મફત મુખવાસ – ગિરીશ ગણાત્રા

[‘હલચલ’ સામાયિકમાંથી સાભાર.]

‘…… [dc]ત[/dc]મારે અસલી મેંગલોરી સોપારી જોઈતી હોય તો મફત મુખવાસ પાસે જાઓ. એ જ તમને અસલી માલ આપી શકશે. બીજા બધા તમને છેતરશે, પણ મફત મુખવાસ કોઈ દિવસ નહિ.’ સારી સોપારીની શોધમાં મફત મુખવાસનું નામ મળ્યું. એની પાસેથી અસલ સોપારી મળી અને….

બધા એને મફત મુખવાસ કહીને જ સંબોધતાં. એનું અસલી નામ શું હશે એ તો ખુદ મફત જ કહી શકે પણ મફતને હવે એ અસલી નામ પ્રત્યે નફરત થઈ ગઈ છે. એના ગામના કોઈ વૃદ્ધ ક્યારેક રસ્તામાં મળી જાય અને પૂછે, ‘કાં મહેશ, કેમ છો ?’ તો હસીને જવાબમાં કહી દેતો, ‘વડીલ, મફત જ કહો ને ! આપણને એ નામ ઠીક ફાવી ગયું છે.’ આ મફત નામ ગામલોકોએ પાડ્યું હતું. જ્યારે એ અઢાર વીસ વરસનો હતો ત્યારે. એ પછી ચાળીસ વરસની ઉંમરે એની અટક-મુખવાસ – પણ લોકોએ પાડી હતી. શહેરની મુખ્ય બજારના એક ખૂણે પોતાની રેંકડી લઈને એ સરસ રીતે ગોઠવાઈ ગયો હતો. ધાણાદાળ, વરિયાળી, શેકેલા તલ, સુવા, અજમો, પકાવેલા આદુ, આમળાં, કચુકા ને જાતજાતના મુખવાસ અને સોપારી પોતાની રેંકડીમાં રાખતો. એના મુખવાસનો સ્વાદ, વાજબી ભાવ અને ઉત્તમ ગુણવત્તાને કારણે લોકોએ એના નામ પાછળ ‘મુખવાસ’ અટક લગાડી જ દીધી અને બજારમાં એ મફત મુખવાસને નામે પંકાઈ ગયો.

નામ પાછળ દામ દોડતાં આવે એ દુનિયાદારીનું અર્થકારણ છે. મફતનો માલ પંકાયો કે દામ એને શોધતાં આવ્યાં. એની રેંકડીનો આખા દિવસનો વકરો સૌ કોઈને ઈર્ષ્યા ઊપજાવે એવો હતો. એની જીભ પર જાદુ હતો. ભલભલી કંપનીના સેલ્સમેનો કે જનસંપર્ક અધિકારીઓને શીખવા-જાણવા મળે એવી એની વાણી હતી. ‘બોલે એના બોર વેચાય’ એ ઉક્તિને મફતે સાધ્ય કરી આપી હતી. જોકે મફતનો માલ પણ નંબરી હતો એની તો કોઈ ના ન જ કહી શકે.

