સાશાની આંખો – હિમાંશી શેલત

[‘નવનીત સમર્પણ’ સામાયિક મે-2012 માંથી સાભાર.]

[dc]એ[/dc] માનતો કે ‘આલ્કોહોલિક’ વાપરવા જેવો શબ્દ એટલા માટે કે એમાં માણસનું કર્તુત્વ ઓછું, અને શરાબનું વધારે લાગે. ‘દારૂડિયો’ શબ્દ વાપરીએ તો જરા અલગ ભાસે. એમાં માણસની જવાબદારી એકદમ વધી જાય. એ જ નકામો, એની જ કુટેવ, એ નઘરોળ, એ નફ્ફટ અને નાલાયક. જો વાપરવો પડે તો એ પોતાને માટે ‘આલ્કોહોલિક’ની ઓળખ કામે લગાડે. બુદ્ધિમાનો, વિચક્ષણો, તરંગીઓ, કલાકારો નશો કરે, એ એમને માટે જરૂરી. જોકે પોતાને ‘આલ્કોહોલિક’ કહેવાય કે નહીં એ વિશે એને શંકા હતી. પીવાનું ખરું, તોયે હદમાં, જીભ કાબૂમાં રહેતી. પીધા પછી વાહન ન ચલાવવાનો અફર નિયમ. સાધનાનો બોલ માથે ચડાવેલો. દેખીતી રીતે તો ચાલ પણ બદલાતી નહીં, માત્ર એને જરા લાગતું કે એ ભોંયથી અધ્ધર રહે છે. આવા તુક્કા વિશે કોઈને ખરાબ લગાડવાનું કારણ નહોતું.

છતાં તમામની ગરબડ ચાલુ રહેતી. સલાહ-સૂચન, તબિયતની ચિંતા, વધતી જતી ઉંમર, આંખ નીચે થોથર. માર્ગદર્શિકા રોજેરોજ સુધારાવધારા સાથે બહાર પડતી. એક ખાસ કેન્દ્ર છે વ્યસનમુક્તિનું. સાવ અલગ જાતનું. બહાર કશી જાહેરાત નહીં, કોઈ પ્રચાર નહીં, જાઓ તો જ ખબર પડે. કે’છે કે જનારામાંથી પંચાણુ ટકા આખેઆખા બદલાઈ જાય છે.
સામે મૌન. બહુ સાંભળી આવી યશગાથાઓ. માણસ થયા તો એકાદ આદત જીવનપર્યંત રહે તો વાંધો નથી. માણસ લેખે મરવું છે, મહાત્મા લેખે નહીં. મનગમતી મંડળી જામી હોય, વાતોનો નશો હોય ત્યારે તળેલા કાજુ, શેકેલી ખારી બદામ, કાંદાના સ્વાદવાળી વેફર્સ કે ચવાણા સાથે ઘૂંટડા એટલે કેવું સ્વર્ગ એનું વર્ણન આ જડ જીવો સામે શું કરવું ? એમાં સાધનાની તો વાત જ કરવા જેવી નહીં. સાધના પત્ની, વિવેક-અનુરાગની મોમ. સ્વચ્છ-સ્વચ્છ વાતાવરણમાંથી આવેલાંઓની આ તકલીફ. સારું-નરસું, યોગ્ય-અયોગ્ય અને સાચું-ખોટું ખાનાં માપીને ગોઠવી દીધું હોય. આડુંઅવળું થાય તો મર્યા સમજો. પીવું એટલે વ્યસન, વધારે પીવું એ અપરાધ, અને આરોગ્યને જોખમમાં મૂકી પીવું એ તો અક્ષમ્ય અપરાધ. આ અપરાધનું આચરણ થતું રહ્યું એટલે પરિવારનું પંચ ઊભાઊભ બોલાવવાનું થયું. પંચ એટલે બા-બાપુ, સાસુ-સસરા અને એક વડીલ શુભેચ્છક, જે ક્યારેક એના શિક્ષક પણ હતા.

