સસલાની ચાલાકી – વસંતલાલ પરમાર

[ પાંચ પુસ્તકોની શ્રેણી ‘બાળવાર્તાના ટહુકા’ના ભાગ-1માંથી પ્રસ્તુત વાર્તા સાભાર લેવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તકશ્રેણી ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાના અંતે આપવામાં આવી છે.]

[dc]એ[/dc]ક મોટું જંગલ હતું. જંગલની ઝાડીમાં બોડ બનાવીને એક સસલો રહેતો હતો. જંગલના ગીચ વિસ્તારમાંથી ફરતું ફરતું એક વરુ પણ ત્યાં આવી પહોંચ્યું. એણે ત્યાં ધામા નાખ્યા. એક દિવસ વરુએ સસલાને જોયો. તાજા-માજા સસલાને જોતાં જ એના મોંમાં પાણી આવ્યું. એ વિચારવા લાગ્યું કે, ક્યારે લાગ આવે ને આ સસલાને ઝપટમાં લઉં અને પેટમાં પધરાવું.

પરંતુ સસલો બડો ચાલાક હતો. વરુના સમાચાર જાણી એ સાવધ રહેતો હતો. કદી એ ખૂની વરુની કાળી છાયા પોતાના પર પડવા દેતો નહિ. દૂરથી જ એની ગંધ મળતાં જ અગિયારા ગણી જતો. અને એની નજર સામે જ ગીચ ઝાડીમાં ગાયબ થઈ જતો. વરુ એને ઝાડીમાં શોધતો જ રહેતો, એટલામાં તો એ પૂરપાટ બે-ચાર ગાઉ દૂર નીકળી જતો. આમ લપતાં-છુપાતાં સસલાભાઈએ લગ્ન કરી લીધાં. ધોળાં બાસ્તા જેવાં બચ્ચાં પણ થયાં. સસલો અને સસલી વરુથી સાવચેત રહીને બચ્ચાં સંભાળતાં.

આ બાજુ વરુ પેંતરો લગાવીને બેઠું હતું. એક દિવસ લાગ જોઈને એણે હુમલો કર્યો. સસલો અને સસલી તો ભાગી છૂટ્યાં, પણ નાનકડાં બચ્ચા ઝપટમાં આવી ગયાં. વરુએ એમને પકડી પાડ્યાં અને હડપ કરી ગયું. ખાઈ-પીને ઓડકાર ખાતું વરુ પોતાની બોડમાં જઈ સૂઈ ગયું. બચ્ચાંના વિયોગે સસલા-સસલીએ કારમું કલ્પાંત આદર્યું. એમના કરુણ કલ્પાંતથી જંગલનાં ઝાડવાંને પણ આંસુ આવ્યાં. પરંતુ જબરા સામે નબળાનું જોર ક્યાં ચાલે ? રડી-કકળીને મન મનાવી બેસી રહ્યાં. આ વાતને થોડા દિવસ વીતી ગયા. સસલાભાઈને ત્યાં ફરીથી બચ્ચાં પેદા થયાં. વરુ તો રાહ જોઈને બેઠું જ હતું. લાગ સાધીને એક દિવસ એ જીભ લપકાવતું આવી પહોંચ્યું. આ વખતે પણ ગઈ વખત જેવું જ બન્યું. સસલો-સસલી તો ઝટપટ ભાગી છૂટ્યાં, પણ બચ્ચાં સપડાઈ ગયાં અને વરુના પેટમાં પહોંચી ગયાં. આ વખતે તો સસલો-સસલી એટલું રોયાં એટલું રોયાં કે જંગલનાં ઝાડવાં, પહાડ-પર્વત, નદીનાળાં પણ રડ્યાં. અરે ! આસમાનની છાતી પણ ફાટી ગઈ ! પણ બિચારાં શું કરે ? જબરા સામે એમનું જોર શું ચાલે ? રડી-કકળીને બેસી રહ્યાં.

