અંકિતાની જીવનસફર – મૃગેશ શાહ

[dc]એ[/dc]મ કહેવાય છે કે જેમ જેમ માણસના જીવનમાં એકલતા અને ખાલીપો વધતો જાય છે તેમ તેમ તે માનસિક રોગોનો શિકાર બનતો જાય છે. જીવનના અપાર સંઘર્ષોમાંથી પસાર થયા બાદ વૃદ્ધાવસ્થાની આરે આવી પહોંચેલા કોઈક વડીલના જીવનમાં આવું બને તો તે સમજી શકાય પરંતુ 21 વર્ષની કૉલેજ જતી છોકરી અંકિતા શર્માના જીવનમાં આમ કઈ રીતે બની શકે ? – જી હા, આ વાત છે અંકિતા શર્માની, ‘Life is what you make it’ નામની અંગ્રેજી નવલકથાના એક પાત્રની. નવલકથાના લેખિકા છે પ્રીતિ શૅનોય.

વાર્તા શરૂ થાય છે 1989ના આસપાસના સમયથી.
એવો સમય કે જ્યારે ટેકનોલોજીના કોઈ સાધન નહોતા. હતો એક માત્ર ટેલિફોન. એ પણ અમુક ધનવાન લોકો પાસે જ. અંકિતા એક સામાન્ય વિદ્યાર્થીની છે. સૌ વિદ્યાર્થીનીઓની જેમ એને પણ પોતાના સપનાં છે. જીવન પરત્વે ઊંચી આકાંક્ષાઓ છે. ભણીગણીને ખૂબ આગળ વધવું છે. ટીનએજ સમયમાં જે કાલ્પનિક રંગોળીઓ મનમાં રચાતી હોય છે તેવી તેના મનમાં પણ રચાય છે. વૈભવ એના સ્કૂલના સમયનો ખાસ મિત્ર છે, જે હવે મિત્ર નથી રહ્યો પરંતુ તેના હૃદયમાં કંઈક ખાસ સ્થાન પામી ચૂક્યો છે. કોચિન શહેરમાં આવ્યા બાદ વૈભવનો સંગાથ છૂટી જાય છે પરંતુ પત્ર દ્વારા એકમેકનો સંપર્ક ચાલુ રહે છે. બસ, ત્યાંથી આ નવલકથાની શરૂઆત થાય છે.

બારમા ધોરણનું વેકેશન પૂરું થયું અને અંકિતાની કૉલેજ શરૂ થઈ. એક નવી દુનિયામાં કથાનાયિકાએ પગ મૂક્યો અને નવી સખીઓની સંગાથે કૉલેજનો રંગ તેને પણ લાગવા માંડ્યો. આ કૉલેજ તો જો કે ગર્લ્સ કૉલેજ છે પરંતુ વર્ષ દરમિયાન થતા જુદા જુદા કાર્યક્રમોમાં આસપાસની કૉલેજો સાથે જોડાય છે અને તેથી ઘણા બધા વિદ્યાર્થીઓના સંપર્કમાં આવવાનું બને છે. અંકિતાનો પરિચય અભિષેક સાથે થાય છે. આ નાજૂક સમયમાં તે વૈભવને ભૂલી શકતી નથી અને અભિષેકને પોતાના જીવનમાં પ્રવેશતાં રોકી શકતી નથી, જેની ગડમથલ લેખિકાએ ખૂબ ઝીણવટપૂર્વક વર્ણવી છે. ધીમે ધીમે અંકિતા તેની તરફ ખેંચાતી જાય છે. અંકિતાના પાત્ર દ્વારા લેખિકાએ યુવતીઓની માનસિકતા, એમના કૉલેજકાળનું જીવન, એમની ટેવો, ફરવા જવા માટેના અવનવા નુસખાઓ, બાઈક સવારી અને તેનાથીયે આગળ વધીને ડાન્સબાર સુધી જવાના વિવિધ શોખ અને સ્વચ્છંદ મનોવૃત્તિઓનું આલેખન કર્યું છે. અંકિતાનું ઘરનું વાતાવરણ એથી તદ્દન જુદા પ્રકારનું છે. ત્યાં શિસ્ત છે અને માતાપિતાની સતત નજર છે.

