પાછા વળવું – વીનેશ અંતાણી

[ તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘પાછ વળવું’માંથી આ વાર્તા ‘સર્જક ઉદ્દગાર’નામના સામાયિકમાં પ્રકાશિત થઈ હતી, જેમાંથી તે અહીં સાભાર લેવામાં આવી છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. આપ શ્રી વીનેશભાઈનો આ સરનામે vinesh_antani@hotmail.com સંપર્ક કરી શકો છો.]

[dc]છે[/dc]લ્લા અઠવાડિયાથી ઉમસ વધી ગઈ હતી. પાછલી રાતે સુધાની આંખ ઊઘડી ગઈ હતી. પુષ્કળ ગરમી થતી હતી. એણે એ.સી. ચાલુ કર્યું, છતાં ઊંઘ ન આવી તે ન જ આવી. એ વહેલી ઊઠીને ચાલવા માટે બહાર નીકળી ગઈ હતી. સડકની ધાર પર વૃક્ષોની નીચે ચાલતી રહી હતી. ચારે કોર રવિવારની સવારની અલસતા છવાયેલી લાગતી હતી. એ એકાદ કલાક ચાલી હતી અને પછી ઘેર આવી ગઈ હતી.

હવે એ વરંડામાં બેઠી હતી.
લક્ષ્મી બહાર આવી. એના હાથમાં ભીનાં કપડાંની બાલદી હતી. એ વરંડામાં બાંધેલી દોરી પર કપડાં સૂકવવા લાગી. એક એક કપડું કાઢી, ઝાટકી અને પછી દોરી પર પહોળું કરતી જતી હતી. બાલદી ખાલી થઈ ગઈ પછી એણે સુધા સામે નજર ફેંકી. સુધાની સામે પડેલી ટિપાઈ પર ચાનો મગ મૂક્યો. લક્ષ્મી અંદર જતાં પહેલાં તે મગ ઉપાડવા નજીક આવી. એની નજરમાં ઠપકો આવી ગયો.
‘બેન, ચા ?’
‘હં ?’ સુધા ચોંકી ઊઠી હોય તેમ લક્ષ્મીને જોવા લાગી.
‘તમે ચા પીધી જ નંઈ ?’

સુધાએ જોયું, આખો મગ ભરેલો હતો. ચા ઠરી ગઈ હશે. ઉપર છારી ફરી વળી હતી. એણે લક્ષ્મી સામે જોયું. હસી પડી. મગ ઉપાડવા હાથ લંબાવ્યો.
‘લાવો, ગરમ કરી દઉં.’
‘ના…ના…. ચાલશે.’ એ બધી ચા એકીશ્વાસે ગટગટાવી ગઈ. લક્ષ્મી વરંડાની પાળ પર બેઠી. પાલવથી પરસેવો લૂછવા લાગી.
‘આ મૂઈ ગરમી !’ એ બબડવા લાગી. સુધા એને જોતી રહી. વિચાર આવ્યો, લક્ષ્મી એની સાથે ન હોત તો એનો સમય કેવી રીતે પસાર થયો હોત. માત્ર સમય જ નહીં, આખી જિંદગી. એને માએ કરી આપેલી વ્યવસ્થા યાદ આવી ગઈ. સુધાએ દિલ્હી આવવાનો નિર્ણય લીધો એ માને ગમ્યું ન હતું. માએ કહ્યું હતું : ‘દિલ્હી જેવું અજાણ્યું શહેર અને તું ત્યાં એકલી રહે તે વાત મને જચતી નથી.’
‘એકલી ક્યાં છું મા. અનુ તો છે મારી સાથે.’
મા તે વખતે દોઢ વરસની અનુને ખોળામાં લઈને બેઠાં હતાં, ‘આ તારી અંગૂઠા જેવડી છોરીને તું તારો સાથ માને છે ?’ સુધાના હોઠ પર મ્લાન સ્મિત આવી ગયું હતું.
‘હવે મારી સાથે એ જ છેને, મા.’

