આંસુથી લખાયેલી નવલકથા – વંદના શાંતુઈન્દુ

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ વંદનાબેનનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9428301427 અથવા આ સરનામે vandanaibhatt@gmail.com સંપર્ક કરી શકો છો.]

[dc]જ[/dc]મીની તાળાબંધીમાં પુરાયેલો દેશ નામે અફઘાનિસ્તાન. વિશ્વ આખામાં જે બિનલાદેન અને તાલિબાનોના કરતૂતોને કારણે ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે તે દેશ અફઘાનિસ્તાન (હિન્દુ પુરાણો પ્રમાણે ત્યારનું ‘ગાંધાર’ અને ધૃતરાષ્ટ્રની પત્ની ગાંધારીનો પિતૃદેશ ‘ગાંધાર’ – તે જ આજનું અફઘાનિસ્તાન.) જ્યારે વિચારોની તાળાબંધીમાં પુરાય છે ત્યારે ત્યાંના વિચારશીલો હચમચી જાય છે. વિચારોનું વાવાઝોડું ખેંચી જાય છે શબ્દના દેશમાં અને રચાય છે ‘A Thousand Splendid Suns’ તથા ‘The Kite Runner’ અને તેના જેવી અન્ય નવલકથાઓ જે શાહીથી નહીં પણ આંસુથી લખાઈ હોય છે.

‘અ થાઉઝન્ડ….’ મેં વાંચી પછી એક મિત્રને વાંચવા આપી. તેણે પરત કરી ત્યારે પૂછાઈ ગયું કે કેવી લાગી ? અને એનો જવાબ આંખમાં આંસુ બનીને તગતગતો હતો. શબ્દ હતાં કે ‘આના વિશે હું કશું જ નહીં બોલી શકું !’ કદાચ હું કઠણ કાળજાની હોઈ શકું કેમ કે એના વિશે લખી શકું છું ! પરંતુ એક સ્ત્રી તરીકે મને મારી જવાબદારી પણ લાગી કે બને એટલા લોકો સુધી આ વાત પહોંચાડું અને એ દ્વારા કહી શકું કે, જુઓ..જુઓ…. કટ્ટર ધર્માંધતા રાષ્ટ્રને, સમાજને ક્યાંથી ક્યાં લઈ જાય છે…. શી દશા કરે છે સ્ત્રીઓની, બાળકોની અને….. અને… થોડા અંશે પુરુષોની પણ.

‘અ થાઉઝન્ડ….’ના લેખક છે અફઘાની અમેરિકન ખાલિદ હુસૈની. તેઓ અફઘાનિસ્તાનના કાબુલ શહેરમાં જન્મ્યા છે. 1980માં તેમના કુટુંબને અમેરિકામાં રાજ્યાશ્રય મળે છે. તેઓ ડૉક્ટર છે અને કેલિફોર્નિયામાં રહે છે. 2006માં યુનાઈટેડ નેશન્સ રેફ્યુજી એજન્સીમાં યુ.એસ.ના ગુડવિલ એમ્બેસેડર તરીકે નિમાયા છે. તેમના પુસ્તકો ઈન્ટરનેશનલ બેસ્ટ સેલર બન્યા છે. વિશ્વવિખ્યાત અખબારો ખાલિદ હુસૈની વિશે શું લખે છે તે જોઈએ :
‘Hosseini is a truly gifted teller of tales’ – Sunday Times

