સારા સમાચાર – નીલમ દોશી

[‘નવનીત સમર્પણ’ જૂન-2012માંથી સાભાર. આપ નીલમબેનનો (ઓરિસ્સા) આ નંબર પર +91 9556146535 અથવા આ સરનામે nilamhdoshi@yahoo.com સંપર્ક કરી શકો છો.]

[dc]ફો[/dc]ન પર ત્રાટક કરતી હોય તેમ આરતી તેની સામે જોતી બેઠી હતી. હમણાં અનૂપનો ફોન આવવો જ જોઇએ. મનમાં એક ચિંતા, ભય, આશંકાનો ઓથાર….શું આવશે રીપોર્ટ ? કંઈ માઠા સમાચાર તો નહીં હોય ને ? પણ બહુ રાહ ન જોવી પડી. ફોનની એક જ રીંગ અને આરતીએ ઝાપટ મારી.
‘શું થયું અનૂપ ? રીપોર્ટ શું આવ્યો ? બધું બરાબર છે ને ? કંઈ ચિંતા જેવું નથી ને ?’ એકી સાથે પ્રશ્નોનો મારો. સામે છેડે મૌન.
‘અનૂપ, પ્લીઝ કંઈક બોલ તો ખરો…’
‘શું બોલું ?’ એક ધીમો અવાજ અને બે ચાર ડૂસકાં…
‘અનૂપ…ભાઇ, બોલ તો ખરો…શું આવ્યો મમ્મીનો રીપોર્ટ ?’

બે-ચાર સેકન્ડ પછી ધ્રૂજતો એક અવાજ….
‘આરતી, મમ્મીને…. મમ્મીને….લ્યુકેમિયા..બ્લડ કેન્સર…અને તે પણ લાસ્ટ સ્ટેજમાં…’ ડૂસકાનો અવાજ હવે બંને છેડે…. આગળ શું બોલવું તે કદાચ કોઈને સમજાતું નહોતું.
‘ભાઈ, કશું થઈ શકે તેમ નથી ?’
‘એવું શકય હોય તો હું બાકી રાખું ખરો ? એક તો મમ્મીની ઉમર…આટલી વીકનેસ…અને આ રીપોર્ટ. કેમોથેરાપી પણ આ કેઇસમાં શક્ય નથી…
‘કોઇ ઉપાય ?’
‘કોઈ જ નહીં… બસ…. આપણાથી થાય તેટલી સેવા કરી લઇએ અને મમ્મીની બાકી રહેલી જિંદગીની દરેક ક્ષણ ખુશીથી ભરી દઇએ. પપ્પાએ તો કશું કરવાનો કોઈ મોકો નહોતો આપ્યો. હવે મમ્મીની સ્થિતિની આપણને જાણ થઈ છે તો સેવા કરવાની તક મળી છે એમ પોઝિટીવ લઈએ. એ એક માત્ર આપણા હાથની વાત. બાકી કશું નહીં અને તે પણ વધુમાં વધુ પંદર દિવસ….’

આરતીએ ફોન મૂકયો અને શૂન્યમનસ્ક થઇ ગઈ. અંતે શંકા સાચી નીકળી. ભાઈ ખુદ ડોકટર હતો…શકય તે બધું કરી છૂટવાનો જ…. પૈસાની કોઇ કમી નહોતી. તેથી બીજો કોઇ સવાલ નહોતો. આરતી તુરંત પિયર પહોંચી ગઈ. ઓસ્ટ્રેલિયાથી નાની બહેન અવની પણ આવી પહોંચી. રીપોર્ટ મુજબ મમ્મી પંદર-વીસ દિવસોથી વધારે કાઢે તેમ નહોતા. છેલ્લે છેલ્લે જે થોડા દિવસો મમ્મી સાથે રહેવા મળ્યું કે જે સેવા થઇ શકે તેટલી કરી લઈએ જેથી પાછળથી વસવસો ન રહે. બધાએ મળીને નક્કી કર્યું કે મમ્મીને તેમના રોગનો ખ્યાલ સુધ્ધાં નથી આવવા દેવાનો. મમ્મીની જીજીવિષાથી તેઓ અજાણ નહોતા જ. મોત પહેલાં જ તેમને મોતની પીડા આપવાનો કોઈ અર્થ નથી. મમ્મીને સમજાવી દીધું કે ‘તમારા લોહીમાં ઇનફેક્શન થઈ ગયું છે. તેથી જરૂર પડે તમને લોહી આપતું રહેવું પડશે પછી તમને સારું થઇ જશે.’ કહેતાં કહેતાં અનૂપની આંખો છલકી હતી. બંને બહેનો ધ્રૂસકું છૂપાવવા બાથરૂમમાં દોડી ગઈ હતી. અનૂપની પત્ની વિરાજ સાસુનો હાથ પકડી ચૂપચાપ બેઠી રહી.
‘બેટા, તું ડોકટર છે તેથી મારે બીજી શું ચિંતા હોય ? તું જે કહે કે કરે તે બરાબર જ હોય ને ?’ અલોપાબેને વિશ્વાસથી કહ્યું.

