એકલતાનું ઓસડ – હરિશ્ચંદ્ર
[‘વીણેલાં ફૂલ’ પુસ્તકમાંથી સાભાર.]
[dc]ડૉ[/dc]ક્ટરની વાટ જોતી હું હોસ્પિટલમાં એકલી બેઠી હતી. ડૉક્ટરે સમય આપેલો બપોરે બેનો. ધગધગતા ભર બપોરે મારી સાથે આવવા કોણ તૈયાર થાય ? પતિએ પણ કહ્યું કે, ‘જઈ આવ ને ? ડૉક્ટર ઓળખીતા જ તો છે.’ એટલે હું એકલી જ આવી. મેં જોયું કે ત્યાં આવેલાં દર્દીઓમાં એકલી કદાચ હું એક જ હતી. બાકી, દરેકની સાથે કોઈ ને કોઈ આવેલું. મને મનમાં થોડું ઓછું આવી ગયું.
તેવામાં એક ગાડી આવીને ઊભી. મને થયું ડૉક્ટર આવ્યા હશે. પણ તેમાંથી ત્રણ જણ ઉતર્યાં. એક જણે આવીને નર્સને કહ્યું : ‘હું શેખ, હાર્ટના પેશન્ટને લઈ આવ્યો છું. એમને છાતીમાં ભારે ગભરામણ થઈ આવી છે.’ તુરત દોડધામ શરૂ થઈ. દર્દી સાઠેક વરસની વૃદ્ધા બાઈ હતી. તેના મોઢા પર વેદના સ્પષ્ટ દેખાતી હતી. તેને અંદર લઈ જવામાં આવી. શેખની પત્ની તેની સાથે ગઈ. શેખ બહાર બેચેનપણે આંટા મારતા હતા.
મેં પૂછ્યું : ‘તમારાં મા થાય કે ?’
‘ના, એમનું કોઈ સગું નથી. મારી પડોશમાં એકલાં જ રહે છે. એકાએક છાતીમાં દુઃખવા આવ્યું. એમને ભારે ગભરામણ થતી હતી. એટલે તુરત એમને અહીં લઈ આવ્યાં. ખુદા જાણે, શું થશે !’
મને એમને માટે ઘણું માન થયું. આટલી માણસાઈ હજી ટકી છે ! નહીં તો એકલી બાઈ, એનું શું થાત ? મને તેના પરથી મારોયે વિચાર આવ્યો. છેવટે મારીયે કેવી અવસ્થા થશે, શી ખબર ? તેવામાં શેખનાં પત્ની બહાર આવ્યાં, ‘કાકીને સારું છે.’
ડૉક્ટર બહાર આવ્યા. શેખનો ખભો થાબડીને બોલ્યા, ‘તમે વખતસર લઈ આવ્યા એટલે બાઈનો જાન બચ્યો.’ પતિ-પત્ની બંનેએ ખુદાનો અહેસાન માન્યો. થોડી વારમાં દર્દીને સ્ટ્રેચર ઉપર એક રૂમમાં લઈ ગયા. દરમ્યાન મારો નંબર લાગ્યો. ડૉક્ટરે મને તપાસી, કાર્ડિયોગ્રામ લીધો, અને કહ્યું, ‘તમારે થોડી કાળજી રાખવી પડશે. બાકી ચિંતા જેવું કાંઈ નથી. આ ગોળી લખી આપું છું. પંદર દિવસે ફરી આવજો !’
હું ભારે પગલે બહાર આવી. ત્યાં સામે જ શેખ મળ્યા.
‘કેમ છે હવે માજીને ?’ – મારાથી સહજ પુછાઈ ગયું.
‘ઘણું સારું છે. હવે અમે ઘરે જઈને એમના માટે કાંઈક કરી લાવીએ. અમારુંયે બધું બાકી જ છે. એકાદ કલાક કોઈ….’
‘હું રહું એટલો વખત એમની પાસે.’ – એકદમ મારાથી કહેવાઈ ગયું. મનેય નવાઈ લાગી. કોણ જાણે કેમ, મને એ અપરિચિત બાઈ માટે અનુકંપા થતી હતી. અને શેખદંપતીને કાંઈક ઉપયોગી થવાની ઈચ્છા. મેં ફરી કહ્યું : ‘તમે નિરાંતે જઈ આવો. હું અહીં બેઠી છું.’ હું ત્યાં બેઠી રહી. કાકી આંખો મીંચીને પડ્યાં હતાં. હું પુસ્તક લઈને બેઠી હતી, પણ તેમાં ચિત્ત નહોતું. મારું મન ચકડોળે ચઢ્યું હતું. મારે બે દીકરા છે, પણ બંને પરદેશ. એક દીકરી છે, તે પણ પરદેશ. અહીં અમે બંને એકલાં. હવે ઉંમર થઈ, તબિયત નરમ-ગરમ રહે. બંને સરખી ઉંમરનાં. કોણ કોની સેવા કરે ? એટલે અમારીયે સ્થિતિ આ બાઈ જેવી થવાની ?
વચ્ચે બાઈએ આંખો ખોલી. મેં પૂછ્યું : ‘પાણી આપું ?’
