પ્રસંગરંગ– સંકલિત

[‘અરધી સદીની વાચનયાત્રા’માંથી સાભાર પ્રેરક પ્રસંગો.]

[1] જીવન પણ ઉત્તમ કળા – સુરેશ હ. જોષી

[dc]વૈ[/dc]શાખની બપોરના આકરા તાપમાં હું રોજ જોઉં છું : એક મકાન પર વધારાનો એક માળ લેવાની તૈયારી ચાલી રહી છે. માથે કશી છત્રછાયા વિના, કેવળ સૂર્યની નિષ્ઠુર દષ્ટિ નીચે, ઉઘાડા શરીરે, શ્રમજીવીઓ કામ કરી રહ્યા છે. કાળા અબનૂસ જેવાં એમનાં શરીર પરસેવાથી તગતગી ઊઠ્યાં છે. આકરી મજૂરી કરી રહ્યા છે, ને છતાં એમને મોઢે ગીત છે. એમનાં શરીરનાં હલનચલનના લય સાથે એનો લય બરાબર મળી જાય છે. બળબળતી બપોરમાં આ લય એક અવનવી કર્ણમધુરતા સર્જી દે છે. બીજી બાજુ, લગ્નમંડપોમાં, વરઘોડામાં ફિલ્મી ગીતોની ચીસાચીસ સંભળાય છે. એને કોઈ સાંભળતું નથી, છતાં એક રસમ ખાતર એ ગીતો વગાડવામાં આવે છે.

જગત સાથેનો આપણો સંવાદ તૂટ્યો છે. શહેર પાસે થઈને જ નદી વહી જાય છે, પણ એના વહેવાનો લય આપણને સંભળાતો નથી. સમુદ્રના ભરતી-ઓટથી અણજાણ આપણે, સમુદ્રની પાસે રહીને, જીવ્યે જઈએ છીએ. વૃક્ષોનો પર્ણમર્મર કે પંખીઓનો કલરવ, કાચીંડાનું ચુપકીદીથી સરકવું, નોળિયાનું એક વાડમાંથી બીજી વાડમાં સંતાઈ જવું – આ બધાંથી અણજાણ, પ્રકૃતિ વચ્ચે છતાં પ્રકૃતિમાંથી જ હદપાર થયા હોઈએ એમ, આપણે જીવીએ છીએ.

[2] જીવતરનું ભાથું – મણિભાઈ પ્રજાપતિ

આત્મકથામાં આત્મશ્લાઘાથી બચવું અને સત્યનું આલેખન કરવું તેમજ તેને કલાત્મક ઘાટ આપવો એ એક અઘરું કાર્ય છે. આ પ્રકારની આકરી કસોટીમાંથી પાર ઊતરીને સમયે સમયે આપણને કેટલીક ઉત્તમ આત્મકથાઓ પ્રાપ્ત થતી રહી છે. આવી એક રસપ્રદ અને ઉત્તમ આત્મકથા આપણને ભારતીય રોકેટ કાર્યક્રમના પ્રણેતા અને સુવિખ્યાત વૈજ્ઞાનિક એ.પી.જે. અબ્દુલ કલામ દ્વારા પ્રાપ્ત થાય છે : ‘વિંગ્ઝ ઑફ ફાયર’. સરળ અભિવ્યક્તિ અને કાવ્યાત્મકતાના રંગે રંગાયેલી આ કૃતિ એક સુગ્રથિત નવલકથાની જેમ વાચકને કુતૂહલવૃત્તિ સાથે જકડી રાખવા સમર્થ છે.