માનો નિઃશ્વાસ સરી પડ્યો હતો, આંખો ભરાઈ આવી હતી.
‘સારું ન થયું, સુધા.’ સુધાએ માનો હાથ થપથપાવ્યો હતો, ‘તું ચિંતા ન કર. જે થયું તે વેળાસર થયું છે. વધારે સમય નીકળ્યો હોત તો હું ઊંડા કળણમાં ખૂંપતી જાત અને કદાચ પછી બહાર નીકળવાનો કોઈ રસ્તો જ રહ્યો ન હોત.’
‘પણ….’ એ કશુંક કહેવાં જતાં હતાં અને અટકી ગયાં હતાં. સુધાને ખબર હતી, એ શું કહેવા માગતાં હશે. ખમી ખાવું જોઈએ, દીકરી…. બાયડીજાત માટે આખી જિંદગી એકલી કાઢવી…. જેવું હતું, નિભાવી લેવું જોઈતું હતું.
‘જે થયું તે થયું, પણ તું દિલ્હી જવાની હઠ છોડી દે, સુધા. મારું કહ્યું માન ને મારી કને જ રહી જા…. તારા જોગ નોકરી અહીં પણ મળી રે’શે. તારે મુંબઈ રે’વાનું મન ન થાય એ વાત હું સમજી શકું છું, પણ દિલ્હી… છેક દિલ્હી ?’
‘મેં જ સામે ચાલીને દિલ્હી બદલી માગી છે, મા. મને ખબર છે ત્યાં હું ખૂબ આગળ વધી શકીશ. તું તારી દીકરીને ઓળખતી નથી.’
‘તને બહુ ઓળખું છું એની જ મોકાણ છે ને ! મને ખબર છે, તું મારી વાત માનવાની નથી… પણ તું ત્યાં એકલી રહે… વિચાર તો કર, તું નોકરીએ જશે ત્યારે તારી આ નાનકીને કોની પાસે રાખી જઈશ.’
‘હું આખા દિવસની કામવાળી રાખીશ.’
‘કામવાળી ?’ માની નજરમાં એ વિચાર ઝબક્યો હતો, ‘એક કામ કર, આપણી લક્ષ્મીને તારી સાથે લઈ જા. આમેય એ વિધવા થઈ પછી એનું કોઈ નથી. તારું ઘર સાચવશે અને તને અનુની પણ ચિંતા નહીં રહે. એને લીધે ઘરમાં વસતી જેવુંય લાગશે.’

તે દિવસથી લક્ષ્મી સુધાની સાથે છે. માની વાત સાચી હતી. લક્ષ્મી હતી તો સાચે જ વસતી લાગતી હતી.
‘બીજી ચા બનાવી દઉં ?’ લક્ષ્મી બોલી.
‘ના, મને જરૂર નથી… હમણાં પીધી તે પણ બહુ ઠંડી નહોતી, સાચે !’
સુધા જાણે છે, લક્ષ્મી એની વાત સાચી માનવાની નથી. થોડી વાર બંને એમ ને એમ બેસી રહ્યાં. લક્ષ્મી વચ્ચે વચ્ચે સુધાને જોઈ લેતી હતી. સુધા એની સામે જોવાનું ટાળતી હોય તેમ આડુંઅવળું જોતી રહી હતી. છેવટે લક્ષ્મી પાળી પરથી ઊભી થઈ. અંદર જતી હતી, પણ બારણાં સુધી પહોંચીને ઊભી રહી.
‘કેટલા વાગે આવશે ?’
સુધા લક્ષ્મીના આકસ્મિક સવાલ સામે તાકી રહી.
‘અનુ ?’ લક્ષ્મીએ પ્રશ્ન પૂરો કર્યો. તે સાથે જ સુધા જાણે વર્તમાનમાં પૂરેપૂરી મુકાઈ. આજે કયો દિવસ હતો અને આજે શું બનવાનું હતું… આજે એની દીકરી અનુ….
‘ટ્રેનનો સમય તો ચાર વાગ્યાનો છે. મોડી થાય તો મોડુંય થાય.’
‘રાતે શું બનાવું ? તમે અનુને પૂછી લીધું છે – એને શું ખાવું છે ?’
‘ના…. એ તો પૂછવાનું રહી ગયું…. મને સૂઝ્યું જ નહીં !’
‘ઈમ કેમ થાય ? બિચારી ત્યાં બા’રનું ખાઈ ખાઈને કંટાળી ગૈ હશે. હવે ઘેર આવે છે તો ઈને ભાવે ઈવું રાંધું તો સારુંને ?’
‘તને તો ખબર જ છે, લક્ષ્મી. અનુને શું ભાવે છે અને શું ન ભાવે ! તું જ નક્કી કરી લેને ?’
લક્ષ્મીએ ‘ડચ’ કર્યું, માથું પણ ધુણાવ્યું.
‘ઈમ ન થાય. કેટલાં વરસે ઘેર આવે છે – બે વરસ થ્યાંને ?’
‘ના, ત્રણ….’ સુધા ધીમેથી બોલી. એ જાણે પોતાની જાતને જ કશુંક યાદ અપાવી રહી હતી.
‘ત્રણ વરસ થૈ ગ્યાં ?’
‘તો !’
‘મને તો કાંય સમજાતું નથી…. ઈવું તે કેવું ભણવાનું કે દીકરીને રજામાં પણ ઘેર આવવા ન દે !’ સુધાએ જવાબ આપ્યો નહીં.
***

