પંચામૃત અભિષેક – ભૂપત વડોદરિયા

[ જીવનપ્રેરક લેખોના પુસ્તક ‘પંચામૃત અભિષેક’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. ]

[1] માણસ એકલો જીવી ન શકે !

[dc]એ[/dc]ક મિત્રે કહ્યું : ‘સવારમાં અખબારો પર નજર પડે છે અને મોંમાં તેમ જ મનની અંદર કડવાશ ફેલાઈ જાય છે. અખબારોનાં કેટલાંક મથાળાં આંખમાં વાગે છે. ‘પતિએ પત્નીને જીવતી સળગાવી દીધી’, ‘પોતાના નાનકડા પુત્રની સાથે સ્ત્રીએ અગ્નિસ્નાન કર્યું’, ‘એક પુત્રે પિતા ઉપર પ્રાણઘાતક હુમલો કર્યો’, ‘એક પિતાએ પુત્ર ઊંઘતો હતો ત્યારે તેની હત્યા કરી’….. પ્રશ્ન વારંવાર મનમાં એક જ ઊઠે છે – બહાર તો ચોતરફ હિંસાનાં પૂર ઊછળે છે પણ કુટુંબજીવનમાં પણ આટલી હિંસા ? આટલી હદે કૌટુંબિક સંબંધોમાં નિષ્ઠુરતા અને અમાનુષી વ્યવહાર ? આપણો સમાજ બહારથી તો સુખી-સમૃદ્ધ દેખાય છે. પણ બહારના દેખાવની અંદર આ જે યાદવાસ્થળી જેવું દશ્ય જોવા મળે છે તે તો એક ગંભીર બીમારી જ નથી ? વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે જ્યાં લોહીનો કે પરિવારનો સંબંધ છે ત્યાં આટલી હિંસા ? આનું કારણ શું ?’

વાસ્તવિક ચિત્ર આજે આ જ છે તે તો કબૂલ કરવું જ પડે પણ એક બાજુ આપણે આપણી જાતને ‘સંસ્કારી’, ‘સુશિક્ષિત’ ગણાવીએ છીએ અને બીજી બાજુ આપણે ત્યાં જે જોવા મળે છે તેમાં ક્યાંય ‘સંસ્કાર’ કે ‘શિક્ષણ’નું નામોનિશાન જોવા મળતું નથી. વિચારવો પડે તેવો આ એક ગંભીર પ્રશ્ન છે. આપણા ‘સંસ્કાર’ અને ‘શિક્ષણ’ માત્ર બહારનો એક વેશ જ છે ? આપણી અંદર તો હિંસાના આશ્રયે જીવતો મનુષ્ય મનુષ્યના વેશમાં એક પશુ જ છે તેમ સમજવું ? સમાજવિજ્ઞાનીઓએ વિચારવો પડે એવો આ એક ગંભીર પ્રશ્ન નથી ?

અહિંસાને પરમ ધર્મ માનનારી, દયાને ધર્મનું મૂળ માનનારી, ક્ષમાને જ ધર્મ માનનારી આપણી સંસ્કૃતિનો વિચાર કરીએ તો આપણને આઘાતની લાગણી જ થાય. એવું લાગે છે કે, આપણે કેટલી હદે સ્વાર્થી અને એકલપેટા બની ગયા છીએ કે આપણને આપણી પોતાની જાત સિવાય બીજું કશું નજરે જ પડતું નથી. નથી પત્ની દેખાતી, નથી સંતાન દેખાતાં અને માતા-પિતા પણ જોઈ શકાતાં નથી. પોતે માની લીધેલા પોતાના હિત કે સ્વાર્થ ખાતર આપણે લોહી કે લાગણીના ગમે તે સંબંધને ફોક ગણી શકીએ છીએ. ધીરે ધીરે હિંસાની આ વૃત્તિ આપણાં બાળકોમાં પણ વકરી રહી હોય તેવું દેખાય છે. બાળકો માત્ર ગમ્મતના ખ્યાલથી પાળેલા પ્રાણી-પંખી સાથે જે વ્યવહાર કરે છે તેમાં પરપીડનની તીવ્ર વાસના સિવાય કશું જ દેખાતું નથી. આપણે જેને ‘શિક્ષણ’ કહીએ છીએ તેમાં માત્ર નિર્જીવ માહિતીના ગંજ સિવાય કશું જ નથી અને આપણે જેને ‘સભ્યતા’ કે ‘સંસ્કાર’ ગણીએ છીએ તે માત્ર આપણું બહારનું એક મહોરું અને વેશથી વધુ કશું જ નથી. ‘વસુધૈવ કુટુંબકમ’ માનનારી આપણી સંસ્કૃતિનો લગભગ હ્રાસ થઈ ચૂક્યો હોય તેવું નથી લાગતું ? કોમ અને ધર્મના ભેદભાવથી પણ વિશેષ એક ‘ભેદભાવ’ જોવા મળે છે : જાણે માણસ જ માણસને ધિક્કારે છે !

