રજાઓનું મહત્વ – પ્રદ્યુમ્ન જોષીપુરા

[‘વંદે હાસ્યમ’ પુસ્તકમાંથી સાભાર.]

[dc]થો[/dc]ડા સમય પહેલાં એક પ્રસ્તાવ મૂકાયો હતો કે, ‘રામનવમીની રજા ન હોવી જોઈએ.’ એ સમાચાર વાંચી મેં ઊંડો ખેદ અનુભવેલો, કારણ વિશ્વને ગુંગળાવી નાખતા અનેક પ્રશ્નોમાં એકનો ઉમેરો થયો ! જ્ઞાન, કર્મ કે ભક્તિ- આ ત્રણમાંથી એક માર્ગે જતાં માનવી મુક્તિ મેળવી શકે છે. આપણાં શાસ્ત્રો મુક્તિ માટે આપણને યુગોથી ઉપદેશતાં આવ્યાં છે. પણ શાંતિ સ્થાપવા માનવીએ ખૂનખાર યુદ્ધો ખેલવાં પડે છે, તંદુરસ્તી જાળવવા જેમ ઔષધો લેવાં પડે છે અને સોક્રેટીસની પેઠે ‘હું કશું જ જાણતો નથી !’ એવું બોલવા માટે થોકડાબંધ પુસ્તકો વાંચવા પડે છે એ જ રીતે ‘મુક્તિ’ મેળવવા માટે ‘પ્રવૃત્તિ’ કરવી પડે છે. હવે આ પ્રવૃત્તિ એ તો માત્ર સાધન જ છે, સાધ્ય તો છે પેલી ‘મુક્તિ’ એટલે કે ‘નિવૃત્તિ’. રજા એટલે પણ ‘નિવૃત્તિ’. તો પછી એવું મુક્તિનું પ્રમાણ ઘટાડવું યોગ્ય છે ખરું ?

અંધકારને મૂલવવા માટે જેટલી પ્રકાશની, માંદગીને મૂલવવા માટે જેટલી તંદુરસ્તીની અને ચઢતીને મૂલવવા માટે જેટલી પડતીની જરૂરિયાત છે એટલી જ જરૂરિયાત રજાને મૂલવવા માટે કામના દિવસોની છે. રજાની મજા માણી ન શકનાર માનવી ખાખરાની ખિસકોલી જેવો છે.

પ્રારંભમાં અંત છૂપાયેલો હોય છે અને વિસર્જનમાં નવસર્જન સમાયેલું હોય છે. એટલે જ આપણે સોમવારથી ઑફિસમાં કામ શરૂ કરીએ ત્યારથી જ આપણને સામે આવતો રવિવાર દેખાય છે. આવતો રવિવાર એ જ આપણે માટે ક્ષિતિજરેખા અને ઉમંગ તથા આશાનો સીમાસ્તંભ છે. સૃષ્ટિના સર્જનહારે જગતમાં મહાસાગરો પણ બનાવ્યા છે અને અફાટ રણપ્રદેશો પણ બનાવ્યા છે. એટલે જ આપણે જીવનને સાગરની કે રણની ઉપમા આપીએ છીએ. પણ રણ અને સમુદ્રની વચ્ચે વિસામા માટે જેમ ઈશ્વરે રણદ્વીપો અને ટાપુઓ સર્જ્યા છે તેમ આ અફાટ સંસારમાં વિસામા માટે માનવીએ ટાપુઓ સમી રજા સર્જી છે. જેમ ટાપુઓ વિના સમુદ્ર પાર કરવો અઘરો બને તેમ રજાઓ વિના પણ જીવન પૂરું કરવું કઠિન બની જાય.

શુભ પ્રસંગે કે અશુભ પ્રસંગે રજા પડે છે. એથી આપણે જાણી શકીએ છીએ કે જીવનમાં સુખ અને દુઃખ બંને છે. મહાપુરુષોના જન્મદિવસની અને મૃત્યુદિવસની – એમ બંને દિવસની રજા પાળવામાં આવે છે. મહાપુરુષોએ કહેલું અને કરેલું તો સમયના પ્રવાહમાં તણાઈ જાય છે, પણ ચિરંજીવી તો રહે છે એમના માનમાં પડતી રજાઓ ! વળી મોટા ભાગના મહાપુરુષોને મહાન બનાવવામાં એમની પત્નીઓનો જ ફાળો હોય છે, એ જગવિદિત વાત છે. તો જ્યારે જ્યારે મહાપુરુષોની જયંતીઓ ઉજવાય ત્યારે ત્યારે તેમનાં એ ‘અડધિયાં’ની એટલે કે એમની અર્ધાંગનાઓની જયંતીઓ પણ શા માટે ન ઉજવવી ? લ્યો, તમે જ કહો કે જો રામના જન્મદિવસની રજા પડતી હોય તો પછી સીતાના જન્મદિવસની રજા શા સારુ ન રાખવી ?

