અવનવું વાંચન વૈવિધ્ય – સંકલિત

[1] સ્ટેટ્સ અપડેટેડ – હિરલ વ્યાસ ‘વાસંતીફૂલ’

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ હિરલબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે hiralthaker@gmail.com સંપર્ક કરી શકો છો.]

[dc]આ[/dc]પણામાં જાત જાતની વૃત્તિઓ રહેલી હોય છે. આપણામાં જ રામ એ આપણામાં જ રાવણનું પ્રતિબિંબ આપણે પાડતા રહીએ છીએ. આજકાલ આ પ્રતિબિંબને ઝીલે છે ‘ફેસબૂક’ – જેની પર આપણે અપડેટ કરતા રહીએ છીએ આપણું ‘સ્ટેટસ’ ! આપણે શું જમ્યા, કેટલું જમ્યા, ન જમ્યા તો કેમ ન જમ્યા જેવી ક્ષુલ્લક બાબતો પણ ‘ફેસબૂક’ પર મૂકીએ છીએ. ‘સ્ટેટસ’નો અર્થ હોદ્દો થાય છે અને આપણે સતત સભાન રહીએ છીએ આપણા હોદ્દા માટે…. આપણી વાત કોઈ આંભળે એટલે આપણે એને સૌની સમક્ષ મૂકીએ છીએ. પછી એનો પડઘો પડે કે ન પડે. નોકરીમાં આપણું ‘સ્ટેટસ’ વધ્યું કે નહિ એના માટે ચિંતિત રહીએ છીએ પણ આપણી જ નજરમાં આપણું શુ ‘સ્ટેટસ’ છે તે જોવાની દરકાર રાખતા નથી.

‘હુ’ શું છું, ‘હું’ શું કરી શકુ છું એનો ઢોલ આપણે ‘ફેસબૂક’ પર વાગાડીએ છીએ અને લોકો સાંભળે પણ છે. આમ થશે તો સમાજમાં મારું શું ‘સ્ટેટસ’ રહેશે ?, આ વસ્તુ તો મારા ‘સ્ટેટસ’ પ્રમાણે જ હોવી જોઇએ, મારા ‘સ્ટેટસ’ પ્રમાણે હું આમ તો ન જ કરી શકું – આવા વિચારો આપણને નિખાલસતા કે નિર્દોષતાપૂર્વક જીવતા રોકે છે. આપણે આપણી જાત સાથે છળ કરીએ છીએ. આમ કરતાં આપણો અંતરાત્મા આપણને ડંખે છે પણ એ ડંખ પર લોકો ‘વાહવાહ’નો મલમ લગાવી દે છે. આપણે સ્ટેટસ અપડેટ કરીએ છીએ ને લોકો એને ‘લાઇક’ કરે છે, કેટલાક ટીકા-ટીપ્પ્ણી પણ કરે… માર્ક ઝુકરબર્ગે ક્યાંય ‘ડિસલાઇક’ નું ઓપ્શન રાખ્યું નથી. કારણ કે ઇશ્વરે રચેલી વસ્તુ કે વ્યક્તિ ઇશ્વરની રીતે બરાબર છે. આપણને ગમે કે ન ગમે તે અલગ વાત છે. લોકો એ કહેલી વાત આપણને ગમે કે ન ગમે, આપણે એને ‘ડિસલાઇક’ કરી શકતા નથી કારણકે એ એની જગ્યાએ બરાબર છે અને આપણે આપણી જગ્યાએ.

આપણું સ્ટેટસ ગમે તેટલું વધે આપણું માનસિક સ્તર/સ્ટેટસ કેટલું આગળ વધે છે વધારે મહત્વનું છે. ‘ફેસબૂક’ પર આવતું આપણું ‘સ્ટેટસ’ અપડેટ એટલે પોતે જ પોતાની કરેલી જાહેરાત !
.

[2] કોની જડતા અધિક પવિત્ર ?! – હર્ષ રાજેન્દ્રકુમાર જોષી

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રી હર્ષભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9998823453 અથવા આ સરનામે emailharshjoshi@yahoo.in સંપર્ક કરી શકો છો.]

