અસ્તિત્વની શોધ – કલ્પના રઘુ

[ આ વાર્તા સત્યઘટના પર આધારિત છે. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ કલ્પનાબેનનો (અમેરિકા) ખૂબ ખૂબ આભાર. આ કૃતિ અંગે આપ આપનો પ્રતિભાવ અમદાવાદના શૈલીબેન પરીખને આ સરનામે parikhshailee@gmail.com પાઠવી શકો છો.]

[dc]આ[/dc]જથી આશરે પાંચેક વર્ષ પહેલાં સોમવારની સવારે મંદિરમાં ચંપાબેન મળ્યાં હતાં. ત્યારે તેમની ઉંમર પાંસઠેક વર્ષની હશે. મને કહે, ‘બહેન, મેં સાંભળ્યું છે કે તમને બહુ બધાની જિંદગી વાંચવાનો અનુભવ છે. મારે પણ તમને કંઈક કહેવું છે.’ ચંપાબેન આમ તો અવારનવાર મળતાં હતાં. ક્યારેક એમના ચહેરા પર સ્મિત તો ક્યારેક વેદના જોવા મળતાં અને તેથી મને પણ તેમનાં જીવનમાં ડોકિયું કરવાનો સળવળાટ જાગ્યો હતો. આ સામેથી મળેલી તકને હું કેવી રીતે જવા દઉં ? મેં કહ્યું, ‘ચાલો, આજની બપોર તમારી સાથે….’

એમના ઘરે હું પહોંચી ત્યારે તેમની આંખો મારી પ્રતિક્ષામાં હતી.
મને કહે : ‘બહેન, હવે તો મારી આંખોનાં આંસુ પણ સૂકાઈ ગયાં છે. હું ખરેખર થાકી ગઈ છું….’ મેં થોડું આશ્વાસન આપ્યું અને તેઓ ભૂતકાળમાં સરી પડ્યા.
‘એક સ્ત્રી તરીકે કેટકેટલાં રૂપ મેં ધારણ કર્યાં છે…. દીકરી, બહેન, પ્રેયસી, પત્ની, માતા, દાદીમા…. અને છતાંય મારા અસ્તિત્વની શોધ હજુ ચાલુ જ રહી છે. બહેન, આ બધાની વચ્ચે હું પોતાને સતત શોધતી રહી છું. માતા પુષ્પાબેનની કૂખે અવતરી ત્યારે સમાજે મને કમને તો સ્વીકારી પરંતુ મારી સરખામણી હંમેશા મોટાભાઈ રમેશ સાથે થતી રહી. તે કંઈ પણ કરી શકે કારણ કે તે દીકરો હતો અને મારે અમુક રીતે જ રહેવાનું કારણ કે મારે પરણીને સાસરે જવાનું હતું. મારે મારી પોતાની ઓળખ મેળવવી હતી પરંતુ અહીં તો મારું કોઈ અસ્તિત્વ જ નહોતું ! યુવાનીમાં પ્રવેશી ત્યારે હૈયામાં છૂપાયેલા અસંતોષે પારકાપણાંના ભાવને જન્મ આપ્યો હતો. મારું જ ઘર મને પરાયું લાગતું હતું. મનમાં હવે પોતાનું ઘર, પતિનાં સપનાં શરૂ થયાં હતાં. જિંદગીની સફરમાં મુલાકાત થઈ રમણલાલ સાથે…. અને લાગ્યું કે મને મારી મંઝીલ મળી ગઈ. એ મિલન અદ્દભુત અને અકલ્પ્ય હતું. લાગતું હતું કે મારા અસ્તિત્વની શોધ અહીં પૂરી થશે… મને મારી સાચી ઓળખ પ્રાપ્ત થશે… હું તે વખતે સુખના સર્વોત્તમ શિખરે હતી. નસીબે સાથ આપ્યો અને હું પ્રેયસીમાંથી પત્ની બની.