‘પણ મારે દિલ્હીમાં નથી ભણવું, મમ્મી !’
‘કેમ ?’
અનુએ જવાબ આપ્યો ન હતો.
‘આવી સારી સ્કૂલ છે, અનુ…. તને ખબર છે, એમાં ઍડમિશન મેળવવા માટે મારે કેટલી દોડાદોડી કરવી પડી હતી ? એ છોડીને છેક સિમલા….’
‘મેં બધી તપાસ કરી લીધી છે. મારી ફ્રૅન્ડ પૂનમ પણ આ વર્ષથી ત્યાં ભણવાની છે. સરસ રેસિડેન્શિયલ સ્કૂલ છે. હૉસ્ટેલ પણ ખૂબ સારી. મને કોઈ વાતે તકલીફ પડશે નહીં.’
‘પણ, અનુ….’
‘જસ્ટ ડોન્ટ વરી, મમ્મી !’ અનુનો અવાજ રુક્ષ હતો અને એમાં એણે લઈ લીધેલા નિર્ણયની જીદ પણ સંભળાઈ હતી. સુધા જાણતી હતી, એ નહીં માને, છતાં અનુને આવી મોંઘી સ્કૂલમાં મોકલવી એના માટે શક્ય ન હતું.
‘તું વિચાર તો ખરી, એ સ્કૂલની ફી હું કેવી રીતે….’
‘મેં કાલે રાતે મુંબઈ ફોન કરીને વાત કરી લીધી છે.’
‘મુંબઈ ? તેં કોને ફોન કર્યો હતો ?’
‘કોને એટલે ? મારે જેને કરવો જોઈએ એમને !’ સુધા આહત થઈ તે કરતાં વધારે ઝંખવાણી પડી ગઈ હતી. એને લાગ્યું હતું, જાણે અનુએ એને કશાકથી દૂર કરી દીધી હતી – એક જ ધક્કામાં અને એ ખૂબ નીચે પટકાઈ હતી. એણે ધાર્યું ન હોય તેવું બની રહ્યું હતું. એ મુંબઈમાં બેઠો બેઠો બદલો લઈ રહ્યો હતો અને જે દીકરીને એણે પાળીપોષીને મોટી કરી એ પણ એની સાથે સામેલ થઈ ગઈ હતી. એ માત્ર સામેલ નહોતી થઈ, એણે જ બધું ઊભું કર્યું હતું, સામે ચાલીને….. સુધાને લાગ્યું હતું કે એની સમજ, એની ભલમનસાઈનો ગેરલાભ લેવાયો હતો. સુધાએ એને અને અનુને મળતાં રહેવા દીધાં એ એની ભૂલ હતી.
‘ઓકે…. જો તેં સિમલામાં રહીને ભણવાનો નિર્ણય લઈ જ લીધો છે તો હું તને જવા દઈશ, પણ તારે કોઈ ત્રાહિત પાસેથી પૈસા લેવાની જરૂર નથી. યુ ઓલસો ડોન્ટ વરી…. હું તારો બધો ખર્ચો ઉપાડી શકીશ… ઓકે ?’

