન કર્યો કે, તબિયત બરાબર નહિ હોવાથી ઑફિસે આવી નહિ શકાય.
‘આજકાલ શરદીના વાયરા છે.’ સેક્રેટરીએ કહ્યું, ‘આપને ચોક્કસ આઠ કલાકવાળી શરદી ચોંટી છે.’ લેખકને સેક્રેટરીની વાત સાચી લાગી. આઠ કલાકનો આરામ લેવાનું એમણે નક્કી કર્યું.
ત્યાં એમનાં બહેન મળવા આવ્યાં.
‘આજકાલ શરદીના વાયરા છે. હું એની ઝપટમાં આવી ગયો છું. આઠ કલાક આરામ કરવો પડશે.’
‘તમને ખાતરી છે કે, આ આઠ કલાકવાળી જ શરદી છે ? કદાચ ચોવીસ કલાકની બલા પણ હોઈ શકે. હોરેલ્ડને ગયા અઠવાડિયે એ જ હતી. તાવ છે ?’
‘થોડોક લાગે છે.’
‘ત્યારે તો ચોવીસ કલાકની બલા વળગી. પ્રવાહી વધારે પ્રમાણમાં લીધા કરો અને એસ્પિરિન લો, મટી જશે.’

લેખકની ઈચ્છા કાંઈ ચોવીસ કલાક પથારીમાં પડ્યા રહેવાની નહોતી. પરંતુ ચોવીસ કલાકની બલા જેવી શરદી સામે જોઈ કોઈ ઉપાય નહોતો. દસ મિનિટ પછી બીજી બહેન આવી :
‘એડિથે મને કહ્યું કે, તમને ચોવીસ કલાકવાળી શરદી ચોંટી છે.’
‘કદાચ હોય. કદાચ, આઠ કલાકના આરામથી મટી પણ જાય.’
‘નાક છીંકવાથી લાલ થઈ ગયું છે ?’
‘હા, કેમ ?’
‘જો એવું હોય તો તમને અડતાલીસ કલાકની શરદી, વાયરસથી થતી શરદી થઈ છે.’
‘પણ… મારી સેક્રેટરીએ તો આઠ કલાક…..’
‘આઠ કલાકની શરદી એ જુદી વસ્તુ છે. એમાં નાક લાલઘૂમ ન થઈ જાય. ચોવીસ કલાકવાળી શરદી, આમ તો આઠ કલાક જેવી જ હોય, પણ એમાં ઉધરસ વધારે આવે. વાયરસથી થતી અડતાલીસ કલાકની શરદીમાં છીંકો આવે, કફ થાય, પરસેવો વળે. હવે બે દિવસ પથારીમાંથી ઊઠશો જ નહિ.’
‘પણ, હું બે દિવસ પથારીમાં રહી જ ન શકું.’
‘જુઓ, તમારે સાચી સલાહ માનવી જ ન હોય, તો હવે પછી મને ક્યારેય પૂછશો નહિ.’

મામલો ત્યાં જ અટકી ગયો હોત અને બે દિવસના આરામથી વાત પૂરી થઈ ગઈ હોત, પણ પેલી સેક્રેટરીએ લેખકના મિત્ર હીલીને વાત કરી કે લેખકને ફલુ થવાથી ઑફિસે આવેલ નથી. હીલીએ તરત જ ફોન કર્યો : ‘દોસ્ત, મને તારા માટે બહુ લાગી આવે છે, પણ હવે બે અઠવાડિયાં સુધી પથારીમાંથી તું ઊઠી નહિ શકે. આવી શરદી પાનખરમાં થઈ હોત, તો છ દિવસમાં તું સાજો થઈ ગયો હોત. પણ આ શિયાળો છે અને શિયાળાની શરદી એમ જલદી મટતી નથી. ક્યારેક તો મહિનાઓ નીકળી જાય છે !’
‘પણ ધારો કે, ચોવીસ કલાકમાં મારી શરદી મટી જાય તો ?’
‘તો તે ખતરનાક કહેવાય ! માણસને એમ લાગે કે મારી શરદી મટી ગઈ, પણ એકાદ અઠવાડિયામાં એ વધુ જોરથી ત્રાટકે !’ વાતને ફેલાતાં કાંઈ વાર લાગે છે ? બીજા મિત્ર એલ્ફીનનો ફોન આવ્યો- ટૂંકો ને મુદ્દાસર, ‘હીલીએ મને વાત કરી કે તને અસાધ્ય ન્યુમોનિયા થયો છે !’ આમ, એક સામાન્ય વાત ગમે ત્યાં સુધી પહોંચી શકે છે અને એ બાબતમાં સલાહ આપવાવાળો પોતાને મરજી પડે એ સલાહ આપી છૂટે છે. એમને પોતાની ફરજ બજાવ્યાનો સંતોષ થાય છે – માનવું ન માનવું, તમારી મરજી ! પણ માણસ જો આવી દરેક વ્યક્તિની સલાહ માનવા જાય, તો તેની શું સ્થિતિ થાય ? આખરે એને પણ જીવવાનું હોય છે ! સલાહ આપવાવાળા તો આપી છૂટે છે. માનવાવાળાએ વિચાર કરવો જોઈએ. શેકસપિયરે બધાની સલાહ સાંભળવાની વાત કરી છે, પણ બધાની સલાહ માનવાની સલાહ આપી નથી.