‘An epic tale…. simultaneously devastating and inspiring’ – Observer

‘Stunning and heartbreaking’ – Guardian

‘Guaranteed to move even the hardest heart’ – Independence

અફઘાનિસ્તાનના પહાડોમાં ગુંજતા શબ્દો ‘બુદ્ધમ શરણમ ગચ્છામિ’ સિલ્ક રૂટ પર થઈને વિશ્વમાં પડઘાયા હતા. એ શબ્દો સાકાર થયા હતા બામિયાનમાં બુદ્ધની વિશાળ મૂર્તિ સ્વરૂપે. અફઘાનિસ્તાનના પહાડોની ચોટીઓ પર જામતો બરફ કોઈ ગોઝારી ક્ષણોએ પોતાનું સ્થાન ભૂલીને કોઈક કરાલ હૃદયના અંધારામાં જામવા લાગ્યો ! ઠંડુગાર હૃદય, હૃદય મટીને ખોફનાક હથોડો થઈ ગયું ! તેણે ઘણું-ઘણું તોડવાની જીદ પકડી અને તેનો પહેલો ઘા પડ્યો બામિયાનની બુદ્ધની મૂર્તિ પર…. ઘણ પર ઘણ પડતા ગયા… વિશ્વ સાંભળતું રહ્યું ઠંડા કલેજે, વિના થડકાર ! જીવ માત્ર અવાજ સાંભળવા ટેવાયેલ છે અને આંસુઓના ટપકવાનો અવાજ નથી હોતો. કોણ સાંભળે આ બેઅવાજને ? પણ….. પણ, અફઘાની અમેરિકન લેખક ખાલિદ હુસૈનીએ આંસુઓનો અવાજ સાંભળ્યો અને વિશ્વને સંભળાવ્યો ‘A Thousand Splendid Suns’ દ્વારા…. અને એ આશાએ કે આ આંસુ જ એક દિવસ સૂર્ય થઈને ચમકી ઊઠશે અને પેલા ઠંડાગાર હૃદયોને પીગાળી દેશે… કોઈક દિ…

‘અ થાઉઝન્ડ…’ એટલે વિશ્વની મહાસત્તાનું રમકડું બનેલ ઘાયલ દેશની વાર્તા. ધર્મના નામે ઠોકી બેસાડવામાં આવતા કાયદા-કાનૂનોમાંથી ઉપજતી અરેરાટીની વાત. પોતાની જન્મસ્થલીને (સ્ત્રીને) જ તુચ્છ માનતી પુરુષ માનસિકતાની વાત અને એ પણ એક પુરુષ દ્વારા જ કહેવાયેલી ! કદી માફ ન કરી શકાય એવા હિચકારા સમયની વાત…. અને…..અને…. એ બધા વચ્ચે ખંડેર થઈ ગયેલા ઘરોમાં ફરીથી ચૂલો ચેતવવાની કોશિશ કરતી સ્ત્રીની વાત…. સર્વજ્ઞ કથક દ્વારા કહેવાયેલી વાર્તા ભૂતકાળથી શરૂ કરીને વર્તમાનમાં સમેટાય છે તે દરમિયાન મુખ્ય બે પાત્રો પોતાની અને સમયની અંદર-બહાર થતાં રહે છે. ત્રણ દાયકામાં વિસ્તરેલી વાર્તા એપ્રિલ-2003માં પૂરી થાય છે. વાર્તા પૂરી થાય છે પણ તેના પાત્રો વાસ્તવિક જીવનમાં રેફ્યુજી રૂપે રોજ નવી વાર્તા જીવી રહ્યા છે.

નવલકથાના મુખ્ય બે પાત્રો – મરિયમ અને લૈલા – અફઘાનિ સ્ત્રીઓનું પ્રતિનિધિત્વ કરતી (મહદઅંશે તો દરેક મુસ્લિમ દેશની સ્ત્રીઓનું પ્રતિનિધિત્વ કરતી) આ બે સ્ત્રીઓ દ્વારા લેખક સંદેશ આપે છે કે બુરખામાં બંધ કરી દેવાથી લાગણીઓ બંધિયાર નથી થતી. મરિયમ તેના મા-બાપનું કાયદેસરનું સંતાન નથી. તેની ખુદની મા જ તેને ‘હરામી’ કહ્યા કરે છે, જેનો અર્થ નાની મરિયમને ખબર નથી. મરિયમના પિતા જલિલ પરનો ગુસ્સો તેની મા મરિયમ પર કાઢ્યા કરે છે. પણ તે છતાં મરિયમ તો જલિલને બેશુમાર પ્રેમ કરતી રહે છે. મરિયમની માને ખબર છે કે હેરાત શહેરમાં જલિલની કાયદેસરની ત્રણ પત્નીઓ અને તેના નવ બાળકો જલિલના આલિશાન બંગલામાં રહે છે અને પોતે મા-દીકરી નાની ઝૂંપડીમાં નિરાધાર છે. તે મરિયમને કશું સમજાવી શકતી નથી અને ધૂંધવાયા કરે છે. એક દિવસ મરિયમ હેરાત જવાની જીદ પકડે છે. તેના પિતા જલિલ તેને બીજે દિવસે હેરાત લઈ જવાનું વચન આપે છે પરંતુ તે બીજે દિવસે આવતા જ નથી. મરિયમ એકલી જવા તૈયાર થાય છે ત્યારે તેની મા એને રોકે છે, ધમકી આપે છે કે તું જઈશ તો હું આપઘાત કરીશ. છતાંયે મરિયમ તો જાય છે. અહીંથી શરૂ થાય છે મરિયમની યાતનામય લાંબી જિંદગી. લેખક બખૂબી બતાવે છે પુરુષ શાસિત સમાજના ઘરોમાં ચાલતા સ્ત્રીઓના કાવાદાવા. જલિલની ત્રણેય પત્નીઓ મળીને પંદર વર્ષની મરિયમને તેનાથી ત્રીસ વર્ષ મોટા રશીદ સાથે પરણાવી દે છે. મરિયમ હેરાતથી દૂર… દૂર કાબુલમાં આવી જાય છે. રશીદ તેને બુરખો પહેરવાની ફરજ પાડે છે, પરંતુ રાખે છે પ્રેમથી. પણ મરિયમ તેને બાળક આપી શકતી નથી અને રશીદનો ત્રાસ શરૂ થાય છે.