પછી તો તેમનું સમયપત્રક ગોઠવાઈ ગયું. આરતી અને અવનીએ મમ્મીને સમયસર દવા આપવાની, ખાવાપીવાની સંભાળ રાખવાની બધી જવાબદારી લઈ લીધી.
‘ભાભી, આજે મમ્મી માટે થોડો બદામનો શીરો બનાવજો.’ વિરાજ ચૂપચાપ શીરો બનાવીને નણંદના હાથમાં ડીશ મૂકી દેતી. આરતી માને ચમચીથી શીરો ખવડાવતા કહેતી, ‘ભાભી, લાવો તો મમ્મીની દવા અને પાણી. મમ્મીની દવાનો સમય થઈ ગયો.’ વિરાજ દવા અને પાણીનો ગ્લાસ લઇને રસોડામાંથી દોડી આવતી. આરતી માને દવા પીવડાવતી. ‘અવની, તું યે મમ્મીની દવાનો સમય યાદ નથી રાખી શકતી ? એ પણ મારે એકલીએ જ કરવાનું ? સારું છે હું સમયસર હાજર છું. નહીંતર તમારા કોઇનો ભરોસો કયાં કરાય તેમ છે ? ભાભી, સાંજે બરાબર સાત વાગ્યે દવા આપવાની છે. એ યાદ રહેશે ને ?’ જવાબ આપવાની વિરાજને કે જવાબ સાંભળવાની આરતીને ટેવ જ કયાં હતી ?
‘અવની, મમ્મીનું ધ્યાન આપણે જ રાખવાનું છે. વહુને સાસુની કેટલીક પડી હોય ? આપણી તો જનેતા છે.’ મોટે ભાગે સવારે અને સાંજે અલોપાબેનના પગે ભયંકર દુખાવો ઉપડતો.
‘ભાભી, મમ્મીના પગ દુ:ખે છે. થોડીવાર દબાવી આપો તો તેમને સારું લાગે. છેલ્લે છેલ્લે સાસુની સેવા કરવાનો મોકો મળ્યો છે. તો લહાવો લઈ લો.. મારા નસીબમાં તો એ સેવા નથી. મારા પોતાના શરીરના જ ઠેકાણા નથી. મમ્મીના પગ દબાવીશ તો મારા હાથ દબાવવાનો વારો આવશે અને અવની, તું મમ્મીને ગમતી કેસેટ ચાલુ કર તો બહેન….’ આરતીની એક કે બીજી સૂચનાઓ આખો દિવસ ચાલુ રહેતી. કેમકે એ મોટી દીકરી હોવાથી મમ્મીની સંભાળની બધી જવાબદારી તેણે લીધી હતી. વિરાજ પૂરા ભાવથી અલોપાબેનના પગ દબાવતી રહેતી. અવની કેસેટમાં ભજન ચાલુ કરતી. રાત્રે અનૂપ આવે એટલે આખા દિવસનો અહેવાલ આરતી આપતી અને ઉમેરતી ‘ભાભી, દિવસ આખો તો અમે બંને બહેનો મમ્મીને સંભાળી લઇએ છીએ… હવે રાત્રે તમારો વારો. રાત્રે મારાથી ઉજાગરા નથી થતા… નહીંતર મમ્મી પાસે હું જ સૂત. પણ શું થાય ? પછી વળી મારી તબિયત બગડે તો અત્યારે બીજી ઉપાધિ એટલે અત્યારે તો મારે પહેલાં મારી તબિયત સાચવવી રહી. ભાઈ બિચારો કેટલેક પહોંચે ? માનું કરશે કે બહેનનું ?’
‘મને તો જોકે તબિયતનો કોઇ પ્રશ્ન નથી… પણ મને બીક લાગે. રાત્રે કંઇ જરૂર પડે ને મમ્મીને કંઈ થાય તો ? મારાથી તો સહન જ ન થાય. અમારી તો મા છે ને ? દિવસ આખો મમ્મી દીકરીઓના ચાર્જમાં અને રાત્રે ભાભીને સેવાનો લાભ આપીએ.. મમ્મી ઉપર એમનો યે થોડો હક્ક તો ખરો ને ? આ તો પુણ્ય કમાઈ લેવાનો અવસર છે ભાઇ.’ અવની ઉમેરતી.

