વડથી પીપળા સુધી – સુરેશ પરમાર ‘સૂર’

[તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘મોક્ષદા મૈત્રી’માંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. લેખક શ્રી સુરેશભાઈના કેટલાક ચિંતનાત્મક લેખો આપણે અગાઉ માણ્યા છે. તેઓના ગઝલસંગ્રહમાંથી પણ આપણે કેટલીક ગઝલો અહીં માણી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ શ્રી સુરેશભાઈનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9228418606 અથવા આ સરનામે soor789@yahoo.co.in સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[dc]વ[/dc]ડ અને પીપળો બન્ને હિન્દુ સંપ્રદાયમાં પૂજનીય વૃક્ષો છે. પરંપરાગત રીતે કરાતી પૂજા ઉપરાંત વડથી પીપળા સુધીની યાત્રા કરનાર માણસનું જીવન, અધ્યાત્મની પરમ આનંદાવસ્થામાં પહોંચી શકે છે અને મોક્ષ સુદ્ધાં ઉપલબ્ધ કરી શકે છે. શું વડના વૃક્ષથી ચાલવાનું શરૂ કરી પીપળાના વૃક્ષ સુધી પહોંચી જવામાં આનંદ અને મોક્ષની ઉપલબ્ધિ થઈ શકે ? હા, થઈ શકે છે પણ તે માટે સભાનતાપૂર્વક અને ગુણાત્મક અભિગમ સાથે યાત્રા કરવી પડે.

પદ્મપુરાણ તથા સ્કંદપુરાણમાં વડનું વૃક્ષ વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ છે અને તેનાં મૂળ, થડ, પાંદડાં, ડાળીઓ વગેરેમાં ઘણાબધા દેવોનો વાસ છે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંપરાગત રીતે પીપળાપૂજન તથા વટસાવિત્રીનાં વ્રત ઈત્યાદિ થતાં રહે છે. એ બધાંથી તો આપણે માહિતગાર છીએ જ પણ કેવી સભાનતા કેળવવામાં આવે અને કેવો ગુણાત્મક અભિગમ અમલમાં મુકાય તો આપણી ધાર્મિક યાત્રા મુક્તિ અપાવવાવાળી તેમ જ આનંદ અપાવવાવાળી બને એ જાણવું અત્યંત જરૂરી છે. ભગવાન પાસે વ્રત દ્વારા આપણે માગણી કરીએ અને આપણી માગણી પૂરી થાય એ તો ધાર્મિક વહેવાર થયો કહેવાય. જે વ્યક્તિ માત્ર કશુંક મેળવવા માટે જ પૂજન-અર્ચન કરે છે તેનો આંતરિક વિકાસ પણ થઈ જાય એવું જરૂરી નથી. વહેવાર શબ્દ પરથી જ કદાચ વેપાર શબ્દ બનેલો છે. મતલબ કે જ્યાં લેવડદેવડનો વ્યવહાર અર્થાત વેવાર છે ત્યાં છૂપા રસ્તેથી વ્યાપાર અર્થાત વેપાર પણ પ્રવેશી જાય છે. એ હિસાબે વેવાર અને વેપાર શબ્દને અલગ માનવા જરૂરી નથી. વડ અને પીપળાના માધ્યમ દ્વારા કશી વેવારી કે વેપારી માગણી નથી કરવાની પરંતુ બન્ને વૃક્ષના ગુણોને આત્મસાત કરે તો માણસ સ્વયંનો આધ્યાત્મિક વિકાસ સાધી આનંદાવસ્થાને પામી શકે છે, આટલી બાબતને ખ્યાલમાં રાખી વડથી શરૂઆત કરી અને પીપળા સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ.

વડના વૃક્ષને આધ્યાત્મિક અર્થમાં જો કોઈ યોગ્ય ઉપમા આપવાની થાય તો મારા માનવા પ્રમાણે એક ‘સાધક’ની ઉપમા આપવી પડે. સંસ્કૃતમાં વટનો અર્થ વડનું વૃક્ષ થાય છે. વિશેષણ તરીકે વડનો બીજો અર્થ વડપણ, મોટાપણું પણ થાય છે. વટવૃક્ષ એટલે કે બધાં વૃક્ષોમાં વડપણ અને મોટાઈ ધરાવતું વૃક્ષ. વડના વૃક્ષને આવી વિશેષતા શા માટે અપાઈ છે ? કદાચ આધ્યાત્મિક સાધનામાં પ્રવૃત્ત એક સાધક જેવા તેનામાં ગુણ રહેલા છે એટલા માટે.

