- ReadGujarati.com - http://www.readgujarati.com -

મારો સાગરપ્રવાસ – જ્યોત્સના તન્ના

[ શ્રી સુરેશ દલાલ દ્વારા સંપાદિત પુસ્તક ‘યાદગાર પ્રવાસ’માંથી આ લેખ સાભાર લેવામાં આવ્યો છે. આ પુસ્તકમાં જુદા જુદા 67 જેટલા પ્રવાસલેખોનો સંચય કરવામાં આવ્યો છે, જેમાં દેશ-વિદેશના અનેક પ્રવાસોનો સમાવેશ થાય છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[dc]મા[/dc]ણસે ધરતી પર તો યાતાયાતની વ્યવસ્થા કરી જ લીધી હતી. પક્ષીઓને જોઈને ઊડે તેવાં આકાશી વાહનોની કલ્પના પણ સાકાર કરી લીધી. લાકડાનું થડ કોતરીને બનાવેલી સાદી નૌકાથી પાણી પાર જેવું શક્ય બન્યું. અને હવે યુગ આવી ગયો મહાકાય અને બધી જ સુખસગવડથી ભરપૂર લકઝરી લાઈનરનો. આવી એક મોટી લકઝરી સ્ટીમરમાં ક્રૂઝ પર જવાનું થયું. એન્ટાર્ટિક સર્કલ દક્ષિણ ગોળાર્ધમાં જવાનું હતું. અનાયાસે બધું પાકું થતું ગયું અને નીકળ્યાં જબરજસ્ત મોટા લકઝરી જહાજમાં.

મુંબઈથી જોહાનિસબર્ગ થઈને બ્યોનેસ આઈરિશથી જળસફરમાં જોડાવાનું હતું. સામાન પહેલાંથી સ્ટીમરકંપનીને આપી દેવાનો હતો. બે હજાર મુસાફરો દુનિયાના અનેક દેશોમાંથી અનેક ભાષાઓ બોલતા આવ્યા હતા. પણ બધાંને જૂન પ્રમાણે જુદા જુદા સમય ફાળવવામાં આવ્યા હતા. તેથી જરા પણ ધાંધલ, ધમાલ, અવ્યવસ્થા કે અશાંતિ ન હતાં. કસ્ટમ વગેરેની વિધિ પતાવી ત્યાર પછી ઠંડાં પીણાં અને સ્મિતથી સ્વાગત કરતાં પરિચારકોથી દર્શાવેલી બસમાં સ્ટીમર પહોંચી ગયા. કૅબિન નાની પણ સુઘડ હતી. સામાન પણ બધાંની કૅબિન બહાર પદ્ધતિસર જરા પણ અવાજ વગર મુકાઈ ગયો. હવે તો બે અઠવાડિયાં સુધી આ તરતું મિની શહેર હતું અમારું નિવાસસ્થાન.

આ સ્ટીમરમાં નવસોથી વધારે કર્મચારીઓ હતા. નવાઈ લાગી. પણ નાના-મોટા પદ પર રહેલા ઘણા પરદેશી કર્મચારીઓને ભારત વિશે ઘણી ખબર હતી. કોઈ આપણા ઉદ્યોગપતિઓના નામ જાણે, તો કોઈ સાંઈબાબાની વાત કરે, કોઈ ગાયત્રીમંત્ર બોલી બતાવે તો કોઈને વળી ‘નૅનો’ કાર ખરીદવી હોય. કોઈને નેપાળની ખબર હોય તો કોઈ વળી બુદ્ધની વાત કરે. તો કોઈ ભારત આવવાની ઈચ્છા કરે. અનેકદેશી અનેકભાષી લોકો સાથે પાણી પર રહેવાનું હતું. સ્ટીમરના વાતાવરણથી ટેવાતાં એકાદ દિવસ તો લાગ્યો.