એક વૈજ્ઞાનિકની કલમે લખાયેલ તેમજ વિજ્ઞાન અને અધ્યાત્મનો સુમેળ સાધતી આ આત્મકથા એક પ્રાણવાન કૃતિ બની છે. પ્રસંગોપાત્ત પોતાના ભાવને અનુરૂપ અંગ્રેજી કવિઓની તેમજ સ્વરચિત કાવ્યપંક્તિઓ ઉપરાંત ‘અર્થવવેદ’, ‘ભગવદગીતા’, ‘કુરાન’, ખલીલ જિબ્રાન વગેરેનાં ટાંચણોથી સભર હોવાથી રોકેટ અને મિસાઈલ્સની વિકાસગાથા વર્ણવતી હોવા છતાં આ કૃતિ બોઝિલ બની નથી. ઠેરઠેર મૌલિક વિચારમૌક્તિકો વાચકોને જીવતરનું ભાથું પૂરું પાડે છે. સરળ ભાષા અને પ્રવાહિતા આ કૃતિની આગવી વિશેષતા છે. વિદ્યાર્થી, અધ્યાપક, સંશોધક, મૅનેજર વગેરે હરકોઈ ક્ષેત્રની વ્યક્તિ આ ગ્રંથમાંથી પોતાને ઉપયોગી માહિતી મેળવીને કૃતાર્થતા અનુભવશે તેમ નિઃશંકપણે કહી શકાય. આજે દિનપ્રતિદિન વાંચનટેવ વિસરાતી જાય છે, ત્યારે આ આત્મકથાનું વાંચન ઉદ્દીપક બની રહેશે.

[3] સૂતેલા ગુજરાતને બેઠું કરનાર – નારાયણ દેસાઈ

બારડોલીના સત્યાગ્રહ વખતે સરદાર ગુજરાતની પ્રજાને કહેતા કે ‘તમે ભલે દૂબળા હો, પણ કાળજું વાઘ-સિંહનું રાખો, સ્વમાન ખાતર મરવાની તાકાત હૃદયમાં રાખો, કોઈ તમને અંદર અંદર લડાવી ન શકે એટલી સમજણ રાખો.’ આ ત્રણે ગુણો – સિંહ જેવું કાળજું, સ્વમાન ખાતર મરી ફીટવાની આત્મશક્તિ અને મતભેદોથી ઉપર ઊઠવાની સમજણનો ગુણ – સરદારે પોતાના જીવનમાં ભરપૂર ખીલવ્યા હતા તેથી જ તેઓ સ્વરાજની લડતના લડવૈયા અને રાષ્ટ્રીય એકતાના ઘડવૈયા બની શક્યા. કોઈ પણ દેશની આઝાદીની લડાઈ લડવા સારુ અને એ આઝાદીને એકતા અને આબાદીમાં ફેરવવા સારું કાર્યકર્તાઓની એક મોટી તાલીમ પામેલી ફોજની જરૂર પડે છે. ગાંધીજીની સફળતાનું એક મોટું કારણ એ હતું કે એમને એવી ફોજ તૈયાર કરી શકે એવા સરદાર મળી ગયા હતા. તમોગુણમાં સૂતેલા ગુજરાતને આળસ ખંખેરીને બેઠું કરનાર, વીખરાતા ભારતને એક તાંતણે બાંધનાર, વજ્રશી શક્તિ ધરાવતા છતાં અંતરને કુસુમશું કોમળ રાખનાર હતા.

[4] પારેવું પ્યારું હોય તો – મહાદેવ દેસાઈ

ચક્રવર્તી રાજા શિબિ મહા દાનવીર અને ભીડભંજન હતા. એક વાર યજ્ઞ કરતા હતા, ત્યાં એક પારેવું એમના ખોળામાં આવીને પડ્યું, અને કરુણ આંખે એમની સામે જોવા લાગ્યું. એની પાછળ એક શકરો પડેલો હતો. શકરાએ રાજાને કહ્યું : ‘મારો શિકાર છોડ, તારા જેવા ભીડભંજનને મારા જેવા ભૂખ્યાનો શિકાર આમ છીનવી લેવો ન શોભે.’ મોટો લાંબો સંવાદ ચાલે છે; શકરો નથી ડગતો, અને પારેવું રાજાના ખોળામાં કંપી રહ્યું છે. શકરો આખરે તેજસ્વી રાજાના તેજ ઉપર પ્રહાર કરે છે. કહે છે : ‘વારુ, ત્યારે તને આ પારેવું પ્રાણ કરતાં પ્યારું હોય તો એ પારેવા જેટલું માંસ તારા શરીરમાંથી જ મને આપી દેને, ભૂંડા ! એટલે હું મારી મેળે મારી ભૂખ શાંત કરીને ચાલ્યો જઈશ.’