આ મફત જન્મ્યો ત્યારે ચાંદીની ચમચી મોંમાં લઈને જન્મ્યો હતો. બીજું વિશ્વયુદ્ધ સમાપ્તિના આરે આવીને ઊભું ત્યાં સુધીમાં એના પિતા મગનલાલે બંગલો બનાવી દીધો હતો. મિલિટરીને માલ સપ્લાય કરવાના કોન્ટ્રેક્ટમાં એ એટલું બધું કમાયા હતા કે બે છોકરી પછી જન્મેલો આ પુત્ર માત્ર મા-બાપ કે બે બહેનોનો જ પ્યાર નહોતો પામ્યો, પૈસાનો પણ પ્યાર પામ્યો હતો. એને જ્યારે હજુ ઘડિયાળમાં સમય જોતાં ન્હોતું આવડતું ત્યારે એ કાંડે બબ્બે મોંઘીદાટ ઘડિયાળ બાંધતો. કોઈ મશ્કરીમાં એને ટાઈમનું પૂછે તો ફટ દઈને હાથ લંબાવીને કહી દેતો, ‘તું જ જોઈ લેને ! જમણા કાંડાનું ઘડિયાળ જોતાં ન ફાવે તો ડાબા કાંડાનું જોઈ લે.’ મહેશ લાડ-પ્યારમાં ઊછર્યો. એ જ્યારે પાંચ વર્ષનો થયો ત્યારે એની મા મરી ગઈ. પિતાજીએ બીજી વાર લગ્ન કર્યા. હવે બાળકો માથે સાવકી મા ઘરમાં આવી. પણ, આ સાવકી માએ તો સગી માને ભુલાવે એવો સ્નેહ છોકરાઓ માથે વરસાવ્યો. કોઈ પણ ભૂલેચૂકે ‘આખરે તો સાવકી મા ને’ એવું કહી ન બેસે એટલા ખાતર એણે છોકરાઓને અચ્છો અચ્છો વાના કરી ઉછેર્યાં. અને કદાચ આ જ કારણે મહેશ મોટો થતાં બગડતો ચાલ્યો ! જેમ તેમ કરીને એ નવમા ધોરણ સુધી પહોંચ્યો તો ખરો પણ પછી અભ્યાસ-પથ એને આકરો લાગ્યો. એણે સ્કૂલે જવાનું છોડી દીધું. પિતાને વર્ષને અંતે ખબર પડી કે છોકરો શાળાએ જતો નથી ને સિનેમા-નાટકને રવાડે ચડી ગયો છે. એ ચિડાયા. મહેશને મારવા એમણે હાથ ઉગામ્યો ત્યારે સાવકી મા જ એની ઢાલ બની હતી. માત્ર આ એક જ પ્રસંગ નહિ, આવા ઘણાંય પ્રસંગોએ સાવકી માએ પોતાના સાવકા પુત્રને સુરક્ષા કવચ પહેરાવ્યું હતું.

મહેશને મળતી ખિસ્સાખર્ચી પિતાએ બંધ કરી તો મા પાસેથી એ મેળવવા લાગ્યો. જ્યારે માની તિજોરી ખાલી થઈ ત્યારે સગાવહાલાઓને પકડ્યા. જ્યારે એ દરવાજાઓ બંધ થયાં ત્યારે પિતાનું નામ વટાવી, વેપારીઓ પાસેથી પૈસા લીધા. એકના એક પુત્રની આવી હરકતોથી વાજ આવી, છેવટે પિતાએ યુવાન પુત્રને ધંધે ચડાવી અને ઘરગૃહસ્થીની બેડીમાં જકડવાનો રસ્તો લીધો. એક ગરીબ ઘરની ખાનદાન છોકરી પસંદ કરી એની સાથે એની સગાઈ કરી દીધી. પરંતુ આ ઉપાય પણ પારંગત ન નિવડ્યો. પિતાએ વળગાડેલા ધંધામાં જોકે કમાણીની અસંખ્ય તકો હતી – જો પરિશ્રમ અને લગની લગાડાય તો, પણ મહેશકુમાર ધંધામાં ધ્યાન આપવાને બદલે ભાવિ પત્ની સાથે મોજ-મજામાં અટવાય. દરરોજ સિનેમા-નાટક-હોટલ જેવા મનોરંજનના માર્ગે એ ચાલવા લાગ્યા ને પાણીની જેમ પૈસા વેરવા લાગ્યા. ધંધામાં નાખેલા પૈસા જ્યારે ખલાસ થયાં ત્યારે એણે ઉધારી કરી, ઉધાર માગનારાઓને અપાયેલા વાયદાઓ જ્યારે નિષ્ફળ ગયા ત્યારે, સૌ મગનલાલ પાસે પહોંચ્યાં. પિતાએ જ્યારે જોયું કે આ છોકરો હવે જરાયે સુધરે એમ નથી એટલે એને એક મોટી રકમ આપી, ઘરમાંથી તગેડી મૂક્યો.
‘જા ભાઈ, હવે આ ઘરના દરવાજા સામે તું ફરી ન જોતો. મેં મારા પિતૃત્વનું જેટલું થાય એટલું તર્પણ કર્યું, પણ હવે થાક્યો છું, હવે તું જાણે ને તારું નસીબ જાણે.’ હાથમાં મોટી મૂડી લઈને મહેશે શ્વસુરગૃહે આશરો લીધો. બીજે જાય પણ ક્યાં ? વિધવા સાસુ અચકાઈ કે કુંવારા જમાઈને રાખવો કે નહિ, પણ પૈસાની શેહ સામે એ ઝૂકી ગઈ. ધંધો કરવાની કોઈ પણ આવડત વિના, મોટી મૂડી લઈને મહેશ પિતાની છૂટો પડ્યો, પણ એશ-આરામી જિંદગી, મનોરંજનની મહેફિલો અને અણઆવડત એની મૂડીને પૂરેપૂરો ઘસારો આપી ગઈ. પાછી ઉધારી શરૂ કરી દીધી.

