- ReadGujarati.com - http://www.readgujarati.com -

માનવજીવનનો સેતુ – નીલમ મહેતા

[ રીડગુજરાતીને આ સત્યઘટના મોકલવા બદલ નીલમબેનનો (કોલોરડો, અમેરિકા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ chutneypickle@gmail.com સરનામે સંપર્ક કરી શકો છો.]

[dc]હે[/dc]મા ઐય્યર – મારી મિત્ર. કપાળમાં નાની બિંદી કરતી, હાથમાં બંગડી પહેરતી, નાકમાં ચૂની પહેરતી પરંતુ હંમેશા જીન્સ અને ટી-શર્ટમાં જ સજ્જ હોય. હેમા સ્વભાવે ખૂબ પ્રેમાળ, ઓછું બોલે અને કાયમ હસતી જ હોય. અમેરિકાના કોલોરડો સ્ટેટના એક નાના શહેરમાં હેમા કોમ્પ્યુટર પ્રોગ્રામર છે. હેમાએ પોતાની સાથે જ કામ કરતા માઈકલ સાથે લગ્ન કર્યા છે. તેમને એક દીકરી પણ છે જેને અમે સૌ પ્રેમથી સ્વીટી કહીને બોલાવીએ છીએ.

હેમા એક રૂઢિચુસ્ત દક્ષિણ ભારતીય પરિવારમાં ઉછરી છે. મને યાદ છે જ્યારે તેણે માઈકલ સાથે લગ્ન કર્યા ત્યારે શરૂઆતના વર્ષોમાં તેના માતા-પિતા થોડા નારાજ થયા હતાં. આજે હેમા અને માઈકલ પોતાના જીવનમાં ખૂબ ખુશ છે. માઈકલનો બહોળો પરિવાર છે. નજીકના સગાવહાલાં ગણો તોય પ્રસંગોપાત આશરે 40 જેટલા સભ્યો તો થઈ જ જાય. તેના ઘરમાં હેમાનું ખૂબ માન છે. સાસુ-સસરા તો પોતાની દીકરી કરતાંય વધારે હેમાનું ધ્યાન રાખે છે. માઈકલના સગાવહાલામાં જેટલા છોકરાઓ છે તે બધાની માતાઓ એવું ઈચ્છે છે કે તેમના ઘરે પણ આવી સુશીલ વહુ આવે.

હેમાએ પોતાની સંસ્કૃતિ ખૂબ સારી રીતે જાળવી છે. જેવી રીતે તે માઈકલના પરિવાર સાથે ‘થેંક્સગિવિંગ’ અને ‘ક્રિસમસ’ની ઉજવણી કરવા પહોંચે છે તેવી જ રીતે પોતાના ઘેર બધાંને દિવાળી અને પોંગલ માટે બોલાવે છે. આશ્ચર્યની વાત એ છે કે માઈકલનાં પરિવારમાંથી એકાદ-બે સભ્ય ‘થેંક્સગિવિંગ’ કે ‘ક્રિસમસ’ ચૂકી જાય છે પણ હેમાની દિવાળી તથા પોંગલ વખતે અચૂક હાજર રહે છે. પ્રેમપૂર્વક બધા તેની સાથે જોડાય છે. દરેક રીત-રસમ અને પૂજાને અનુસરે છે. મંદિરમાં દર્શન કરવા પણ જાય છે અને આરતી બાદ વહેંચાતો પ્રસાદ લાઈનમાં ઊભા રહીને પ્રેમપૂર્વક સ્વીકારે છે. માત્ર એટલું જ નહિ, તેઓ કોઈ પણ સારા-માઠા પ્રસંગે હંમેશા હેમાની સાથે હોય છે.

જ્યારે જ્યારે હું હેમાને જોઉં છું કે તેના પરિવારના સભ્યોને મળું છું ત્યારે મને હંમેશા એક જ વિચાર આવે છે કે આ રૂઢિચુસ્ત પરિવારમાંથી આવનારી એક સીધી-સાદી છોકરીએ માઈકલના પરિવારના 40 જેટલા સભ્યોને કેવા પ્રેમપૂર્વક જોડી દીધાં છે ! દેશ, ભાષા, ધર્મ, સંસ્કૃતિ બધું જ જુદું હોવા છતાં તેઓ કેવી સરસ રીતે જોડાઈ ગયાં છે ! અને મને તો ખાત્રી છે કે પેઢીઓથી અહીંયા રહેતા અનેક ભારતીય પરિવારોમાં કંઈક આવું બન્યું હશે. કોઈક જગ્યાએ દીકરો અહીંની અમેરિકન દીકરી લાવ્યો હશે અથવા તો દીકરી અહીંના અમેરિકન દીકરાને પરણી હશે. વહુ થઈને આવનારી પણ કોઈકની દીકરી તો છે જ ને ? બદલાતા સમાજની સાથે આ દીકરીઓએ કેટલું બધું બદલ્યું છે. અહીંની કે ત્યાંની અથવા કોઈ પણ દેશ કે જાતિની અનેક દીકરીઓએ માનવસેતુ જોડવામાં અમૂલ્ય ફાળો આપ્યો છે. પૂ. મોરારિબાપુ એમની દરેક કથામાં કહે છે ને કે રામકથા એ માનવસેતુ છે. આ માનવસેતુને જોડવામાં દરેક દીકરીનો ફાળો અમૂલ્ય છે. એક દેશને બીજા દેશ સાથે તો તે જોડે જ છે પરંતુ તે સાથે માનવીને પણ માનવી સાથે જોડવાનું કામ દીકરીઓ કરે છે. તેઓ જ્યાં જાય છે ત્યાં માનવતાનું જાણે એક પ્રતીક રચે છે…. દીકરી સાચા અર્થમાં માનવજીવનનો સેતુ છે.