આ કહેવત બહુ અર્થપૂર્ણ સાબિત થાય છે જે સારા સિદ્ધાંતોને વળગી રહીને જીવનની ઉન્નતી ઈચ્છે છે. પણ અહીં વાત સિક્કાની બીજી બાજુની કરવી છે. અમુક લોકો ગાંધીજી જેવા સિદ્ધાંતવાદી બનવા અન્ય વ્યક્તિઓ સામે પોતાનું જક્કી વલણ દાખવે છે. તેઓ માને છે કે સિદ્ધાંતવાદી બનવાથી સફળ થવાય છે અને એ માન્યતા સાચી પણ છે પરંતુ જો અન્ય વ્યક્તિ તે જ વ્યક્તિ સાથે તેવો જ વ્યવહાર કરે અથવા જક્કીપણું દાખવે તો તે સહન કરી શકતા નથી ! આ તો પોતાનો જ કક્કો ખરો કરવાની વાત થઈને ?

ગાંધીજી જેવા સિદ્ધાંતવાદી બનવું હોય તો સામી વ્યક્તિના સિદ્ધાંતોને પણ તેટલું જ માન આપતા શીખવું જોઈએ. માત્ર સિદ્ધાંતને જડપૂર્વક વળગી રહેવાથી જ સફળ નથી થવાતું. ગાંધીજી પણ પોતાના સંસર્ગમાં રહેલી વ્યક્તિના સિદ્ધાંતોનું મૂલ્યાંકન કરતા અને જ્યાં પોતે ખોટા જણાય ત્યાં નિઃસંકોચ પણે તેનો સ્વીકાર કરતા અને સામી વ્યક્તિનાં સિદ્ધાંતને ખેલદિલીથી માન આપતા. જ્યારે અમુક લોકો જેટલી જડતાથી પોતાના સિદ્ધાંતને વળગી રહે છે તેટલી સરળતાથી અન્યનાં સિદ્ધાંતને સ્વીકારી શકતા નથી અને એટલે જ બે વ્યક્તિઓ વચ્ચે ખટરાગ પેદા થાય છે.

આ બાબતમાં લેખકશ્રી ગુણવંત શાહ જણાવે છે કે : ‘ભારતમાં હિંદુ-મુસલમાન વચ્ચે કોમી તંગદિલી કેમ પ્રવર્તે છે ? કેમ કે બંને કોમ એમ સાબિત કરવા માગે છે કે તમારી જડતા કરતાં અમારી જડતા અધિક પવિત્ર છે !’ આપણા સમાજમાં પણ વ્યક્તિ વ્યક્તિ વચ્ચે આવી જ બાબતોને લીધે વિગ્રહ પેદા થાય છે કે તમારા જડ સિદ્ધાંત કરતાં અમારો જડ સિદ્ધાંત વધુ સારો છે અને તેથી જ એ સર્વ સ્વીકૃત હોવો જોઈએ. આપણાં સમાજમાં મોટી તકલીફ જ એ છે કે બધાને બોલવું છે, સાંભળવું કોઈને નથી અને જેણે સાંભળવું છે તેને વગર વિચાર્યે આંધળું અમલીકરણ કરવું છે. માટે જ ગુરુઓનો રાફડો ફાટ્યો છે, જેના શિષ્યો ગર્વથી કહે છે કે અમારા ગુરુનાં સિદ્ધાંત મુજબનું જીવન જ શ્રેષ્ઠ છે !! જેવી રીતે ગાંધીજી પોતાના સિદ્ધાંતો માટે અફર રહેતા તથા સત્યનાં આગ્રહી બનતા તેવી જ રીતે તેમના હૃદયમાંથી કરુણાનું અવિરત ઝરણું વહ્યા કરતું. પૂજ્ય શ્રી મોરારીબાપુ એ તો રામ-લક્ષ્મણ-જાનકી ને સત્ય-પ્રેમ-કરુણાનું રૂપક આપ્યું છે. શ્રીરામ એટલે કરુણા, જાનકીજી એ પ્રેમ અને લક્ષ્મણજી સત્ય. સિદ્ધાંત અને શિસ્ત એકબીજા સાથે સંકળાયેલા છે. જ્યાં સુધી આપણાં સમાજમાં સ્વયંશિસ્ત ન આવે ત્યાં સુધી આપણો સમાજ આદર્શસમાજ ન બની શકે. અત્યારે આપણા સમાજમાં અમુક વર્ગ એવો છે જેનામાં શિસ્ત બહુ ઓછી છે જ્યારે અમુક વર્ગ એવો છે જેનામાં વધુ પડતી શિસ્ત સ્થાન લઈ ચૂકી છે. અહીં એ પણ ધ્યાન રાખવું જોઈએ કે અતિશય શિસ્ત માનવીનાં જીવનમાં એક પ્રકારની જડતા લાવી દે છે અને માનવી ખૂલીને જીવી શકતો નથી. માનવી જીવનયાત્રાના કોઈક સ્થળે અતિશિસ્તરૂપી સાંકળથી આપમેળે જ બંધાઈ જાય છે અને પોતાના જડ સિદ્ધાંતોને વળગી રહે છે. એ એમ માનવા લાગે છે કે હું જીવનનાં શ્રેષ્ઠ મુકામ પર પહોંચી ગયો છું પરંતુ આવી વ્યક્તિની માન્યતાનો માનભંગ થવો જોઈએ.