અનુ પણ મમ્મીને જીતવા દેવા માગતી ન હતી. એ ધીમેથી બોલી હતી :
‘તું કોની પાસેથી પૈસા લઈશ, મમ્મી ? શ્યામઅંકલ પાસેથી ?’
તે સાથે જ સુધાની સામે બધું જ સ્પષ્ટ થઈ ગયું હતું. એક થપ્પડ એની હથેળીમાં ઊઠી હતી, પરંતુ એણે એવું કશું કર્યું ન હતું. હારી ગયા પછી પણ એ પરાજિત થવા માગતી ન હતી. ત્યાર પછી અનુને સિમલા ભણવા મૂકવાનો નિર્ણય એનો પોતાનો જ હોય એમ સુધાએ ઍડમિશન વગેરેની બધી કાર્યવાહી પતાવી હતી. નવી ટર્મ શરૂ થઈ ત્યારે એ અનુની સાથે સિમલા ગઈ હતી અને એને હૉસ્ટેલમાં બરાબર ગોઠવીને દિલ્હી પાછી આવી હતી. દિલ્હી આવ્યા પછી એણે પહેલું કામ શ્યામને ફોન કરવાનું કર્યું હતું.
‘શ્યામ, હવેથી આપણે મળશું નહીં.’
***

ત્રણ વર્ષ વીતી ગયાં છે. આ ત્રણ વર્ષમાં અનુ એક પણ વાર દિલ્હી આવી નથી. વૅકેશનમાં એ નિયમિત રીતે મુંબઈ જતી અથવા એ મુંબઈથી સિમલા જતો. અનુને ક્યાંક ને ક્યાંક ફરવા લઈ જતો. સમય મળતો ત્યારે વર્ષમાં એકાદ-બે વાર સુધા પણ સિમલા જઈ આવતી. હવે અનુ કૉલેજમાં આવવાની હતી. એની હાઈસ્કૂલની ફાઈનલ પરીક્ષા પૂરી થઈ પછી એ દિલ્હી આવી રહી હતી. આ વીતેલાં ત્રણ વર્ષમાં એ અને શ્યામ પહેલાંની જેમ મળ્યાં ન હતાં. તેમ છતાં વચ્ચે વચ્ચે સંપર્ક થઈ જતો. કોઈ કાર્યક્રમમાં, કોઈ મિત્રને ત્યાં, સામાજિક પ્રસંગે અથવા બસસ્ટોપ પર કે એવી કોઈ જગ્યાએ. ગયા વર્ષે શ્યામને સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ મળ્યો ત્યારે તેના સમારંભનું કાર્ડ આવ્યું હતું. સુધા તે સમારંભમાં ગઈ હતી. શ્યામે એને દૂરથી જોઈ હતી અને હાથ હલાવ્યો હતો. તે દિવસ પછી તો ફોનથી પણ વાત થઈ ન હતી.
***

એક વર્કશૉપમાં જુદી જુદી ભાષાના વાર્તાકારો એમની વાર્તા વાંચવા ભેગા મળ્યા હતા. સુધા પણ ગઈ હતી. શ્યામે એની હિન્દી વાર્તા વાંચી હતી. સુધાને આ વાર્તા ખૂબ ગમી હતી. સુધાએ પણ એની ગુજરાતી વાર્તા વાંચી હતી. સાંજે બધાં છૂટાં પડતાં હતાં ત્યારે શ્યામે એને પૂછ્યું હતું : ‘કૉફી પીવા જઈએ ?’ એ પહેલી મુલાકાત હતી. શ્યામ એક હિન્દી વાર્તાસામાયિકનો સંપાદક હતો. એણે સુધાની વાર્તા વિશે વાતો કરી હતી.
‘હું તમારી વાર્તા છાપવા માગું છું. એનો અનુવાદ કોણે કર્યો છે ?’ એણે પૂછ્યું હતું.
‘મેં જ કામચલાઉ અનુવાદ કર્યો છે. મને ખબર છે, મારું હિન્દી સારું નથી.’
‘હં… એના પર થોડું કામ કરવું પડે તેમ છે.’
‘કોઈ છે, જેની પાસે ફરીથી અનુવાદ કરાવી શકાય ?’
શ્યામે સ્મિત કર્યું હતું, ‘તમને વાંધો ન હોય તો હું જ કરું ?’
‘તમે ?’ સુધાને નવાઈ લાગી હતી. શ્યામ જેવો પ્રખ્યાત વાર્તાકાર એની વાર્તાનો અનુવાદ કરી આપશે ?
‘કેમ ?’
‘પણ તમે…..’
‘તમને ખબર છે, મને તમારી વાર્તામાં શું ગમ્યું છે ? એક એકલી સ્ત્રી જે રીતે….. અને એ જે રીતે નિરૂપાયું છે તે મને વિશેષ ગમ્યું છે. મને તો લાગ્યું હતું, જાણે તમે મારી માની વાર્તા લખી છે.’