બસ, એ દિવસથી મહેશકુમારનું નામ ‘મફત’ બની ગયું. ઉધરાણી કરનારાઓ ‘મફતનો માલ સમજે છે કે શું ?’ કહી કડક ઉઘરાણી કરવા લાગ્યા. શરૂ-શરૂમાં સૌ એને ‘મફત’ કહી બોલાવતા અને પછી ધીમે-ધીમે એ ‘મફતિયો’ બની ગયો. એ એટલી હદ સુધી ‘મફતિયો’ બની ગયો કે છેવટે સાસુએ પણ એને એની દીકરી ન દીધી ! સગાઈ ફોક કરી એને ઘરમાંથી રવાના કરી દીધો ! એ પછી, પૂરાં દસ વર્ષ સુધી મફત રખડ્યો, નોકરી કરી-છોડી, મજૂરી કરી, ભીખ માગી, ચોરી કરી, જેલ જઈ આવ્યો, છૂટ્યો, નોકરી કરવાનો પ્રયત્ન કર્યો – પણ જ્યાં જાય હુક્કા, ત્યાં સમંદર સુક્કા જેવા એના હાલ થયાં. એના તમામ સગા-વહાલાઓએ મફત માટે ઘરના દરવાજા બંધ કરી દીધાં હતાં. એવામાં એના પિતા અવસાન પામ્યા. સગા-વહાલાઓ એને જ્યાં-ત્યાંથી શોધીને પકડીને ઘેર લઈ આવ્યા – માત્ર એક જ દિવસ માટે, પિતાની ચિતાને ચેહ દેવા માટે. જ્યારે અસ્થિફૂલ લાવી, મફતના હાથે એને પવિત્ર જળમાં પધરાવ્યા કે સૌએ કહી દીધું – મફતલાલ, આવજો, રામરામ. મફતલાલ પાછા ફૂટપાથ પર આવી ગયા.