હમણાં કામવાળા બેન પણ રજા ઉપર હતા. એક છૂટક નોકર વાસણ અને ઝાડુ-પોતા કરી જતો. દિવસના વિરાજનો મોટા ભાગનો સમય રસોડામાં જ પસાર થતો. આરતીનો સાદ આવતો રહેતો.
‘ભાભી, મમ્મી માટે જયુસ બનાવો છો તો અમારા બંને માટે પણ ભેગાભેગ જ બનાવી લેજો. અત્યારે બધાનું જુદું જુદું કરવા કયાં બેસીએ ?’ વિરાજ રાત્રે સાસુના રૂમમાં જ સૂઈ રહેતી. રાત્રે અલોપાબેનને કેમેય ઊંઘ ન આવતી. શરીર જાણે તૂટતું હતું. વિરાજ ઘડીક હાથ તો ઘડીક પગ હળવા હાથે દબાવે. કદીક માથા પર વાંસામાં હાથ ફેરવી રહે. કદીક સાસુને ગમતા ભજનની કોઈ કડી ગાતી રહે. અલોપાબેન સંતોષ પામીને સૂઈ જાય.
‘બેટા, તું સૂઇ જા…. હવે હું સૂવાનો પ્રયત્ન કરું છું.’
‘મમ્મી, મારી ચિંતા ન કરો.’ ઓછાબોલી વિરાજ ધીમા અવાજે કહેતી. અલોપાબેનનું શરીર સાવ લેવાઈ ચૂકયું હતું. ખોરાક પણ નામ માત્રનો જ લઈ શકતા હતા. પરંતુ તેમની જિજિવિષા ખૂબ પ્રબળ હતી. વીલપાવર મજબૂત હતો. વરસોથી પોતે ખૂબ સક્રિય રહ્યા હતા. અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. હવે બહાર નહોતા જઈ શકતા તેથી ફોન પર વાતો કર્યા કરતા અને સલાહ, સૂચના આપતા રહેતા.

આજે અલોપાબેનનો જન્મદિવસ હતો. બધાએ ધામધૂમથી જન્મદિવસ ઉજવવાનું નક્કી કર્યું હતું. ઘરમાં બધાને જાણ હતી કે મમ્મીનો આ છેલ્લો જન્મદિવસ છે. આમ તો દર વખતે આવી કોઈ ખાસ ધામધૂમ નહોતા કરતાં. પરંતુ હવેની વાત અલગ હતી. જિન્દગીના સમીકરણો બદલાયા હતા. દ્રષ્ટિ બદલાઇ હતી. મમ્મીનો રૂમ ફૂલોથી મઘમઘી ઉઠયો. અલોપાબેને કેક કાપી ને મીણબત્તી ઓલવી ત્યારે બધાની આંખો ભીની બની ઉઠી. આમ જ હવે જીવનની મીણબત્તી ઓલવાવાને પણ કયાં વાર હતી ? કાળની એક જ ફૂંક અને…..બસ ..કઈ પળ આવશે અને…..? આરતી અને અવનીએ મમ્મી માટે નવી સાડી લીધી હતી. આજે તે જ સાડી મમ્મીને પહેરાવી. વિરાજે સાસુના જૂના ફોટાઓનું એક અલગ આલ્બમ તૈયાર કરીને તે દરેક ફોટાની નીચે કશુંક સરસ લખીને સાસુને આપ્યું હતું. અલોપાબેન નવી સાડી પહેરી આલ્બમમાં કેદ થયેલી સુખદ સ્મૃતિઓ જોતાં આખા કોળી ઉઠયા હતાં. દસ વરસના પૌત્ર અને સાત વરસની પૌત્રીએ ‘હેપી બર્થ ડે ગ્રાંડમા’ ગાઈને રૂમ ગજાવી મૂકયો. બાળકોને તો આમ પણ બીજી કોઇ ખબર નહોતી. અલોપાબેન ખુશખુશાલ… માંદગી આવી તો બાળકોએ પોતાના માટે સમય કાઢયો. નહીંતર તો બધા રોજના કામોમાં જ વ્યસ્ત રહેતા હતા. પુત્રીઓ પણ કયારેય નિરાંતે રહેવા આવી શકતી નહોતી.