બંને સાચા પરંતુ જુદી જુદી દિશા ચિંધનારા સિદ્ધાંતો વચ્ચે સંતુલન જાળવી રાખે તે જ સાચો સિદ્ધાંતવાદી. અહીં આ બાબતને અનુલક્ષીને ગાંધીજીનું ઉદાહરણ લીધું છે પરંતુ બીજા ઘણાં સિદ્ધાંતવાદીઓ પોતાના બહુમુખીત્વ અભિગમને કારણે સફળ થયા છે નહિ કે સિદ્ધાંતોની જડતાથી !
.

[3] નવા વિચારોનું આગમન – આરતી જે. ભાડેશીયા

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ આરતીબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે aarti2704@yahoo.com સંપર્ક કરી શકો છો.]

માનવી તેનું જીવન તેના માનસિક વિચારો બદલીને જ બદલી શકે છે. તમે જેવું વિચારશો, જેવું માનશો, તેવું તમારા જીવનમાં બનશે અને તેવું વાતાવરણ તમારી આસપાસ સર્જાશે. મનને માત્ર સારા જ નહીં, નવા વિચારોથી ભરો. આ ગતિવિધિ થી જ તમને નવુંજીવન, ધાર્યું જીવન અને બની શકે તો ધારી સફળતા પણ મળી શકે છે. જો સંશોધકોએ કંઈ જ નવું ના વિચાર્યું હોત તો આજનો યુગ ટેકનિકલ ન બન્યો હોત અને આપણે આટલી ભૌતિકતા ન ભોગવી શક્યા હોત.

ઉદાહરણ તરીકે, આજની દરેક વ્યક્તિ માટે જીવનમાં સૌથી ઉપયોગી સાધન હોય તો તે છે મોબાઈલ. ‘Martin Cooper’ નામના વૈજ્ઞાનિકે કશું વિચાર્યું ન હોત તો આજે દુનિયાના ગમે તે છેડે રહેતા વ્યક્તિનો સંપર્ક આપણે સાધી શક્યા હોત ? ‘Philo T. Farnsworth’ જેને ટેલિવિઝનના પિતા કહેવાય છે, તેમણે જો નવા વિચારો દ્વારા આ કામ ન કર્યું હોત તો આપણે આટલું મનોરંજન અને દુનિયાની ખૂણે-ખૂણાની માહિતી મેળવી શક્યા હોત ? આજે દરેક વ્યવસાયમાં સૌથી વધુ ઉપયોગમાં આવતું સાધન એટલે કોમ્પ્યુટર. જો ‘Charles Babbage’ નામના વૈજ્ઞાનિકે આ કશું વિચાર્યું ન હોત તો આજના ધંધાકીય હિસાબ-કિતાબ તથા લાખો-કરોડોના વ્યવહારો સહેલા બની શક્યા હોત ? જો કોમ્પ્યુટર ના હોત તો આજે આટલી રોજગારીની તકો ઊભી થઈ શકી હોત ? આજે દુનિયાના કોઈપણ છેડે રહેલા વ્યક્તિ સાથે વ્યવસાય કરવો હોય અથવા અજાણી વ્યક્તિની માહિતી એકત્ર કરવી હોય તો આજના યુવાનો અને બાળકોનું પ્રિય તથા દુનિયાની માહિતી ને જ્ઞાન આપતું ‘ઈન્ટરનેટ’ આપણને ઉપયોગી થાય છે. આ ઈન્ટરનેટની શોધ ‘Vintone Cerf’ નામના વૈજ્ઞાનિકે કરી હતી. જો તેમણે આ વિશે કંઈ વિચાર્યું ના હોત તો આજે બાળકો આટલી નાની ઉંમરમાં આ બધું જ્ઞાન મેળવી શક્યા હોત ? દુનિયામાં હજી ઘણા ઉદાહરણ એવા છે જેમાં લોકોએ ઘણું જ નવું વિચાર્યું છે અને હજી વિચારશે. આજના ઝડપી અને હરીફાઈના જમાનામાં દરેક વ્યક્તિએ નવું વિચારવું જ પડે છે. આજે હજી પણ ઘણા લોકો એવા છે જે જૂના, થાકેલા અને ઘસાઈ ગયેલા વિચારો સાથે જીવે છે.

