ગુજરાતી ફિલ્મ : ‘કેવી રીતે જઈશ’ – મૃગેશ શાહ

[dc]જે[/dc]ની વિશે વાત કરતાંની સાથે જ લોકો આશ્ચર્યથી આપણી સામે જોવા લાગે એવી ગુજરાતી ફિલ્મની જો કોઈ મફત ટિકિટ આપી દે તોય લેનારના મનમાં એ પ્રશ્ન હંમેશા રહે કે ‘કેવી રીતે જોઈશ !?!’ ઢોલ-નગારા, રાસ-દૂહા અને લોકગીતોમાં ગુજરાતી ફિલ્મે સદીઓ વિતાવી અને તેના પરિણામે તે બદલાતા જમાના સુધી પહોંચી ન શકી. નવી પેઢી ને તો તેની હયાતી છે કે કેમ એ જ પ્રશ્ન ઊઠે એટલી હદ સુધી ગુજરાતી ફિલ્મોનું નિકંદન નીકળી ગયું. પરિણામ એ આવ્યું કે ‘ગુજરાતી ફિલ્મ’ શબ્દ જ નામશેષ થઈ ગયો.

આટલી બધી ગુજરાતીઓની વસ્તી, અમદાવાદ-સુરત-મુંબઈ જેવા મોટા મહાનગરો, અગ્રગણ્ય ગુજરાતી ઉદ્યોગપતિઓ, અત્યંત લોકપ્રિય ગુજરાતી નાટકો, અનેક હિન્દી સિરિયલો અને ફિલ્મોમાં ઉત્તમ ગુજરાતી કલાકારો – પણ તે છતાં આપણી પોતાની કોઈ ઉત્તમ ગુજરાતી ફિલ્મ નહીં ! આ કલંકને ભૂંસી નાખવા માટે ભગીરથ પુરુષાર્થ કર્યો અભિષેક જૈન અને તેમની સમ્રગ યુવાટીમે અને તૈયાર થયું સરસ મજાનું, આજના સમયને અનુરૂપ ગુજરાતી મુવી ‘કેવી રીતે જઈશ’. તાજેતરમાં રિલિઝ થયેલી આ ફિલ્મે ભલભલાની બોલતી બંધ કરી દીધી છે. હિન્દી ફિલ્મની સમકક્ષ ગણી શકાય તેવી આ ફિલ્મે યુવાવર્ગને ગુજરાતી ફિલ્મી ગીતો સાંભળતા કરી દીધા છે. ઉત્તમ સંગીત, ઉત્તમ કથા, ઉત્તમ નિદર્શનથી સૌના મન મોહી લીધા છે. પહેલીવાર એવું બન્યું છે કે થિયેટરમાં કોઈ ગુજરાતી ફિલ્મ જોતાં જોતાં લોકો આનંદથી ઝૂમી ઊઠ્યા હોય અને પહેલી જ વાર એવું બન્યું છે કે લોકો બહાર નીકળીને પણ ગુજરાતી ફિલ્મની ચર્ચા કરતા હોય. ફેસબુક, ટ્વીટર કે અન્ય અનેક બ્લોગ પર આ વિશે પુરજોશમાં વાતો ચાલી રહી છે… ઘણા બધા લોકો આ ફિલ્મને એક અગત્યના પડાવ તરીકે જુએ છે અને એમ કહે છે કે ગુજરાતી ફિલ્મો હવે બે યુગમાં વહેંચાશે. એક તો ‘કેવી રીતે જઈશ’ ફિલ્મની પહેલાંનો યુગ અને બીજો તે પછીનો યુગ.