‘પહેલાં તો જરૂર સમજાવ. પીવું શા માટે પડે છે ? આદું-તુલસીનો ઉકાળો પી શકે, ચા-કૉફી-શરબત પી શકે, ફળના રસ પી શકે, આ વાઈન-બાઈન શા માટે ?’
‘તબિયત તો જો ! કોથળા જેવો થઈ ગયો છે છેક…..’
‘તને મદદ કરવા કેટલા જણ છે, ને સંસ્થાઓયે છે, જઈને આંટો માર એકાદ વખત…’
‘પણ મારે નથી છોડવું. મારો શોખ છે, લાચારી નહીં. મને મઝા પડે છે.’
‘ને ભાન નથી રહેતું, વધારે ટટકાવો છો ત્યારે ? ડૉક્ટરે કહેલું કે ડાયાબિટીસ થઈ ગયો એટલે હવે તો છોડવી પડે ટેવ.’
‘ડૉક્ટર તો એમ જ કહેવાના. મારે લાંબા આયુષ્યની ચાવીઓ આપવી નથી.’
‘વિવેક-અનુરાગ સમજણા થયા છે, અને તમારી પાર્ટી અંગે ખોટું નહીં કહેવાય. એમાં ધંધોબંધો કંઈ નથી, માત્ર પીવાનું ચાલે છે. ઈનફ ઈઝ ઈનફ. સાધનાને જવા દે, તારા ટીનેજ છોકરાઓનો તો ખ્યાલ કર !’
‘તે કરેલો જ છે. ટોટલી પ્લાનડ ફ્યુચર. કોઈએ કશું નથી કરવાનું. અઢાર, બાવીસ, છવ્વીસ. ત્રણ તબક્કે તગડી રકમ. સાધનાએ જરીકે ચિંતા કરવાની નથી. આવું સોલિડ પ્લાનિંગ કોઈ મરજાદીએ પણ નહીં કર્યું હોય, પૂછી આવો !’
‘એટલામાં તારી જવાબદારી ખતમ ? છોકરાઓને રોજ કેટલો વખત આપી શકે છે…. પૂછ જરા….’
‘તમારાથી અમને કેટલો અપાયેલો ?’ એ મરડમાં બોલ્યો, ‘નહોતા પીતા તોય’ જેવા શબ્દો એ ગળી ગયો.
‘જો ઘરને ઘર જેવું રાખ. આ કોઈ ધરમશાળા કે હોટેલ નથી.’
‘મને ખબર છે. એટલે જ કુટુંબને પૂરી સગવડથી રાખું છું. એમની એકએક જરૂરિયાતનું ધ્યાન રાખું છું. પૂછો એમને !’

વાતચીત અટકી ગઈ. એણે જ હોઠ ભીડી દીધા. રોકડી એક જિંદગી મળે, તેનેય પોતાની મરજી પ્રમાણે જીવી ન શકાય ? જુલમ છેને આ પણ ! વડીલ શિક્ષકે સમજાવવાનો છેલ્લો પ્રયત્ન આદર્યો.
‘પત્ની અને બાળકો થાકે ત્યારે નિર્ણય લેવો પડે તારે. હવે ખેંચવામાં સાર નથી.’
‘અમે સાધનાને લઈ જઈશું. ભલે રહે અમારી સાથે. અને જ્યાં મા ત્યાં દીકરા. આમેય આ કંઈ કુટુંબજીવન છે ? રબિશ !’
‘આ તમારી હઠ હોય તો ભલે. મારે આગ્રહ નથી. માત્ર મારા એકાદ-બે પેગનો આવડો મોટો વાંધો હોય તો…’
‘બાપ તરીકે તારી જવાબદારી નથી ?’
‘મેં કહી દીધું છે. જવાબદારી લીધી છે, આર્થિક સલામતી પૂરી છે એમને. બીજું શું ? જવાબદારીને નામે તમે આપેલા નિયમો પાળી પાળીને મારાથી હવે ન જિવાય. પચાસનો થવાનો હવે.’
‘પચાસનો થવાનો એટલે જ. થિન્ક અબાઉટ યોર હેલ્થ. જરા અરીસામાં જઈને જો તારી આંખો અને એની નીચેના સોજા.’ એ ઊભો થઈ ગયો. મુખ્ય પાત્ર જ પંચમાંથી જતું રહ્યું ત્યાં ચર્ચાનો અર્થ નહીં.
****