અત્રે આખી વાર્તા કહેવાનો ઉપક્રમ નથી પરંતુ આ સંજોગોમાંથી પસાર થતી અંકિતા ધીમે ધીમે ભણવા બાબતે પરિપક્વ બને છે અને છેવટે મુંબઈ ખાતે એમ.બી.એ.માં એડમિશન મેળવીને તે એક પછી એક પ્રગતિના સોપાન સર કરતી જાય છે. પરંતુ જીવન કંઈ રેલ્વેના પાટા જેવું સીધું તો છે નહિ ! કોચીનથી મુંબઈ જવાની ઘટના અંકિતાના જીવનમાં ભારે ઉથલપાથલ લાવે છે અને તે મુંબઈ ગયા પછીના થોડા જ સમયમાં એક માનસિક રોગનો શિકાર બને છે જેને ‘Bipolar Disorder’ કહે છે. એમ.બી.એ.ની પ્રવેશ પરીક્ષામાં એક જ વારમાં સફળ થનારી હોંશિયાર વિદ્યાર્થીની છેવટે બે-ત્રણ વાર આત્મહત્યાનો પ્રયાસ કરે છે. આજકાલ અખબારોમાં આવી અનેક ઘટનાઓ વાંચવા મળે છે. યુવાવર્ગમાં આમ શા માટે બને છે એની અનેક બાબતો લેખિકાએ ખૂબ અભ્યાસપૂર્વક રજૂ કરી છે. એક તરફ માતાપિતા ચિંતિત છે અને બીજી બાજુ એમ.બી.એ છોડવાની પરિસ્થિતિ આવીને ઊભી છે. અંકિતા high wave અને low wave નો શિકાર બને છે. જ્યારે તે high wave ની સ્થિતિમાં હોય છે ત્યારે એથલેટની માફક દોડી શકે છે. કલાકોના કલાકો લખી શકે છે. અનેક રાત્રિ સુધી જાગી શકે છે. અઢળક કામ કરી શકે છે. અનેક કવિતાઓ એક સાથે રચી શકે છે. એનામાં શક્તિનો જાણે ધોધ ઉમટી પડે છે અને પછી અચાનક જ ફૂગ્ગામાંથી હવા નીકળી જાય તેમ તેનું મન ડિપ્રેશનમાં સરી પડે છે. જીવન નકામું લાગે છે. બારીના પડદા બંધ કરીને બેસી રહે છે. અજવાળાનું એક કિરણ સહન કરી શકતી નથી. આ low wave માં તે પોતાની જાતને નષ્ટ કરી દેવા માંગે છે. એને પોતાને જ ખબર નથી પડતી કે તેની સાથે શું થઈ રહ્યું છે. અંકિતાના જીવનમાં એવું તે શું બને છે કે તે છેક આ પરિસ્થિતિમાં મૂકાઈ જાય છે ? ખેર, એ માટે તો પુસ્તક જ વાંચવું રહ્યું.

