આપણે શું કરીએ ? – જયવતી કાજી

[ વિચારપ્રેરક નિબંધોના પુસ્તક ‘આજની ઘડી રળિયામણી’માંથી સાભાર.]

[dc]આ[/dc]પણા સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી સ્વ. શ્રી પાલખીવાલાએ એમના ‘We The People’ નામના પુસ્તકમાં લખ્યું હતું : ‘આપણે લોકશાહી પ્રજાસત્તાક તંત્ર સ્થાપ્યું. રાજ્યબંધારણ ઘડ્યું. માનવી માનવી વચ્ચે ઊંચનીચનો ભેદ ન રહે – સ્ત્રીપુરુષ વચ્ચે સમાનતા રહે – સામાજિક ન્યાય સ્થપાય એ આદર્શોને બંધારણમાં સ્વીકાર્યા, પરંતુ એનો અમલ કરવાની શક્તિ આપણે કેળવી નથી. લોકશાહી તંત્ર રચ્યું, પરંતુ લોકશાહી એ મંઝિલ નથી. એ તો માર્ગ છે – જોખમભર્યો માર્ગ છે. એ પ્રજાની સજાગતા માંગી લે છે. દેશના સંચાલનમાં પ્રત્યેક નાગરિક જાગૃત અને કાર્યશીલ રહે એ ખૂબ મહત્વનું છે. સરકારને નાછૂટકે કરવેરા ભરી, સરકાર પર બધું છોડી નાગરિકોએ છટકી જવાનું હોતું નથી. સ્વરાજ અને લોકશાહીનો અર્થ છે પ્રજા માટેનું શાસન, જાગૃત પ્રજાનું શાસન.’

પરંતુ આજે આપણા દેશની પરિસ્થિતિ કેવી છે ? આપણી લોકશાહી ગેરમાર્ગે જઈ રહી છે. સવારે ઊઠી છાપું ખોલો કે રેડિયો કે ટી.વી. પર સમાચાર સાંભળો, રોજ ને રોજ તમને કોઈક કૌભાંડના સમાચાર વાંચવા મળશે. આત્મહત્યા અને બળાત્કારના હૃદયદ્રાવક કિસ્સાઓ સાંભળવા મળશે. અપોષણને કારણે શિશુઓના અકાળે થતા મૃત્યુના, દહેજ મૃત્યુના અને ગરીબી અને બેકારીને કારણે થતી હિંસાના કિસ્સાઓ જાણવા મળશે. આપણે આજે કેટલી અધમતાએ પહોંચ્યા છીએ ! અકસ્માતનો કેઈસ હતો. માણસનું હૉસ્પિટલમાં મૃત્યુ થયું હતું. કુટુંબીજનોએ પૈસાની વ્યવસ્થા જેમતેમ કરી બીલ ચૂકવ્યું. પોલીસના પેપર્સ મેળવ્યાં. મૃતકનાં સગાંસ્નેહીઓ એની અંતિમ ક્રિયા માટે મૃતદેહની રાહ જોતાં આંસુ સારતાં બેઠાં હતાં, પણ મૃતદેહ એમને મળતો ન હતો. કારણ ? પોલીસ અને હૉસ્પિટલવાળા મળી ગયા હતા ! એમને પૈસા કઢાવવા હતા. પૈસા આપ્યા ત્યારે માંડમાંડ કુટુંબીજનો મૃતદેહ મેળવી શક્યા ! શહેરની એક મોટી ચાલમાં આગ લાગી હતી. સેંકડો માણસો એમાં રહેતાં હતાં. એમના જાનમાલ જોખમમાં છે. બંબાવાળા આગ ઓલવવા આવે છે. પણ આગ પર પાણી છાંટવાનું શરૂ કરે તે પહેલાં ચાલમાં રહેનારાઓને સંદેશો મળે છે : ‘આટલા હજાર આપો તો પાણી છાંટવાનું શરૂ કરીએ….’ શાળામાં કે કૉલેજમાં પ્રવેશ મેળવવો હોય, જન્મ કે મરણનું સર્ટિફિકેટ જોઈતું હોય તો પૈસા આપો. પૈસા આપો તો કામ થશે !