પંદર દિવસની સફર હતી. પાણીમાં કે પાણી પર રહેવાની ટેવ ન હોય તેવી નક્કર ધરતી પર પગ મૂકવાની બહુ ઈચ્છા થઈ જાય. ક્રૂઝના પ્લાન પ્રમાણે પહેલાં તો ફૉકલેન્ડા ટાપુના પૉર્ટ સ્ટેન્લી પર. તોફાની દરિયો હતો છતાં નાની બોટની મદદથી ઊતર્યાં. આગલે દિવસે તો સરસ સૂર્યપ્રકાશવાળો દિવસ હતો પણ એ દિવસે ખરેખર ‘ઈંગ્લિશ વેધર’નો પરચો મળી ગયો. વાદળાં, વરસાદ, પવન અને ઠંડી. આ ટાપુ પર બ્રિટિશ હકૂમત છે. આર્જેન્ટિનાની પાસે, ઍટલાંટિક મહાસાગરમાં આવેલા આ પ્રદેશ માટે આર્જેન્ટિના અને બ્રિટન સાથે 1982માં લડાઈ પણ થઈ હતી. અહીંનું વાતાવરણ અંગ્રેજ લાગે. અહીંની ભાષા, લાક્ષણિક અંગ્રેજ ઢબના બગીચા, પબ, કોટેજ વગેરે ઈંગ્લૅન્ડમાં હોય તેવાં. દક્ષિણ ગોળાર્ધમાં સ્પૅનિશ ભાષાવાળા આર્જેન્ટિનાની નજીક મિની ઈંગ્લૅન્ડ. એલિફન્ટ અને તેવા અનેક નાના-મોટા ટાપુ પાર કરી આગળ વધ્યાં. અહીંથી ઘણી હિમનદીઓ દેખાય. અહીં અર્નેસ્ટ શેકલટન નામના એક અંગ્રેજ સાહસવીરનું વહાણ ખરાબે ચડી નાશ પામ્યું ત્યારે તેના 28 નાવિકોએ અહીં આશરો લીધો. શેકલટન અન્ય પાંચ નાવિકોની સાથે લઈ મદદ શોધવા એક લાઈફબૉટમાં નીકળ્યો. ચાર મહિના, અગણિત મુશ્કેલીઓ અને અસફળતાનો સામનો કરી ચીલી દેશનું મોટું જહાજ લઈ આવ્યો અને બધાને બચાવી લીધા. આ સત્યઘટના પર બનેલી ફિલ્મ અને સ્લાઈડ પણ જોઈ. ગર્લાશ સામુદ્રધુની અને પૅરેડાઈઝ અખાતથી પસાર થયાં. અનેક સુંદર પ્રાકૃતિક દશ્યો જોઈ મન પ્રસન્ન થઈ ગયું.

બચપણમાં દરિયાઈ સાહસવીરોની વાતો બહુ વાંચી હતી. અંગ્રેજ શેકલટન તો વળી પૉર્ટુગીઝ સાહસિક મેગેલન, બ્રિટિશ જહાજ બીગલની બીજી પૃથ્વીપ્રદક્ષિણા પર સાથે ગયેલો વિખ્યાત ચાર્લ્સ ડાર્વિન – ખ્યાલ પણ ન હતો કે કોઈક દિવસ આ લોકોએ લીધેલા (પાણી)પથ પર હું પણ જઈ પહોંચીશ. ઉશ્વાઈયા ધરતીનો છેડો છે એમ માનવામાં આવતું. અહીંનો નેશનલ પાર્ક ખૂબ જ સુંદર છે. અહીં ટિયરા ડેલ ફ્યુએગોની નાની ટ્રેન પણ ગામમાંથી જાય છે. અહીંના આ જંગલમાં પરદેશથી લવાયેલા ઉંદર, સસલાં, બીવર વગેરે નાનાં પ્રાણીઓથી હવે વનસ્પતિઓને નુકશાન પહોંચે છે. આ પ્રાણીઓ આડેધડ જમીનને ખોદી મોટાં વૃક્ષો પણ પાડી નાખે છે. ઉપરાંત, અનેક જીવાત પણ વનનો નાશ કરે રાખે છે. સ્થાનિક પર્યાવરણમાં દખલગીરી કરવાથી શું થાય તે બરાબર ખબર પડે છે. ત્યાર પછી ચીલી દેશની કેપ હૉર્નના દર્શન કર્યા અને પહોંચ્યાં આર્જેન્ટિનાના પૉર્ટો મેડ્રીનમાં. કરોડો વર્ષ પહેલાં અહીં મહાકાય ડાયનૉસૉર ફરતા, પછી દસેક હજાર વર્ષ પહેલાં માણસો આવી ચડ્યા, પણ કોઈ રહ્યું નહીં. 18મી સદીની મધ્યમમાં આર્જેન્ટિનાએ આ પેટેગોનિયા પ્રદેશ પર હક્ક જમાવ્યો. લોકોને અહીં રહેવા આવવા આકર્ષણ થાય તે માટે અનેક સવલતો આપી અને દૂર સુદૂર બ્રિટનમાં વસતા વૅલ્શ લોકોએ આ સ્વીકારી અને 1865માં એક જરીપુરાણા જહાજમાં 153 વૅલ્શ લોકો અહીં ઊતર્યા અને વસાહત સ્થાપી. પોતાના જ દેશના વૅલ્શ બેરનના નામ પરથી નામ રાખ્યું, પૉર્ટો મેડ્રીન. સરસ રૂપકડું ગામ છે, રંગબેરંગી ઘરથી શોભતું.