પરંતુ એમ કહેવાય છે ને કે લગ્ન એટલે પ્રેમનું પૂર્ણવિરામ ! ખરેખર એ પ્રેમ હતો ? હવે તો અધિકારનો ભાવ શરૂ થયો હતો. સપ્તપદીનાં સાત ફેરા વખતે બંને પક્ષે વચનોની આપ-લે જરૂર થઈ હતી પરંતુ મને ક્યાં ખબર હતી કે વેદીના મંત્રોચ્ચાર વખતે જ્યારે ઘી હોમાય છે ત્યારે જ બોલાયેલાં વચનોનો પણ ધુમાડો થઈ જતો હોય છે….. ખેર, હું કુટુંબ સાથે તો બંધાઈ ગઈ અને ગૃહપ્રવેશની સાથે જ મને કંઈકેટલાય નવા સંબંધોનો આવકાર મળ્યો. દરેક સ્ત્રીની જેમ મારા જીવનમાં પણ જવાબદારીઓની ઘટમાળ શરૂ થઈ…. કલાકો, દિવસો, મહિનાઓ પસાર થતા રહ્યા…. નવવધૂ તરીકે આવેલી આ ચંપા મારું ઘર, મારો વર… બધું જ મારું… અને મારું જ ધાર્યું કરીશ – એવા સપનાં જોવા લાગી. પરંતુ પતિ કહે : ‘હું જે કહીશ તે જ થશે.. તું કંઈ કમાવા નથી જતી…’ સાસુ-સસરા, જેઠ-જેઠાણી, દિયર-દેરાણી, નણંદ-નણદોઈ અને ભત્રીજા-ભાણેજાના સંબંધોમાં હું ફંગોળાતી રહી… ક્યાંક કોઈ મારું લાગે તો ઘડીક થોડો વિસામો લેતી અને ફરી પાછી એ જ ઘટમાળમાં અટવાઈ જતી. હું નક્કી નહોતી કરી શકતી કે આમાં મારું સ્થાન ક્યાં છે ? મારું અસ્તિત્વ ક્યાં છે ?’ ચંપાબેને સ્મિત સાથે પાણીનો ઘૂંટડો ગળે ઊતાર્યો, થોડું અટક્યા અને ફરીથી પોતાના અતીતની વાત આગળ વધારી….

‘એ પછી મારા જીવનમાં નવો વળાંક આવ્યો. રોમેરોમ નવી કૂંપળો ફૂટી જ્યારે હું ગર્ભવતી બની. એ કદાચ જીવનના સર્વોત્તમ દિવસો હતાં જ્યારે મારું આખું કુટુંબ મારી સાથે હતું. પ્રસુતિની પીડા સહન કરીને મેં એક સુંદર પુત્રને જન્મ આપ્યો. ઘરમાં બધાનો વ્યવહાર મારા માટે બદલાયો હતો કારણ કે હું તેમનો વંશવેલો વધારવા માટે સાધન બની હતી. જો કે હું તો બધાનો દુર્વ્યવહાર ભૂલી ગઈ હતી કારણ કે કુદરતે મને ભૂલવાની બક્ષિસ આપી હતી ! હવે ફરી એક વખત સપનાંઓની વણઝાર શરૂ થઈ કે ભલે મારું કોઈ ન હોય, મારો દીકરો તો હંમેશા મારો જ છે ને ! એને હું ભણાવી-ગણાવી સંસ્કાર આપીને મોટો માણસ બનાવીશ ત્યારે મને હાશ થશે. બસ, પછી એ દિવસની રાહ જોઈને તડકા-છાંયડા, વાદળ-વંટોળ, ખાડા-ટેકરાઓમાં હું અથડાતી, કૂટાતી રહી અને બાકી રહેલી જુવાની પણ કુટુંબને સમર્પિત કરીને સમયના વહેણમાં ઘસડાતી રહી. એક આશા હતી કે હરેશ ભણીને સ્થિર થઈ જાય એટલે એક સરસ મજાની વહુ લઈ આવું જે મને હૂંફ આપે, જે મને મારા અસ્તિત્વની સંપૂર્ણતાનો અહેસાસ કરાવે… મારું કુટુંબ હંમેશા મારી સાથે રહે….

પણ જીવનમાં બધું જ સુખ કંઈ થોડું કપાળ પર લખાયેલું હોય છે, બહેન ! દીકરો જ વહુને સાચવવા માને હડધૂત કરે તો ક્યાં જવાનું ? મા ગમતી નથી કારણ કે તે જૂના વિચારોની છે. ફાવે તો રહો નહીં તો જાઓ ઘરડાઘરમાં…. – કેવો અસહ્ય આઘાત હતો આ ! જાણે મારું સંપૂર્ણ અસ્તિત્વ જ નામશેષ થઈ ગયું હતું. મન મનાવીને પુત્ર-પુત્રવધૂ સાથે રહેવાનું હતું. બીજો કોઈ રસ્તો નહોતો. હા, પતિ સાથે નિરાંતની પળોમાં હૈયું ખોલી લેતી. એ જ હવે તો ઘડપણનો વિસામો હતાં. એકબીજાને હૂંફ આપીને દા’ડા કાઢવાના હતાં. એવામાં થોડા દિવસ જાત્રાએ જઈને આવ્યાં અને જોયું તો ઘરના રૂપરંગ સાવ બદલાઈ ગયાં હતાં. દિલમાંથી દૂર કર્યા બાદ અમને દીવાલ પરની તસ્વીરમાં રાખવાનું પણ પુત્રને ઉચિત નહોતું લાગ્યું. હવે અમારે એની રીતે રહેવાનું હતું. જેને મેં ઊઠતા, બેસતાં અને ચાલતાં શીખવ્યું હતું તે આજે મને કેવી રીતે રહેવું એના પાઠ શીખવતો હતો ! મનના કોઈક ઊંડા ખૂણે એમ થતું હતું કે શું મારું કોઈ નથી ? હે ઈશ્વર, શું કોઈને મારી જરૂર નથી ? જો એમ જ હોય તો તેં મને જન્મ શું કામ આપ્યો ? હું જેવી છું તેવી કોઈ શા માટે સ્વીકારવા તૈયાર નથી ? શું કોઈ મને સમજી નહીં શકે ? ઘડિયાળના લોલકની જેમ હું સતત અહીંથી ત્યાં ફંગોળાતી રહી છું એ વાત કોણ સમજશે ? મારા અસ્તિત્વની શોધ પૂરી થશે ખરી ?’ ચંપાબેનની જીવનકથની સાંભળીને હું ઘરે આવી.