આપણો ભારતીય સમાજ આજે નૈતિક અધોગતિને માર્ગે ઝડપથી સરી રહ્યો છે. આજે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે સાચો પ્રામાણિક માણસ હાંસીને પાત્ર થાય છે અને અપરાધીઓ હસતે મોંએ મહાલે છે. આવું કેમ બની રહ્યું છે ? ક્યાંક જરૂર કશુંક ખોટું છે. આપણાં ચારિત્ર્યમાં – આપણાં વર્તનમાં શેની ઊણપ ઊભી થઈ છે ? આપણો દેશપ્રેમ – આપણી સામાજિક ભાવના – સમાજ પ્રત્યેનું આપણું કર્તવ્ય – એ બધામાં કેમ ઓટ આવી ગઈ છે ? ડૉ. અમૂલ શાહે એમના મનનીય પુસ્તક ‘જીવનનું તત્વજ્ઞાન આધુનિક દષ્ટિએ’માં ઈશ્વર, ધર્મ અને સમાજ વિશે વિશ્લેષણ કરતાં લખ્યું છે, ‘આપણો જૂનો ધર્મ ફૂલ્યો છે, ફાલ્યો છે, પણ સમાજજીવન, સમાજવ્યવસ્થા વકરતી જાય છે. સામાજિક સમસ્યાઓ ફૂલીફાલી છે. આપણા શાસનતંત્રની, અર્થતંત્રની, ન્યાયતંત્રની અને શિક્ષણતંત્રની ગેરવ્યવસ્થાની બરબાદી થઈ છે, અને આપણે નિઃસહાય બનીને જોઈ રહ્યાં છીએ.’ એમ જ કહોને કે આપણને રોગ લાગુ પડ્યો છે. આપણી રક્તવાહિનીઓ સંકોચાઈ ગઈ છે. ‘Fatty degeneration of conscience’ થી આપણે પીડાઈ રહ્યા છીએ. આપણે આજે એક ‘Nation of Resident Non Indians – R.N.I’ બની ગયા છીએ ! આપણું અંતઃકરણ સુષુપ્ત અવસ્થામાં પડ્યું છે. આપણે તો સલામત છીએ ને ! આપણે જીવી શકીએ છીએ ને ? આપણે માટે જ રોજ ને રોજ કેટલો સંઘર્ષ હોય છે ? આપણે રહ્યા સામાન્ય માણસ. આપણે શું કહી શકીએ ? બધાનું થશે તે આપણું થશે…. બીજાંની આપણે શું કામ ચિંતા કરવાની ?

આપણાં ચારિત્ર્યની કેટલીક લાક્ષણિકતાઓ છે : (1) ઉદાસીનતા, (2) પ્રારબ્ધવાદ અને (3) પ્રાયશ્ચિતનો ખ્યાલ…. મારું તો ચાલે ને ! મને લાગતું વળગતું ન હોય તો પછી મારે શા માટે માથાકૂટ કરવી ? આવું માનીને આપણે પરિસ્થિતિનો સામનો કરવાને બદલે એ પ્રત્યે ઉદાસીનતા સેવીએ છીએ. પ્રારબ્ધવાદ આપણને શીખવે છે કે નસીબ હશે તો જ થશે, અને થવાનું છે. આપણે કંઈ બદલી શકવાના નથી એટલે આપણે નિષ્ક્રિય બની જઈએ છીએ. આપણે માનીએ છીએ કે પ્રાયશ્ચિત કરવાથી પાપ ધોવાઈ જાય છે. તીર્થયાત્રા કરીશું કે ગંગાસ્નાન કરીશું એટલે બધાં પાપ ધોવાઈ જશે. ગંગામાં ડૂબકી મારો, પવિત્ર થાવ અને પાછાં પાપ કરવા શરૂ કરો ! પરિસ્થિતિ પ્રત્યેની ઉદાસીનતા ખતરનાક છે. કહેવાયું છે કે ‘The surest way for the triumph of evil is that good men do nothing.’ આ સ્વકેન્દ્રિયતા અને કૂપમંડૂકવૃત્તિ સમાજના જીવનમાં ખૂબ ઊંડે ઊંડે પ્રસરી ગઈ છે. આપણને ધૃતરાષ્ટ્રની માફક ‘મામકા’ સિવાય કોઈનો વિચાર કરવાની જરૂર નથી લાગતી. આજ સિવાય – આવતી કાલનો – દેશના ભાવિનો વિચાર કરવાની આપણને ફુરસદ નથી. આપણો જ ટૂંકો સ્વાર્થ સાધવામાં આપણે રચ્યાંપચ્યાં રહીએ છીએ. પૃથ્વી આકાશમાં છુટ્ટી દેખાય છે, પણ તે સૂર્યમાળામાં સંકળાયેલી છે, તેવી રીતે મનુષ્ય પણ સમાજ સાથે સંકળાયેલો છે. સમાજનું ઋણ આપણને ચૂકવવાનું છે તન-મન અને ધનથી. આપણો એ સમાજધર્મ છે – માનવધર્મ છે, એ વાત જ સાવ વિસરી ગયા છીએ. રાષ્ટ્રની પ્રગતિ અને સમાજનો ઉત્કર્ષ એ પ્રજાની એક – એક વ્યક્તિના અને પ્રયાસ અને પરિશ્રમનો કુલ સરવાળો છે. દેશનું ભાવિ થોડા રાજકર્તાઓના હાથમાં ઘડાતું નથી. પ્રજાએ સ્વપ્રયત્નથી એ ઘડવાનું હોય છે. નૃવંશશાસ્ત્રી માર્ગરેટ મીડે કહ્યું છે, ‘Never doubt that a small group of thoughtful committed citizens can change the world. Indeed, it is the only thing that ever has.’