એવું તે શું છે આ ફિલ્મમાં ? ફિલ્મની વાર્તા અમેરિકા જવા વિશે છે. હકીકતે આ વાર્તા નથી, પરંતુ સત્યઘટના છે. અથવા તો એમ કહી શકાય કે કેટલીક સત્યઘટનાઓનું આ સંકલન છે. ફિલ્મના અંતે બતાવવામાં આવે છે ‘Based on true story’ અને પછી તરત જ એમાં એક શબ્દ ઉમેરવામાં આવે છે ‘Based on many true stories’. વાત પણ સાચી છે કે અમેરિકા જવાની ઘેલછા કોઈ એક પરિવારની ન હોઈ શકે. આ તો અનેક લોકોનું સપનું હોય છે. ફિલ્મના ડાયરેક્ટરને જ્યારે પૂછવામાં આવ્યું કે આ તો જૂનો વિષય નથી ? કારણ કે હવે તો લોકો અમેરિકાથી પાછા આવી રહ્યા છે…. – ત્યારે તેમણે જણાવ્યું કે અમને પણ એમ જ થયેલું પણ રિસર્ચ કર્યું ત્યારે ખબર પડી કે અમેરિકા જવાનું ગાંડપણ આજે પણ એટલું જ છે અને ખાસ કરીને સ્ટુડન્ટ્સમાં તો અધિક છે. ફિલ્મના મુખ્ય કલાકારોમાં છે દિવ્યાંગ ઠક્કર અને અભિનેત્રી વેરોનિકા કલ્પના ગૌતમ. હરિશ બચુભાઈ પટેલ અને આયુષી તરીકે રજૂ થયેલા બંને પાત્રોનો અભિનય અભિનંદનને પાત્ર છે. હરિશના પિતા તરીકે છે કેથેન દેસાઈ જેમનું અમેરિકા જવાનું સ્વપ્ન એક જમાનામાં અધૂરું રહી ગયું હતું. એ સ્વપ્નને તે પોતાના દીકરા થકી પૂરું કરવા માગે છે. ભલે ને આ માટે પછી ગમે તે કેમ ન કરવું પડે ! હરિશ પણ પિતાના સ્વપ્નને પોતાનું માની લે છે અને તેને સાકાર કરવા તમામ પ્રયત્નો કરી છૂટે છે. તેને અમેરિકા જવાનું ‘Passion’ છે. લોકો અમેરિકા જવા માટે શું-શું કરી શકે છે તેની વાત અહીં રમૂજી શૈલીમાં પરંતુ ખૂબ મક્કમ રીતે ગૂંથી લેવામાં આવી છે.

ભલેને આપણામાં હજારો ખામીઓ હોય પરંતુ આ અમેરિકાની ધરતી પર પગ મૂકીશું એટલે એ ખામીઓ ખૂબીઓમાં પરિવર્તિત થઈ જશે એવી (અંધ)શ્રદ્ધાથી પ્રેરાઈને પોતાનું સર્વસ્વ હોડમાં મૂકી દેનારા લોકો અંતે કેવી પરિસ્થિતિમાં મૂકાઈ જાય છે તેની આ વાત છે. હરિશને મૂળ અંગ્રેજીનો વાંધો છે ! કડકડાટ અંગ્રેજી શબ્દો સાંભળતાં એની આંખો સ્થિર થઈ જાય છે અને પછી ‘આંખનું કાજળ ગાલે ઘસ્યું’ એવો ઘાટ થાય છે. એમાંથી પછી ઘણા બધા ‘issues’ ઊભા થાય છે ! પણ હરિયાને તો બસ અમેરિકા જવું જ છે…..ભલે ને એની માટે તાંત્રિક બાબા પાસે જવું પડે કે પછી પાછલે બારણે ખોટા પાસપોર્ટ બનાવીને અમેરિકા મોકલતા એજન્ટ પાસે જવું પડે. એનું આખું ઘર આ એક જ કામમાં રોકાયેલું છે. આ માટે લાખ્ખો રૂપિયા ખર્ચાય છે, પ્રોપર્ટી ગીરવે મુકાય છે અને બીજું ઘણું બધું થાય છે  પરંતુ હરિશ અને એના પિતાનો મોહ ઓછો થતો નથી. અમદાવાદમાં ‘રાણીની હવેલી’ ક્યાં આવી તે હરિશને ખબર નથી પરંતુ એને અમેરિકા જવાની પૂરેપૂરી માહિતીથી માહિતગાર થવું છે. અમેરિકાથી જ પરત આવેલી આયુષીની ન જવાની સલાહ તેને ગમતી નથી. ભલે ને હરિશનો આખો પરિવાર અહીં હોય પરંતુ હરિશનું માનવું છે કે તેનું જીવન તો જ સાર્થક છે જો તે અમેરિકા જઈને મૉટેલ ખોલશે. સૌના મોંએ હરિશ માટે એક જ પ્રશ્ન છે ‘કેવી રીતે જઈશ ?’