સાધના બાલ્કનીનાં કૂંડામાં પાણી રેડી રહી હતી. સામેની અગાશી પર હારબંધ કબૂતરો બેઠાં હતાં. હાથમાં ચાનો કપ અને બગલમાં છાપું દાબી એ ત્યાં આવ્યો. માથું ભારે લાગતું હતું, રાતે જરા વધારે ચડાવી દીધું હતું, વાતોવાતોમાં. વાતોયે એવી જ હતીને ! પ્રમાણભાન વગરની અને સ્વાદિષ્ટ. છાપું ફેલાયું. એક પાના પર ચોકઠામાં છપાયેલા મોટા અક્ષરે ધ્યાન ખેંચ્યું :
‘નવું જીવન રાહ જોઈ રહ્યું છે. માત્ર એક વાર અહીં આવી શકો ?’ નીચે કેવળ આંખોની તસવીર. કોની હશે આવી આંખો ? એ ધ્યાનપૂર્વક જાહેરાતને ખૂણે દેખાતું સરનામું, ફોન નંબર, ઈ-મેઈલ આઈડી જોઈ રહ્યો. વિવેક-અનુરાગ તૈયાર થઈને આવ્યા. પરીક્ષા માથે અને બેય ભણવામાં અવ્વલ.
‘ગુડ મોર્નિંગ પાપા !’
‘ચાલ્યા ?’
‘યાહ…. આજે જરા મોડું થઈ ગયું.’
‘વિવેક, ચાલ જલદી….’
‘ઊભો રહે યાર ! ઘડિયાળ તો પહેરવા દે !’
‘બાય મૉમ….’
‘કેટલા વાગે હવે ?’
‘ચાર, સાડાચાર.’
સ્માર્ટ છોકરા. પારકા છોકરાને જોઈ રહ્યો હોય એમ એણે બાલ્કનીમાંથી બંનેને જોયા. ફરી પેલી જાહેરાતની નીચે જોયેલી તસવીરમાંની આંખો યાદ આવી, સાવ અકારણ. બપોરે ભાવિનનો ફોન આવ્યો.
‘કેમ નથી આવવાનો દાવરને ત્યાં ?’
‘આદત છોડવી પડશે. ડૉક્ટરે કહ્યું કે જોખમ છે હવે.’ થોડી ક્ષણો બાદ અચાનક એણે પૂછ્યું, ‘પેલી સંસ્થામાં જવાનો વિચાર છે. આવવું છે ?’
‘કઈ ? વ્યસનમુક્તિવાળી ? ના, આપણું કામ નહીં. યુ. ગો.’
‘સાથે તો ચાલ ! નામ હું નોંધાવીશ, માત્ર મારું. તારે તો સાથે આવવાનું, મૉરલ કરેજ રહે.’
‘ઠીક છે, પણ આગળપાછળ કોઈ આગ્રહ કે ખટપટ નહીં, તું મને જાણે છે. મગજ ખરાબ નહીં કરવાનું.’
‘ઓ કે એએ…. પ્રોમિસ.’
****

