સમજુ થઈને પાછો ફર…. – શાહબુદ્દીન રાઠોડ

[ ‘સબસે ઊંચી પ્રેમસગાઈ’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[dc]મા[/dc]રો મિત્ર વિઠ્ઠલ વચ્ચે બેપાંદડે થઈ ગયો. બે નંબરના ધંધામાં વધુ પડતો કમાઈ ગયો. વિઠ્ઠલ શ્રીમંત વર્ગના સંપર્કમાં આવ્યો. ઑફિસર સાહેબોના પરિચયમાં આવ્યો, નૉનવેજ ડિનર અને ડ્રિન્ક્સમાં વિઠ્ઠલને સોશિયલ સ્ટેટસ મંડ્યું દેખાવા. કારેસરના કૂવાના ઓટે અડધી ચા પીને આનંદ કરતા મિત્રોના સંગમાં હવે તેને નાનમ જણાવા લાગી.

સંપત્તિ આવ્યા પછી કાન્તાભાભી કહેતાં : ‘શેઠને બપોરે આરામ કરવાની ટેવ છે. ઘણી વાર રાત્રે તેમને બાજરાનો રોટલો અને માખણ ખાવાની ઈચ્છા થાય છે. મારે બધું તૈયાર રાખવું પડે છે. સીઝનમાં કેસર સિવાય કેરી શેઠને ભાવતી નથી.’ અમે બધું સમજતા. શેઠ કેસર બદલે ‘ભડદા’ ખાઈને મોટા થયા છે. માખણ હવે આવ્યું. પહેલાં રાતના રોટલા સવારે શેકીને વિઠ્ઠલ ચાની હારે ટટકાવતો. સંપત્તિ આવતાં માનવીના જીવનમાં ઘણાં પરિવર્તનો થઈ જાય છે. જરૂર પૂરતી સંપત્તિ માનવીને સાચવે છે. જરૂરથી વધી જાય તો માનવી સંપત્તિને સાચવતો થઈ જાય છે, એમાં જીવતરનાં મૂલ્યો સાચવવાનું વીસરાઈ જાય છે.

સંપત્તિ આવે છે ત્યારે અનેક દુર્ગુણો સાથે લાવે છે, જ્યારે એ જાય છે ત્યારે દુર્ગુણો રહી જાય છે અને સંપત્તિ જતી રહે છે. સંજોગોના સપાટે વિઠ્ઠલ પણ ચડી ગયો. વિઠ્ઠલ શેઠમાંથી પાછો મૂળ સ્વરૂપ વિઠ્ઠલમાં આવી ગયો. સંપત્તિ ગઈ પણ પીવાની આદત છોડતી ગઈ. પહેલાં શિવાઝ, રીગલ, રૉયલ સૅલ્યૂટ, ડિપ્લોમૅટ, ઍરિસ્ટ્રોકૅટ, ઓલ્ડમૉન્ક, બ્લેકનાઈટ, વોડકા, વ્હિસ્કી, શેમ્પેઈનની વાતો થતી તેને બદલે વિઠ્ઠલ પોપટલાલના પીઠાની દેશી દારૂની કોથળીએ આવી ગયો. પીઠામાં પી પાછો ઘરના પંથે પ્રયાણ કરતા એ પડી જતો. ઘરનો રસ્તો ભૂલી જતો. પોતાના જ ઘરનો રસ્તો જ્યારે માણસને ન જડે ત્યારે એ ગુમરાહ – માર્ગભૂલેલો ગણાય છે, એટલે જ શ્રી અમર પાલનપુરીએ લખ્યું છે :