અંતે અંકિતાને બૅંગ્લોર ખાતે આવેલી મેન્ટલ હેલ્થકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. સામાન્ય રીતે આપણે તેને પાગલ લોકોનું સારવાર કેન્દ્ર માનીએ છીએ પરંતુ લેખિકા એ ભ્રમને સદંતર દૂર કરી દે છે. ત્યાંના ડૉ. મધુસુદન અંકિતાને માનસિક રોગોની વિસ્તૃત સમજ આપે છે. કોઈ પણ માણસ ઓછેવત્તે અંશે કંઈક આ પ્રકારના રોગોનો શિકાર હોય છે. જેમ હાથ પર વજન આવવાથી આપણે ઓર્થોપેડિક પાસે જઈએ છીએ તેમ મન પણ ક્યારેક એની ક્ષમતા કરતા વધારે કામ કરે ત્યારે એને સામાન્ય સારવારની જરૂર પડતી હોય છે. પણ એનો અર્થ એ નથી કે મેન્ટલ હોસ્પિટલમાં આવનાર દરેક દર્દી પાગલ છે ! અહીં અંકિતાને હૂંફ મળે છે. એના માથે એમ.બી.એ.નો ભાર નથી. કૅરિયર બનાવવાનું ટેન્શન નથી. ડૉ. નમ્રતા અને ડૉ. મધુસુદન એને એટલી સરસ રીતે સંભાળે છે કે થોડા જ મહિનાઓમાં અંકિતા પુનઃ પોતાનું સ્વસ્થ જીવન પ્રાપ્ત કરી શકે છે. ભયાનક ખીણના આરે લટકી રહેલી કોઈ વ્યક્તિને બચાવવા જેટલું આ કપરું કામ છે. આ માટેની આખી થેરાપી અને હોસ્પિટલના નિત્યક્રમથી લઈને ત્યાંનું આખું વાતાવરણ લેખિકાએ એ રીતે મૂક્યું છે કે વાચકનો જીવન પ્રત્યેનો આખો અભિગમ જ બદલાઈ જાય. પ્રેમ અને વિશ્વાસ જીવનમાં કેટલું કામ કરી શકે છે તે અહીં જોવા મળે છે.

વાર્તાના અંતે પણ અંકિતા વૈભવને પત્ર લખે છે અને પોતાના જીવનમાં બનેલી આ ઘટના વિસ્તારથી વર્ણવે છે. તે કહે છે : ‘વૈભવ, હવેની આ અંકિતા એ તે નથી જેને તેં સ્કૂલમાં જોઈ હતી. હવે હું સંપૂર્ણ બદલાઈ ચૂકી છું. જીવન એટલે માત્ર એમ.બી.એ અને કેરિયર નથી એવું મને સમજાયું છે. હું એ દોડમાં દોડવા નથી માંગતી. હું કોઈના સપનાઓનો બોજ વેંઢારવા નથી માગતી. જે મને ગમશે તે જ હું કરીશ. હું હવે એમ.બી.એ નહીં કરું. મને ખબર છે કે મારી આસપાસના અનેક લોકોને આ વાત સાંભળીને આંચકો લાગશે. કદાચ લોકો મારા પર હસશે પણ ખરા પરંતુ એ તો એ લોકોને ત્યારે જ સમજાશે જ્યારે હું જે પરિસ્થિતિમાંથી પસાર થઈ એ પરિસ્થિતિમાંથી એ લોકો પસાર થાય. વૈભવ, જીવન અમૂલ્ય છે એમ મેં જાણ્યું છે. એ માત્ર એકાંગી નથી. પ્રેમ અને વિશ્વાસ કેવા ચમત્કારો સર્જી શકે છે તે મેં અનુભવ્યું છે. હું મારી જાતને ખતમ કરવા સુધી પહોંચી ગઈ હતી. હું મૃત્યુના મુખમાંથી પાછી ફરી છું. હવે હું મારા જીવનને ગુમાવવા નથી ઈચ્છતી. મને એ સમજાયું છે કે આપણો પ્રત્યેક દિવસ એ ઈશ્વરની દેન છે. આ દિવસમાં કશું શુભ ન કર્યું, કોઈકને હસાવ્યા નહીં, કોઈક માટે કશું સારું ન કર્યું તો પછી આ જીવનનો શું અર્થ છે ? ત્યાં મેન્ટલ હેલ્થકેર સેન્ટરમાં મને ખૂબ સુહૃદ મિત્રો મળ્યાં છે. ત્યાં મેં જીવનની ખરી કિંમત જોઈ છે. હું અગાઉ કરતાં ઘણી પરિપક્વ બની છું. મારા જીવનને હું ઓળખતી થઈ છું. હું હવે એ અંકિતા રહી નથી, જે પહેલા હતી.’