એ પછીના રવિવારે શ્યામ પહેલી વાર સુધાને ઘેર આવ્યો હતો. લગભગ આખો દિવસ કામ કરીને બંનેએ સાથે મળી સુધાની વાર્તાનો અનુવાદ કર્યો હતો. શ્યામ ગયો પછી એ રાતે અનુએ પૂછ્યું હતું :
‘આ અંકલ કોણ હતા, મમ્મી ? બહુ બૉર કરતા હતા !’
સુધા અનુનો કંટાળો સમજી શકી હતી. એ આખું અઠવાડિયું આખો દિવસ બહાર હોય, માત્ર રવિવાર કે રજાના દિવસે જ એ અનુ સાથે રહી શકતી. એના એક રવિવારના સુખમાં બીજી કોઈ અજાણી વ્યક્તિએ ભાગ પડાવ્યો હતો એ વાત અનુને ગમી નહોતી. સુધાએ એને નજીક ખેંચી હતી અને કહ્યું હતું : ‘સૉરી, અનુ !’
***

પછી સૉરી જેવું પણ રહ્યું ન હતું. શ્યામને મળવાનું વધતું ગયું. એ હિમાચલ પ્રદેશના ચંબા ગામનો હતો. દિલ્હીમાં એકલો રહેતો હતો. સુધાને શ્યામ સાથે કામ કરવું ગમતું હતું. એને લીધે એ દિલ્હીના સાહિત્યવર્તુળમાં ભળવા લાગી હતી. એક વાર શ્યામે એના સામાયિકનો ગુજરાતી સાહિત્ય વિશે આખો અંક તૈયાર કર્યો હતો. તે નિમિત્તે એ લગભગ પંદરેક દિવસ દર સાંજે સુધાને ઘેર આવતો રહ્યો હતો. મોડે સુધી કામ ચાલતું. અનુ બીજા કમરામાં લક્ષ્મી પાસે સૂઈ જતી. એ સવારે સ્કૂલે જવા નીકળે ત્યારે સુધા પણ ઊંઘતી હોય.

થોડાં વર્ષો પહેલાં એક સ્ત્રી શ્યામના જીવનમાં આવી હતી અને પછી બહુ જલદી બહાર નીકળી ગઈ હતી. એક વાર શ્યામે કહ્યું હતું :
‘મને એનું સૌથી વધારે શું ગમતું, ખબર છે ?’
સુધા હસી પડી હતી, ‘મને ક્યાંથી ખબર હોય !’
‘એના વાળ બહુ લાંબા હતા અને એ જ્યારે પણ મને મળવા આવતી, એના વાળ તાજા ધોયેલા હોય. હું એના વિશે ઘણુંબધું ભૂલવા લાગ્યો છું, માત્ર એના વાળની સુગંધ….’ તે પછીના રવિવારે શ્યામ આવ્યો ત્યારે સુધાએ વાળ ધોયા હતા. ત્યાર પછી દર રવિવારે એ પહેલું કામ વાળ ધોવાનું કરતી. એક રવિવારે અનુએ સવારે ઊઠતાવેંત પૂછ્યું હતું :
‘આજે પણ તું વાળ ધોવાની છે ?’
સુધાને પહેલી વાર પોતાની દીકરીનો ભય લાગ્યો હતો. એને ખબર પણ ન પડી અને એની દીકરી મોટી થઈ ગઈ હતી.
***