ઉરુગાય- ઉરુગ્વેની રાજધાની મોન્ટે વીડિયો તો એકદમ યુરોપિયન શહેર જ લાગે. ફ્રેંચ ઈટાલિયન, સ્પૅનિશ અસરવાળું. મહાનદી પ્લાટા જ્યાં એટલાંટિક મહાસાગરને મળે ત્યાં વસેલું, પંદરેક લાખની વસતિવાળું સુંદર શહેર છે. સ્પેન સામે સ્વતંત્રતાની લડત કરી દેશ 1882માં સ્વતંત્ર થયો. અહીં પશુપાલન અને ચર્મઉદ્યોગ વિકસ્યાં છે. અહીં જ્યાં ઊતર્યાં કે જ્યાંથી પસાર થતાં પૉર્ટ સ્ટેન્લી, એલિફન્ટ ટાપુ, પૅરેડાઈઝ અખાત, ઉશ્વાઈયા, પૉર્ટો મેડ્રીન – બધે જ વહેલ, સીલ, સી-લાયન, અનેક જાતનાં પેન્ગ્વિન સહિત દરિયાઈ પક્ષીઓનાં ઝુંડ જોયાં. એ એક લહાવો છે. પેન્ગ્વિન ટોળે વળી આવતાં હોય ત્યારે સૂટ પહેરેલાં અણઘડ બાળકો બે નાના હાથ ફેલાવીને ડગુમગુ દોડતાં હોય તેવાં લાગે, રમૂજ પણ થાય. પછી અચાનક પાણીમાં બધાં જ ડૂબકી મારી જાય. જોવાની ખૂબ મજા આવે. પક્ષીઓનો કલબલાટ પણ આ શાંત વાતાવરણમાં મન મોહી લે. આ બાજુ પક્ષીઓની મોટી વસાહત છે. ગરમીથી પીગળતા પહાડો કે હિમછાજલી તૂટે ત્યારે શાળામાંથી ભાગી જતા તોફાની બારકસોની જેમ નાની નાની હિમશિલાઓ ગમે ત્યાં તરતીફરતી રહેતી. તેના પર મીઠો તડકો માણતા સી-લાયન અને પેન્ગ્વિન પક્ષીઓ દેખાય. આજુબાજુમાં ઘણાં હિમશિખરો દેખાય. પણ એ તો હૈયામાં ધગધગતો લાવા ધરબીને શાંત દેખાતાં બેઠાં હતાં. ક્યાંય પણ હોય, પ્રાચીન સંસ્કૃત મહાકવિ કાલિદાસ તો યાદ આવે જ. આવા કોઈ મોટા હિમશિખર પર પાર્વતી શંકરને પામવા તપ કરવા ગઈ હતી – ગૌરી જગામ શિખરં શિખંડીમત. પણ ત્યાં તો મોર હતા, તો અહીં વળી પેન્ગ્વિન પક્ષીઓ હતાં. વાત તો સાચી જ, કે દરિયાનો પોતાનો દોરદમામ અને મિજાજ હોય છે. કિનારેથી દરિયો જોઈએ અને પાણી વચ્ચે રહીને અનુભવીએ, ઘણો ફરક – કલાપીને યાદ કર્યા,

જોઈ અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની !

દરિયો તો શાંત રહેતો નથી. ઉમાશંકરે દરિયાનું સંગીત સાંભળી લીધું,

અહો સાગર સંગીત સંભળાય દિનરાત,
પ્રભુ બેઠો બેઠો જાણે ગાય દિનરાત.

અને બીજી કોઈ વાર રવિ ઠાકુરે પણ એવું જ કંઈક અલૌકિક ગાયન માણ્યું,

તુમિ કેમન કરે ગાન કહો હે ગુણી
આમિ અવાક હયે શુનિ, કેવલ શુનિ.

મૌન રહીને આ માણવાનું હોય. અપાર્થિવ અનુભૂતિ થઈ.
આ તો મહાસાગર, મોજાં ઘૂઘવતાં ઊછળે રાખે. ‘ફૂલડાં ગૂંથી લાવે, ધરતીને હૈયે પહેરાવે સાગરરાણો…..’ અહીં ધરતી તો ન હતી, પણ શાંત સાગરનાં મોજાં સ્ટીમર સાથે અથડાય ત્યારે ફૂલના હાર હોય તેવા જરૂર લાગ્યાં. સુરેશ દલાલની અનુભૂતિ, ‘અશ્વની શ્વેત કેશવાળી જેવાં કે સિંહની યાળ જેવાં મોજાંઓ’ તો વળી, ‘પાંજરામાં પુરાયેલા સિંહની જેમ ઘૂઘવતો’ કે પાળેલાં પારેવાંની જેમ જંપી ગયેલો દરિયો હોય. એવા અનુભવો થતા ગયા. મહાસાગર તો અફાટ, આંખો પહોંચે ત્યાં સુધી જોયે જ રાખો. ઍન્ટાર્ટિક સર્કલની નજીક પહોંચીએ ત્યારે બર્ફિલો પ્રવાહ અને ઠંડો પવન આવી મળે. પાણી થોડું થીજ્યું હોય, તો થોડુંક થીજવામાં – અને એ રીતે હવાની લહેરખીઓ પ્રમાણે પાણીની સપાટી પર ભાત પડી ગઈ. ગ્રે અને ક્રીમ રંગના અનેક આભાવાળાં નાનાં-મોટાં મોતીઓનાં જાણે લહેરિયાં લહેરાય. વચ્ચે નાની હિમશિલાઓ જાણે ફૂલવારી ભાત. અચાનક ધુમ્મસ છવાઈ જાય. હિમાચ્છાદિત પહાડી કિનારો અલપઝલપ જ દેખાય. પાણી અને આકાશ એક, વચ્ચે ફ્રેમમાં દેખાય આ પહાડીઓથી છવાયેલો કિનારો – ભૂખરા રંગના અને પાણીની થપાટથી ઘસાયેલા પથ્થર, રૂના ગોટા જેવો બરફ અને વચ્ચે હિમનદીમાં ક્યાંક નીલરંગી રેખાઓ. અહીં સાચે જ બરફની વચ્ચે બ્લૂ રંગ દેખાય. આ બ્લૂ રંગની પણ અનેક રંગછટા. તેમાં આકાશ તો નિરભ્ર નીલરંગી અને સૂર્યકિરણોનું પરવર્તન પાણી પર. ક્યા કલાકારે આ કૉલાજનું સર્જન કર્યું. સાયગલે ગાયેલું એક ખૂબ જૂનું ગીત મનમાં ગુંજી રહ્યું,

કિસને યહ સબ ખેલ રચાયા,
અપને આપ સભી કુછ કર કે,
અપને આપ છિપાયા…..

મહાસાગર તો પોતાની જ ધૂનમાં. કોઈ વાર અચાનક મિજાજ બદલે તો લાગે જાણે લહેરોને હીંચકે હિલોળે ચડ્યા. મરુતદેવની કૃપા વધુ પડતી થઈ ગઈ તો મહાકાય સ્ટીમરને પણ એક બાજુ જરા નમવું પડ્યું. ઈંદ્રદેવે પણ થોડી રમત કરી લીધી. વાદળાં અને વરસાદે સાથે દેખા દીધી. સાગરનું ગર્જનતર્જન વધી ગયું. ફરી યાદ આવ્યા ઉમાશંકર-

પ્રભુ તારો પગરવ જરી સુણાય…
અહોરાત જલસિંધુ ઘૂઘવે,
ઝંઝાનિલ મઝધાર સૂચવે,
વજઘોર ઘન ગગન ધૂંધવે,
ધ્વનિ ત્યાં તે અથડાય.