હવે પ્રવેશ થાય છે લૈલાનો. લૈલા મરિયમથી પંદર વર્ષ નાની છોકરી છે. નવ વર્ષની હોય છે ત્યારે જ પ્રેમ અને વિરહનું સંવેદન અનુભવે છે. લેખકે ખૂબસુરતીથી બતાવ્યું છે કે યુદ્ધ અને આંતરવિગ્રહના માહોલમાં પેદા થતા બાળકો બહુ જલ્દી પુખ્ત થઈ જાય છે. જાણે જીવી લેવાની ઉતાવળ ! લૈલાના પિતા બાલી, રૂમી અને હાફિજની ગઝલના ચાહક હતા. તેઓ લૈલાને અપાર પ્રેમ કરતા હોય છે. બાલીને તેના દેશના ઐતિહાસિક વારસાનો ગર્વ છે. તેથી જ લૈલા અને તેના મિત્ર તારીકને બામિયાનની બુદ્ધ પ્રતિમા જોવા લઈ જાય છે. બંને બાળકોને અફઘાનિસ્તાનના પુરાણા ઈતિહાસથી વાકેફ કરે છે. સિલ્ક રૂટથી થતા વ્યાપારની વાત કરતાં-કરતાં હિન્દુસ્તાન સાથેના સંબંધની યાદ કરે છે. આવા બાલી તેના બે દીકરાઓને જેહાદથી દૂર રહેવાનું સમજાવી નથી શકતા કેમ કે તેમની પત્ની રૂઢિચુસ્ત મુસ્લિમ સ્ત્રી છે જે જેહાદના નામે કંઈ પણ કરવા તૈયાર હોય છે. તેને બાલી-લૈલાના સુધારવાદી વિચાર પસંદ નથી. તેના જેહાદી ખ્યાલે બંને દીકરા રશિયા વિરુદ્ધની જેહાદમાં શહિદ થઈ જાય છે. જે લોકો દેશ છોડવા સક્ષમ છે તેઓ પાકિસ્તાન-ઈરાનમાં આશ્રય લેવા જતા રહે છે. બાલી આવી હાલતમાં દેશ છોડી જવાનું વિચારે છે પણ તેની પત્ની માનતી નથી. તેને આશા છે કે એક દિવસ મુજાહિદ્દીનની જીત થશે ! શહેરો ઉપર થતા રોજના રોકેટ મારાથી લોકો મરી રહ્યાં હોય છે, શાળાઓ બંધ છે, હોસ્પિટલોમાં દવાઓ ખલાસ છે ત્યારે લૈલાની મા દેશ છોડવા તૈયાર થઈ છે. પરંતુ તે જ રાત્રે તેઓના ઘર પર રોકેટ પડે છે. પતિ-પત્ની મૃત્યુ પામે છે અને લૈલા બચી જાય છે.