થોડા દિવસો પછી એમને બચ્ચાં થયાં. વરુ તો રાહ જોઈને બેઠું જ હતું. વગર બોલાવ્યે હાજર થઈ ગયું. એક જ તરાપે બે બચ્ચાંને ઝડપી લીધાં. સસલો સસલી દૂરથી આ જોતાં રહ્યાં અને વરુ એમને ઝડપી લે એ પહેલાં ભાગી છૂટ્યાં. પરંતુ આ વખતે ન સસલાભાઈ રડ્યા કે ન તો સસલીબાઈએ આંસુ સાર્યાં. બન્ને હવે સમજી ગયાં હતાં કે રડવાથી આ મુસીબત ટળવાની નથી. કેવળ આંસુ વહાવ્યાથી નહિ પણ કંઈ ઉપાય કરવાથી આફત દૂર થઈ શકશે. બન્નેએ મળીને ગુપચુપ ઉપાય વિચારી કાઢ્યો. આ બાજુ વરુભાઈ તો શરીર લંબાવીને નસકોરાં બોલાવતા રહ્યા અને સસલાભાઈએ તો નવું મકાન પૂરું કરાવી પણ દીધું. ઊંઘ પૂરી થયે આળસ મરડીને આંખો ચોળતા વરુભાઈ સસલાની શોધમાં ઊપડ્યા. એ વેળા કારીગર બારી-બારણાં બેસાડી રહ્યા હતા. થોડે દૂર ત્રણ ફાંસલા પર ઊભા રહીને વરુ ઉતાવળે બોલ્યું :
‘અહીં આ શી ખટર-પટર કરો છો ? નાહક કોકની ઊંઘ બગાડો છો.’
કારીગર વાંસલો ઉગામીને બોલ્યો : ‘આંખો છે કે બાખાં ! દેખાતું નથી ? સસલાભાઈ માટે મકાન બની રહ્યું છે.’ આ સાંભળીને વરુને ગુસ્સો આવ્યો. એણે દાંત કચકચાવ્યા, આંખો લાલ કરીને ઘુરકિયાં કર્યાં, પણ સામે કારીગર વાંસલો ઉગામીને ઊભો જ હતો. અહીં એનું જોર ચાલે એમ ન હતું. લાચારીથી બે પગ વચ્ચે પૂંછડી દબાવીને જાય નાઠું…..

સસલાભાઈએ મકાન મજબૂત અને સગવડવાળું બનાવ્યું હતું. મજબૂત કમાડમાં સામાને જોઈ શકાય એવું છિદ્ર રાખેલું હતું. અવાજ આવતાં એમાં જોઈને જ ખાતરી કર્યા પછી જ કમાડ ખોલતાં. જરા પણ અવાજ થતાં ઝટપટ કમાડ બંધ કરી દેતાં. બચ્ચાંને ભંડકિયું ખોલીને ભોંયરામાં ઉતારી દેતાં. સસલાભાઈના ઘરની બહાર વરુ આંટા-ફેરા માર્યા કરતું. એનાં ઘુરકિયાં સંભળાતાં, પરંતુ ઘરની અંદર કોઈ ડર ન હતો.

એક દિવસ સસલાભાઈએ હવા અને અજવાળા માટે દરવાજો ખોલ્યો. બચ્ચાં ઓરડામાં રમી રહ્યાં હતાં. ત્યાં તો રસ્તા પર શોરબકોર સંભળાયો. સસલાભાઈ દરવાજો બંધ કરે ત્યાં તો ખુન્નસભર્યું વરુ આવી ગયું. બચ્ચાં તરત જ ભંડકિયું ઉપાડીને ભોંયરામાં કૂદી પડ્યાં. સામે કાળઝાળ વરુને જોતાં જ સસલાના હોશકોશ ઊડી ગયા. હવે શું કરવું એ સમજાતું ન હતું. વરુએ જીભ બહાર કાઢીને હાંફતાં-હાંફતાં કહ્યું :
‘સસલાભાઈ ! બચાવો… બચાવો…. મારી પાછળ શિકારી કૂતરા પડ્યા છે.’
બીકણ સસલાએ ચાલાકી વાપરી. ખૂણામાં એક મોટી પેટી પડી હતી. એની તરફ ઈશારો કરતાં એણે કહ્યું : ‘વરુભાઈ ! એમાં છુપાઈ જાઓ.’
વરુ જેવું કૂદીને પેટીમાં પડ્યું એવું જ સસલાએ પેટીનું ઢાંકણું ધડામ કરતું બંધ કરી દીધું અને ખંભાતી તાળું લગાવી દીધું. ઝડપથી દરવાજો બંધ કરી દીધો અને પછી સસલીને ઈશારાથી પાસે બોલાવીને બન્ને જણે થોડી વાર ગુસપુસ કરી. થોડી વાર રહી પેટીમાં પુરાયેલું વરુ પૂછવા લાગ્યું :
‘કેમ, સસલાભાઈ ! પેલું સંકટ ટળી ગયું ?’
સસલાએ ધીમેથી કહ્યું : ‘અરે, ચૂપ રહો. શિકારી કૂતરા ઘરની આજુબાજુ આંટા મારી રહ્યા છે.’