હાલકડોલક સ્ટીમરમાં લોકો ચાલે તો લાગે કે જાણે બધાં જ પીધેલાં ! બધાંને રમૂજ થતી. એકબીજાને જોવામાં પવન તો મનમોજી, વેળા-કવેળા ન જુએ, બસ આવીને મસ્તીમાં તરંગોને ઉછાળી લે. લહેરોને પણ ઉપર આવવાનું મળવાનું મન થાય. એટલે ઊંચે ઊછળીને ઉપરની બાલ્કનીમાં પણ ઠંડીગાર જલશીકરોથી ભીંજવી નાખે. રાતે દરિયો જંપે તો ખરો, ચંદ્રનો ઉદય થાય. અંધારઘેરી રાતમાં ઝાંખો પ્રકાશ જાણે બારી-દરવાજો ઠોકે, એમ ઊઠી જવાય. શાંત મહાસાગરનાં ફેનિલ મોજાં ચળકી ઊઠે, તારા તો ખાસ ન ઓળખાયાં, પણ ચંદ્રનો સાથ તો હોય જ. એટલે અજાણ્યું ન લાગે. કાન્તને યાદ કર્યા,

આજ મહારાજ ! જલ પર ઉદય જોઈને
ચંદ્રનો, હૃદયમાં હર્ષ જામે….
પિતા ! કાલના સર્વ સંતાપ શમે !

જળ પ્રવાહી, મન ચંચળ પણ હવે શાંત.
આવી કોઈ ઘનઘોર અંધારી રાતે બીજી લકઝરી સ્ટીમર દૂરથી પસાર થઈ ત્યારે લાગ્યું કે દીવડાનું નગર અધ્ધર સરી રહ્યું છે. સખત ઠંડી અને સુસવાટા મારતો પવન હોય છતાં કાજળકાળી રાતનું સૌંદર્ય માણવા બાલ્કનીમાં ડોકિયું તો કરવું પડે. વિચાર આવે કે પ્રાચીન કાળમાં લોકો મહાસાગરો પાર કરીને કેવી રીતે ક્યાંના ક્યાં પહોંચી ગયા ? આકાશના તારાની મદદથી દિશા નક્કી કરતા આ પૂર્વજ સાહસવીરોને તો દાદ આપીએ એટલી ઓછી પણ વાદળાં ચડી આવે, રાતે ગ્રહનક્ષત્ર પણ ન દેખાય, મહાસાગર માઝા મૂકે અને પવન વીફરે ત્યારે સઢવાળાં નાના એવા વહાણમાં બેસીને કેમ જતા હશે ?

સ્ટીમરમાં પ્રવૃત્તિઓનો તો પાર ન હતો. જાતજાતના ડેમોન્સ્ટ્રેશન પ્રદર્શન, લેક્ચર, ફિલ્મ, સંગીત-નૃત્યના કાર્યક્રમ – આખો દિવસ નીકળી જાય. દક્ષિણ અમેરિકાના એક વિદ્વાને પોતાના મનનીય વક્તવ્યમાં આર્જેન્ટિના અને ભારતીય લોકોના સામાજિક અને માનસશાસ્ત્રીય મનોભાવોના સરખાપણાની વાત કરી. તેમણે ભારતમાં રહીને આ વિશે સંશોધન કર્યું છે. સ્લાઈડ સાથેનું આ વક્તવ્ય રસપ્રદ હતું. અન્ય ભૂગોળ-ભૂસ્તરશાસ્ત્રના વિદ્વાને સ્લાઈડ સહિત વક્તવ્ય આપ્યું. જેમાં ખૂબ જ પ્રાચીન કાળમાં ભૂગર્ભમાં થયેલી ભયંકર ઊથલપાથલની વાત કરી. તેથી ગોંદવાણા ભૂખંડ ડૂબી ગયો. હિમાલય ઉપર આવ્યો અને હજી વધતો રહ્યો છે. ખંડોની છાજલીઓએ ગતિ શરૂ કરી. અત્યારનો ભારત કહેવાતો ભૂખંડ એશિયા સાથે જોડાતો રહ્યો. લાખો વર્ષોમાં ખંડની છાજલીઓએ ગોકળગાયની ગતિથી પૃથ્વીનો નકશો બદલી નાખ્યો. તેના પરિણામે પૃથ્વીનું હવામાન પણ બદલાયું. ઍન્ટાર્ટિકા ખંડની નીચે ધગધગતો લાવા ભર્યો છે. જે અવારનવાર પોતાનું દર્શન કરાવી જાય છે. કેટલાંય ખનિજ અને પૃથ્વીના મોટા ભાગના પાણીનો જથ્થો અહીં સંઘરાયેલો છે. નવાઈની વાત છે, પણ અત્યાર સુધી ઍન્ટાર્ટિકા ખંડ પર કોઈની સત્તા નથી, જો કે દાવાઓ ઘણા થયા છે. અહીં વૈજ્ઞાનિક સંશોધન માટેનાં કાયમી અને કામચલાઉ કેન્દ્રો છે, જેમાં ઘણા દેશો સહયોગી છે.