સમાજને જાગૃત કરવા તેમજ પોતાનું વ્યક્તિત્વ બદલવા માટે માણસે માત્ર ત્રણ જ વાક્યો યાદ રાખવાની જરૂર છે : [1] ઈશ્વર જ મારામાં જીવનની શક્તિ છે. તેને લીધે જ મારામાં આત્મવિશ્વાસ જાગ્યો છે. [2] માનવીનું જીવન તેના વિચારો પ્રમાણે જ ઘડાય છે. [3] માનવી એવો બને છે જેવો તે પોતાના વિશે આખો દિવસ વિચાર્યા કરે છે. વિચાર એવી શક્તિ છે જેનો માનવી પર બહુ જ મોટો પ્રભાવ પડે છે. કોઈપણ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે વિચાર જ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. તમે તમારા વિચારોથી માંદા પણ પડી શકો છો અને તંદુરસ્ત પણ રહી શકો છો. પરિસ્થિતિ કરતા વિચારધારા વધુ બળવાન હોય છે. જો તમે સર્જનાત્મક વિચાર કરશો તો વાતાવરણ પણ સર્જનાત્મક બની રહેશે. પણ જો તમે નકારાત્મક વિચારો કરશો તો વાતાવરણ પણ નકારાત્મક બની રહેશે, જે તમને સફળ થવા જ નહિ દે. આથી સર્જનાત્મક વિચારો માટેના ત્રણ જ ઉપાય છે : પરિકલ્પના, પ્રાર્થના અને સાકારત્વની ભાવના. તમે તમારા શરીર/દેહને પોષણ આપો છો, તે જ રીતે તમારા મન ને પણ પોષણ આપો. તમારા મનને તંદુરસ્ત રાખવા માટે સૌપ્રથમ તમારા શરીર/દેહને તંદુરસ્ત રાખો. જેમ શરીર/દેહને તંદુરસ્ત રાખવા માટે સંપૂર્ણ અને શુદ્ધ આહારની આવશ્યકતા છે, તેવી જ રીતે મનને પણ શુદ્ધ અને રચનાત્મક વિચારોની આવશ્યકતા છે. આથી મન ને પણ સર્જનાત્મક, રચનાત્મક, હકારાત્મક વિચારોથી ભરી દો અને સાથે જૂના ઘસાઈ ગયેલા વિચારોને મુક્તિ આપો. આથી સારા અને સર્જનાત્મક, રચનાત્મક, હકારાત્મક વિચારો લાવવા માટે નિયમિત પ્રાર્થના કરો. ઈશ્વરને બને તેટલો સમય આપો. દરેક પ્રાર્થના સાથે ઈશ્વરનો આભાર માનો કે મનુષ્ય અવતાર આપીને એક અદ્દભુત ભેટ આપી છે અને ઈશ્વર પરની અડગ શ્રદ્ધાથી વધુ ઈશ્વરના કોઈ આશીર્વાદ હોઈ શકે નહીં. વધુ સફળ તથા સારું જીવન માટેની ગુરુચાવી એ જ છે કે તમારે તમારા જૂના ને ‘રોગીષ્ઠ’ વિચારોને ફગાવી દેવા અને તેના સ્થાને નવા ‘નિરોગી’ અને ‘તંદુરસ્ત’ વિચારો ને આંતરમનમાં રાખી દેવા.

