ત્રણ પાળીમાં ચાલતું બજાર – ગાયત્રી જોષી

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ ગાયત્રીબેન જોષીનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે gayatri.abhiyaan@gmail.com સંપર્ક કરી શકો છો.]

[dc]લ[/dc]ગભગ 15મી સદીની આસપાસ કોઈ સંત માણેકબાબાના નામ પરથી અમદાવાદની વચ્ચોવચ્ચ આવેલા ચોકનું નામ ‘માણેકચોક’ પડ્યું. અહીં આખો દિવસ માનવ મહેરામણ ઉભરાય છે. સવારે વહેલા અહીં શાક-બકાલું વેચાય છે. પછી સોનીબજાર ધમધમે છે અને રાતે ખાણીપીણીનું બજાર મોડી રાત સુધી ચાલતું હોય છે. આ માર્કેટ ચોવીસેય કલાક ખુલ્લું હોય છે.

આ બજાર એ રાણીના હજીરાની અડીને ઉભી હરોળમાં આવેલું છે વચ્ચે સરસ મજાનો ચોક પડે છે. અહીંનું સોનીબજાર ગુજરાતનું સૌથી મોટું સોનાચાંદીનું બજાર છે. અને ખાણીપીણીનું બજાર પણ વર્ષો જૂનું છે. માણેકચોકમાં તમે રાતે જાવ ત્યારે તમને દિવસ કરતાંય વધારે ભીડ જોવા મળે. ખાણીપીણીનો તો જાણે મેળો જામ્યો. જાત જાતના ભાતભાતના નાસ્તાની લારીઓ અને દુકાનો હારબંધ દેખાય. અહીંની દુકાનો 1942 પહેલાની છે. અમુક તો પેઢીઓ છે. તેમના લાયસન્સ બ્રિટીશરોના જમાનાના છે. માણેકચોકમાં રાણીના હજીરાની લાઈનમાં જે દુકાનો છે તે સૌથી જૂની છે. વચ્ચેના ચોકની ભાજીપાઉં અને બીજા ફાસ્ટફૂડની દુકાનો 30 થી 40 વર્ષ જૂની છે. હાલમાં આ દુકાનો દુકાન શરૂ કરનારની ત્રીજી કે ચોથી પેઢી ચલાવે છે. આપણા પરંપરાગત નાસ્તા તો ખરાં જ અને સાથે સાથે વિદેશીફૂડનું દેશીકરણ થઈને ઈન્ડોવેસ્ટર્ન ફૂડ પણ અહીં ઉપલબ્ધ છે. આ માણેકચોકમાં દુકાનદારોનો રોજનો વકરો લાખોમાં છે. માણેકચોકનું એક સુત્ર છે : ‘ધરાઈને ખાશો તો ધાર્યું થશે.’

રાતના દસ-સાડા દસ વાગે એટલે આ નાસ્તાબજારની લારીઓ પોતાની દુકાનો જમાવવા લાગે છે અને તે છેક સવારના ત્રણ વાગ્યા સુધી ગરમાગરમ નાસ્તાથી આવનારના મન જીતી લે છે. આમ તો સરકારે રાતે દોઢ વાગ્યા સુધીની જ પરવાનગી આપેલી છે પરંતુ બધું આટોપતાં સવારના ત્રણ વાગી જાય છે. જ્યારે અમે ત્યાંના ગરમાગરમ ગાંઠિયા અને ફાફડાની લહેજત માણનારા ગ્રાહકોને પૂછ્યું કે આટલી રાતે અહીં નાસ્તો કરવા આવવાનું કારણ શું ? ત્યારે એમણે સરસ જવાબ આપ્યો, ‘હું કેનેડાથી આવું છું. દર શિયાળામાં બે મહિના ઈન્ડિયા આવવાનું થાય ત્યારે અઠવાડિયામાં બે વાર તો આ માણેકચોકની મુલાકાતે આવવાનું જ. અમે પહેલા દરિયાપુરની પોળમાં રહેતા હતા, હાલમાં અમે નારણપુરામાં રહીએ છીએ. પણ તેમ છતાં, હું અહીં આ ગાંઠિયા ખાવા આવું છું. વિદેશમાં આખુ વર્ષ મને આ સ્વાદ યાદ આવે છે અને હું અહીં વીતાવેલી ક્ષણોને વાગોળ્યા કરું છું.’ આ શબ્દો છે પોતાના પરિવાર સાથે માણેકચોકમાં ફાફડાની જ્યાફત ઉઠાવવા આવેલા નલીનભાઈ પટેલ અને અર્ચીતાબહેન પટેલના.