એક દિવસ અલોપાબેનને ઘરમાં સત્યનારાયણની કથા કરવાનું મન થયું. આમ તો ગયા વરસથી મન હતું. પરંતુ ગયા વરસે અનૂપે ચોખ્ખી ના પાડી દીધી હતી.
‘એવા બધા તૂત કરવાની કોઈ જરૂર નથી એ બધા ક્રિયાકાંડ બકવાસ છે એમાં હું માનતો નથી.’ અલોપાબેન કશું બોલી નહોતા શક્યા. આ વખતે ફરી એકવાર મન થઈ ગયું. કદાચ પુત્ર હા પાડે તો ? હમણાં ઘણું ન ગમતું પણ પુત્ર કરતો હતો. તેથી તેમના મનમાં થોડી હિંમત આવી. ડરતાં ડરતાં ધીમેથી પુત્રને કહી જોયું.
‘અરે મમ્મી, એમાં શું મોટી વાત છે ? કાલે જ કરીએ… કરવું જ છે તો મોડું શા માટે ?’ બહેન સામે જોતાં અનૂપે કહ્યું. બહેને ધીમેથી માથુ હલાવ્યું. બીજે જ દિવસે બધી વ્યવસ્થા થઈ ગઈ અને ખૂબ સરસ રીતે કથા સંપન્ન થઈ. અલોપાબેન આ માંદગીનો લાખ લાખ ઉપકાર માની રહ્યા જેને લીધે તેમને પોતાના સંતાનો ફરીથી મળ્યા હતા. કયારેય ન ધારેલું બધું થતું હતું. અલોપાબેનનો પડયો બોલ ઝિલાતો હતો.

આમ ને આમ પંદર દિવસને બદલે એક મહિનો પસાર થઈ ગયો. ધાર્યા કરતાં અલોપાબેનની તબિયત ઘણી સારી હતી. સુધારો તો જોકે નહોતો થયો. પરંતુ બગડયું પણ નહોતું. પહેલી વખત રીપોર્ટ જોઈ અનૂપને થયું હતું કે મમ્મી માંડ થોડાં દિવસો કાઢી શકશે. પરંતુ ધાર્યા કરતા બધું લંબાયુ હતું અને હવે લંબાતું જશે એવું લાગતું હતું. અલબત્ત સાજા થવાના…આમાંથી ઊભા થવાના કોઇ ચાન્સીસ નહોતા જ. પરંતુ ઘણીવાર ઘણાં દર્દીઓ આમ જ પથારીમાં જ લાંબો સમય ખેંચી નાખતા તેણે કયાં નથી જોયા ?
‘ભાઈ, શું લાગે છે ? મારે બે મહિના પછી દીકરાના લગ્ન લીધા છે. લગ્નમાં કંઈ વિઘ્ન તો નહીં આવેને ?’
‘મને શું ખબર ? કંઈ મારા હાથમાં બધું થોડું છે ?’ અનૂપે થોડી અકળામણથી જવાબ આપ્યો.
‘મારે પણ વેકેશનની ટિકિટો બુક થઇ ગઇ છે….પણ….’
‘ભાઇ, મારે પણ જવું પડશે. ત્યાં હિતેનને જમવાની તકલીફ પડે છે.’
‘અહીં તો ધાર્યા કરતા બધું લંબાતું જતું હતું. અંતે જરૂર પડશે તો પાછા આવીશું..’ એમ કહી બંને બહેનો ગઈ. આમ બેસી રહીને કયાં સુધી સમય બગાડે ? રોજ બહેનોના ફોન આવતા રહેતા.
‘ભાઇ, મમ્મીને કેમ લાગે છે હવે ?’
‘નવું કશું નહીં. જેમ છે તેમ જ ચાલે છે.’ અનૂપના અવાજમાં રણકો નહોતો.