વ્યક્તિગત સ્વાર્થ માટે, ક્ષુલ્લક લાભ માટે, થોડીક ધનપ્રાપ્તિ માટે આપણે સામાજિક હિતને નેવે મૂકીએ છીએ. કેટલી મોટી અને ગંભીર દુર્ઘટનાઓ દેશમાં સર્જાતી હોય છે, પણ આપણે એમાંથી ભાગ્યે જ કોઈ બોધપાઠ શીખીએ છીએ. દુર્ઘટનાઓ ભલેને એક પછી એક સામે આવે. આપણે તો એ જ રીતે શાહમૃગની માફક આંધીની સામે મોં છુપાવીને જીવતા રહીએ છીએ. આપણે જાણીએ છીએ કે તમામ પ્રદૂષણો પર્યાવરણને રોગગ્રસ્ત બનાવે છે. માનવીના આરોગ્ય માટે તંદુરસ્ત પર્યાવરણ આવશ્યક છે, પરંતુ એ પ્રત્યે આપણે ખૂબ બેદરકાર છીએ. આપણે નિઃસર્ગનું નિકંદન કરીએ છીએ. કુદરત વિરુદ્ધ જઈ આપણે ટકી નહિ શકીએ. વૃક્ષોનાં વન ભલે એકલે હાથે ઉગાડી ન શકીએ પરંતુ પાંચદસ વૃક્ષ તો જરૂર વાવી-ઉગાડી એનું જતન કરી શકીએ.

અનાજમાં અને ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરનાર સજાને પાત્ર છે, પણ ફરિયાદ કોણ કરે ? એવો સમય કોણ બગાડે ? કાયદા સરકાર કરે પણ એ કાયદાનું પાલન તો પ્રજાએ કરવાનું છે. પરંતુ કમભાગ્યે કાયદાઓ કેમ તોડવા – એમાંથી છટકબારી કેમ શોધવી એમાં આપણે ગૌરવ અનુભવતા હોઈએ છીએ ! આપણે ખોટું કૃત્ય – બીજાઓ પણ એમ જ કરે છે એમ કહી સાચું ઠેરવીએ છીએ. સમાજમાં નીતિમત્તાનો અને ઊર્ધ્વગામી જીવનમૂલ્યોનો હ્રાસ થયો છે એવી આપણે ફરિયાદ કરીએ છીએ, પણ માણસ ભ્રષ્ટાચારી કેમ બન્યો છે ? એના મૂળમાં મહત્વાકાંક્ષા અને પૈસાનો લોભ છે. દેખાદેખી, ચીજવસ્તુઓ લેવાનો મોહ છે. લાલચ માણસને ભ્રષ્ટાચાર તરફ લઈ જાય છે, અને પૈસાથી બધું જ ઢંકાઈ જાય છે માટે ભ્રષ્ટાચાર કે અનીતિ દ્વારા પૈસા મળે એટલે બસ એવું માનસ થઈ ગયું છે. એમાં આપણે આપણી સમતુલા ગુમાવી બેઠા છીએ. બધું જ ત્વરિત લાભદંડથી આપણે માપીએ છીએ. જીવનની સફળતાની વ્યાખ્યા જ આ બની ગઈ છે. બીજું આપણે ચારિત્ર્યની વ્યાખ્યાને – એના અર્થને વધુ વ્યાપક કરવાની જરૂર છે. આપણે ચારિત્ર્યને શારીરિક સ્ખલનો પૂરતું મર્યાદિત રાખ્યું છે. ચારિત્ર્યમાં પ્રામાણિકતા, નીતિ, સત્યનિષ્ઠા અને વફાદારી પણ સમાવિષ્ટ થવી જોઈએ. આપણે શિષ્ટ સામાજિક વિવેક અને સભ્યતાને કેમ ભૂલી શકીએ ? મારા ઘરનો કચરો બીજાના ઘરના આંગણામાં નાંખી ઘરને સ્વચ્છ કર્યાનો સંતોષ હું કેવી રીતે અનુભવી શકું ? મારી જવાબદારી માત્ર મારા ઘર પૂરતી જ નથી. મારું એકલાનું સુખચેન અને લાભ એ ટૂંકી દષ્ટિ છે, કારણ કે આ બધી બિનજવાબદારી – સંકુચિતતા અને સામાજિક અશિસ્ત – એ બધું એક દિવસ આપણા પોતાના પર જ પાછું ફેંકાવાનું છે એ ભૂલવા જેવું નથી.