રાજાએ તત્ક્ષણે કહ્યું : ‘એ કરવાને તો તૈયાર જ છું.’ એમ કહીને એણે ત્રાજવાં મંગાવ્યાં. અને એક પલ્લામાં પારેવાને મૂકીને બીજામાં પોતાના અંગમાંથી કાપીને એક માંસનો કકડો મૂક્યો. પણ પારેવાવાળું પલ્લું નીચે નમ્યું. વળી કકડો કાપ્યો, તોય પેલું પલ્લુ ઊંચું જ ન થાય. આખરે રાજાએ કહ્યું, ‘વારુ, ત્યારે હવે હું જ સામા પલ્લામાં બેસું છું, પછી તો મારે કાંઈ આપવાનું રહેતું નથી. મારા આખા શરીરને તું સુખે ભક્ષ કર.’ આટલું કહેતાંવેંત ન મળે પારેવું, ન મળે શકરો ! રાજા આગળ ઈન્દ્ર અને અગ્નિદેવ પ્રત્યક્ષ થયા અને કહ્યું : ‘તારી પરીક્ષા પૂરી થઈ. તારું મંગળ થાઓ અને તારાં તેજ અખંડ તપો.’

[5] પુરુષની કઠોરતાનો ઉપાય – ચતુર કોઠારી

સ્ત્રી-પુરુષ સમાનતા માટે લાંબા કાળથી પ્રયત્નો થવા છતાં સ્ત્રીની સ્થિતિમાં બહુ ઓછો ફરક પડ્યો છે. ભણેલી, બુદ્ધિમાન સ્ત્રીને પણ નાની નાની વાતમાં કઠોર પુરુષનાં અપમાન સહેવાં પડે છે. દિવસ આખો હડિયાપાટી કરવા છતાં સ્ત્રીને માટે અવગણના, તિરસ્કાર, ક્યારેક તાડન અને રાતના વાસનાની તૃપ્તિ, એ જ પુરુષનો વ્યવહાર બની જાય છે. મકાન, સાધનસગવડ – બધું હોવા છતાં પતિના કઠોર વર્તનથી સ્ત્રી ત્રાસ પામે છે. આનું કારણ એ છે કે કુટુંબમાં બચપણથી જ છોકરાના અહંકારને પોષવામાં આવે છે અને છોકરીને ઘરકામમાં પરોવાયેલી રાખવામાં આવે છે. તેથી છોકરાઓમાં કઠોરતાનો વિકાસ થાય છે. આનો ઉપાય શાળાની શિક્ષિકાઓ કરી શકે. પોતાના વિદ્યાર્થી છોકરાઓમાં કઠોરતા ન વિકસે, સ્ત્રી-સન્માનની ભાવના પાંગરે એવા પ્રયાસ તેઓ કરી શકે; છોકરીઓમાં આત્મવિશ્વાસ વધે એ રીતે એમને પ્રોત્સાહન આપી શકે. શાળાનાં બાળકોને પોતાની શિક્ષિકા બહેનો માટે ઘણો અહોભાવ હોય છે, તેથી શિક્ષિકાઓ આવું પરિવર્તન લાવી શકે.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous હાર્મોનિયમ કઈ રીતે વગાડશો ? – નિર્મિશ ઠાકર
મફત મુખવાસ – ગિરીશ ગણાત્રા Next »   

1 પ્રતિભાવ : પ્રસંગરંગ– સંકલિત

  1. Kalidas V. Patel { Vagosana } says:

    બહુ જ સુંદર પ્રેરક પ્રસંગો. ખરેખર તો ” અડધી સદીની વાંચન યાત્રા ” ના બધા જ ભાગ વાંચવાલાયક છે. તેમાંની બધી જ સામગ્રી ઉત્તમ કક્ષાની છે. સ્વ. ઝવેરચંદ મેઘાણીના સુપુત્ર મહેન્દ્ર મેઘાણીએ ઉત્તમ સંપાદન કર્યું છે.
    કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.