કોઈપણ વ્યક્તિ ચાહે ભલે મોટી પદવી પ્રાપ્ત કરેલ હોય કે સામાન્ય હોય, દરેકે પોતાના વ્યવસાય અંગે, તંદુરસ્તી અંગે, ભવિષ્ય વિશે, સ્વજનો વિશે પણ આશાવાદી બની રહેવું જોઈએ. આ વિચારધારા કરવી મુશ્કેલ જરૂર છે પણ અશક્ય નથી. દરેક વ્યક્તિના મનમાં નકારાત્મક વિચારો એ ઘણો સમય દુર્વ્યય કર્યો છે. તેને દૂર કરવા મુશ્કેલ જરૂર છે, પણ શક્ય નથી. માનવ સ્વભાવમાં ઊંડે સુધી આરોપિત થયેલું વલણ તે છે કે તમે તમોને જેવા માનો છો તેવા જ બનીને રહો છો. આથી જ લોકો અને સમાજને પણ સર્જનાત્મક, રચનાત્મક, હકારાત્મક વિચારોનું મૂલ્ય સમજાવવું તે પણ ઘણી મોટી સમાજ સેવા ગણાશે.
.

[4] ગુજરાતી સાહિત્યનો ધ્રુવ તારો : પન્નાલાલ પટેલ – ધર્મેન્દ્ર જગદીશચંદ્ર વ્યાસ

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી ધર્મેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે dharmendra.abhiyaan@gmail.com સંપર્ક કરી શકો છો.]

ગુજરાતીના પ્રસિદ્ધ નવલકથાકાર, વાર્તાકાર અને નાટ્યકાર પન્નાલાલ પટેલે પ્રકૃતિથી અભિન્ન એવું ગ્રામજીવનનું આલેખન, લોકસંસ્કૃતિનું ઝીણવટભર્યુ નિરીક્ષણ અને મનુષ્યની સંકુલતાનું કાવ્યાત્મક નિરુપણ તેમની કૃતિઓમાં કર્યું છે. દેશના નામાંકિત લેખકોમાં તેમની ગણના થાય છે. સાહિત્યજગતમાં વિશેષ યોગદાન બદલ તેમને વર્ષ 1985માં ગૌરવવંતો રાષ્ટ્રિય જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. વર્ષ 1950માં રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. એમની જાનપદી-પ્રાદેશિક નવલકથાઓ દ્વારા ગુજરાતી નવલકથામાં ગ્રામિણ પ્રજાના સુખદુઃખનું આલેખન જોવા મળે છે. નવલકથાઓમાં કેન્દ્ર સ્થાને પ્રેમસંબંધો-લગ્નજીવનમાં ઊભી થતી પરિસ્થિતિઓનું વર્ણન આબેહૂબ તેઓએ કર્યું છે. તો ગ્રામજીવન-શહેરીજીવનનું આલેખન કરતી, માનવમનની આંટી-ઘૂંટીને રજૂ કરતી ઉત્તમ વાર્તાઓ પન્નાલાલે ગુજરાતી સાહિત્ય જગતને આપી છે.

ગુજરાતના સાબરકાંઠા જિલ્લાની સરહદે અને મેઘરજ તાલુકાના ઉન્ડવાગામની સીમમાં આવેલા ટેકરીઓથી વિંટળાયેલા રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના માંડલીગામમાં પન્નાલાલ પટેલનો જન્મ 7 મે, 1912માં થયો હતો. ઘરમાં પન્નાલાલ સૌથી નાના, તેમનાથી 2 મોટાભાઈ અને 3 મોટી બહેનો હતી. બાળપણમાં જ પિતા નાનાલાલનું અવસાન થતાં પન્નાલાલને માંડલીમાં પધારેલા જય શંકરાનંદ બાપજી મેઘરજના રામજી મંદિરમાં રહેવા લઈ ગયા. એક વખત ઈડરના મહારાજા કુમારસિંહજી મેઘરજ પધાર્યા હતા. પન્નાલાલની ભણતર અને સંગીતની કોઠાસૂઝને પારખી ગયા. પન્નાલાલનું નસીબ એ દિવસથી ઉઘડી ગયું. મહારાજ ઈડર ભણવા લઈ ગયા. બોડીંગ અને શાળામાં ઉમાશંકર જોષી સહાધ્યાયી હતા. બંને સર પ્રતાપ હાઈસ્કૂલમાં 4 વર્ષ સાથે ભણેલા. ઈડરમાં ચોથી અંગ્રેજીમાં ભણતાં ત્યારે કઠણ કાળજે દીકરાને ભણવા સારું મોકલનાર માતાનું અવસાન થયેલું. તેઓએ જિંદગીમાં ઘણી સારી અને ખરાબ પરિસ્થિતિનો અનુભવ કર્યો છે. બાળપણમાં માતા-પિતાનું અવસાન, દીકરી રમા અને નાના બાળકનું અવસાન જેવી ઘટનાઓ. તેમણે જીવનમાં ખેતીથી માંડીને ઘણા નાના-મોટા કામ કરીને જીવન ગુજાર્યું છે.