તમને કદાચ મનમાં થતું હશે – બાળકથી માંડી વૃદ્ધ સુધી – આપણાં સૌમાં બીજાને મદદરૂપ થવાની ઈચ્છા હોય છે. આપણે ભૂખ્યાને ખાવાનું આપવું છે – વૃદ્ધોને સંભાળવા છે – બાળકોને શિક્ષણ આપવું છે. આ બધું કરવું છે, સમાજનું ઋણ ચૂકવવું છે, પણ આપણે કેવી રીતે કરી શકીએ ? એ માટે પુષ્કળ પૈસા જોઈએ, શક્તિ જોઈએ, આવડત જોઈએ. સમય જોઈએ. એ બધું આપણી પાસે ક્યાં છે ? એનો જવાબ આપણને એક સુંદર લોકકથા આપે છે. એ લોકકથા છે ‘સ્ટોન સૂપ’ – ‘પથ્થરનો સૂપ’.

એક માણસ કંઈ કેટલાયે સમયથી પ્રવાસે નીકળી પડ્યો હતો. લાંબો પ્રવાસ કરી એ ખૂબ થાકી ગયો હતો. એની પાસે ખાવા માટે કશું જ બચ્યું નહોતું. જેમ તેમ ચાલતાં ચાલતાં એ મોડી સાંજે એક નાનકડા ગામમાં પહોંચ્યો. એને થયું, આ ગામમાં કોઈક તો એવું હશે જે મને ખાવાનું આપે. ગામના પહેલા ઘર આગળ એ થોભ્યો અને ઘરનું બારણું ખખડાવ્યું. એક સ્ત્રીએ બારણું ખોલ્યું, ‘તમારી પાસે બટકો રોટલો હોય તો મને આપશો ? હું બહુ દૂરથી આવું છું અને ખૂબ ભૂખ્યો છું.’ પ્રવાસીએ કહ્યું.
‘માફ કરો, મારી પાસે તમને આપવા માટે કશું જ નથી.’ પેલી સ્ત્રીએ જવાબ આપ્યો અને ધડ દઈને બારણું બંધ કરી એ ઘરમાં ચાલી ગઈ. પ્રવાસીએ બાજુના ઘરનું બારણું ઠોક્યું. ત્યાં પણ એ જ જવાબ મળ્યો. એમ ને એમ એ કેટલે ઘેર ફરી વળ્યો. બધાંએ એને ખાલી હાથે ધકેલી દીધો. ત્યાં એને એક ગ્રામવાસી મળ્યો. એણે કહ્યું : ‘ભાઈ, મારી પાસે ખાવાનામાં તો કંઈ નથી. ઘરમાં થોડું પાણી છે. બસ !’
‘તમારો આભાર ! એ પાણીનો આપણે સૂપ બનાવીશું. આપણે ‘સ્ટોન સૂપ’ બનાવી શકીએ. પ્રવાસીએ સ્મિત કરતાં કહ્યું, ‘તમે સૂપ બનાવવા માટે એક વાસણ આપો.’ પછી પ્રવાસીએ થોડુંક બળતણ ભેગું કરી ચૂલો પેટાવ્યો અને એના પર પાણી ઊકળવા મૂક્યું. ત્યાંથી જતાં આવતાં લોકો એને પૂછવા લાગ્યા :
‘તમે શું કરો છો ?’
‘સૂપ બનાવું છું.’ પ્રવાસી કહ્યું, ‘તમે સૂપ બનાવવા લાગશો ?’ આતુરતાથી પ્રવાસીએ પૂછ્યું, ‘મારી પાસે એક ખાસ પથ્થર છે. એને પાણીમાં મૂકવો પડશે. એ જાદુઈ પથ્થર છે !’ એમ કહી પોતાના થેલામાંથી કપડામાં વિંટાળેલો પથ્થર બહાર કાઢ્યો. એની પાસે પથ્થર વર્ષોથી હતો. એણે એ જાદુઈ પથ્થરને વાસણમાં ઊકળતાં પાણીમાં મૂક્યો. ધીમે ધીમે લોકોમાં વાત ફેલાઈ કે એક અજાણ્યો પ્રવાસી પથ્થરનો સૂપ બનાવી રહ્યો છે ! લોકો તો એ જોવા માટે પ્રવાસી સૂપ બનાવતો હતો ત્યાં જવા લાગ્યા.

