- ReadGujarati.com - http://www.readgujarati.com -

સ્વપ્નદ્રષ્ટા – અનુ. ધૂમકેતુ

[ ખલીલ જિબ્રાનની કેટલીક જીવનપ્રેરક બોધકથાઓનો સુંદર ભાવાનુવાદ આપણા પ્રતિષ્ઠિત સાહિત્યકાર શ્રી ધૂમકેતુએ કર્યો હતો જે અગાઉ સૌપ્રથમવાર 1958માં પ્રકાશિત થયો હતો. આ જ પુસ્તક હવે નવા સ્વરૂપે ‘જિબ્રાનનું જીવનસ્વપ્ન’ શીર્ષક હેઠળ પુનઃપ્રકાશિત થયું છે. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાના અંતે આપવામાં આવી છે.]

[dc]એ[/dc]ક વખત એક મહાન નગરીમાં એક સ્વપ્નદ્રષ્ટા આવ્યો. એ પોતાના સ્વપ્નમાં પોતે મસ્ત હતો. એ સ્વપ્નમાં એટલો તલ્લીન કે ન પૂછો વાત – એની પાસે એનાં કપડાં ને હાથમાં દંડ – બીજું કાંઈ મળે નહિ. અને જેવો એ નગરીની બજારમાંથી ચાલ્યો કે ત્યાંનાં મંદિરો, હવેલીઓ, પ્રાસાદો, મહાલયો – એમને આશ્ચર્યથી જોઈ જ રહ્યો ! રસ્તે જનારાઓને એ વારંવાર પૃચ્છા કરે, પણ રસ્તે જનારાઓ એની ભાષા ન સમજે ! એટલે એ તો ઊભી બજારે ‘આશ્ચર્યવત પશ્યતિ’ પેઠે ચાલ્યો જાય.

બપોર વખતે એ એક મહાન ભોજનાલય પાસે આવી પહોંચ્યો. પીળા આસરનું એ મકાન બાંધેલું હતું. લોકો એમાં જતા-આવતા હતા. સ્વપ્નમાં જ રમી રહેલો આ માણસ મનમાં બોલ્યો, ‘આંહીં આ કોઈ ધર્મસ્થાન જણાય છે.’ અને એ પોતે પણ એમાં પેઠો. પણ અદ્દભુત સૌન્દર્યભર્યા સ્થાનમાં પોતે છે, એ જોઈને એને નવાઈ લાગી. ત્યાં તો મેજની પાસે અનેક સ્ત્રીપુરુષો બેઠાં હતાં અને તે સૌ ખાણીપીણીમાં તલ્લીન હતાં. મધુર સંગીત ચાલી રહ્યું હતું.

તરંગી સ્વપ્નસ્થ મનમાં બોલ્યો : ‘આ કોઈ ધર્મસ્થાન નથી જણાતું. કોઈ મહાન પ્રસંગની યાદીમાં રાજાએ લોકને મિજબાની આપેલી હોવી જોઈએ !’ એ જ વખતે એક માણસ એની પાસે આવ્યો. એણે એને રાજાનો ગુલામ લેખ્યો. એટલે તેણે તેને ત્યાં બેસવાનું કહ્યું. અને બે પળમાં તો સ્વાદિષ્ટ વાનગીઓ એની પાસે આવવા માંડી ! જ્યારે એણે ભોજનને બરાબર ન્યાય આપી દીધો, ત્યારે આ સ્વપ્નશીલ જવા માટે ઊભો થયો. પણ બારણાં પાસે એક ઠાઠમાઠવાળા દ્વારપાળે એને અટકાવ્યો. સ્વપ્નઘેલાને લાગ્યું કે, ‘આ રાજકુમાર પોતે જ હશે !’ નીચો વળીને એ એને નમ્યો. અને એણે એનો ઉપકાર પણ માન્યો ! પણ ત્યાં તો પેલો વિશાળકાય આદમી, એ નગરીની પ્રચલિત ભાષામાં બોલી ઊઠ્યો : ‘સાહેબ ! તમે ભોજન લીધું એનું ‘બિલ’ તો હજી બાકી છે !’ સ્વપ્નતરંગી તો એમાં કાંઈ ન સમજ્યો. શું ‘બિલ’ ને શું બાકી ? એણે તો એને રાજકુમાર લેખીને વધારે નીચા નમીને એનો આભાર માન્યો ! પણ પેલા દ્વારપાલને તો સિક્કાનું કામ હતું. સલામની વર્ષાને એ શું કરે ?