અલોપાબેન કદીક દીકરીઓને આવવાનો આગ્રહ કરતા રહેતા :
‘મમ્મી, તને ખબર છે ને નિશાંતની સ્કૂલ હોય ત્યારે નીકળવું મારા માટે કેવું અઘરું બની રહે ? વળી હમણાં જ રોકાઈ ગઈ ને તારી પાસે ? હવે ફરીથી અનુકૂળતાએ જરૂર આવી જઈશ. મારો યે જીવ બહુ ખેંચાય છે. પણ શું કરું ? મારે તો બધી બાજુનું જોવું ને ?’ પછી ધીમેથી ઉમેરતી ખરી… ‘અને હા, દવા બરાબર લેજે….અને જયુસ ન ભાવે તો પણ પીવાનો. તબિયતનું ધ્યાન રાખજે. ભાભી, તારું ધ્યાન તો બરાબર રાખે છે ને ?’
‘બેટા, મને નથી લાગતું કે હું આમાંથી હવે ઊભી થાઉં. હવે થાકી ગઇ હું તો…’
‘ના…ના… મમ્મી એવું કંઈ નથી…’
‘મને સારું તો થઈ જશે ને ?’ નરી નિર્દોષતાથી અલોપાબેન પૂછી રહેતા.
‘હા…મમ્મી, સારું થઇ જશે..’ બોદો અવાજ આવતો પરંતુ અલોપાબેનને ખ્યાલ ન આવતો. સંતોષનો શ્વાસ લઈ પૂર્ણ વિશ્વાસથી તે ફરીથી સૂઇ જતા કે સૂવાનો સફળ, નિષ્ફળ પ્રયત્ન ચાલતો રહેતો.
‘ભાઇ, લગ્નની તૈયારી કરું ને ? વાંધો નહીં આવે ને ?’
‘મને શું ખબર પડે ? હું કંઈ ભગવાન છું ?’ અનૂપ ચીડાઇ જતો.
‘મારે પણ બધી ટિકિટો બુક થઇ ગઇ છે. હું કોને કહું ?’ વાતાવરણ ધીમે ધીમે તંગ થતું જતું હતું. વહુ ચૂપચાપ મૌન બની સાસુના કૃશ થઈ ગયેલા ડિલે હાથ પસવારતી રહેતી. નાની બહેને પણ કહી દીધું હતું કે ‘એમ ધક્કા ખાવા મને ન પોસાય.. હું આવું ને આમ ને આમ ખેંચાયા કરે તો મારે તો સમય થાય એટલે જવું જ પડે….. “કંઇક સમાચાર” હોય તો મને કહેજો… હું તુરત નીકળી જઇશ.’
અનૂપ અકળાય છે. બધાને “સારા” સમાચાર જોઇએ છે. જાણે કેમ બધું મારા હાથમાં હોય ? એક વિરાજ સિવાય બધાની ધીરજ જાણે ખૂટી ગઈ હતી. અંદર સતત એક અવઢવ પણ અંતે એ અવઢવમાંથી ઇશ્વરે જ મુકત કર્યા.