આ તો થઈ એન.આર.આઈની વાત પણ આપણને એમ થાય કે આ લોકો આટલી મોડી રાતે સ્પેશ્યલ નાસ્તો કરવા શા માટે છેક માણેકચોક સુધી લંબાતા હશે ? તો તેના કારણો જુદાજુદા છે. જેમ કે, જયશ્રીબહેન સોની અને ભરતભાઈ સોની કાંકરિયા રહે છે. તેમ છતાં તેઓ અહીં આવે છે. અહીં પાણીપૂરી અને ભેળની મજા માણી રહેલા આ કપલને અમે પૂછ્યું કે તમે અહીં કાયમ આવો છો ? તો તેમણે જવાબ આપ્યો કે, ‘છેલ્લાં ત્રીસ વર્ષથી હું અને મારી પત્ની બંને દર શુક્રવારે અને રવિવારે માણેકચોક અચૂક આવીએ અને ભેળ તથા પકોડી તો ખાઈએ જ ખાઈએ. સાથે સાથે હમણાંથી અમે કલબ સેન્ડવિચ પણ ટ્રાય કરીએ છીએ.’ માણેકચોકમાં દહીંવડા અને નવતાડના સમોસાનો સ્વાદ માણી રહેલા જાણીતા કોલમીસ્ટ અને લેખક મંગલ દેસાઈને જ્યારે અમે પૂછ્યું કે, આટલી રાતે માત્ર નાસ્તો કરવા જ અહીં આવો છો કે બીજું પણ ખાસ કારણ છે ? તેમણે હસતાં હસતાં જણાવ્યું કે, ‘જમવાની જ્યાફત ઉઠાવવા તો આવીએ જ છીએ પણ મને ગુજરાતી નાટકો લખવાનો અને ડિરેક્ટ કરવાનો અને જોવાનો ખુબ શોખ છે. એટલે જ્યારે આ શો પૂરો થાય ત્યારે રાતના બાર વાગી ગયા હોય. આખા દિવસની મહેનત અને રિહર્સલને કારણે કલાકારોથી લઈને તેમને સપોર્ટ કરનારા તમામ લોકો થાકી ગયા હોય. ત્યારે અમદાવાદમાં બીજે ક્યાંય તમને આટલો ગરમાગરમ અને તાજો નાસ્તો ના મળે. અને વળી જે તમને ભાવતું હોય તે ! આવી ચોઈસ બીજે ક્યાં મળે. હું કિશ્ન નગર રહું છું છતાં મને અહીંનું ફૂડ કોઈ ફાઈવસ્ટાર હૉટલ જેટલું જ ભાવે છે !’

ત્યાં પેઢીઓથી ધંધો કરતાં સોહમલાલાને જ્યારે અમે પૂછ્યું કે ઘરાકી કેવી રહે છે ? ત્યારે તેમણે કહ્યું કે, ‘વર્ષોથી અહીં તમને હંમેશાં માણસોની ભીડ જોવા મળે જ. હા, થોડા સમય માટે ઘરાકીમાં ઘટાડો થયો હતો પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી તો ઘરાકીમાં એકદમ ઉછાળો આવ્યો છે.’ રાતે આ ખાણીપીણીના મેળામાં એક સામાન્ય સ્ટુલ પર સેન્ડવિચનું બોર્ડ લાગેલું હતું. જ્યારે અમે ત્યાં જઈને ત્યાં અશોક સ્ટવ પર કલબ સેન્ડવીચ બનાવી રહેલા પ્રાણલાલ સોનીને પૂછ્યું કે તમે મહિને કેટલું ભાડું ચૂકવો છો ? તો તેમણે જવાબ આપ્યો, ‘કંઈ નહીં, માત્ર જે લાઈટ બીલનો ખર્ચ આવે તે અમારે ચૂકવવાનો હોય છે. અમે જગ્યાનું કોઈ ભાડું ચૂકવતાં નથી.’ આમ જોવા જાવ તો આ સુરક્ષાનો એક સરળ અને સરસ માર્ગ છે. આટલા મોટા સોનીબજારમાં જો સિક્યોરીટી રાખવાં જાય તો કેટલો બધો ખર્ચ આવે ! એના કરતાં આ દુકાનદારો ખાણીપીણીના સ્ટોલ લગાવવા દે છે જેથી તેમની દુકાનોની ચોકી પણ થાય અને ખાણીપીણીવાળાનો બિઝનેસ પણ ! મોટાભાગે માણેકચોકમાં રાતે ચોરી ન થવા પાછળ આ જ કારણ હશે. બીજું એ કે અહીં જે લોકોની ભાજીપાઉં, સેન્ડવીચ, સમોસા, ગાંઠીયાં, જલેબી, કુલ્ફી, આઈસ્ક્રીમ, પીત્ઝા, બર્ગર કે તમામ નાસ્તાની દુકાનો છે તેઓ દિવસે બીજે ક્યાંક નોકરી ધંધો કે વ્યવસાય પણ કરે છે. એટલે વગર રોકાણનો આ એકસ્ટ્રા ધંધો કહી શકાય. જો એક દિવસનું માણેકચોકની ખાણીપીણીની દુકાનોનું કાઉન્ટર ગણો તો 5 થી 10,000 જેટલું હશે.

હવે તો સરકાર કોઈ નવી દુકાનોને લાયસન્સ આપતી નથી. પણ જેટલી છે તે દુકાનો રાતે માણેકચોકની રોનકમાં ઓર વધારો કરે છે. પશ્ચિમ વિસ્તાર એટલે કે અમદાવાદમાં સાબરમતીની આ બાજુએ તો હજુ હમણાં રાત્રિબજારનો કન્સેપ્ટ અમલમાં આવ્યો છે પણ પૂર્વવિસ્તારમાં તો આપણને આઝાદી મળી તે પહેલાનું રાત્રિબજાર ધમધમે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

10 thoughts on “ત્રણ પાળીમાં ચાલતું બજાર – ગાયત્રી જોષી”

Copy Protected by Chetan's WP-Copyprotect.