સમજુ થઈને પાછો ફર
ધરતીનો છેડો છે ઘર

અમે – મિત્રો રાબેતા મુજબ મળતા, ક્યારેક વિઠ્ઠલની ચર્ચા કરતા. વિઠ્ઠલે અમારો ત્યાગ કર્યો હતો, અમે તો નહોતો કર્યો. પતનની ગર્તામાં ધકેલાઈ ગયેલા વિઠ્ઠલને પાછો પ્રગતિના પંથે કેમ લઈ આવવો એ અમે વિચારતા. ‘હું જગદીશને પાડી દઉં’, ‘હું જયંતીને ભોંયભેગો કરી દઉં’ આવાં વાક્યો ઘણી વાર સાંભળવા મળે છે, પણ ‘હું બાબુ ચૌહાણને બેઠો કરી દઉં’ કે ‘હું કરસનને ઊભો કરી દઉં’ આવું સાંભળવા ઓછું મળે છે. અમે સૌએ નક્કી કર્યું કે, ‘વિઠ્ઠલને બેઠો કરી દેવો.’ અમે વિઠ્ઠલના ઘેર ગયા. હું, રતિલાલ, વનેચંદ, જશવંત. અમને જોઈ વિઠ્ઠલની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. કાન્તાભાભી તો સીધાં હીબકે જ ચડી ગયાં. અમને સૌને દુઃખ થયું. છેવટે સૌએ વિઠ્ઠલને હૈયાધારણ આપી. તાત્કાલિક કેટલી જરૂરિયાત છે તેનો અંદાજ કાઢવામાં આવ્યો. અમે ચા-પાણી પીધાં. મંદીમાં વિઠ્ઠલની ઉઘરાણી સલવાઈ ગઈ હતી અને મોટી ખોટ પણ ગઈ હતી, છતાં તેની મિલકત તો હતી જ. પ્રથમ પ્રયાસે અમે વહેવાર ફરીને સ્થાપિત કર્યો અને અમારી થોડી સમજણ પ્રમાણે વિઠ્ઠલને સમજાવવાનું શરૂ કર્યું. માત્ર પીવાની આદત છૂટી જાય તો વિઠ્ઠલ લાખેણો માણસ હતો એ અમે જાણતા, પણ અમારી સમજણ વિઠ્ઠલને કામ નહોતી આવતી. પીવાની પ્રબળ ઈચ્છા સામે વિઠ્ઠલ હારી જતો અને વિઠ્ઠલ સામે અમે હારી જતા. છેવટે મેં સૌને કહ્યું :
‘બાળેકદાસ બાપુ પાસે વિઠ્ઠલને લઈ જઈએ તો કેમ ?’
બધાએ કહ્યું : ‘બસ, એ જ સારામાં સારો મારગ છે.’

અમે પહેલાં બાળેકદાસ બાપુને મળી આવ્યા. બધી વિગતથી વાકેફ કર્યા પછી વિઠ્ઠલને શણગાર્યો. વિઠ્ઠલ માર્ગભૂલેલો હતો, નીચ તો નહોતો. જીવતરની મેલી ચાદર ઓઢીને સંતની સમક્ષ જવામાં તેને બહુ સંકોચ થયો, પણ અમારા આગ્રહને વશ થઈ આવ્યો. અમે મહાનદી વટી જગ્યામાં પહોંચ્યા. બાપુએ મીઠો આવકાર આપ્યો. બેસાર્યા. ચા-પાણી પાયાં. બપોરે જમવાનો આદેશ આપ્યો. સંતની આજ્ઞા અમે વિનમ્ર ભાવે માથે ચડાવી. કોઈને નહીં ને બાપુએ વિઠ્ઠલને પૂછ્યું, ‘વિઠ્ઠલ, તને સૌથી વધુ શું ભાવે છે તે કહે.’ વિઠ્ઠલ કહે, ‘લાડવા. મને બાપુ લાડવા હોય એટલે થયું, પછી દાળ નો હોય તો પણ ચલાવી લઉં.’
જશવંત કહે, ‘તને એકલાને જ ભાવે છે, અમને નથી ભાવતા ? અમે શું દાળ પીવા અહીં આવ્યા છીએ ?’ વનેચંદે લાડુ વરસ પહેલાં રામનવમીએ બાંડિયાબેલી ખાધા’તા તે યાદ કર્યા. અમારી મજાક ચાલતી હતી ત્યાં બાપુએ હુકમ કર્યો, ‘ભલે મોડું થાય, લાડુ-દાળ-ભાત-શાકનું ભોજન બનાવો.’ અમે બાપુના આદેશનો અમલ થાય એ માટે કામે લાગી ગયા. કોઠારમાંથી સીધુંસામાન બહાર કાઢવામાં આવ્યો. કોઈ શાક સુધારવામાં લાગી પડ્યા. કોઈ લસણ ફોલવા, કોઈએ ગોળ ભાંગવાનું કામ ઉપાડ્યું. નિઃસ્વાર્થ સેવાના કાર્યથી શક્તિ વધે છે તેની પ્રતીતિ અમને થવા લાગી. રસોઈ તૈયાર થયા પછી અમે કુંડમાં નાહવા ગયા. ઘણા દિવસે તરવાની તક મળી હોવાથી ભારે મજા આવી. સ્નાન કરીને બાપુએ અમને ઓસરીમાં જમવા બેસાડી દીધા. સવારનો પગપાળા પ્રવાસ, વળી જમવામાં થયેલું મોડું, ઉપર જતાં ઉત્તમ પ્રકારનું ભોજન. અમે સૌ સારીપેઠ જમ્યા. વિઠ્ઠલે નવ ખાધા પછી રતિલાલે કહ્યું, ‘હવે દાળ પી તો સારું છે, વાંહે જમવાવાળા હજી છે.’