દશેરાના વૅકેશનમાં અનુની સ્કૂલનાં વિદ્યાર્થીઓ હિમાચલ પ્રદેશના પ્રવાસે જવાનાં હતાં. અનુને જવું હતું. સુધા એને એકલી મૂકવા તૈયાર નહોતી.
‘પણ શા માટે, મમ્મી ?’ અનુ નારાજ થઈ ઊઠી.
‘બસ… તું આટલા બધા દિવસ એકલી જાય તે મને ગમતું નથી.’
‘મારે જવું છે, મમ્મી ! અમારાં મૅમે હિમાચલના પહાડોની કેટલી બધી વાતો કરી છે, મારે તે બધું જોવું છે.’
‘તે જશું ને ! આપણે પણ જશું, બસ ? શ્યામઅંકલનું ગામ હિમાચલમાં જ છે…. આપણે એમને કહેશું તો…’
‘હું સ્કૂલની ટ્રીપમાં જ જઈશ.’
વાત ટાળવા માટે સુધાએ કહ્યું હતું : ‘સારું… સારું…. હું શ્યામઅંકલને પૂછી જોઈશ.’
સુધાએ શ્યામને પૂછ્યું હતું. શ્યામને અનુ સ્કૂલની ટ્રીપમાં જાય તેમાં કશું વાંધાજનક લાગ્યું ન હતું. સુધાને કઈ વાતનો ડર લાગતો હતો તે એને સમજાયું ન હતું. શ્યામે અનુને બોલાવી હતી.
‘તું ટ્રીપમાં જવા માગે છેને, અનુ ?’
‘તમને કોણે કહ્યું ?’
‘તારી મમ્મીએ.’
‘એણે તમને શા માટે પૂછ્યું ?’
‘કેમ ? એ ડરે છે ! પણ તું તો હિંમતવાન છોકરી છે ! તું જજે, ઓકે ?’
અનુ થોડી વાર શ્યામ સામે જોતી રહી હતી, પછી બોલી હતી : ‘ના, મારે નથી જવું.’
***

પછી એક દિવસ અનુ સિમલા ચાલી ગઈ હતી. એણે એ નિર્ણય શા માટે લીધો હતો તે વિશે સુધાના મનમાં કોઈ સંશય રહ્યો ન હતો. એ શા માટે વૅકેશનમાં પણ દિલ્હી આવતી ન હતી તે વિશે પણ સુધા સ્પષ્ટ હતી. ક્યારેક એ વિચારતી કે એ અનુ સાથે ખૂલીને વાતો કરે. અનુને જે સમજાતું હતું તે અને જે સમજાતું ન હતું તે બધાની વિગતે વાત કરે…. છતાં કશુંક હતું, જે સુધાને રોકતું હતું. ચારેક મહિના પહેલાં સુધાની ઑફિસમાં ત્રણ રજાઓ સાથે આવી હતી. સુધા સિમલા ગઈ હતી. હૉસ્ટેલની વૉર્ડનની પરવાનગી લઈને એ અનુને પોતાની સાથે લાવી હતી. બંને સિમલાની હોટલમાં રહ્યાં હતાં. સુધાને ઘણા વખતે અનુ સાથે મજા આવી હતી. કદાચ અનુને પણ મજા આવી હતી. અનુનું હાઈસ્કૂલનું છેલ્લું વરસ હતું. એ એની સ્કૂલ, ત્યાં બનેલી સખીઓ વિશે વાતો કરતી રહી હતી.
‘અનુ, હવે તો તું દિલ્હી પાછી આવી જશે. મને તારા વિના જરા પણ ગમતું નથી.’
‘હું મુંબઈ જવાની છું.’
‘કેમ ?’
‘મારી પપ્પા સાથે વાત થઈ છે. એ મને ત્યાંની સારામાં સારી કૉલેજમાં ઍડમિશન અપાવવાના છે.’
સુધા અનુ સામે જોતી બેસી રહી હતી, ‘તને ખબર છે અનુ, તું શું કરી રહી છે ?’
‘કેમ, હું શું કરી રહી છું ?’
‘અનુ, તું મારો તો વિચાર જ કરતી નથી.’
‘તારો વિચાર ?’ અનુ એવી રીતે બોલી હતી, જાણે સુધા કોઈ અજાણી ભાષામાં બોલી હોય. સુધાએ હોઠ દાબ્યા હતા. પછી લાંબા સમયથી જે બાંધી રાખ્યું હતું તે અચાનક છૂટી ગયું હોય તેમ એ બોલી ઊઠી હતી :
‘તું ધારે છે એવું કશું નથી, અનુ….’ અનુનું મોઢું સપાટ હતું. ત્યાં કોઈ ભાવ, કોઈ આશ્ચર્ય કે કશાય વિશેનો પસ્તાવો – કશું જ દેખાયું ન હતું.