સંગીતના એક કાર્યક્રમમાં એક સ્થાનિક કલાકારે પોતે બનાવેલા વાજિંત્રોનો ઉપયોગ કર્યો હતો. વાંસની નાની-મોટી અનેક જાતની વાંસળીઓ હતી. આપણા મહાકવિ કાલિદાસે પણ વનમાં ઊગેલા વાંસનાં છિદ્રોમાં ભરાતા પવનથી ઉત્પન્ન થયેલા સંગીતમય ધ્વનિની વાત કરી હતી. ‘છિદ્રે ભર્યા વાયુથી વંશકાર્યે કૂંજત વાંસે.’ એ સાથે પાવા અને માઉથ ઑર્ગન જેવાં નાનાં ફૂંકથી વાગતાં વાજિંત્રો અને સૂકાં ફળ ભેગાં કરી પરોવીને બનાવેલ તાલવાદ્યની સંગત હતી અને એ સાથે આ કલાકારે લોકસંગીત રજૂ કર્યું. ઍન્ડીઝ પર્વતમાળાઓમાંથી ઊઠતી આવતી સૂરાવલિઓ સાથે આર્જેન્ટિના, પેરુ, બ્રાઝિલ કે ઉરુગાયેનાં મેદાનો, ગોચરો અને પહાડોમાંથી આવતી અનુભૂતિઓ રજૂ કરી – ક્યાંક જીવનના પ્રેમ અને આનંદથી સભર ક્યાંક નર્તનશીલ તો ક્યાંક ગીતમય, ક્યાંક ગુલામોના માભોમથી જુદા પડ્યાના આક્રોશ અને વિદ્રોહથી ભરપૂર તો વળી ક્યાંક નિષ્ફળ પ્રેમની કરુણતાથી ભરપૂર. એક એક રચના પછી થોડી સમજૂતી આપતા, તેથી અનુભૂતિ સમજાઈ જાય. એક શ્યામવર્ણી ગાયિકાએ પોતાની માતાની યાદમાં ન વીસરી શકાય તેવું હૃદયસ્પર્શી ગીત રજૂ કર્યું. કોઈ પણ દેશ કે વેશ હોય, મા તો મમતામયી જ છે.

પંદરમે દિવસે સવારે બ્યોનેસ આઈરિશ બંદર પર ઊતર્યાં. ત્યાં પણ શાંતિથી યોજના પ્રમાણે બધાંનો સામાન ઉતારી લીધો અને પછી મુસાફરો. બધું શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત. સાગરપ્રવાસ તો પૂરો થયો, ‘માણ્યું એનું સ્મરણ કરવું એય છે એક લહાણું.’

[કુલ પાન : 335. (પાકું પૂઠું. મોટી સાઈઝ). કિંમત રૂ. 500. પ્રાપ્તિસ્થાન : ઈમેજ પબ્લિકેશન પ્રા. લિ. 1-2 અપર લેવલ, સેન્ચૂરી બજાર, આંબાવાડી સર્કલ, આંબાવાડી. અમદાવાદ 380006. ફોન : +91 79 26560504.]