આપણામાંના મોટા ભાગના માણસો, કશુંક નવું જાણવા માટે, શીખવા માટે કે કોઈક નવો મુદ્દો, નવો રસ્તો શોધવા માટે બીજાની સલાહ લેતા નથી; પરંતુ પોતાની સામે જે જવાબદારી આવી હોય એમાંથી છટકવા માટે બીજાની સલાહ લે છે. કોઈ અટપટો, અઘરો કે અણગમતો નિર્ણય કરવાનો હોય ત્યારે બીજાને પૂછે છે. પછી જો કાંઈ વિપરીત બને તો પેલા સલાહ આપનારને કહે છે, ‘તમે કહ્યું હતું એ પ્રમાણે કર્યું પણ એનું પરિણામ તો આવું આવ્યું !’ પણ સલાહ આપનાર શું કરે ? એણે સાચી દાનતથી બધાં પાસાંનો વિચાર કરીને સલાહ આપી હોય, છતાં નિષ્ફળતા મળે તો એ શું કરે ? એક વાત યાદ રાખવી જોઈએ : આપણે જે નિર્ણયો કરીએ છીએ એની જવાબદારી ક્યારેય બીજા ઉપર ઢોળવી ન જોઈએ. એવી જવાબદારી સ્વીકારવાની મર્દાનગી આપણામાં હોવી જોઈએ. બીજા માણસે કદાચ ખોટી સલાહ આપી હોય તો પણ, એ સ્વીકારીએ ત્યારે જવાબદારી આપણી પોતાની બની જાય છે. એટલે તો આપણે ત્યાં કહેવત છે કે કોઈ તો કહેશે કે કૂવામાં પડ, પણ તું પડીશ ખરો ?

આપણે સૌ સમાજમાં રહીએ છીએ, આપણે કુટુંબીઓ, પાડોશીઓ, સગાંવહાલાં, મિત્રો, સંબંધીઓ હોય છે. અવારનવાર નાનીમોટી બાબતોમાં આપણે બીજાની સલાહ માગીએ છીએ. બીજાના અભિપ્રાયો જાણીએ છીએ અને એની કદર કરીએ છીએ અને એમાં વાંધો નથી; પણ દરેક વાતમાં બીજાને પૂછપૂછ ન કરવું જોઈએ અને દરેક વાતમાં બીજાની સલાહ પ્રમાણે ચાલવું પણ ન જોઈએ. પાણી જેમ, સલાહને પણ સો ગળણે ગાળીને સ્વીકારવી જોઈએ. આ જિંદગી, આખરે તો, આપણી પોતાની છે. આપણે તે જીવવાની છે અને આપણે જ તે જીવવી જોઈએ અને આપણી રીતે જ જીવવાની કોશિશ કરવી જોઈએ.

[ કુલ પાન : 152. કિંમત રૂ. 100. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous મુરબ્બી – જ્યોતિન્દ્ર દવે
માનસ વિવેક – મોરારિબાપુ Next »   

7 પ્રતિભાવો : બધાને પૂછપૂછ ન કરશો – મોહમ્મદ માંકડ

 1. dipak prajapati says:

  KOI NE SHALAH NA AAPVI AAVA LEKH MUKVA MATE MARUGESHA BHAI NO KHUB ABHAR

  • priyangu says:

   સલાહ આપવા તો બધા તૈયાર હોય છે. કોની સલાહ લેવી કોની નહી તે આપણે નક્કી કરવું, એ વિવેક માંકડ સાહેબ ના લેખનો સાર છે.

 2. Harihar vadodara says:

  ખુબ સરસ ……………

 3. kit patel says:

  સલાહ અને સવાલો માગ્યા વગર જ મ્લ્તા હોઇ ;સુનો જગ કિ ઓર્ કરો મન્ કિ.

 4. Mahendra Rathod says:

  મારિ સલાહ માનો તો કોઈનિ સલાહ માનસો નહિ.

  આભાર્

 5. jagdish patel says:

  બહુજ સરસ. આપને મલવા આતુર. હુ જેતપુરના રમણિકભાઈ પટેલનૉ(માજી ધારાસભ્ય) ભાઈ આ લખતી વખતે ખુબ આનંદ થાય ચ્હે. ખુબ ખુબ આભાર. જગદીશ કાનજીભાઈ પટેલ

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.