સ્વપ્નસ્થને એ વધારે બારીકીથી જોઈ રહ્યો. એને લાગ્યું કે આ કોઈ જણાય છે અજાણ્યો. ભાઈનાં કપડાંનું જ ઠેકાણું નથી, તો એ પૈસા ક્યાંથી કાઢવાનો હતો ? ગઠિયો નજર ચૂકવીને ઘા મારી ગયો લાગે છે ! અને હવે ભાગી જવા ઢોંગ કરે છે ! એણે તરત તાલી પાડી ને પળમાં તો શહેરના ચાર સંરક્ષકો ત્યાં આવીને ઊભા રહી ગયા ! દ્વારપાળે કહ્યું તે તેમણે સાંભળ્યું. અને એમણે આ સ્વપ્નતરંગીને સાથે ઉપાડ્યો ! અને બન્ને બાજુ બબ્બે જણા ઊભા રહ્યા, ગઠિયો હાથતાળી દઈ નાસી જાય નહિ માટે ! પણ પેલો સ્વપ્નવાસી તો એમનો વેષ અને એમની વિવેકભરેલી રીતભાત જોઈ રહ્યો હતો; અને મનમાં ને મનમાં ખુશ થતો હતો કે આ કોઈ પ્રતિષ્ઠિત અધિકારીઓ એની સાથે ચાલી રહેલા જણાય છે ! – અને એમ ને એમ એ આખું સરઘસ નગર-ન્યાયાધીશની પાસે આવ્યું, અને ત્યાં બેઠું. ત્યાં સિંહાસન જેવા આસન ઉપર એક પ્રતિષ્ઠિત ગૃહસ્થ બેઠા હતા. એમની લાંબી દાઢી એમના ચહેરાને શોભાવતી હતી. એમનો ન્યાયી ઝભ્ભો ભવ્ય જણાતો હતો. સ્વપ્નીને લાગ્યું કે આ રાજા જણાય છે ! પોતે રાજા પાસે આવ્યો છે, એ જાણીને એ તો ખુશ-ખુશ થઈ ગયો !

હવે પેલા નગરરક્ષકોએ તો આખા કિસ્સાની હકીકત હતી એ પ્રમાણે કહી. અને નગર-ન્યાયાધીશે બે વકીલો નીમ્યા. એક આ પરદેશીનો બચાવ કરવા, ને બીજો નગરરક્ષકોની વાત સિદ્ધ કરવા ! વકીલો ઊઠ્યા, અને એક પછી એક પોતપોતાની દલીલો બોલવા મંડ્યા ! અને પેલો સ્વપ્નતરંગી તો આ બધો વખત મનમાં ને મનમાં પોતાને કાંઈ માનપત્ર રાજાસાહેબ અપાવી રહ્યા છે એમ ધારીને, આનંદિત થઈ રહ્યો હતો ! આભારની લાગણીથી એનું હૃદય છલકાઈ જતું હતું – ખાસ કરીને રાજા માટે, અને પેલા રાજકુમાર માટે, કે જેમણે આ બધો માનપાત્રનો પ્રબંધ ગોઠવ્યો હતો ! એના મનમાં તો એવો વિચાર આવી રહ્યો હતો કે લોક કેવા માયાળુ ? એક અજાણ્યા પરદેશી માટે પણ એમની કેટલી મમતા ? એટલે એ તો જેમ પોતાના સ્વપ્નમાં મસ્ત હતો, તેમ આ નવા આનંદમાં તરવા માંડ્યો ! એના મનથી એ માન પામી રહ્યો હતો ! એટલામાં તો વકીલોની દલીલો પૂરી થઈ. આ સ્વપ્નતરંગીને શિક્ષા થઈ. એની ડોકે એક પાટિયું લટકાવીને એમાં એનો અપરાધ લખવાનો હતો. અને એક ઘોડાની ઉઘાડી પીઠે એને બેસારીને નગર આખામાં એને ચક્કર લગાવીને ફેરવવાનો હતો ! એની આગળ ઢોલી ને પડઘમવાળો ચાલવાના ! લોકમાં વધુ જાહેર થાય !