પન્નાલાલે તેમના જીવનમાં માના ખોળેથી ખેતર સુધી અને ખેતરથી જ્ઞાનપીઠ એવોર્ડ સુધી બધી પરિસ્થિતિઓનો અનુભવ કર્યો છે. તેનો નીચોડ તેમની કસાયેલી કલમના જાદુમાં વાચકોને માણવા મળે છે. પન્નાલાલ પટેલને સાહિત્યની દિક્ષા આપનાર તેમના સહાધ્યાયી ઉમાશંકર જોષી, કવિ સુંદરમે પ્રોત્સાહન આપ્યું અને ઝવેરચંદ મેઘાણીએ ‘ફૂલછાબ’ થકી લોકો સમક્ષ મૂક્યા.

તેમની પ્રથમ નવલિકા ‘શેઠની શારદા’ 1 નવેમ્બર, 1936ના દિવસે ‘ફૂલછાબ’માં છપાઈ. પન્નાલાલ પટેલની ‘મળેલા જીવ’, ‘વળામણા’ અને ‘પાછલે બારણે’ આ ત્રણ લઘુનવલ બહુ કલાત્મક છે. આવી લઘુનવલ ગુજરાતી ભાષામાં નહોતી. ત્રણેય ગ્રામજીવનની છે. 1940-41ના અરસામાં આ કૃતિઓ આવી. ઝવેરચંદ મેઘાણીએ તેમને આવકાર આપ્યો પછી તો આખા ગુજરાતમાં આવકાર મળ્યો. પન્નાલાલ પટેલે ઝવેરચંદ મેઘાણીના કહેવાથી ‘ફૂલછાબ’ માટે માત્ર 24 દિવસમાં ‘મળેલાં જીવ’ નવલકથા 1941માં લખી આપી. ‘મળેલાં જીવ’ પરથી હિન્દીમાં ‘ઉલઝન’ નામની ફિલ્મ પણ બની છે. તેના ડાયરેક્ટર એન.આર.આચાર્ય હતા. તેમની કંપનીમાં પન્નાલાલે 4-5 વર્ષ પટકથાલેખક તરીકે પણ કામ કરેલું. વર્ષ 1947માં ‘માનવીની ભવાઈ’ ભાગ-1 લખ્યો. એ સ્વતંત્રપણે પણ જાણીતો છે. તેનો બીજો ભાગ 1958માં પ્રગટ થયો જેનું નામ છે ‘ભાંગ્યાંના ભેરુ’. એ પછી 1968માં ત્રીજો ભાગ લખ્યો એનું નામ છે ‘ઘમ્મર વલોણું’ ભાગ-1-2. ત્રણેય મળીને આપણી ભાષાની મહાકથા બને છે. વિવેચક અનંતરાય રાવલે જેને ‘મહાકથા’ કહી છે. લોકપ્રિય છે, કલાસિક તરીકે તેની પ્રતિષ્ઠા છે. ગુજરાતના બધા વિવેચકોએ ‘માનવીની ભવાઈ’ પર વિવેચન કર્યું છે. ઉપેન્દ્ર ત્રિવેદીએ તેના પરથી ‘માનવીની ભવાઈ’ ગુજરાતી ફિલ્મ બનાવી છે. તેની પ્રિન્ટ હાથીની અંબાડી પર બેસાડીને લઈ જવામાં આવી હતી. તો ‘મળેલા જીવ’નું 1950માં શશિકાંત નાણાવટીએ નાટ્યરુપાંતર કર્યું. 3, ડિસેમ્બર 1950માં જવનિકા થિયેટર દ્વારા તેની પ્રથમ ભજવણી થઈ હતી. તેનું દિગ્દર્શન હરકાંત શાહે કર્યું હતું.