ઉત્તમ કેમેરાવર્કમાં ગુજરાતીઓની અને ખાસ કરીને યુવાનોની જીવનશૈલીની ઘણી ઝીણી વાતો ગૂંથી લેવામાં આવી છે જેમ કે પૈસા બચાવવા માટે મિસકોલ કરવો, મોડી રાત સુધી બહાર રોકાવું, ડાન્સપાર્ટીઓ, અમુક પ્રકારના ચાઈનિઝ મૂવી જોવા, મોર્નિંગવૉકમાં જવું પરંતુ પેટભરીને નાસ્તો કરી લેવો વગેરે વગેરે. અમદાવાદના 32 જેટલા સ્થળો પર થયેલું શૂટિંગ આખી ફિલ્મમાં અમદાવાદની એક નવી ઓળખ ઊભી કરે છે. ગોલ્ફકોર્સ, કાંકરિયા જેવા સ્થળોએ નિર્માયેલા દશ્યો ફિલ્મને આધુનિક બનાવે છે. પરદેશ જવા માટેનો મોહ ઘરમાં કેવા આંતરવિગ્રહ ઉભા કરે છે – એ પાસું આવરી લઈને ડાયરેક્ટર રમૂજી ફિલ્મમાં પણ મહત્વનો સંદેશો આપી દે છે. આધુનિક યુવા વર્ગને ગમે અને કર્ણપ્રિય બની જાય તેવું સંગીત મેહુલ સુરતીએ આપ્યું છે અને તેમાં યુવા કવિ જૈનેશ પંચાલનું ગીત ‘પંખીડા રે ઊડી જાજો અમેરિકા રે…. ઓબામાને જઈને કહેજો વિઝા આપે રે…’ ચાર ચાંદ લગાડે છે. અનંગ દેસાઈના પાત્ર દ્વારા અમેરિકા સેટલ થવાનો સંઘર્ષ, મૉટેલના કામો, માતા-પિતાના મૃત્યુ સમયે હાજર નહીં રહી શકવાનો અફસોસ જેવી અનેક બાબતો આ ફિલ્મે દર્શાવી છે. ખોટી યુનિવર્સિટીઓ, તગડી ફી અને ખોટા એજન્ટોની વાત લોકો સુધી પહોંચાડવા માટે રાકેશ બેદી અને ટોમ એલ્ટરે અદ્દભુત અભિનય કર્યો છે. પરંતુ હકીકતે હરિશ અમેરિકા જશે કે નહીં ? ખેર, એ માટે તો આ ફિલ્મ જ જોવી રહી.

ઘણા વર્ષો પછી આપણને કોઈ ગુજરાતી ફિલ્મને પોંખવાનો સુઅવસર મળ્યો છે. આ તક ગુમાવવા જેવી નથી. યુવા પ્રતિભાઓને બિરદાવવા માટે અને આપણી આગામી પેઢીને ઉત્તમ ગુજરાતી ફિલ્મો મળે તે હેતુથી આપણે આપણા મિત્રો, પરિવારજનોને સિનેમાગૃહ સુધી દોરવા રહ્યા. કોઈ પણ કલાની યોગ્ય કદર કરવી એ પણ એક પ્રકારની સમાજસેવા જ છે ! આશા છે કે આવનાર વર્ષોમાં આપણને વધુ આ પ્રકારની ઉત્તમ ફિલ્મો મળી રહેશે અને તેનાથી ગુજરાતી સાહિત્યમાં પણ નવી પેઢી વધુ ને વધુ રસ લેતી થશે. ‘કેવી રીતે જઈશ’ની સમગ્ર ટીમને ખુબ ખુબ શુભેચ્છાઓ. (આ ફિલ્મની વધુ માહિતી અને તેના ગીતો ડાઉનલોડ કરવા માટે આ સાઈટ જુઓ : http://keviritejaish.com )

‘કેવી રીતે જઈશ’ ફિલ્મનું ટ્રેલર :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

33 thoughts on “ગુજરાતી ફિલ્મ : ‘કેવી રીતે જઈશ’ – મૃગેશ શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.