એક દહાડો મંદિરે દર્શન કરવા જનારાઓ પાસે જ્યારે મફત ભીખ માગતો હતો ત્યાં એનો હાથ લંબાઈ ગયો ખુદ એની મા સામે જ. અજાણતાં ધરાયેલા હાથને સાવકી માએ જોયો ને એની આંખમાં આંસુ આવી ગયા ! એ મફતને મંદિરને ઓટલે બેસાડી, એને માટે બજારમાંથી નાસ્તો લઈ આવી, એનું પેટ ઠાર્યું અને પછી બોલી,
‘બેટા, આવા તમારા હાલ ? એક લખપતિ બાપના બેટાને ભીખ માગતાં શરમ નથી આવતી ?’
‘તો શું કરું મા ? પેટનો ખાડો પૂરવા કંઈક તો કરવું જોઈએ ને ?’
‘પેટનો ખાડો તો કૂતરા-બિલાડાય ભરી લે છે. તમે કૂતરા-બિલાડાના કુળના તો નથી ને ?’
‘પણ કરું શું ? કોઈ મને સધિયારો દેતું નથી.’
‘સધિયારો માત્ર બે જણા દે – એક ઉપરવાળો અને બીજો અંદરનો માહ્યલો. એ સિવાય આ જગતમાં કોઈ કોઈને સધિયારો દેતું નથી, સમજ્યાં ?’
‘પણ હું કરું શું ?’ મફતલાલે મા સામે મૂંઝવણ મૂકી.
‘માહ્યલો જાગ્યો હોય તો મને કહો. આમ તો તમારા બાપુજીએ મરતા પહેલા મારી પાસે પાણી મૂકાવ્યું છે કે મારે તમને ક્યારેય ઘરમાં ન ઘાલવા કે પાઈની પણ મદદ ન કરવી. છતાંય, આ મંદિરના ઓટલે બેસી, ઈશ્વર સામે પ્રતિજ્ઞાભંગનું પાપ વહોરીને પણ તમને મદદ કરવા તૈયાર થાઉં છું. બોલો, અંદરનો આત્મારામ જાગ્યો હોય તો કહો કે ખરા દિલથી તમને તમારી જિંદગીનો પશ્ચાતાપ થયો છે ? બસ, એ પશ્ચાતાપ તમારા પાછલા પાપને ધોઈ નાખશે. ધ્યાન રાખજો, તમે ઈશ્વરને આંગણે બેઠાં છો. ખોટું ન બોલશો. બોલો થાય છે પશ્ચાતાપ ?’ મફતની આંખમાંથી દડદડ આંસુ દડવા માંડ્યા. માએ જોયું કે ત્રીસ વરસની જિંદગીમાં દીકરાની આંખમાંથી પહેલી જ વખત ચોખ્ખા ચણક મોતીના દાણા જેવા સાચાં આંસુ સર્યા છે. એણે કહ્યું :
‘તો થાઓ તૈયાર. એકડે એકથી શરૂ કરો.’ માએ એને નવા કપડાં લઈ આપ્યા અને પછી ધંધો સૂઝાડ્યો, કોઈ સ્કૂલની સામે ચૂરણ વેચો. છોકરાઓને ભાવતું, ભેળસેળ વિનાનું, એમના શરીરને જરાય રજા-કજા ન પહોંચે એવું ચૂરણ વેચો. માએ એને થોડા પૈસાની મદદ કરી.

મફત હવે ચૂરણવાળો બન્યો.
સોમથી શનિ એ ચૂરણ વેચતો અને દર રવિવારે સવારે માને મળવા મંદિરને ઓટલે આવીને બેસતો. માત્ર અઠવાડિયામાં એક જ વાર મા-દીકરાનું મિલન થતું. મોટી ઉંમરના પુત્રને માથે, વાંસે હાથ ફેરવી મા દીકરાના સમાચાર પૂછતી, ધંધાની વાત જાણતી. ક્યારે કદી થોડો મોટો ધંધો કરવો હોય તો મા દીકરાને લોન આપતી. દીકરો દૂધે ધોઈને માને મૂડી પરત કરતો. પણ, આ બધુંય મંદિરના ઓટલે બનતું, ઈશ્વરના આંગણે બનતું, માએ કદી દીકરાને ઘેર ન બોલાવ્યો અને દીકરો પણ માના ઘર પાસેય ન ફરક્યો. એક વણબોલાયેલી, વણલખાયેલી આજ્ઞાનું કોઈએ ઉલ્લંઘન ન કર્યું તે ન જ કર્યું. ચૂરણવાળો મફત પછી તો મુખવાસ વેચવા લાગ્યો. એમાંથી એ સારું કમાવા લાગ્યો અને આ ધંધામાં એની એવી બરકત થઈ કે એ ધંધાને કારણે લોકોએ જે નૂખ આપી તે અપનાવી લીધી. મફતની મોટી રેંકડી પર આજેય બોર્ડ લાગેલું છે – મફત મુખવાસવાળા.