તેણે નકારમાં માથું હલાવ્યું. ફરી આંખ મીંચી. ફરી ઉઘાડી. એ કાંઈ કહેવા માગતી હોય એમ લાગ્યું. પણ તાકાત જ નહોતી. થોડી વારે નર્સ ગોળી આપી ગઈ. મેં બાઈને માથે હાથ મૂકી કહ્યું, ‘આ દવા લેવાની કહી છે.’ તેણે મોઢું ખોલ્યું, મેં દવા મૂકી અને પાણી પાયું. એ ગોળી ગળી ગઈ. પછી પળ વાર એણે મારી આંખોમાં આંખ પરોવી. એની આંખોમાં જરીક ભીનાશ જણાઈ. મોઢેથી બોલી તો કાંઈ નહીં, પણ એ આંખો ઘણું ઘણું બોલી ગઈ, મારા હૃદયને સ્પર્શી ગઈ. મારાથી કાંઈક સારું કામ થયું. એવી મને હૈયામાં ટાઢક થઈ. મને નવાઈ લાગી કે હું ત્યાં બેઠી રહી તે દરમ્યાન મારી પોતાની બીમારી વિશે તો સાવ જ ભૂલી ગઈ. મારો વિષાદ પણ ક્યાં ચાલ્યો ગયો, ખબર ન પડી. હું કોઈકને ઉપયોગી થઈ રહી છું, એવા ખ્યાલથી મને ભર્યું-ભર્યું લાગતું હતું.
કલાકેકમાં શેખ-દંપતી આવી પહોંચ્યું. તેઓ મારા માટે પણ ચા લઈ આવેલાં. ત્યારે જ મને યાદ આવ્યું કે આજે મેં ચા પણ નહોતી પીધી. બાકી બપોરે ચા ન મળી હોય, તો મારું માથું ભારે થઈ જતું. અને ભારે બેચેની લાગતી. આજે તેમાંનું કશું થયું નહીં. ચા યાદ સુદ્ધાં આવી નહીં ! શેખ-દંપતી સાથે વાતો થઈ. એમનો થોડો પરિચય થયો. બંને નિઃસંતાન હતાં. પણ તેનો કોઈ રંજ નહોતો. કહે, ‘ખુદાનાં આ બધાં સંતાનો આપણાં જ છે ને !’ બીજાને કાંઈ ને કાંઈ મદદરૂપ થવાની જ એમને તમન્ના.
હૉસ્પિટલમાંથી પાછી ફરી ત્યારે મારા પગમાં નવું જોમ હતું. અને હૈયામાં હામ હતી. જીવન તરફ જોવાની નવી દષ્ટિ મને સાંપડી હતી. પેલી બાઈ ત્યાં સાતેક દિવસ રહી, ત્યારે રોજ બે કલાક હું એની પાસે બેસતી અને શેખ-દંપતીને આરામ આપતી. ત્યાર પછી એ હૉસ્પિટલમાં કે બીજે ક્યાંય હું થોડો-થોડો વખત આપતી થઈ. ક્યાં, કોને, કઈ રીતે કાંઈકેય મદદરૂપ થઈ શકાય, તે આપોઆપ સૂઝતું ગયું. એકલાતાની ભીંસમાંથી મુક્ત થતી ગઈ. તેનું ઓસડ જાણે મારે હાથ લાગ્યું હતું.
(શ્રી શ્યામલા કુલકર્ણીની મરાઠી વાર્તાને આધારે)



સુંદર
Nice Story!
Nice story…….
ખુબ જ સરસ્
FEELINGS ,WHICH SPRING FROM WITHIN
રિય્લિ સરસ વાર્તા મન ને સ્પશ કરિ ગયિ
very few people can share their time for others,great job…
અતિ સુન્દર !!!
Beautiful…Helping others without any expectations gives immense pleasure.
Thank you for sharing this beautiful story with us!
આપણા વડીલોએ લેવા જેવી શીખ. નિવ્રુત થયા પછી જો આ રીતનો ટેકો કોઇને આપી શકો તો ટાઇમ અને આત્મસંતોષ બંને મળે.
એકલ રહેત વ્રુધ્ધો એ સમજવા જેવિ સરસ વરતા
હંમેશા બીજાને મદદ્ કરવામાં આનંદ મળતો હોય છે. તેમ છતાં કેમ જાણે આપણે ક્યાંક ને ક્યાંક ખચકાતાં હોઈએ છીએ. બાકી જો એક વાર પ્રયત્ન કરી જોઈએ તો જરૂર થી એક શાંતિ ની લાગણી આપણને મળે છે. ઘણી સરસ વાર્તા અને ખુબજ સરસ બોધ પાઠ છે. વૃધો અને તેમના સંતાનોએ પણ ખરેખર કૈક સમજવા જેવું ટુંકાણ માં કહી જાય છે.
TRY TO TAKE CARE OF SOMEONE MOST NEEDY AND FEEL HAPPY :-SUBODHBHAI.
Really very nice story.
सुन्दर वार्ता ! सत्यघटना हो तो अति सुन्दर !!!
“अपने लिए जिए तो क्या जिए, तू ज़ी, ये दिल ज़मानेके लिये “
જેઓની પાસે શારીરિક જોમ છે અને સાથે ફાલતુ ટાઈમ હોય તેવા લોકો અગર કોઈ બીજાની તકલીફ માં મદદરુપ બને તો તેઓનુ જીવન ધન્ય થઈ જાય છે. ક્યારેક અજમાવી ને જાણી લેજો કે આમા કેટલુ સત્ય છે