થોડી વારે સસલો છીણી અને હથોડી લઈને પેટી પર ઠોકમઠોક કરવા લાગ્યો.
વરુએ પૂછ્યું : ‘સસલાભાઈ ! આ શું કરો છો ?’
સસલો કહે : ‘પેટીમાં રહ્યે-રહ્યે તમારો શ્વાસ રૂંધાતો હશે એટલે હવા આવવા માટે પેટી પર કાણું પાડી રહ્યો છું.’
વરુ કહે : ‘તમારી મોટી મહેરબાની ! હવા વગર હું અંદર હાંફી રહ્યો છું.’ આ સાંભળી સસલાભાઈએ હસતાં-હસતાં મૂછે હાથ ફેરવ્યો અને સસલીને હુકમ કર્યો :
‘સગડી સળગાવો અને પાણી ગરમ કરો.’
સગડી પેટાવવાનો અવાજ સાંભળી પેટીમાંથી વરુએ પૂછ્યું : ‘સસલાભાઈ ! શાની ખટપટ કરી રહ્યા છો ?’
સસલાએ નમ્રતાથી કહ્યું : ‘આજે તમે મારા ઘેર મહેમાન બન્યા છો તો તમને ચા તો પિવડાવી પડે જ ને ! તમારી ભાભી સગડી સળગાવી ચા બનાવી રહી છે !’
વરુ ખુશ થતાં બોલ્યું : ‘તમારી મહેરબાની ! એક મોટો કપ ચા અત્યારે તો બસ છે.’ સસલાભાઈએ હોઠે આવેલું હાસ્ય પેટમાં ઉતારી દીધું અને બાંયો ચઢાવીને ઊકળતા પાણીની કીટલી લઈને પેટીના કાણા પર ધાર કરવા માંડી. વરુના શરીર પર ગરમાગરમ પાણી પડતાં એની ચામડી બળવા લાગી. વરુ ગભરાઈને બોલ્યું :
‘સસલાભાઈ ! મારા આખા શરીરે બળતરા કેમ થવા માંડી છે ?’
સસલો શાંતિથી બોલ્યો : ‘ભાઈસા’બ ! ઘરમાં મચ્છર ખૂબ થયા છે. કમબખ્ત મચ્છરો ખૂબ જ હેરાન કરે છે. તમે પાસુ બદલીને નિરાંતે સૂઈ જાઓ.’

વરુના આખા શરીરે કાળી બળતરા ઊપડી હતી. એની ચામડી બળતી હતી. એણે તરત જ પાસું બદલ્યું. સસલાભાઈને તો એટલું જ જોઈતું હતું. એણે ઊકળતા પાણીની જોસભેર ધાર કરવા માંડી. વરુએ ધમપછાડા તો ખૂબ કર્યા, પણ પેટી મજબૂત હતી. અંદર ને અંદર જ વરુના રામ રમી ગયા ! ક્યાંય સુધી વરુનો અવાજ કે હિલચાલ ન સંભળાયાં એટલે સસલો અને સસલી બીતાં-બીતાં પેટી પાસે ગયાં. પેટીને હલાવી આમતેમ ફેરવી જોઈ પણ ક્યાંય ઊંહકારો પણ ન સંભળાયો. હવે એમને શાંતિ વળી કે, વરુદાદા સ્વધામ પહોંચી ગયા છે !

એ દિવસે સાંજે સસલાભાઈએ ખુશાલીમાં નવો સૂટ પહેર્યો, સસલીબાઈએ નવો ડ્રેસ ધારણ કર્યો. મકાનનો દરવાજો પૂરેપૂરો ખોલી નાખ્યો. બારી-બારણાં ઉઘાડી નાખ્યાં. બચ્ચાંને નવા બાબાસૂટ પહેરાવ્યા. મિત્રો અને સગાં-વહાલાંને આમંત્રણ આપ્યું. અડધી રાત સુધી મિજબાની ચાલતી રહી. હસી-મજાક અને અવનવા જોકથી ઘર અને આંગણું ગાજી ઊઠ્યાં. મહેમાનોએ મુબારકબાદી પાઠવીને વિદાય લેતાં સસલાભાઈની નીડરતા અને ચાતુરીનાં વખાણ કર્યાં. સસલાભાઈ, સસલીબાઈ અને બચ્ચાં જિંદગીમાં પહેલી વાર નીડર બનીને ઘરમાં, આંગણામાં અને ચોગાનમાં નાચ્યાં, કૂદ્યાં અને કિલકારીઓ પાડતાં રહ્યાં.

આમ એક નાનકડા નિર્બળ સસલાએ પોતાની ચાલાકીથી ખૂંખાર વરુનો ત્રાસ કાયમ માટે દૂર કર્યો.

[કુલ પાન : 80 (ભાગ-1). કિંમત રૂ. 45 (ભાગ-1). પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “સસલાની ચાલાકી – વસંતલાલ પરમાર”

Copy Protected by Chetan's WP-Copyprotect.