હાર્મોનિયમ કઈ રીતે વગાડશો ? – નિર્મિશ ઠાકર

[‘નિર્મિશાય નમઃ’ પુસ્તકમાંથી સાભાર.]

[dc]ચો[/dc]માસુ આવે ને મચ્છર વધી પડે, એમ નવરાત્રિ આવતાં જ હાર્મોનિયમ શીખનારાઓ વધી પડતા હોય છે ! ઘણા તો ઔરંગઝેબના વંશજ હોય એવી સ્પષ્ટ મુખાકૃતિ લઈ મારે ઘેર પધારે અને પૂછે : ‘સાંભળ્યું છે કે તમે પેટી શિખવાડો છો, વાત ખરી ?’
‘એ હું નહીં. સામે મગનભૈ મિસ્ત્રી રહે છે. ફર્નિચરનો ઑર્ડર ના હોય, ત્યારે એ પેટીઓ બનાવે છે. તમને રંધો ફાવતો હોય, તો એમની સામે બેસી જજો, એ શિખવાડશે….’ અંદરખાને ઘણી દાઝ ચડી હોવા છતાં હું આત્મીયતાપૂર્વક જણાવું છું.

‘પેટીનીય તમને ખબર નથી ?’ આવનાર પાછો હવામાં કાલ્પનિક ધમણ હલાવી મને કહે, ‘પેલું આમ કરીને હવા ભરી ચાંપો દબાવીએ તે ! પેટી એટલે વાજું, હજી ના સમજ્યા ?’ હાર્મોનિયમને પેટી કે વાજું કહેનારાંઓ
(કેટલાંક તો વળી પેટીવાજું પણ કહે છે !) એક જ પેટીને લાયક હોય એમ કલ્પું છું. જેમાં એમને સુવાડી દેવા જોઈએ. ના સમજ્યા ? કૉફિનની વાત કરું છું, જેમાં શ્વાસની ધમણ બેસી જતી હોય છે !

અમારા ગણપતલાલે ગઈ નવરાત્રિમાં એક જૂનું હાર્મોનિયમ ખરીદેલું. ઘણી ગડમથલ પછી હવે એમનો હાથ બરાબર બેસી ગયો છે, એટલે એ હવે પોતાના જેવા અનેક શિષ્યો તૈયાર કરે છે (આ પણ એક ચેપી રોગ છે, જેની રસી હજી શોધાઈ નથી !). એમનો એક નવો શિષ્ય તો પહેલે દા’ડે જ સરગમ શીખી કંટાળી ગયેલો.
‘સાહેબ, ગાયનો શિખવાડોને…..’ એણે ગણપતલાલને કહેલું.
‘અલ્યા, પહેલે દા’ડે જ સીધાં ગાયનો ?’ ગણપતલાલે તાર સપ્તકમાં ફરતી એક ત્રાડ નાંખેલી, ‘અલ્યા તું જન્મ્યો કે તરત જ ચાલવા માંડેલો ?’
‘પણ સાહેબ, પેલું ગાયન આમાં વાગે તો ખરું ને ?’
‘કયું ?’ ગાડીના છાપરે ચડ્યા હોય એવા અધ્ધર શ્વાસે ગણપતલાલે પૂછેલું.
‘પેલું…. છ-છ છૈયાં-છૈયાં-છૈયાં-છૈયાં…. છ-છ…..’ પેલાએ ગાઈ બતાવ્યું કે તરત ગણપતલાલે રૂમાલમાં પોતાનો ચહેરો સંતાડી દીધેલો ! ગાયનમાં જેટલી વાર ‘છ’ આવ્યો એટલી વાર શિષ્યના મુખમાંથી થૂંકનો છંટકાવ થયેલો. ગણપતલાલના પેટી-શિષ્યો પર તો પટારો ભરાય એટલાં પુસ્તકો થઈ શકે.

‘સાહેબ, આ તો વાગતું જ નથી !’ બે પગની ભીંસમાં હાર્મોનિયમ જકડી, બંને હાથે ફક્ત ધમણ ધમધમાવ્યે જતા એમના એક શિષ્યે એમને પૂછેલું, ‘હરામખોર, આયો ત્યારનો બે હાથે ધમણ પર મચ્યો છે, પણ આ ચાંપો કોણ દબાવશે, તારો બાપ ?’ ગણપતલાલ રાબેતા મુજબ ત્રાડેલા. એ શિષ્યે પંદર મિનિટમાં બે હાથે હાર્મોનિયમમાં કેટલી હવા ભરેલી, એ તો ભગવાન જાણે, પણ એના ગયા પછી અડધા કલાક સુધી હાર્મોનિયમ આપોઆપ વાગ્યા કરતું મેં જોયેલું ! હાલ એની (એટલે કે હાર્મોનિયમની) એ દશા છે કે એ પોતાના મૂડ પ્રમાણે જ વાગે છે, ચાંપો દબાવવાથી કોઈ ફરજ પડતો જ નથી. (છેલ્લે એને કોઈ ગુજરાતી ફિલ્મના સંગીતકાર ખરીદી ગયેલા, એવું જાણવા મળ્યું છે.)