મહાનગરની ધમાલિયા સવારે બંને નીકળ્યા. સંસ્થાનું નામ વિચિત્ર. ‘હૃદય પરિમલ.’ નામ અંગે બેય જણ ખાસ્સી મજાક કરતા રહ્યા. મસ્તીમાં ગાંધીજીને પણ વચ્ચે ખેંચી લીધા.
‘સંયમ ! કેટલી ખેંચતાણ થઈ હશે એમને ? આ રીતે એમાં શક્તિ વેડફાય એવું નહીં ?’
‘જો, હવે ડાબી બાજુ વળવાનું છે, પેલ્લું સામે દેખાય છે લખેલું, હૃદય-પરિમલ….’
‘આવું નામ કોઈ અવગતિયા લેખકે પાડ્યું હશે, આઈ એમ સ્યોર….’
‘કેમ અવગતિયા લેખકે ?’
‘પછી કહીશ…..’ હસતાં હસતાં ગાડી પાર્ક કરી. રંગબેરંગી પાંદડાંવાળા છોડથી ખીચોખીચ ભરેલી ક્યારીઓ વચ્ચેથી ઓફિસના મોટા બારણા લગી બંને આવ્યા. ભાવિને વાળ પર હાથ ફેરવ્યો. ભાવિને નામ નોંધાવેલું એની ખાતરી કરી એની પાસે ફોર્મ ભરાવ્યું. એ ભાવિનને તટસ્થ ભાવે જોતો રહ્યો. આખા અઠવાડિયામાં પોતાની અનુકૂળતા પ્રમાણે છ કલાક આપવાના. આવી શરત ન પાળી શકાય તો ? ભાવિને પૂછી લીધું.
‘વાંધો નહીં. આપ પ્રયત્ન કરો છો એ જ મોટી બાબત. મુદ્દો એક જ. નો સેલ્ફ ડિસેપ્શન. જાત સાથે બનાવટ નહીં, અમારી જોડે કરો તો વાંધો નથી !’ ટેબલ પાછળ બેઠેલી મહિલા આટલું કહીને હસી પડી, ગમી જાય એવું.
‘આજે તો માત્ર પરિચય કેળવો જગ્યાનો. બહાદુર, મિત્રોને બતાવો બધું….. ને શું લેશો ? હર્બલ ટી કે લીંબુ-પાણી ?’ વીસેક વર્ષનો છોકરો-ના, છોકરા જેવો દેખાતો યુવાન-સામે આવ્યો.
‘ચાલો સર, પહેલાં આ તરફ.’

વાંચવા માટે ઢગલો પુસ્તકો સાવ નિરાળી ઢબે રાખ્યાં હતાં. ભીંતે, વચ્ચેનાં કડાંઓ પર ભરવેલા રંગબેરંગી ઝૂલાઓ, દરેકમાં થોડાં થોડાં પુસ્તકો, સાથે લટકતી પટ્ટીઓ પર વિષય પ્રમાણે વર્ગીકરણ. અને આરામદાયક બેઠકો, ભરપૂર અજવાળું. એક ખંડમાં ગ્રુપ કાઉન્સેલિંગ. જાડા પડદાની આડશમાં અંદરનું દશ્ય ન દેખાયું. ઠેકઠેકાણે જીવન ધબકતું હતું, વાંસળીના મંદ મંદ સંગીત વચ્ચે ક્યાંક ચિત્રકામ, તો ક્યાંક શિલ્પકામ. રસોડામાં હાથ અજમાવવો હોય તો એનીયે જોગવાઈ હતી ! આ બધી પ્રવૃત્તિઓથી થોડે વેગળે, બે નાની નાની બંગલી જેવી ઈમારત, એનાં નળિયાંથી છવાયેલાં છાપરાંને લીધે જુદી તરી આવતી હતી. કદાચ સંસ્થાના કોઈનું રહેઠાણ હશે. પગલાં પાછાં વળે એ પહેલાં બહાદુરે રોક્યા.
‘આ તરફ તો ખાસ જવાનું છે…. પ્લીઝ….’