‘હું કશું પણ ધારતી નથી, મમ્મી !’
‘તને ખબર નથી…..’
‘મને શું ખબર નથી, મમ્મી ? ખબર તો તને નથી કે તેં મારી સાથે શું કર્યું છે.’
‘અનુ !’ ઘાંટા જેવી એક શૂલ સુધાના ગળામાં અટકી ગઈ હતી, પરંતુ એ હોઠ દાબીને બેસી રહી હતી. એ રડી ન હતી. એ રડવા માગતી ન હતી. એ ક્ષણે એને લાગ્યું હતું કે હવે કશું પણ એના હાથમાં રહ્યું નથી. એ અનુ સાથે આ રીતે વાત કરવા માગતી ન હતી. એ અનુને કહેવા માગતી હતી કે એ દિલ્હી છોડીને સિમલા ચાલી આવી છે ત્યાર પછી એ શ્યામને મળી જ નથી. એણે ધીરે ધીરે એની તંગ થઈ ગયેલી મુઠ્ઠીઓ છોડી નાખી હતી.
‘હું તને મુંબઈ જવા નહીં દઉં, સિમલા સુધી બધું ચલાવી લીધું – પણ મુંબઈ ?’
‘કેમ ? હું ત્યાં મારા પપ્પા પાસે રહીશ એ કારણે ?’
‘હા, એ જ કારણે !’ પછી સુધા અનુના છૂટા વાળમાં હાથ ફેરવવા લાગી હતી. અચાનક આવી ગયેલી ખામોશીમાં કશુંક નજીક આવી રહ્યું હતું અને કશુંક દૂર ખસી રહ્યું હતું. સુધાને લાગ્યું હતું, એ છેલ્લી તક હતી.
‘તું જાણે છે, હું અને તારા પપ્પા શા માટે અલગ થયાં ?’
અનુએ સુધાનો હાથ ખસાવી દીધો હતો અને પલંગ પરથી ઊભી થઈને બારી પાસે ચાલી ગઈ હતી.
‘તને ખબર નથી, અનુ. હું કેટલી એકલી પડી ગઈ છું….’ સુધાએ એના અવાજમાં રુદન ભળી ન જાય તેની કાળજી લીધી હતી. બારી બહાર જોઈ રહેલી અનુ અચાનક પાછળ વળી હતી. એના હોઠ ધ્રૂજતા હતા.
‘એકલી તું નથી, મમ્મી. એકલી તો હું પડી ગઈ હતી દિલ્હીમાં, તારા ઘરમાં રહેતાં !’
‘અનુ, પ્લીઝ !’
‘મને ઈમોશનલી બ્લેકમેઈલ કરવાનું બંધ કર, મમ્મી. પ્લીઝ…. ઈનફ ઈઝ ઈનફ !’ અનુ એ સાંજે સુધા પાસેથી એની હૉસ્ટેલમાં ચાલી ગઈ હતી. ત્યાર પછીનો એક આખો દિવસ સુધા સિમલામાં એકલી એકલી ફરતી રહી હતી. એ અનુને મળવા માગતી હતી, બધી વાત નવેસરથી કરવા માગતી હતી, છતાં એ એવું કરી શકી ન હતી. એને લાગ્યું હતું કે એની આસપાસ માત્ર ખીણો જ આવેલી છે. એ બીજા દિવસે સવારે બસમાં બેસીને દિલ્હી આવી ગઈ હતી, ત્યાર પછી એ અનુને આજે મળવાની હતી, એને સ્ટેશને લેવા જશે ત્યારે.
***

સુધા ધીરેધીરે ઊભી થઈ. થોડી વાર વરંડાની પાળ પાસે ઊભી રહી, પછી પગથિયાં પરથી નીચે ઊતરી. થોડા આંટા માર્યા. ઊભા પગે બેસીને ફૂલછોડના ક્યારા સાફ કરવા લાગી. ત્યાં તો અચાનક શું થયું તે એ ઊભી થઈ. થોડી ક્ષણો ટટ્ટાર ઊભી રહી. આકાશ સામે જોયું. તડકો વિસ્તરી ગયો હતો. એ ઘરમાં આવી. સેલફોન ઉપાડ્યો. કૉલ કર્યો. સામે રિન્ગ વાગતી હતી. થોડી ક્ષણો પછી અવાજ સંભળાયો :
‘હા, સુધા !’
‘શ્યામ, આજે અનુ સિમલાથી આવે છે. તું મારી સાથે સ્ટેશન પર આવશે ?’