અમે જમીને જાંબુડા નીચે મોટી શેતરંજી પાથરીને સૂઈ ગયા. સાંજે સૌને બાપુએ બોલાવ્યા, બેસાડ્યા અને વિઠ્ઠલને પૂછ્યું :
‘વિઠ્ઠલ, દારૂ પીવો સારો કે લાડુનું ભોજન જમવું ?’
વિઠ્ઠલ ડઘાઈ ગયો. તે કાંઈ પણ બોલી શક્યો નહીં. ઊઠીને બાપુના પગમાં પડ્યો અને રોવા માંડ્યો. વિઠ્ઠલે કહ્યું : ‘બાપુ, આપને ક્યાંથી ખબર પડી ? ભૂલ થઈ છે, માફ કરો.’ બાળેકદાસ બાપુએ વિઠ્ઠલને પ્રેમથી ઉઠાડ્યો અને સમજાવ્યું, ‘હવે જ્યારે દારૂ પીવાની ઈચ્છા થાય ત્યારે લાડુ ખાજે.’ વનેચંદ કહે, ‘બાપુ, એને કહો એકલો ભાણું નો પાડે, અમને પણ હારે બોલાવે.’ સૌ હસી પડ્યા. વિઠ્ઠલે કહ્યું : ‘ભલે બાપુ, આપે કહ્યું છે એમ કરીશ.’ અમે બધા થાન આવ્યા. બીજે દિવસે સાંજે વિઠ્ઠલના ઘરે પહોંચ્યા. કાન્તાભાભીને બધી જાણ થઈ ચૂકી હતી. એ તો એટલાં ખુશ હતાં કે અમને કહે, ‘અરે મારાં ઘરેણાં વેચી નાખી લાડુ જમાડું – એમને અને તમને પણ હારે.’ અમે આઠ દિવસ ખટકો રાખ્યો. રોજ સાંજે વિઠ્ઠલને તલપ લાગતી. એ કાંઈ પણ આદર કરે તે પહેલાં અમે પહોંચી જતા અને વિઠ્ઠલના ઘરે લાડુ બનાવતા. સૌ સાથે બેસીને જમતા. લાડુનું આવી પડેલું ખર્ચ અને પીવાનું ખર્ચ બેય વિઠ્ઠલને પોષાય તેમ નહોતું. ઉપરથી અમારી હાજરીથી વિઠ્ઠલ મન મારીને રહી જતો.

બરાબર આઠ દિવસ રોજ સાંજે અમે વિઠ્ઠલની હારોહાર લાડુનું સેવન કર્યું. અમને ચિંતા શરૂ થઈ. વિઠ્ઠલને પીવાનું બંધાણ છૂટી જશે અને અમને લાડવા ખાવાનું થઈ જશે તો શું કરીશું ? નવમા દિવસે વિઠ્ઠલે મોઢે ચડીને કીધું, ‘હવે મારે દારૂ પણ પીવો નથી અને લાડુ પણ ખાવા નથી. કાલ સાંજથી સૌ પોતપોતાના ઘરે ભાણાં પાડજો.’ અમે ઘણું સમજાવ્યો, વિઠ્ઠલ, હજી પંદર દિવસ કષ્ટ ભોગવી લે. પણ વિઠ્ઠલ અને તેની પત્ની બંનેએ કહ્યું : ‘અમને સાચું સમજાઈ ગયું છે. અમે તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલીએ.’ તે દિવસથી અમે હવે કોને બંધાણ છોડાવવું તેના પ્રયાસમાં છીએ પણ હજી કોઈ તૈયાર થયું નથી.