હું તો સ્પષ્ટપણે માનું છું કે હાર્મોનિયમ ઉડઝૂડિયા લોકોનું વાદ્ય છે. ઠરેલ માણસો હંમેશાં વાંસળી, સિતાર કે સંતૂર શીખે છે. શાસ્ત્રીય ગાયન સાથે હંમેશાં તાનપૂરો હોય છે, હાર્મોનિયમ માટે મનાઈ છે કારણ કે ગાનાર બેસૂરો થઈ જાય તોયે હાર્મોનિયમના ઘોંઘાટમાં ખબર પડતી નથી. ઘંટીનાં બે પડિયાં વચ્ચેથી નીકળતા હોય, તેવા ઘેરા-નીચા ખરજના સૂરમાં ગાવા જશો, તો મોંમાંથી સૂર નહીં, ફકત હવા જ નીકળશે ! પણ જો સાથે હાર્મોનિયમ વગાડશો, તો સાંભળનારાં તમે જ ગાઈ રહ્યા છો એમ માની ઝૂમી ઊઠશે.

‘ગણપતલાલ, હવે હું ગળા સુધી આવી ગયો છું…..’ એક વાર ગણપતલાલના મકાનમાલિક ધસમસતા આવેલા.
‘એમાં મારો કોઈ વાંક ?’ ગણપતલાલે હાર્મોનિયમના પેટમાં ગલીપચી કરતાં કહેલું.
‘હવે આ ફાલતુ ધંધો બંધ કરી દો. રાજા, વાજાં ને વાંદરાંઓમાંથી હવે રાજાઓ તો રહ્યા નથી, રહ્યાં છે હવે વાજાં ને વાંદરાં….’
‘શું કહ્યુંઉંઉં ?’
‘બસ એ જ કે તમારા દ્વારા વગાડાતાં આ વાજાં સાંભળી સાંભળીને અમે તો ગાંડા થઈ ગયા છીએ, સમજ્યા ?’
‘તમે ઘોર અજ્ઞાની છો, હાર્મોનિયમ વગાડતાં શીખ્યા હોત તો આવું એલફેલ બોલતાં વિચાર કરત. આવડે છે હાર્મોનિયમ વગાડતાં ?’ ગણપતલાલે તંગ સૂરમાં પૂછેલું.
‘હા, હા, આવડે છે. તમે કહો તો વગાડું !’ ધરધણીએ દાંત પીસીને કહ્યું.
‘વગાડો, જો આવડતું હોય તો !’ ગણપતલાલ કટાક્ષમાં હસ્યા.
‘….લે…..ત્યારે….’ કહેતાંકને પેલાએ હાર્મોનિયમ ઉઠાવી ગણપતલાલના શરીર પર પછાડ્યું ને ગણપતલાલ એક અઘરી તાન સમી ચીસ પાડી ઢળી પડ્યા !
‘હવે બોલ, હાર્મોનિયમ બરાબર વાગ્યું ને ?’ પેલા એમના કાનમાં મોં નાંખી પૂછી રહ્યા હતા.

હું ધારું છું, હાર્મોનિયમ વગાડવાની આ જ શ્રેષ્ઠ રીત છે. વાચકમિત્રો, તમારે વગાડવું છે ?


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous અત્યંત રસપ્રદ જીવનચરિત્ર – ડંકેશ ઓઝા
પ્રસંગરંગ– સંકલિત Next »   

12 પ્રતિભાવો : હાર્મોનિયમ કઈ રીતે વગાડશો ? – નિર્મિશ ઠાકર

 1. શક્તિ રાઓલ says:

  હાર્મોનિયમ પર થી યાદ આવ્યું ક અમારી સ્કૂલ માં પણ અમારા સંગીત ના શિક્ષક હર્મોનીઉમ પર જ સંગીત સીખ્વાળતા પોતે લઘર – વઘર હોય પણ હર્મોનીઉમ બહુંજ સાચવતા ……

  મજા આવી વાંચીને …

  આભાર

 2. પરીક્ષિત ગોહિલ says:

  ખુબજ સરસ રીતે વર્ણન કરેલ છે .. આમુક ફકરા વાંચી ને તો એટલો હસ્યો કે આંખ માથી પાણી બંધ નોતા થતા !

 3. dr.vijay mehta says:

  excellent…ekla vanchta vanchta etlu hashvu aavtu hatu k koi jue toh pagal samje….

 4. મજા આવિ.

  મધુસુદન પારેખ નિ કોઇ પુસ્તક હોય તો મને માહિતિ આપસો.

 5. Nidhi says:

  Mast hasi hasi ne pagal thai gai.

 6. VIJAY MEHTA says:

  excellent article
  …………………………….comedy/hasy lekhan is d most difficult task….

 7. yogi pande says:

  very good article –and laughter is natural –there is no any hard words and all is in natural language —congrats

 8. Bhavesh says:

  બહુજ સરસ લેખ છે.. બહુ મજા આવિ.. ખુબ ખુબ આભાર્…

 9. bhranti says:

  iaaj na jamana ma nirdosh hasy ochhu jova male chhe.aapna aava pryatn mate lakh lakh abhinandan.

 10. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

  નિમ્મેસભાઈ,
  મજા કરવી દીધી. હાર્મોનિયમનો બીજાને ” વગાડવાનું ” હોય ! … જબરુ સંગીત-સત્ય ! સમજાવ્યું.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.