1955ના અરસામાં ‘ના છૂટકે’ લખી એ પણ ગ્રામ્યજીવન અને આઝાદી આંદોલન સાથે સંકળાયેલી છે. એના પાત્રો આદિવાસી ડામોર-કટારા સમાજના છે. ‘મીણ માટીના માનવી’, ‘કરોળિયાનું જાળું’, ‘તાગ’, ‘ગલાલસિંહ’ પન્નાલાલની વચગાળાની કહી શકાય. પૌરાણિક કથાવસ્તુઓ પર લખેલી નવલકથાઓમાં એમને ફરીથી વધુ મોટી સફળતા મળી. જેમાં મહાભારત, શ્રીમદ ભાગવત, શિવપુરાણ અને રામાયણનો આધાર લઈને કૃતિઓ રચી. મહાભારતમાંથી ‘પાર્થને કહો ચઢાવે બાણ’, શ્રીમદ ભાગવતમાંથી ‘કૃષ્ણ જીવનલીલા’, રામાયણમાંથી ‘રામે સીતાને માર્યા જો’, શિવમહાપુરાણમાંથી ‘શિવપાર્વતી’ જેમાં શ્રી અરવિંદની વાત મૂકવાનો પ્રયત્ન કર્યો છે. 1947માં તેમને ક્ષયરોગ થતાં શ્રી અરવિંદના યોગ તરફ આકર્ષાયેલા. ‘રોગ માંથી યોગ’ તેમનો છેલ્લો ભાગ છે. જીવન સંધ્યાકાળ તેમણે પોંડીચેરી અરવિંદ આશ્રમમાં વિતાવ્યો. હાલ તેમનું મકાન પણ રાખેલું છે.

ગુજરાતી સાહિત્ય પરિષદના પૂર્વ પ્રમુખ અને જાણીતા સાહિત્યકાર રઘુવીર ચૌધરી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે ‘દેશના નામાંકિત લેખકોમાં પન્નાલાલની ગણના થાય છે. દેશના ગ્રામજીવન પર તેમણે અધિકારપૂર્વક લખ્યું છે. તેમની પોતાની આત્મકથા નવલકથા રૂપે લખી છે, જે ‘જિંદગી સંજીવની’ 1 થી 7 ભાગમાં છે. 1968માં ‘માનવીની ભવાઈ’નું મેં હિન્દીમાં રૂપાંતર કર્યું. નેશનલ બુક ટ્રસ્ટે પ્રગટ કર્યું છે. તેની હિન્દીમાં ઘણી આવૃત્તિઓ થઈ છે. વડોદરાના પ્રોફેસર કંટકે અંગ્રેજીમાં ‘એન્ડયુરન્સ’ના નામે ‘માનવીની ભવાઈ’નું રૂપાંતર કર્યું છે.’ 1967માં ઉમાશંકર જોષીને ‘જ્ઞાનપીઠ એવોર્ડ’ મળેલો. એમના પછી પન્નાલાલને ‘જ્ઞાનપીઠ એવોર્ડ’ મળ્યો. આ સન્માનથી ગુજરાતને લાગેલું કે જાણે પોતે પુરસ્કૃત ન થયું હોય ! એવી પન્નાલાલની લોકપ્રિયતા હતી. પન્નાલાલ પટેલનું ગુજરાતી સાહિત્યના દરેક ક્ષેત્રમાં અનન્ય પ્રદાન છે. અને તે યાવતચંદ્રદિવાકરૌ સુધી રહેશે.