પોતાની જાત સિવાય બીજા કશાનો વિચાર તેને આવતો નથી. અંદરનું કોઈ વેણ હોતું જ નથી. માત્ર એક દેખાવ, એક વેશથી વિશેષ કશું જ જોવા મળતું નથી. માણસ પોતાને ‘બુદ્ધિશાળી’ ગણે પણ તેને એટલું પણ સમજાતું નથી કે કોઈ માણસ એકલો તો જીવી જ ના શકે. માણસને એટલું પણ યાદ રહેતું નથી કે અંધારામાં અને એકાંતમાં તો પોતે ગૂંગળાઈ મર્યાની લાગણી અનુભવે છે તો, જાણી જોઈને ઠેરઠેર ‘અંધારાં’ અને ‘એકાંત’ કેમ પેદા કરી રહ્યો છે ? જૂના જમાનાના માનવીઓ આપણાથી સંભવતઃ વધુ સમજદાર હતા. આપણી કહેવાતી કેળવણી માત્ર બુદ્ધિની કેળવણી છે – જૂના જમાનાની તળપદી કેળવણી ખરેખર હૃદયની કેળવણી હતી. એ સમજતી હતી અને બુલંદ અવાજે કહેતી પણ હતી કે, જંગલમાં એકલું ઝાડ પણ ના હજો. એક જ એકલું વૃક્ષ નહીં – વૃક્ષોનું પણ એક નાનકડું કુટુંબ ! માણસ પણ એકલો કઈ રીતે રહી શકે ?
.

[2] સાચો મિત્ર કોને કહેવાય ?

ભાવનગરમાં આલ્ફ્રેડ હાઈસ્કૂલ અને શામળદાસ કૉલેજમાં સાથે ભણેલાં એક વર્ષો જૂના મિત્રે પ્રશ્ન કર્યો : ‘તમારી દષ્ટિએ સાચો મિત્ર કેવો હોય ?’ એમના પ્રશ્નનો જવાબ એ હતો કે સાચો મિત્ર એને કહેવાય કે સુખ-દુઃખમાં સાથે રહે. આપણું સુખ દેખીને રાજી થાય. આપણી ઈર્ષા ના કરે અને આપણા સુખમાં તેનો પોતાનો પણ ફાળો છે એવું સમજીને સુખમાં ભાગ ના માગે. તમે દુઃખમાં આવી પડો તો એ દુઃખની વાત કરીને તમારા દોષો અને છિદ્રો આગળ ના કરે. તમારા સુખે સુખી અને તમારા દુઃખે દુઃખી થાય. પોતાનાં અંગત દુઃખ અને તમારાં સુખ – એણે જાતે માની લીધેલા સુખની તુલના ન કરે.

મિત્રે બીજો પ્રશ્ન કર્યો : ‘સુખ-દુઃખના સવાલમાં પત્નીનો ધર્મ શું ?’
દરેક પુરુષના સુખ-દુઃખમાં તેની પત્ની તો ઈચ્છે કે ના ઈચ્છે ભાગીદાર હોય જ છે. સારી પત્ની એ કહેવાય કે જે દુઃખમાં પતિની આગળ ચાલે અને સુખમાં તેની પાછળ ચાલે. કોઈ પણ સંસારમાં પતિ ગમે તેટલી મોટી છાતીવાળો હોય, એ નાની કે મોટી છાતીમાં તો તેની પત્ની જ હિંમત ભરી શકે, હૂંફ આપી શકે. પુરુષનું સૌથી મોટું સૌભાગ્ય એ કહેવાય કે જે માણસ વિશે મિત્રો, સંબંધીઓ, સાથીઓ બધા ગમે તેટલી ગેરસમજ કરે – પત્ની શંકામાં ના પડે. અહીં વાત પતિમાં આંધળો વિશ્વાસ મૂકવાની નથી. અહીં મુદ્દો એટલો જ છે કે પુરુષની હિંમત, કાર્યશક્તિ, નિષ્ઠા એ બધામાં શંકા કરનાર અને અવિશ્વાસ કરનારા ઘણા બધા હોઈ શકે – એ સંજોગોમાં પત્ની તેના પુરુષમાં આંધળો નહીં – શ્રદ્ધામાંથી જાગેલો વિશ્વાસ મૂકે.