અને આ ન્યાયી શિક્ષા તો પૂરા ભપકા સાથે પેલા સ્વપ્નતરંગી સાથે ચાલી ! હવે પેલા ઘોડા ઉપર બેઠેલો સ્વપ્નતરંગી તો પોતાની આગળ ઢોલ પડઘમ સાંભળીને ખુશખુશ થઈ ગયો ! અરે નગરના લોકો પણ ચારે તરફથી થોકેથોક એની માનસવારી જોવા ઊભરાયા ! એને જોઈને એ બધા નાચવા, કૂદવા ને હસવા માંડ્યા. અને છોકરાં તો ખુશખુશાલ બની એનો હુરિયો બોલાવતાં શેરીએ-શેરીએ પાછળ ચાલ્યાં ! મોટું સરઘસ થઈ રહ્યું ! અને પેલા માણસનો આનંદ તો હૃદયમાં ક્યાંય સમાતો નથી ! એની આંખમાં હર્ષ ઊભરાઈ ચાલ્યો છે ! પેલું લટકાવેલું પાટિયું એ કોઈ માનપત્ર હોવું જોઈએ કે જે રાજાએ અતિશય પ્રેમથી એને આપ્યું હતું, અને આખું સરઘસ પોતાને મળેલા એ બહુમાન માટે નીકળ્યું હોવું જોઈએ ! હવે આ એનું સરઘસ નગરીમાં જઈ રહ્યું હતું. સ્વપ્નતરંગી તો આમ માનીને ખુશ-ખુશ થતો હતો. ત્યાં એના જેવો, જંગલમાંથી આવેલો એવો કોઈ માણસ, એની નજરે પડ્યો. અને એણે આનંદમાં આવી જઈને મોટેથી એને બૂમ પાડી : ‘મારા દોસ્ત ! એ દોસ્ત ! ભાઈ, કહે તો ખરો, આપણે આ ક્યા ભાગ્યશાળી શહેરમાં આવી ચડ્યા છીએ ? આવી આતિથ્યપ્રિય પ્રજા કઈ છે ? જે ગમે તે આગંતુકને પોતાના મહાલયોમાં ભોજન આપે છે, જ્યાં અધિકારીઓ એને માન આપે છે, ખુદ રાજા એની ડોક ઉપર આવું સન્માનપત્ર મૂકે છે અને જ્યાં પ્રજા પણ સ્વર્ગના જેવી આતિથ્યભાવનાથી એને રસ્તે-રસ્તે વધાવે છે ! આવી આ ભાગ્યશાળી નગરી કઈ છે ?’

પેલો માણસ એની ભાષા સમજ્યો હતો. પણ એણે આ સ્વપ્નતરંગીને કાંઈ જવાબ ન વાળ્યો. તેણે હસીને માત્ર જરાક ડોકું ધુણાવ્યું ! પણ સરઘસ તો આગળ વધ્યું ! અને પેલા સ્વપ્નતરંગીનો ચહેરો આકાશ ભણી જોઈ રહ્યો હતો, અને આભારમિશ્રિત લાગણીથી એની આંખ પ્રકાશી ઊઠી હતી ! લોકના મનથી એની મશ્કરી થતી હતી, અને તેની આનંદછોળ ઊડતી હતી ! સ્વપ્નતરંગીના મનથી એનું બહુમાન થઈ રહ્યું હતું, અને તેથી આનંદોર્મિની હેલી રેલાતી હતી !

[ તંત્રીનોંધ : જિબ્રાનની બધી જ વાર્તાઓમાં ગહન તત્વચિંતન છુપાયેલું છે. આ વાર્તા પણ એ જ પ્રકારની છે. એક નિશ્ચિત અંતર રાખીને ચાલતા માણસને સુખ અને દુઃખની લાગણીઓ સ્પર્શી શકતી નથી. આ દુનિયામાં જે કંઈ છે તે બધું સમજ્યાનું દુઃખ છે. જેને કંઈ સમજાતું નથી તે હંમેશા આનંદિત રહે છે ! આવા તરંગી માણસો આપણને ઘણીવાર આસપાસ જોવા મળે છે. તેમને મન સુખ-દુઃખ જેવું કંઈ હોતું નથી. એ પોતાની ધૂનમાં જ રહેતા હોય છે. પરિણામે, તેઓ ક્યારેક મોટી વિપત્તિઓને પણ સરળતાથી પાર કરી જતા હોય છે.]

[કુલ પાન : 144. (મોટી સાઈઝ)  કિંમત : રૂ. 170. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન :  +91 79 22144663.  ઈ-મેઈલ : goorjar@yahoo.com ]