રજાઓનું એક બીજું વિશિષ્ટ મહત્વ પણ તમને સમજાવું. સરકારી ઑફિસના કારકૂનોનો પગાર સરકાર અને ખાનગી પેઢીઓના કારકૂનોનો પગાર તે તે પેઢીનો માલિક કે માલિકો આપે છે. ઑફિસ કે પેઢીનો ‘હેડ’ એટલે કે ઉપરી પોતાના હાથ નીચેના માણસોને શી રીતે ‘ઓબ્લાઈજ’ કરી શકે ? એટલે જ એણે રજાની મંજૂરી આપવાની રહે છે. ‘રજા’ અને ‘કામ’ એ બે જ એ આપી શકે છે. એટલે ખાતાના ઉપરીનું મહત્વ પ્રકટાવવા માટે પણ રજા મહત્વની છે. શ્રીકૃષ્ણ કહ્યું છે કે, ‘ઋતુઓમાં હું વસંત છું.’ એ જ રીતે કદાચ એમ પણ કહ્યું હોય કે, ‘રજાઓમાં હું ઉનાળાની લાંબી રજા છું.’ બાળકો પ્રભુને પ્યારાં છે એટલે એવાં બાળકો માટે ઉનાળાની લાંબી રજા પ્રભુ ઈચ્છે એ સ્વાભાવિક જ છે. વળી, આ યુગ સમાનતાનો છે. એટલે પુરુષો સ્ત્રીઓને ઘરકામમાં મદદ કરી શકે એ માટે પણ વધુ રજાઓની જરૂર છે. વળી, સ્ત્રીઓની દષ્ટિ વિશાળ બને એ માટે હવે તેમને વધુ બહાર ફેરવવાની જરૂર છે. પુરુષો પોતાની સહચારિણીઓને વધારે પ્રમાણમાં બહાર ફેરવી શકે એ માટે પણ હવે રજાનું પ્રમાણ વધારીને સ્ત્રીકલ્યાણની ભાવનાને વેગ આપવાની જરૂર છે. ઉપરાંત શનિવારની અર્ધી ને રવિવારની આખી રજા આપવાની ગોઠવણ પણ બરાબર નથી. જે સમયે એ ગોઠવણ થયેલી એ કાળમાં ચન્દ્ર પર જવાની શોધ થઈ નહોતી. થોડા સમય પહેલાં જ રશિયાએ જાહેર કર્યું છે કે, ‘ચન્દ્ર પર મોકલાતા રોકેટની શક્તિને બચાવવા અવકાશમાં વચ્ચે એક ‘તરતો ઉપગ્રહ’ ‘સ્ટેશન’ તરીકે રખાશે. એ સ્ટેશનેથી રોકેટને વધુ સહેલાઈથી અને ઓછી શક્તિના વ્યયે રવાના કરી શકાશે.’ હવે આ જ પ્રમાણે દરેક કારકૂનને સોમવારથી રવિવાર સુધી પહોંચાડવા માટે અઠવાડિયાની અધવચ્ચે એટલે કે શનિવારની અર્ધી રજાને બદલે ગુરુવારની આખી રજા રાખવામાં આવે તો શું ખોટું ?

અર્થશાસ્ત્રની દષ્ટિએ પણ રજાઓ એક નવો જ બોધપાઠ શીખવી જાય છે. સખત પરિશ્રમ કરનારનું ધન અને રજા-બંનેનું ‘બેલેન્સ’ વધતું જાય છે. અતિશયતાથી સંચિત થયેલું ધન જેમ કોઈક વાર ચોરાઈ જાય છે એ જ રીતે ખૂબ ખૂબ ચઢાવેલી રજાઓ પણ અમુક સમયે ‘ખાલસા’ થઈ જાય છે. માટે જ ડાહ્યા કારકૂનો ચઢેલી રજાઓ વહેલાંમાં વહેલી તકે ભોગવી લે છે. ધનની આવક ‘ચેક’ કરવા માટે સરકારે જેમ ઈન્કમટેક્સ ઈન્સ્પેક્ટરો રાખ્યા છે એ જ રીતે દુકાનદાર અઠવાડિયામાં તેણે નક્કી કરેલ એક દિવસે રજા રાખે છે કે નહિ એ ‘ચેક’ કરવા સરકારે શોપ ઈન્સ્પેક્ટરો રાખ્યા છે. આમ છતાંય કેટલાક ‘રજાદ્રોહી’ દુકાનદારો પોતે નક્કી કરેલી રજાને દિવસે પણ પાછલે બારણે ધંધો ચલાવતા ક્યાં નથી નજરે પડતા ?

ઈશ્વરને માટે ઋષિઓએ જેમ કહ્યું છે કે, ‘મેરુ પર્વત જેટલું કાજળ, સમુદ્રો ભરીને શાહી, પૃથ્વી જેવડો કાગળ અને કલ્પતરૂની શાખારૂપી લેખણ લઈને સરસ્વતી જો રાતદિવસ પ્રભુના ગુણ લખતી રહે તો પણ તેનો પાર ન આવે !’ એ જ રીતે રજાના ગુણો એટલા બધા છે કે મારા સરખો અદનો લેખક તો શું પણ કોઈ મહાસાક્ષર પણ લખવા બેસે તો પણ પાર ન આવે અને વેદોએ કહ્યું છે તેમ ‘નેતિ નેતિ’ જ બોલવાનું રહે !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “રજાઓનું મહત્વ – પ્રદ્યુમ્ન જોષીપુરા”

Copy Protected by Chetan's WP-Copyprotect.