એક તદ્દન જાણીતી વાત છે. પુરુષની દરેક સફળતા પાછળ એક નારી – મહદ અંશે પત્ની – ઊભી હોય છે અને એ જ રીતે પુરુષની સરિયામ નિષ્ફળતા અને નાસીપાસીની પાછળ પણ તેની પત્ની ઊભી હોય છે – જાણીજોઈને નહીં તો અજાણ્યે એ નિમિત્ત બનતી હોય છે. આપણે અનેક કિસ્સામાં જોઈએ છીએ કે પતિની સફળતાનો યશ પત્ની લે છે અને નિષ્ફળતાના દોષનો ટોપલો પતિના માથે મૂકે છે. ખુદ પુરુષો પણ આવી મનોવૃત્તિથી મુક્ત નથી હોતા. સફળ થશે તો પોતાના જ પરાક્રમની કથા કહેશે, પણ નિષ્ફળ જશે તો કાં પત્નીનો અગર પત્નીના નસીબનો વાંક કાઢશે. પતિને ગમે તેટલા સારા-સાચા મિત્રો હોય, તેનો શ્રેષ્ઠ મિત્ર – અને રાત-દિવસનો સાથી તો તેની પત્ની જ હોય છે. પુરુષ ગમે તેટલો હિંમતવાળો હોય, તે કદી ‘બાળક’ મટી શકતો નથી. તેની પોતાની માતા પછી પત્ની જ તેના બાળપણ અને યૌવનના આવેગોની માર્ગદર્શક બની રહેતી હોય છે. પુરુષસહજ ભ્રમરવૃત્તિના લીધે પત્નીથી દૂર ચાલ્યા ગયેલા પુરુષો છેવટે હાર્યા-થાક્યા પત્ની પાસે જ પાછા ફરીને તેના ખોળામાં માથું મૂકે છે. ઘરની બહારના પુરુષના આસક્તિના તમામ સંબંધોમાં ક્યાંક ને ક્યાંક, ક્યારેક ને ક્યારેક આંચ આવે છે. છેવટે ઘર એ જ છેવટનો સહારો બને છે અને ઘર એટલે ગૃહિણી. ગમે તેટલા દૂર ભાગો, છેવટે ત્યાં જ પાછા ફરવું પડે છે. હારેલા-થાકેલા પુરુષનો મોક્ષ છેવટે ત્યાં જ છે.

એવા એક વિદ્વાન મિત્ર તેની પત્નીને છોડીને બીજી સ્ત્રીના મોહમાં તેના આશ્રયે ગયા. રોમાંચક સંબંધની વરાળ તરત ઊડી ગઈ અને એ બીજી નારીની સાથે નવા સ્નેહસંબંધનું એક વૃક્ષ તો ખડું કર્યું, પણ વૃક્ષનાં ખાસ મૂળ નહોતાં અને હોય તો ખાસ ઊંડા તો નહોતા. એ મિત્ર બીમાર પડ્યા ત્યારે બીજી સ્ત્રીએ તેનો ત્યાગ કર્યો. એ પરિણીત પુરુષ તેને વશ જરૂર થયો હતો, પણ તેને જીતી શક્યો નહોતો. જે છીનવી લીધું હોય છે તેને કોઈકની સગવડની પળે છોડી દેતાં બીજી વ્યક્તિને ખાસ કોઈ આંચકો લાગતો નથી કે અફસોસ પણ થતો નથી. એક મુરબ્બીની પાસે પ્રેમાવેશમાં એક પુરુષે પોતાના ગૃહત્યાગના નિર્ણયની વાત કરી ત્યારે મુરબ્બીએ કહ્યું : ‘ઠીક છે, પણ ઘેર પાછા ફરવાનો માર્ગ તદ્દન બંધ કરી નહીં દેતા. આ સંસારમાં પુરુષનું મન જ્યારે ભટકી જાય છે ત્યારે તેને યાદ પણ રહેતુંનથી કે જૂની મંજિલ છોડનારાઓને આસાનીથી બીજી એવી કોઈ મંજિલ મળતી નથી કે જેને છોડવાનો વારો વહેલો કે મોડો ના આવે !’

આખી વાતનો મૂળ મુદ્દો એ છે કે દરેક માણસને પોતાના મનની ચંચળતાનો મુકાબલો કરવો જ પડે છે. તેને બેકાબૂ અશ્વ સમજીને પણ ક્યાંક ખીલે બાંધવું પડે છે કે છેવટે ગમે તે જોખમ જાતે લઈને તેની લગામને બરાબર પકડી રાખવી પડે છે. મનને મારી શકાતું નહીં હોય, પણ તેને છેવટે પ્રબળ ઈચ્છાશક્તિથી અંકુશમાં તો લેવું જ પડે છે.

[કુલ પાન : 136. (મોટી સાઈઝ, પાકું પૂઠું). કિંમત રૂ. 225. પ્રાપ્તિસ્થાન : અભિયાન પ્રેસ એન્ડ પબ્લિકેશન. સમભાવ હાઉસ, ચીફ જસ્ટિસના બંગલા સામે, બોડકદેવ, અમદાવાદ.]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ગઝલ – અશરફ ડબાવાલા
પ્રભુના લાડકવાયા – ગુણવંત શાહ Next »   

1 પ્રતિભાવ : પંચામૃત અભિષેક – ભૂપત વડોદરિયા

  1. suryakantshah says:

    Dear Mrugesh

    Thanks for such type of presentation.Really in fact it is very difficult to find real friend.If one find he will be very lucky.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.