બધાં જ વૃક્ષોની એક સર્વસામાન્ય ખાસિયત છે કે તેઓ જમીનમાં મૂળ જમાવે છે, આકાશમાં ફેલાય છે, હવામાં ઝૂમે છે, વરસાદમાં ભીંજાય છે, ફૂલે છે, ફળે છે તથા પક્ષીઓની સાથે સાથે સમગ્ર અસ્તિત્વ પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરતાં ગીતો ગાય છે. માત્ર વડનું વૃક્ષ જ એવું વૃક્ષ છે જે પોતાની ડાળીઓ આકાશમાં તો ફેલાવે જ છે પરંતુ પોતાનામાં વડવાઈ પ્રગટ કરી અને ઊંચેથી ભોંય તરફ પણ યાત્રા કરે છે. આ વડવાઈ અંતતઃ અસલ મૂળ સાથે પુનર્મિલન સ્થાપિત કરીને જ જંપે છે. તે સ્થળે વડ ફરીથી જન્મ પામીને દ્વિજ બને છે. આવો દ્વિજ બનેલો વડ અમરત્વને ઉપલબ્ધ થાય છે. સેંકડો વર્ષથી અડીખમ ઊભેલો કબીર વડ આનું જીવંત ઉદાહરણ છે. માણસ તરીકે આપણે પણ બહારની દુનિયામાં જીવન ટકાવવા અલગ અલગ કાર્યક્ષેત્રોમાં પિતા, પુત્ર, વિદ્યાર્થી, પત્ની, માતા, પુત્રી વગેરે બનીને ડાળીઓ ફેલાવવાની છે. જે આટલે સુધી આવીને અટકી જાય તે બીજાં બધાં વૃક્ષોની સમકક્ષ થયા ગણાય પરંતુ પોતાના સ્વમાં રહેલ આત્મભાવનાં મૂળ સુધી પહોંચવા જે સાધક બનીને પ્રયત્નો આદરે છે કેવળ તે જ વડની બરાબરી કરવા શક્તિમાન થાય છે. એવા સાધક માટે જ વડપણનું વિશેષણ પ્રયોજવું ઉચિત ગણાય.

‘કરત કરત અભ્યાસ તે જડમતિ હોત સુજાન;
રસરી આવત જાત હે સિલ પર પડત નિશાન.’

જે સાધક કબીરસાહેબના આ દોહાને અમલમાં મૂકે અને સ્વનું અધ્યયન કરતાં કરતાં પોતાના મૂળ સુધી જવાની યાત્રા કરે અને આખરે,

‘મરતે મરતે જગ મૂઆ, ઔરસ મુઆ ન કોય;
દાસ કબીરા યોં મૂઆ, બહુરિ ન મરના હોય.’

જેવી ‘અમૃતસ્ય પુત્ર વયમ’ની દશાનો અનુભવ કરી લે તે જીવાત્મા સાધક મટીને સિદ્ધ પુરુષ બની જાય છે. સ્વયંમાં ઊતરવાનો સંદેશ આપતો વડ પ્રેમનો માર્ગ પ્રસ્થાપિત કરે છે. આ શરીર તો પાપી છે, વાસનાઓનું ઘર છે એવી નિંદા ન કરતાં હું આ શરીરમાં વસેલો ‘અશરીરી પરમાત્મા’નો પ્રતિનિધિ છું એવો પ્રેમભર્યો સંદેશ વટવૃક્ષ આપે છે. જે પોતાનો પ્રેમપૂર્વક સ્વીકાર કરી અને પોતાનાં મૂળ સાથે જોડાયેલ રહી શકે છે તેની જ ઉપર પક્ષીઓ માળો બાંધે છે, ગીતો ગાય છે અને આનંદ-કિલ્લોલ કરે છે. જે વ્યક્તિ પોતાનાથી નારાજ હોય તેની પાસેથી ખુશીના તરંગો ફેલાય એવું ક્યારેય શક્ય હોતું નથી. જે વડ દ્વારા ઈંગિત પ્રેમ માર્ગ પર ચાલવાની શરૂઆત કરે છે તે સાધક અંતે પીપળાના વૃક્ષ દ્વારા ઈંગિત ‘ધ્યાનમાર્ગ’ પર ચાલવાની પણ ક્ષમતા કેળવી લે છે અને અદ્વૈતના અનુભવનો પણ સ્વાદ ચાખી લે છે.