ઓસરીમાં રમકડાં પથરાયાં હતાં તેથી સાચવી સાચવીને ચાલવું પડ્યું. તોયે એક પગ તો રૂપાળા ઢીંગલા પર પડી જ ગયો. અચાનક એનો મોટેથી રડવા જેવો અવાજ સાંભળી બંને ચોંકી ગયા. બહાદુર મલકાયો, ‘આ તરફ આવો સર, અહીં…..’ ત્રણ સુઘડ ખંડ, એકમાં દોઢ-બે વર્ષનાં બાળકો. પારણામાં પણ અને ભોંયે રમતાંયે. બીજામાં થોડાં મોટાં, જાતજાતની રમતોમાં રોકાયેલાં, ચિત્રો બનાવતાં, વાંચતાં, વાતો કરતાં અને ત્રીજામાં નિશાળે જતા છોકરાઓ, અભ્યાસમાં ડૂબેલા કે કોમ્પ્યુટર સામે બેઠેલા. એક ખંડનો અવાજ બીજામાં ન જાય એવી રચના. લાગે બાળસંસ્થા જેવું. આ લોકો આવુંયે કરતા હશે કમાણી માટે ?
‘આ બધાં અહીં….?’
‘નશામાં ખતમ થઈ ગયેલાઓના છોકરા, ઠેકઠેકાણેથી આવે છે અહીં. જગ્યા ઓછી પડે છે હવે તો ! બાળપણ અને ભણતર સચવાઈ જાય એટલે બસ, પછી તો…..’ બહાદુરે ઉપર હાથ કર્યા. હવામાં ખુશી તરતી હતી. સારી વ્યવસ્થા કહેવાય. થોડું દાન આ તરફ આવવા દેવું જોઈએ. આટલો મોંઘોદાટ પીએ છીએ તો પછી…. કેમ આવો વિચાર આવ્યો ? એણે ભાવિન તરફ જોયું. ભાવિન થોડો ગૂંચવાયેલો દેખાયો. એને પણ કદાચ એવો જ વિચાર….?

‘ત્યાં શું છે ?’
શી ખબર શું ચાલતું હશે ત્યાં ! કુતૂહલ વધતું જતું હતું. નાનકડા મેદાન ફરતી પાંચેક જાળીવાળી ઓરડીઓ. એકની બહાર ઊંચી ઓલાદની કદાવર શ્વાન-માતા પગ પર પગ ચડાવી એનાં ગદડમદડ બચ્ચાંઓની ઊછળકૂદ હેતથી જોતી હતી. બહાદુર દેખાયો કે એની ગુચ્છાદાર પૂંછડી હવામાં વીંઝાવા લાગી.
‘આ સાશા છે, એકદમ જાતવાન અને સમજદાર તો એટલી બધી છે કે… એકાદ વરસથી અહીં તમારી સાથે છે.’
‘તમે પાળી હશે…. આજકાલ તો સિક્યોરિટીનું કામ કૂતરાઓ જ કરે છે….’
‘ના, પાળેલી તો એના માલિકે. એમનાં વાઈફ ગુજરી ગયાં અને એમનું પીવાનું વધી ગયું. કોઈ કન્ટ્રોલ નહીં. પછી તો જે થવાનું હતું તે થઈને રહ્યું. સાશા એમની ગજબની હેવાઈ. શબ પાસેથી ખસે નહીં. ખાવાપીવાનું સાવ છોડી દીધેલું. ત્યારે બચ્ચાં મૂકવાની તૈયારીમાં હતી. અમારાં મેડમ રહ્યાં સાશાની જોડે, માયા બાંધી, અને પછી આટલે લઈ આવ્યાં….’ ભાવિન વેગળો રહ્યો, પણ એ તો સાશાની બરાબર સામે જઈ ઊભો. કાન ફફડાવી, રુવાંટી થરકાવતી સાશા ખડી થઈ ગઈ. એણે સાશાની આંખોનું અતગ ઊંડાણ જોયું એમ નહીં, એ એમાં ખેંચાઈ ગયો પૂરેપૂરો. સાશા એની નજરમાં નજર પરોવી એકીટશે, લગાતાર, એને જોતી રહી, અને એ સ્તબ્ધ, અવાક ઓગળતો ગયો.

-પછી શું થયું એની ખબર નથી પણ એ દિવસ બાદ એ અને ભાવિન ‘હૃદય પરિમલ’માં નિયમિત આવે છે. ભાવિનથી અઠવાડિયાના છ કલાકવાળો નિયમ પળાતો નથી, પરંતુ એ તો હવે કલાકોની ગણતરી સાવ ભૂલી ગયો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

10 thoughts on “સાશાની આંખો – હિમાંશી શેલત”

Copy Protected by Chetan's WP-Copyprotect.