એ રાત્રે આસપાસ કોઈ નહોતું. વહુનો હાથ પરમ સ્નેહથી સાસુને માથે ફરતો હતો. અલોપાબેને સંતોષથી વહુ સામે અંતિમ દ્રષ્ટિ નાખી. બે પાંચ ક્ષણો સાસુ-વહુ એકમેક સામે જોઈ રહ્યા અને…. અલોપાબેને બધાને મુક્તિ આપી દીધી. વહુની આંખોમાં વાદળો છવાયા અને ભાઈએ બહેનોને ‘સારા સમાચાર’ આપ્યા. બહેનો દોડતી આવી પહોંચી. હૈયાફાટ રૂદન…..
‘મમ્મી, આટલી જલદી તું અમને છોડીને ચાલી ગઈ ?’ ડૂસકાં સાથે નાની બહેન બોલી નહોતી શકતી. અલોપાબેનને પલંગ પરથી નીચે લેવાયા. ઘીનો દીવો થયો. નવીનક્કોર સાડી ઓઢાડાઈ. સુવાસિત ગુલાબના પુષ્પોથી અલોપાબેનનું શરીર મઘમઘી ઊઠયું.
‘ભાભી, મમ્મીના કાનમાંથી હીરાની બુટ્ટી અને બધા દાગીના કાઢી લો..’
‘ના, તમે જ કાઢો….મારું ગજુ નહીં.’
‘દીકરી થઈને અમારું મન કેમ માને ? તમે તો પારકી જણી છો. અમારી તો મા હતી. મારો તો હાથ લગાડતા પણ જીવ ન ચાલે..તમે વહુ છો તમારી ફરજ કહેવાય.’ વહુએ નણંદ સામે નજર નાખી. સાસુને જરા પણ દુ:ખે નહીં એનું ધ્યાન રાખી પારકી જણીએ પરમ મૃદુતાથી હળવે હળવે સાસુના નિર્જીવ શરીર પરથી ઘરેણાં ઉતાર્યા. અંતર થડકી ઊઠયું. આંખોમાં ભીનાશ ઉતરી આવી.
‘સહેજે બે લાખ રૂપિયાના તો થાય જ…’ દાગીના સામે એકીટશે જોઈ રહેલી પુત્રીના મનમાં અંદાજ મંડાઇ ગયો.
‘લાવો, કબાટમાં સાચવીને રાખી દઉં.’ દીકરીએ હાથ લંબાવ્યો. વિરાજે ચૂપચાપ દાગીના તેના હાથમાં મૂકયા. બહેને આંસુથી છલકતી આંખે માના દાગીના લીધા. ભાવથી કપાળે અડાડયા. મનમાં વિચાર ઝબકી ઉઠયો. ‘કેવી સરસ ડીઝાઇન છે. હવે તો આવી ડીઝાઇન જોવા પણ ન મળે. લગ્નમાં પહેરીશ તો બધા જોતા રહી જશે.’ આસપાસ નજર ફેરવી…. કોઇ સાંભળી તો નથી ગયું ને ? થોડાં ડૂસકાઓ સાથે બહેને દાગીના કબાટમાં મૂકયા. કબાટ લોક કર્યો અને ચાવીનો ઝૂડો કમરે ખોસ્યો. સગાઓ આવ્યા. ભાઈ બહેનોએ મમ્મીની કેટલી..કેવી રીતે રાત-દિવસ ઉજાગરા કરીને સેવા કરી તે કહેતાં આરતી કે અવની થાકતા નહોતાં. ‘અમે કોઇ ક્રિયામાં માનતા નથી. તેથી કોઈ વિધિ કરવાના નથી. અનાથાશ્રમ કે વૃધ્ધાશ્રમમાં જે આપવું હશે તે આપી દેશું.’ ત્રીજે જ દિવસે સગાઓ બધા વિખેરાયા.