‘તમારા આ પથ્થરના સૂપનો સ્વાદ કેવો હશે ?’ એક માણસે પૂછ્યું, ‘એમાં જો થોડીક ડુંગળી નાંખીએ તો કેમ ? સૂપ વધારે સારો નહિ લાગે ?’
‘તમારી વાત ખરી છે.’ પ્રવાસીએ જવાબ આપ્યો.
‘મારી પાસે થોડીક ડુંગળી છે તે લઈ આવું.’ બીજાએ કહ્યું, ‘મારી પાસે ગાજર છે તે હું લઈ આવું.’
‘મારા વાડામાં બટાટાં થયાં છે તે હું લઈ આવું.’ એક પછી એક ગ્રામવાસી આમ કંઈ ને કંઈ લઈ આવ્યા, અને સૂપના વાસણમાં નાંખવા લાગ્યા. જે વાસણમાં પહેલાં થોડુંક પાણી અને પથ્થર જ હતાં, એમાં હવે શાકભાજી ભળતાં એમાંથી સ્વાદિષ્ટ સૂપ તૈયાર થયો અને આખા ગામના માણસોને એ સૂપ ખાવા મળ્યો ! બધાં લોકોએ ભેગાં મળીને સરસ સૂપ બનાવવાનો ચમત્કાર કર્યો હતો !

આ એક સુંદર પ્રેરક લોકકથા છે. એનું તાત્પર્ય એ છે કે જો આપણે દરેક થોડું થોડું પણ આપીએ તો આપણે એમાંથી આખી દુનિયાને ખવડાવી શકીએ ! આપણે જો મોકળા હૃદયે સાથે મળી કામ કરીશું તો જરૂર આશાસ્પદ ભાવિ સર્જી શકીશું. આપણાં બધાંની પાસે ‘સ્ટોન સૂપ’ના પ્રવાસીની માફક ચમત્કારી પથ્થર છે. સાદાસીધા કશુંક આપવાના નાનાં કાર્યમાંથી જ કશુંક મહાન નિર્માણ થાય છે. અમેરિકાની ગુલામી પ્રથા નાબૂદ કરવા માટે ગેરીસને ‘The Liberator’ છાપામાં સંદેશ આપ્યો હતો :

‘હું સત્ય જેટલો કઠોર અને ન્યાય જેટલો અટલ થઈશ.
હું ચલાવી નહિ લઉં
હું દ્વિઅર્થી વાત નહિ કરું
હું બહાનાં નહિ બતાવું,
હું એક તસુ પણ પાછો નહિ પડું.’

કેટલો સુંદર અને પ્રેરક છે આ સંદેશ….
આપણા જ દેશમાં એવી કેટલીય સામાજિક સંસ્થાઓ છે – ટ્રસ્ટ અને ફાઉન્ડેશન્સ છે, જેઓ જરૂરિયાતમંદ લોકો માટે સરસ કામ કરી રહ્યા છે. દેશને ખૂણેખાંચરે કેટલીય પરગજુ સેવાભાવી વ્યક્તિઓ છે, જેઓ પોતાનાં સુખ-સગવડ બધું જ છોડી નાનાં ગામડાઓમાં અને સાવ પછાત લોકોની સેવા માટે ધૂણી ધખાવી બેસી ગઈ છે. પરંતુ સમાજઓ એક વિશાળ વર્ગ છે, જેણે પોતાની ઉદાસીનતા ખંખેરી સક્રિય બનવાનું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “આપણે શું કરીએ ? – જયવતી કાજી”

Copy Protected by Chetan's WP-Copyprotect.