કવિ-સાહિત્યકાર અને ઉચ્ચ અધિકારી અમલદાર ભાગ્યેશ ઝા સાથે પન્નાલાલ પટેલ અંગે વાત કરી તો તેમણે જણાવ્યું કે, ‘તેમના જેવા ઉત્તમ સાહિત્યકાર ગુજરાતને મળવા મુશ્કેલ છે. સાહિત્યના અનેક પ્રકારોમાં ખેડાણ કર્યું છે. ‘મળેલા જીવ’ જેવી અમરકૃતિ આપી છે. ગામડાની તળપદી ભાષામાં તેમની કૃતિઓ જોવા મળે છે. તેમનું ચોટદાર જીવન પ્રેરણા આપે એવું છે. એમણે ગુજરાતી સાહિત્યને વિશ્વ સમુદ્ધ બનાવ્યું છે.’ પન્નાલાલ પટેલના પરિવારમાં અરવિંદભાઈ, ઉષાબહેન, નંદાબહેન અને ભરતભાઈ એમ ચાર સંતાનો છે. ભરતભાઈ સાથે પિતાના સંસ્મરણો અંગે વાત કરી, તો તેમણે જણાવ્યું કે ‘તેઓ પ્રામાણિક, હિંમતવાળા અને જે છે એવું કહેવાવાળા હતા. ખોટો કોઈ દેખાવ નહીં. લખતાં હોય અને કોઈ આવે તો કામ અટકાવીને વાત કરે. 1958 થી લઈને 1973 સુધી પરિવાર સાથે દર દિવાળી અને ઉનાળાની રજાઓમાં ગામડે જતા. ગામડા સાથેનો મારો નાતો આજે પણ અકબંધ છે. તેમની આત્મકથા ‘જિંદગી સંજીવની’ના નામ પરથી મારી સંસ્થાનું નામ ‘સંજીવની’ રાખ્યું છે.’ બાળપણના એક પ્રસંગને યાદ કરીને ભરતભાઈએ કહ્યું કે ‘નાનો હતો ત્યારે હું ગણિતમાં કાચો એટલે મારી મોટી બહેનની નોટમાંથી ગણિતનું લેશન ઉતારતો હતો. મને આમ કરતા જોઈ ગયા. મારી કાનપટ્ટી પકડીને કહે દાખલો સાચો છે, જવાબ કેવી રીતે આવ્યો ? પછી જાતે ગણીશ તો જ આવડશે. કોઈ દિવસ અમને મારતા નહીં.’ પિતાએ તેમના કોપીરાઈટના હક્ક બંને ભાઈઓને સરખે ભાગે વહેંચી આપ્યા છે. મોટાભાઈના ‘સાધના’ પ્રકાશને પન્નાલાલના 30 થી વધારે અપ્રાપ્ય પુસ્તકો હતા તે સુલભ કરાવ્યા છે. તો ‘સંજીવની’ તેમના અંગે અનેક કાર્યક્રમો યોજે છે. તેમના પુસ્તકોનું પ્રકાશન પણ કરે છે.

ભરતભાઈએ વધુમાં જણાવ્યું કે ‘પન્નાલાલ પટેલને ‘માનવીની ભવાઈ’ના રચાયિતા તરીકે ઓળખીએ છીએ પણ તેમણે આવી ઘણી બધી નવલકથાઓ લખી છે. તેમની ‘કંકુ’ પણ યાદગાર નવલકથા છે. આ નવલકથા લખતા પહેલાં પન્નાલાલે કંકુ વાર્તા ‘પ્રસ્થાન’ નામના સામયિકમાં છપાય તે માટે તંત્રી. સ્વ. રામનારાયણ પાઠકને મોકલી. પણ તંત્રીએ ‘વિષય પ્રત્યેની નિર્બળતા’ એવી ટિપ્પણી કરી વાર્તા પરત કરી. પછી આ વાર્તા નવસૌરાષ્ટ્ર સામાયિકમાં કક્કલભાઈએ દિવાળી અંકમાં છાપી. એ સમયે 5 રૂપિયાનો પુરસ્કાર પ્રથમવાર ‘કંકુ’એ પન્નાલાલને અપાવ્યો. કંકુ ‘જનસત્તા’માં નવલકથારૂપે છપાતી. કંકુ પરથી કાંતિભાઈ રાઠોડે ફિલ્મ બનાવી. ગુજરાતમાં પ્રથમ રાષ્ટ્રપતિ એવોર્ડ ‘કંકુ’ લાવી. જે તંત્રીએ કંકુને નકારી તેમણે જ પછીથી ‘પ્રસ્થાન સામાયિકમાં બીજી ઘણી વાર્તાઓ છાપી અને સુખ-દુઃખના સાથી નામના પુસ્તકમાં પ્રસ્તાવના પણ લખી છે.’

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીથી એલ.ડી. એન્જિનિયરિંગ કૉલેજ અને પી.આર.એલ જતાં રસ્તાને ‘શ્રી પન્નાલાલ પટેલ માર્ગ’ નામ આપવામાં આવ્યું છે. ગુજરાતી સાહિત્યમાં ધ્રુવના તારાની જેમ પન્નાલાલ પટેલનું નામ અમર કરે છે.

Leave a Reply to gita kansara Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

10 thoughts on “અવનવું વાંચન વૈવિધ્ય – સંકલિત”

Copy Protected by Chetan's WP-Copyprotect.