[ તંત્રીનોંધ : આ વાર્તામાં નાયિકા સુધા કેન્દ્રસ્થાને છે. પોતાની દીકરીને પોતાની સાથે રહેવા માટે સમજાવવાનો તે ખૂબ પ્રયાસ કરે છે પરંતુ દીકરી ને માતાની વાત સાંભળવી નથી. તેના મનમાં માતાની એક જુદી જ છબિ અંકિત થઈ ગઈ છે. તે પોતાના પિતા પાસે જવા ઈચ્છે છે. જેની માટે સુધાએ શ્યામ સાથે સંબંધ છોડી દીધો હતો એ દીકરી જ આજે પોતાની નથી રહી. હવે સુધા શું કામ એકલતાનું દુઃખ વેઠ્યા કરે ? શું કામ એ પોતાના સંબંધો પર પૂર્ણવિરામ મૂકી દે ? એથી છેલ્લે, સુધા શ્યામને પોતાના જીવનમાં પાછા બોલાવવા માટે ફોન કરે છે. ‘પાછા વળવું’ શીર્ષક આ સંદર્ભમાં છે. અંતે, દીકરીને રેલ્વેસ્ટેશને લેવા જતી વખતે જ એ શ્યામને ત્યાં બોલાવીને તેની હાજરી દ્વારા દીકરીને પરોક્ષ રીતે પોતાના નિર્ણયની જાણ કરાવવા ઈચ્છે છે.]

[ કિંમત રૂ. 125. પ્રાપ્તિસ્થાન : આર. આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ. ‘દ્વારકેશ’, રૉયલ ઍપાર્ટમૅન્ટ પાસે, ખાનપુર, અમદાવાદ-380001. ફોન : +91 79 25506573.]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous વડથી પીપળા સુધી – સુરેશ પરમાર ‘સૂર’
તમે યાદ આવ્યા – વિનોદ ભટ્ટ Next »   

15 પ્રતિભાવો : પાછા વળવું – વીનેશ અંતાણી

 1. Mukund says:

  Saras gamyu

 2. Mukesh Pandya says:

  આ વાર્તાનું નામ ઈમોશ્નલ બ્લેક્મેઈલ હોવું જોઈએૢ કેમ કે વાર્તાના અંતમાં શ્યામને સાથે લઈને સુધા કહેવા માગે છે કે તું જઈશ તો હું શ્યામને છોડીશ નહીં.

  • kirti says:

   kahani kharekhar saras chhe. sudhane pan potani life chhe, tenu atmsnman chhe,shu stree ae hamesa koi ne mate j jeev vanu? teni koi ichcha nahi?

 3. dipak prajapatip says:

  good

 4. સુંદર વાર્તા

 5. વાર્તા સુન્દર છે. આજના સમયને અનુરુપ. જનરેશન ગેપની સુન્દર ઝલક. માબાપને સુન્દર શીખ . પોતાનું જીવન માત્ર બાળકો જ છે એ માન્યતા સાથે આખી જીન્દગી પૂરી કરી નાખે છે. બાળક્ને શું ગમશે શું નહી ગમે વિચારી પોતાનું અસતિત્વ બાળકના ત્રાજેવે તોલે છે. અંતમાં પોતાને ભૂલ સમજાય ત્યારે મોડું થઈ જાય છે. બાળક તમારા માટે કેટલું વિચારે છે એ પણ સમયે સમયે તપાસ કરો . તો તમારા અસતિત્વને ઓળખી શકાશે.
  સુન્દર વાર્તા.
  કીર્તિદા (દુબઈ)

 6. malvi patel says:

  Beautiful story !!!!!!!!!!!!!!

 7. Pratibha Dave says:

  સરસ. વારતાનો પ્રવાહ પકઙી રાખે છે. આજને અનુરુપ વિષય પણ ગમ્યો.

 8. vinaraval says:

  ખુબ સરસ વારતા

 9. ram mori says:

  VINESH ANTANINI BADHI NOVEL ANE VARTAONI JEM A VARTA PAN FANTASTIC CHHE. GENERATION Gpni vat adabhut rite mukai chhe!

 10. યામિની પટેલ says:

  સુધા માટે શ્યામ હજુ રાહ જોવે છે એટલે આ નિર્ણય કરવો શક્ય છે. આટલાં વર્ષો પછી એ પણ ના હોય તો? સુધા જેવું નસીબ કદાચ બધાનું ના પણ હોય.

 11. mamta says:

  Nice story

 12. ila thakar says:

  Every woman has her own identity & her own view, also her feelings.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.