મરિયમ લૈલાને પોતાના ઘરે લાવે છે. તેની સુશ્રુષા કરે છે. લૈલા ધીરે-ધીરે આઘાતમાંથી બહાર આવે છે. માતા-પિતા-ભાઈઓ ગુમાવી ચૂકી હોય છે. તેનો મિત્ર તારીક તેના પરિવાર સાથે દેશ છોડીને ચાલ્યો ગયો છે. લૈલા બચી જાય છે પણ એકલી નહીં ! પંદર વર્ષની લૈલાને જાણ થાય છે કે તેની મન્થલી સાઈકલ તે ચૂકી ગઈ છે ! તેનો મિત્ર તારીક યાદ આવે છે. તે સમજી જાય છે કે તારીક ક્યાં છે ખબર નથી પરંતુ તેનો અંશ તેની સાથે છે. તે જ દિવસથી રશીદ તરફથી આવેલો લગ્નનો પ્રસ્તાવ લૈલા તારીકના અંશને બચાવવા સ્વીકારી લે છે. પોતાનાથી પિસ્તાલીશ વર્ષ મોટા રશીદની તે બીજીવારની પત્ની બને છે અને મરિયમની શોક્ય થાય છે. શરૂઆતની તાણ અને અવિશ્વાસનું પડળ તૂટે છે પછી બંને પરસ્પરમાં સધિયારો શોધતી દિલોજાન મિત્ર બની જાય છે. લેવાતા શ્વાસની ચૂકવવી પડતી કિંમત ચૂકવતી-ચૂકવતી બંને જિંદગીના કેવા-કેવા વળાંકો પરથી ગૂજરે છે તે જાણવા માટે તો પુસ્તક જ વાંચવું પડે.

તાલિબાની શાસન દરમિયાન હેવાનિયત, ભય, ભૂખમરા સામે મરણિયો જંગ ખેલી રહેલી જિંદગીઓનું કાળજું કંપાવનારું વર્ણન સૂચવે છે કે સ્વાનુભવ વિના આવું લખવું શક્ય નથી. સ્ત્રીઓની સહનશક્તિ તેની ખરાબમાં ખરાબ કલ્પનાને પણ પાર કરી જતી બતાવાતા પ્રશ્ન ઊઠે છે કે ‘કઈ માટીમાંથી બનતી હશે આ સ્ત્રીઓ ?’ પણ હા, લેખક પ્રેમના ચમત્કારને ચીતરવાનું ચૂક્યા નથી. પ્રેમ એવો પદાર્થ છે જે વ્યક્તિને અકલ્પનિય રસ્તે લઈ જઈને ગમે તે અડચણો પાર કરાવે છે. સામાજિક માળખાની ક્ષિતિજોમાં ખોવાઈ ગયેલા પોતાના અસ્તિત્વના સૂરજને શોધતી અનેક ક્ષિતિજોની ખૂમારીની કથા એટલે ‘A Thousand Splendid Suns’.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous અંકિતાની જીવનસફર – મૃગેશ શાહ
ગઝલ – નટવર આહલપરા Next »   

7 પ્રતિભાવો : આંસુથી લખાયેલી નવલકથા – વંદના શાંતુઈન્દુ

 1. સુંદર….!

  ગુજરાતી અનુવાદિત પુસ્તક છે??

 2. Sonia says:

  મેં આ લેખક ના બંને પુસ્તક થોડા વર્ષ પહેલા વાંચેલ…લેખકે બહુજ દર્દનાક રીતે કથા વર્ણવી છે. મારી જિંદગી માં એક સ્ત્રી ની આટલી કરુણ કથની નથી જોઇ કે સાંભળી. લેખકે આ બે પુસ્તક દ્રારા અફઘાનિસ્તાન ની રહેતા લોકો ની જિંદગી નો એક ચિતાર આપણી સમક્ષ મુકવાનો પ્ર્યાસ કર્યો છે. ‘The Kite Runner’ પણ આવી જ કાળજું કંપાવનારી છે.
  હું માનું ત્યાં સુધી આ બંને પુસ્તક મૂળ English ભાષા માં લખાયા છે તો English જ વાંચવુ જોઇએ.

 3. kranti kanate says:

  thanks for review of a heart touching novel,A Thousand……,looking forward for such reviews.

 4. Sandhya Bhatt says:

  સ્ત્રીઓની તાકાત અદભુત હોય છે….સલામ છે…વધુ શું લખીએ….ઘણી વાર તો લોકો બધું જાણતા જ હોય છે…વંદનાબેન જેવા સેતુરુપ લેખકોની આજે ખૂબ જરુર છે.

 5. MANOJ GAMARA says:

  સરસ

 6. Payal says:

  આ લેખ વાંચ્યા પછી હુ અહીની library જઈને આ novel લાવી અને વાંચી. સાચે જ બહુ સરસ છે.

  આવા લેખો આપતા રહેશો જેથી અમારા જેવા વાંચવાના શોખીનોને સારા પુસ્તકો વિશે માહિતી મળતી રહે.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.