તે રાત્રે ભાઈ અને બંને બહેનો બેઠી હતી.
ત્યાં મોટી બહેને કહ્યું, ‘ભાઇ, મારાથી હવે વધારે રોકાવાશે નહીં. મા વિના અહીં રોકાઇને શું કરું ? કયાંય મન નથી લાગતું મમ્મી જ યાદ આવ્યા કરે છે. આંખો લૂછતાં આરતીએ કહ્યું.
‘અને હું પણ બહેન સાથે જ નીકળી જઈશ. આવી જ છું તો થોડું જરૂરી શોપીંગ કરવાનું છે તે આજે પતાવી લઈશ. ગમે કે નહીં બધું કર્યે જ છૂટકોને ? માની ખોટ તો થોડી પૂરાવાની છે ?’ અનૂપે ચૂપચાપ ડોકું હલાવ્યું.
‘ભાઇ, હું સૌથી મોટી છું તો મમ્મીના દાગીના અને બધી વસ્તુઓ ઠેકાણે પાડવાની જવાબદારી મારે જ લેવી રહી ને ? હું છું ત્યાં એ કામ પતાવી લઈએ. પછી તારે કોઇ ચિંતા નહીં. આમ તો છેલ્લે આવી હતી ત્યારે જ મમ્મીએ બધું મારી પાસે લખાવ્યું હતું. મમ્મીની ઇચ્છા મુજબ જ આપણે તો કરવાનું રહ્યું ને ? તેમના આત્માને શાંતિ મળે એ જ હવે તો આપણે જોવું રહ્યું.’ ગળગળા અવાજે મોટી બહેન માંડ બોલી શકી.
ધીમેથી બહેને પર્સ ખોલ્યું.
મમ્મીનો કાગળ કાઢયો : ‘લે, હું જ મોટેથી વાંચી સંભળાવું. પછી તને આપું.’
‘બહેન, આ તો મમ્મીના અક્ષર નથી.’ ભાઈએ ધીમેથી કહ્યું.
‘અક્ષર તો મારા જ હોય ને ? મમ્મી કંઈ લખી શકે એવી તાકાત બિચારામાં કયાં બચી હતી ? એ બોલતા ગયા અને હું લખતી ગઈ. મારા યે હાથ ધ્રૂજતા હતા. પણ શું કરું ? મોટી મૂઇ છું તો કરવું જ રહ્યું ને ? તમે બધા તો નાના છો…. અમને ખબર ન પડે કહીને છટકી જાવ…. મારે તો ન ગમે તો યે કરવું જ રહ્યું ને ?’ રડતા અવાજે બહેને મમ્મીનો છેલ્લો કાગળ વાંચ્યો ત્યારે બધાને જાણ થઈ કે મોટી દીકરીએ મમ્મીની ખૂબ સેવા કરી છે તેથી મોટા ભાગનું બધું તેને આપ્યું છે. બે-ચાર વસ્તુઓ નાની બહેનને આપી છે. વહુને પ્રસાદી તરીકે પોતે પહેરતી હતી તે તુલસીની કંઠી આપી છે.

‘લે ભાઇ, વાંચ…’
ભાઈએ કાગળ હાથમાં લીધો. અછડતી નજર ફેરવી. કશું બોલ્યા સિવાય પત્નીના હાથમાં મૂકયો. પત્નીએ હાથ ન અડાડયો. તેની ધૂંધળી નજર સાસુના ફોટા પર સ્થિર થઈ હતી. નાની બહેન કશુંક બોલવા જતી હતી પણ ત્યાં…. મોટી બહેનનો આંસુભીનો સાદ આવ્યો :
‘મમ્મીને જે ઠીક લાગ્યું એ તેણે કર્યું. મા જેવી મા ગઈ…. હવે દાગીનાને શું કરવાના ? મા, અમને કોઇને દાગીનાનો મોહ નથી. પણ આપણને ગમે કે ન ગમે… મરનારની આખરી ઇચ્છાને માન આપવું જ રહ્યું ને ? મા, બધું તારી અંતિમ ઇચ્છા મુજબ જ થશે. બસ ?’
‘મમ્મી…’ કહેતાં મોટી બહેન ધ્રૂસકે ધ્રૂસકે રડી રહી. તસ્વીરમાં સમાઇ ગયેલા અલોપાબેન કશુંક બોલ્યા પણ કોઇને સંભળાયું નહીં. બે દિવસ પહેલા સાસુએ જાતે લખી આપેલો કાગળ વિરાજના બ્લાઉઝની ભીતર સળવળી ઉઠયો…. વિરાજે હળવેથી છાતીને સ્પર્શ કર્યો. એક સુવાસભરી હૂંફ તેને ઘેરી વળી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

28 thoughts on “સારા સમાચાર – નીલમ દોશી”

Copy Protected by Chetan's WP-Copyprotect.