બીજે દિવસે ચંપાબેનની પડોશનો છોકરો દોડતો મને બોલાવવા ઘરે આવ્યો. હું એમના ઘરે ગઈ અને જોયું તો ચંપાબેન પ્રભુને પ્યારા થઈ ગયા હતા. કદાચ ઈશ્વરે ચંપાબેનની પ્રાર્થના સાંભળી લીધી હતી. ઘરમાં રોક્કળ હતી પરંતુ તેમના ચહેરા પર ચિર શાંતિ હતી. તેમના પુત્રવધૂએ મને એક પત્ર આપ્યો અને કહ્યું કે, ‘રાત્રે અચાનક મમ્મીજીની તબિયત લથડી. ઉપરાઉપરી બે એટેક આવ્યા અને મને આ પત્ર તમને સોંપવાનું કહ્યું. એ પછી થોડીવારમાં જ તેમણે આંખો મીંચી લીધી….’ હું સ્તબ્ધ થઈ ગઈ હતી. શું બોલવું તે સમજાતું નહોતું. મેં એ પત્ર ખોલ્યો.

તેમાં લખ્યું હતું : ‘બહેન, મારી માએ મને શિખામણ આપી હતી કે ભોજનેષુ માતા, કાર્યેષુ મંત્રી, શયનેષુ રંભા બનીને રહેજે. હવે સાસરું જ તારું અંતિમધામ છે. જ્યાં ડોલી જાય છે ત્યાંથી અર્થી નીકળવી જોઈએ. ઘરે આવે તો તારા વર સાથે આવજે અને પિયરમાં મહેમાનની જેમ રહેજે…. – આ શિખામણને આંખો સામે રાખીને જીવી છું. પણ કદાચ હવે થોડા સમયની મહેમાન છું. આ પ્રાણ આ ખોળિયું છોડીને ઊડી જશે… પતિ જીવે છે એટલે આ સુહાગણને સજાવીને-શણગારીને અગ્નિદાહ આપવા સ્મશાનમાં લઈ જશે. આ શબ ચિંતાઓના રાફડામાંથી મુક્ત થઈને ચિતાની ભસ્મ બની જશે અને હાશ અનુભવશે. બહેન, મેં કદાચ આપને મારી આ બધી વાતો કહીને દુઃખી કર્યા હશે પરંતુ મારી આ વાત બીજી અનેક બહેનોને સાંત્વન આપનારી બનશે કારણ કે એક ભારતીય સ્ત્રીનું જીવન તો આમ જ હોઈ શકે ને ! મારું જીવન જીવ્યાનો મને પૂરો સંતોષ છે. તમામ સંબંધોનું પાલન, પોષણ અને જતન મેં મારા તન-મન-ધનથી અને મારી તમામ લાગણીઓ સીંચીને કર્યું છે. એમાં કશુંક બરાબર ન થયું હોય તો હું અન્યને દોષિત ગણતી નથી, એ તો મારા જ કર્મોનું ફળ છે. હું તમામને માફ કરું છું બહેન, અને તમે મને પણ માફ કરી દેજો. મને લાગે છે કે મારા અસ્તિત્વની શોધ હવે અહીં પૂરી થઈ છે….’

ચંપાબેનનો પત્ર વાંચીને હું આંસુ રોકી ન શકી. મારું મન એમને નતમસ્તક પ્રણામ કરી રહ્યું. તેમની જીવનકથા હૃદયને હચમચાવી ગઈ. તેમના આત્માને ઈશ્વર પરમ શાંતિ આપે એ જ પ્રાર્થના હું કરતી રહી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

27 thoughts on “અસ્તિત્વની શોધ – કલ્પના રઘુ”

Copy Protected by Chetan's WP-Copyprotect.