વટવૃક્ષ પ્રેમનો રસ્તો બતાવે છે અને અશ્વત્થ વૃક્ષ અર્થાત પીપળો ધ્યાનનો રસ્તો બતાવે છે. શ્રીમદ ભગવદગીતાના 10મા અધ્યાયના 26મા શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે : ‘અશ્વત્થઃ સર્વ વૃક્ષાણાં.’ જેનો અર્થ થાય છે કે બધાં વૃક્ષોમાં હું પીપળાનું વૃક્ષ છું. કૃષ્ણ ભગવાને એ રીતે પીપળાના વૃક્ષને પોતાની સમકક્ષ ગણાવ્યું. શું કારણ હશે ? વનસ્પતિશાસ્ત્રીઓએ પરીક્ષણો કર્યા બાદ એવું તારણ કાઢ્યું છે કે પીપળાના વૃક્ષમાંથી ચોવીસે કલાક ઑક્સિજન ઉત્પન્ન થાય છે. બીજાં બધાં વૃક્ષો દિવસ દરમ્યાન ઑક્સિજન આપે છે જ્યારે પીપળાનું વૃક્ષ રાત્રે પણ ઑક્સિજન આપવાની પ્રક્રિયા ચાલુ રાખે છે. ઑક્સિજન જીવન ટકાવી રાખવા અત્યંત જરૂરી છે એ આપણે સહુ જાણીએ જ છીએ. ઑક્સિજનની અવરજવર હોય ત્યાં સુધી દેહમાં પ્રાણ ટકી રહે છે. માણસ જીવતું જાગતું રહી શકે છે.

કૃષ્ણ પોતે ચૈતન્ય સ્વરૂપ હતા, સાક્ષી સ્વરૂપ હતા અને ચોવીસે કલાક જાગરણ રાખનારા હતા અને તે જ સંદર્ભમાં શ્રીમદ ભગવદગીતાના બીજા અધ્યાયના 69મા શ્લોકમાં તેઓ અર્જુનને સમજાવે છે કે : ‘યા નિશા સર્વભૂતાનાં તસ્યાં જાગ્રતિ સંયમી’. જ્યારે બધાં પ્રાણીઓ રાત્રિના પ્રભાવમાં હોય છે ત્યારે સંયમી સદા જાગતો હોય છે. કદાચ પીપળામાંથી સતત પ્રગટતા પ્રાણવાયુને જાગરણનું પ્રતીક બનાવી કૃષ્ણ ભગવાને તેને પોતાની સમકક્ષ ગણાવ્યો હોય. પીપળાના આ ગુણને લીધે રાત્રે પણ તેના પાંદડાંઓમાં જીવંત હલચલ હોય એ સ્વાભાવિક છે. આ બાબતને ના સમજનારાઓ એવું માનતા હોય છે કે પીપળામાં ભૂતનું ઘર હોય છે. ખરેખર પીપળામાં રાત્રે પણ જોવા મળતી જીવંતતા ભૂતને લીધે નહીં પરંતુ તેમાંથી પ્રગટતા ઑક્સિજનને લીધે હોય છે. આ જાગતા રહેવાનો ગુણ સાક્ષીનો ગુણ છે. શુદ્ધ ચૈતન્યનો ગુણ છે અને તેથી તેમાં ભક્ત અને ભગવાનની અલગ અલગ હયાતી નથી હોતી પરંતુ પ્રેમથી પણ ઉપર ઊઠેલી અદ્વૈત અવસ્થા હોય છે. પીપળો એ રીતે ધ્યાનમાર્ગ ઈંગિત કરે છે જેને જ્ઞાનમાર્ગ તરીકે પણ સ્વીકારી શકાય. પોતાના ઉદાહરણ દ્વારા તે કહે છે કે જાગો, ધ્યાન રાખો કે કોઈ ક્ષણ બેહોશીમાં ના જતી રહે, રાત્રે શરીરને આરામ કરવા દો પણ ચૈતન્યનો સાથ ના છૂટે.

આપણે વડના પ્રેમ માર્ગથી શરૂઆત કરીએ. આપણા શરીરની નિંદા કરવાનું છોડી તેમાં વસેલા પરમાત્માના અંશ ‘આત્મા’ને પ્રેમપૂર્વક શોધવા સ્વનાં મૂળ સુધી વડવાઈઓ લંબાવીએ. જ્યાં માત્ર બે જ બાકી બચે એવી પ્રેમની દશા આત્મસાત થાય પછી તેનાથી પણ ઉપર ઊઠીને પીપળાના ધ્યાનમાર્ગ ઉપર ચાલીએ. ચૈતન્ય જગવવા રોજબરોજનાં વ્યવહારિક કે વ્યાપારિક કાર્યોમાં જાગતા રહીને સાક્ષીને સાધીએ. વડથી પીપળા સુધીની આવી ગુણાત્મક યાત્રા કરીને પ્રસાદ સ્વરૂપે સત-ચિત-આનંદના અધિકારી બનીએ.

[કુલ પાન : 84. કિંમત રૂ. 100. પ્રાપ્તિસ્થાન : રન્નાદે પ્રકાશન. 58/2, બીજે માળે, જૈન દેરાસર સામે, ગાંધી રોડ, અમદાવાદ-380001. ફોન : +91 79 22110081. ઈ-મેઈલ : rannade_2002@yahoo.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “વડથી પીપળા સુધી – સુરેશ પરમાર ‘સૂર’”

Copy Protected by Chetan's WP-Copyprotect.