મફતલાલ પરણ્યા નથી. છતાંય પચાસની ઉંમરે પહોંચેલા મફતલાલને ઘણાં ઘણાં છોકરાઓ છે. આજે પણ એની રેંકડી પાસેથી કોઈ યુનિફોર્મધારી, દફતર લઈને શાળાએ જતું કે પાછું ફરતું બાળક જુએ તો મફત એને સામેથી બોલાવી દ્રાક્ષાદિવટી કે ચૂરણની ગોળી અવશ્ય આપે છે. મફત મુખવાસની રેંકડી પાસેથી બિનયુનિફોર્મધારી બાળક પણ ખાલી હાથે પાછું ફર્યું નથી. એ સિલસિલો આજેય ચાલુ છે. વરસના બારેય મહિના ને ત્રણસો ને પાંસઠ દિવસ….. ના, ત્રણસો ચોંસઠ દિવસ. મફત મુખવાસ, વરસમાં એક જ દિવસ ધંધો નથી કરતો – સાવકી માની પૂણ્યતિથિએ.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous પ્રસંગરંગ– સંકલિત
સારા સમાચાર – નીલમ દોશી Next »   

11 પ્રતિભાવો : મફત મુખવાસ – ગિરીશ ગણાત્રા

 1. કૌશલ says:

  આવા લેખ બદલ આભાર મ્રુગેશભાઈ અને ગીરીશભાઈ આપ બંનેને.

  લાગણીભીનો લેખ છે સુંદર

 2. ખુબ સુંદર….

  મહેનત કરવાની હામ હોય તો કોઇ કામ અઘરું કે અશક્ય નથી હોતું

 3. Dinesh Sanandiya says:

  ‘સધિયારો માત્ર બે જણા દે – એક ઉપરવાળો અને બીજો અંદરનો માહ્યલો. એ સિવાય આ જગતમાં કોઈ કોઈને સધિયારો દેતું નથી, સમજ્યાં ?

  Very Good

 4. Ina says:

  very inspiring story thanks mrugeshbhai for sharing with us.

 5. KUNVARIYA BIPIN says:

  आजना अल्लड युवानोए वाँचवा जेवी कहानी छे, माह्यलो जागे तो शु नथी थइ शकतुँ! प्रमादमाँ अयाशी जीवन केवुँ बरबाद करी नाखे छे, पैसा होय त्याँ सुधी सबँधो टके पछी जाकारो,एक तुटि हुई क्रिस्टीका भगवान सहारा होता है।

 6. RAJENDRA NAMJOSHI says:

  ખુબ સરસ,ઘણા વખતે સારી વારતા માણવા મળી.આભાર.

  રાજેન્દ્ર નામજોષી,વૈશાલી વકીલ,સુરત

 7. Vaishali Maheshwari says:

  Wonderful…Heart touching…The last line is so touchy: ” મફત મુખવાસ, વરસમાં એક જ દિવસ ધંધો નથી કરતો – સાવકી માની પૂણ્યતિથિએ.”

  Where there is a will, there is a way!

  Thank you for sharing this with us…

 8. Shakti Raol says:

  બહુંજ સુંદર વાર્તા છે. સાચે માં બધીજ સાવકી માં ખરાબ નથી હોતી…

  અને છેલી લીટી તો બહુ ગમી ” મફત મુખવાસ, વરસમાં એક જ દિવસ ધંધો નથી કરતો – સાવકી માની પૂણ્યતિથિએ.”

 9. jigar says:

  સરસ વાર્તા આજ ના યુવાનો માતે

 10. p j paandya says:

  આજના યુવાનોએ સમજવા જેવિ વાત ચ્હે

 11. Bachubhai says:

  Hart tacking story

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.