બીજી વાર અમે બાપુ પાસે ગયા ત્યારે તેમણે રસપૂરીનું ભોજન સૌને જમાડ્યું અને વિઠ્ઠલને આજ્ઞા કરી, હવે લાડુને બદલે કેરી ખાજે. વિઠ્ઠલનું આખું ઘર કેરી ખાતું છતાં તેના પીવાના ખર્ચ કરતાં ઓછું ખર્ચ આવતું. હમણાં અમે શિવરાત્રીને દિવસે ગયા ત્યારે બાપુએ અમને બેસાડીને કહ્યું : ‘આખી જિંદગી તમે પોતે જમવાનો આનંદ માણ્યો છે, કદીય બીજા કોઈને ખવરાવીને તેનો આનંદ માણ્યો છે ખરો ?’ વિઠ્ઠલ ઊભો થઈને કહે, ‘વધુ તો નથી કહી શકું તેમ, પણ એક અભ્યાગતને જમાડ્યા સિવાય હું જમીશ નહીં.’ તે દિવસથી વિઠ્ઠલ તેના નિર્ણયમાં અડગ રહ્યો છે અને પછી તો શી ખબર શું સૂઝ્યું છે તે રોજ પાંચ સજ્જનોના ઘરેથી ટિફિન લઈ આવી સરકારી હૉસ્પિટલે પહોંચાડી દર્દી કે દર્દીનાં સગાંસંબંધીને જમાડીને પછી જ વિઠ્ઠલ જમે છે.

પોતાના જીવનપરિવર્તનનો બધો જશ બાપુને આપીને હમણાં વિઠ્ઠલે બાપુની ઘેર પધરામણી કરાવી. વાતો કરતાં કરતાં અમે પૂછ્યું, ‘બાપુ, વિઠ્ઠલના વિકાસનું રહસ્ય શું ?’ બાપુ કહે, ‘જીવનમાં આનંદ મેળવવો – એ જરા પણ મુશ્કેલ નથી. ગટરની ગંદકીમાં આળોટતા ભૂંડ પણ આનંદ મેળવે છે, ખાળની ગંદકીમાં ખદબદતા કીડાને પણ આનંદ મળી રહે છે. માનવી પણ આનંદ પ્રાપ્ત કરી લે છે. આનંદ મેળવવો મુશ્કેલ નથી. મુશ્કેલ છે જે આનંદ મળે તેને વિશુદ્ધ બનાવવો. સમજદાર માનવી સતત પોતાના આનંદને વિશુદ્ધ બનાવે છે. બીડી પીવાથી મળતો આનંદ અને સત્સંગથી મળતો આનંદ. આનંદ તો બંનેનો એક જ છે પણ સત્સંગનો વિશુદ્ધ આનંદ છે. વિઠ્ઠલ દારૂમાંથી લાડુનો અને લાડુમાંથી કેરીનો આનંદ મેળવતો થયો. એથી પણ આગળ હવે એ અન્યને ખવરાવીને ખાવાનો ઉત્તમ આનંદ મેળવી રહ્યો છે. આ આનંદમાંથી વિશુદ્ધ આનંદ સુધીની પ્રક્રિયા જ છે.’
મેં કહ્યું : ‘વિશુદ્ધ આનંદનું લક્ષણ શું છે ?’
બાપુ કહે : ‘જે આનંદથી જીવનનો અન્ય કોઈ આનંદ નષ્ટ ન થાય તેનું નામ વિશુદ્ધ આનંદ.’ મેં પૂછ્યું : ‘આવો વિશુદ્ધ આનંદ મેળવવો કઈ રીતે ?’ બાપુ કહે : ‘મેળવવાની જરૂર જ નથી, તમે આનંદસ્વરૂપ જ છો. જે આનંદ કરો તેમાં સંયમ રાખો અને જે મજા માણો તે સમૂહમાં વહેંચો, પછી દુઃખ જેવું કાંઈ રહેશે નહીં.’

[કુલ પાન : 104. કિંમત રૂ. 80. પ્રાપ્તિસ્થાન : આર. આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ. ‘દ્વારકેશ’, રૉયલ ઍપાર્ટમૅન્ટ પાસે, ખાનપુર, અમદાવાદ-380001. ફોન : +91 79 25506573.]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

19 thoughts on “સમજુ થઈને પાછો ફર…. – શાહબુદ્દીન રાઠોડ”

Copy Protected by Chetan's WP-Copyprotect.