આખીયે વાર્તા આપણને એકલતામાંથી બહાર નીકળીને જીવનને એક નવી દષ્ટિથી જોવાની વાત શીખવે છે. ખાસ કરીને ટીનએજ-યુવાવર્ગ માટે તે જરૂરી છે. સ્વતંત્રતાના નામે પોતાના અલગ રૂમમાં સંતાનો શું કરી રહ્યાં છે એ જોવાની માતાપિતાની ફરજ છે – એ વાત પણ અહીં એટલી જ અગત્યની છે. સ્વતંત્રતાના નામે આપણે તેઓને એકલતાનો ભોગ તો નથી બનાવી રહ્યા ને ? માતાપિતાની હૂંફ સંતાનને દરેક તબક્કે જરૂરી હોય છે. એ સાથે દરરોજ ઘરમાં સાથે બેસીને વાતચીત કરવાની પણ એટલી જ જરૂર હોય છે. સારું વાંચન, મિત્રોનો સંગાથ, પોતાના જીવનની દરેક બાબત માતાપિતા સાથે ખુલ્લા હૃદયે વહેંચવાની જો ટેવ હોય તો અનેક માનસિક રોગોમાંથી આજનું યુવાધન બચી શકે છે. આ નવલકથા કેરિયર પ્રત્યે વધારે પડતા જાગૃત વિદ્યાર્થીઓ સામે લાલ બત્તી ધરે છે. કેરિયર એટલે શું માત્ર ભણવું અને મોટી ડિગ્રીઓ જ ? જીવન એટલે માત્ર એમ.સી.એ. અને એમ.બી.એ. ? પરીક્ષાઓને જ જીવનનું ધ્યેય માની બેઠેલા વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં ન સરી પડે તો જ નવાઈ ! અંકિતા કહે છે કે : ‘My earlier ambition had been to complete MBA and to prove myself in the corporate world. Suddenly, after what I had been through, it all seemed meaningless to me. I couldn’t stand the thought of going back to MBA. I had grown up in so many ways since the time I first joined the course. I thought about my classmates and professors. I thought about the text books and case studies. The more I thought about it, the more meaningless they all seemed to me. It was as though I had been looking at life through a keyhole earlier and seeing only the MBA bit. But now the whole door had been thrown open. My perspective had changed a lot. It was a paradigm shift in my approach to life itself.’

2011માં પ્રકાશિત થયેલી આ નવલકથા ‘National Bestseller’ બની છે. નવલકથાના લેખિકા પ્રીતિ શૅનોય (http://preetishenoy.com) બેંગ્લોરના નિવાસી ગૃહિણી છે. પોતાના બંને સંતાનોનો ઉછેર કરતાં તેમણે આ નવલકથા લખી છે. પિતાના અવસાન બાદ એકલતાને દૂર કરવા માટે તેમણે સૌપ્રથમ વાર અંગ્રેજી બ્લોગ લખવાની શરૂઆત કરી હતી. તેમની ટૂંકી વાર્તાઓ વાચકોને ખૂબ પસંદ પડી અને તેમનો બ્લોગ ભારતમાં વધુ વંચાતો બ્લોગ બન્યો. એ પછી તેમના કેટલાક લખાણો ‘રિડર્સ ડાયજેસ્ટ’માં પણ પ્રકાશિત થયા અને તે પછી તેમણે ‘34 Bubblegums and Candies’ નામનું પુસ્તક લખ્યું જે ખૂબ પ્રસિદ્ધિ પામ્યું. આ તેમનું બીજું પુસ્તક છે જે પ્રકાશિત થતાની સાથે જ લોકપ્રિય બની ગયું. કશુંક શુભ મેળવવાની ઈચ્છા સાથે મક્કમ મનોબળ કેળવવાની ઈચ્છા ધરાવનારે આ પુસ્તક વાંચવા જેવું છે. અંકિતાના જીવનની રોમાંચક સફર યુવાવર્ગને અને તેમના માતાપિતાઓને ઘણી બાબતો શીખવી જાય છે. આશા છે આપને પણ તે ગમશે.

Leave a Reply to Vaishali Maheshwari Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

9 thoughts on “અંકિતાની જીવનસફર – મૃગેશ શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.