આત્મા-પરમાત્મા, જન્મ-પુનર્જન્મ – સં. હિરાલાલ વરિયા

[dc][‘વિ[/dc]ચારવલોણું પ્રકાશન’ દ્વારા એકાંતર મહિને ખૂબ સુંદર પુસ્તિકાઓનું પ્રકાશન કરવામાં આવે છે. ગત માસમાં એક આવા જ અનોખા વિષયને લઈને ‘આત્મા-પરમાત્મા, જન્મ-પુનર્જન્મ’ નામની પુસ્તિકા પ્રકાશિત કરવામાં આવી છે. ‘વિચારવલોણું’ પરિવારના સૌજન્યથી આ આખી પુસ્તિકા ડાઉનલોડ કરવા માટેની લીન્ક આ લેખના અંતે આપવામાં આવી છે.]

[1] આત્મા જેવું કોઈ જ તત્વ નથી. હોત તો તેને ક્યારનો જોઈ શકાયો હોત.
પ્રતિદલીલ : મનુષ્ય સિવાય બીજું કોઈ પ્રાણી, વનસ્પતિ કે નિર્જીવ વસ્તુ પોતાના સર્જન અને નાશ પછીની પરિસ્થિતિ વિશે વિચારી શકતાં નથી. યંત્રમાનવમાં ગમે તેટલી ઉચ્ચ કક્ષાની કૃત્રિમ બુદ્ધિશક્તિ (Artificial Intelligence) ભરી હોય, તો પણ તે કદી પોતાના અસ્તિત્વ કે વિસર્જનની શક્યતાઓ વિષે કલ્પના કરી શકશે નહિ. જો તે અંગે તેના સોફટવેરમાં કંઈ મૂકેલ હશે તો તેટલા અંશે તે તર્ક લડાવી શકશે, પણ તેથી આગળ નહિ. એટલે મનુષ્યમાં કંઈક એવું જન્મજાત મૂકવામાં આવ્યું હોવું જોઈએ કે જે તેને આવો વિચાર કરવા શક્તિમાન બનાવે. તે તત્વ ‘ભૂતાત્મા’ છે.

[2] શરીર સિવાય આત્માનું બીજે ક્યાંય નિવાસસ્થાન નથી. એટલે શરીરના મૃત્યુની સાથે આત્મા પણ નાશ પામે છે.
પ્રતિદલીલ : માણસના મૃત્યુ બાદ આત્મા એના સૂક્ષ્મ શરીર અને તેની સાથે આવરણરૂપે રહેલ કારણ શરીરમાં રહે છે. એટલે શરીરના નાશ સાથે આત્મા નાશ પામતો નથી.

[3] માતાના ઉદરમાં બાળકનો દેહ બંધાય છે, તો પછી આત્માનો પ્રવેશ તેમાં ક્યાર થાય છે ?
પ્રતિદલીલ : બહુધા વિદ્વાનોની માન્યતા પ્રમાણે જીવાત્મા માતાના ગર્ભમાં પાંચમા માસ બાદ પ્રવેશ કરે છે. ગર્ભોપનિષદમાં ‘જીવન’ (આત્મા) ગર્ભમાં સાતમા માસે પ્રવેશ કરે છે તેવો ઉલ્લેખ છે. તેથી જ આપણે સીમંતનો સંસ્કાર 7મા મહિને જીવાત્માને આવકારવા ઉજવીએ છીએ. જ્યારે મા આનંદમયીના મંતવ્ય પ્રમાણે જીવાત્મા ગર્ભધારણની પ્રક્રિયા પૂર્વે જ માનસિક રીતે માતાના દેહમાં પૂર્વજન્મના સંસ્કાર અને અનુભવો લઈને પ્રવેશ મેળવી લે છે.

[4] શરીરનું કોઈ એક અંગ (દાત. હાથ કે પગ) કપાઈ જાય તો શું આત્મા પણ તેટલો કપાઈ જતો હશે ? (જો હા, તો આત્માને છેદી શકાતો નથી તેમ કહેવામાં આવ્યું છે તે ખોટું સાબિત થાય)
પ્રતિદલીલ : આત્મા સ્થૂળ શરીરનો ભાગ નથી, એટલે સ્થૂળ શરીરને થતી ઈજાની અસર આત્માને થતી નથી, પરંતુ એમ માનવામાં આવે છે કે સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીરની પ્રતિકૃતિ હોઈ, સૂક્ષ્મ શરીરમાં સ્થૂળ શરીરનાં કપાયેલાં કે ઈજા પામેલા અંગ જેવી જ અસર થાય છે. ડૉ. સ્ટિવન્સનનાં સંશોધનો પ્રમાણે તો કેટલાક કિસ્સાઓમાં પુનર્જન્મ વખતેના શરીરમાં તે અંગ કપાયાની કે ઈજા પામ્યું હોવાની નિશાનીઓ જોવા મળે છે.

[5] મૃત્યુ પછી આત્મા તો બીજાના દેહમાં જતો રહે છે, તો પછી તેની શાંતિ માટે પૂજાપાઠ કરાવવાની શી જરૂર ?
પ્રતિદલીલ : મૃત્યુ પછી બીજા જન્મ પહેલાં જીવાત્મા સૂક્ષ્મ શરીર વડે સૂક્ષ્મ લોકમાં રહે છે. મૃત્યુ પછી તરત થોડા સમય (કોઈ આ સમય 12 દિવસનો ગણે છે.) માટે જીવાત્મા પોતાના જૂના શરીરને શું થયું તે ઝટ સમજી શકતો નથી અને તેની સાથે જોડાયેલ લાગણીઓ અને અતૃપ્ત ઈચ્છાઓને કારણે નવી પરિસ્થિતિને જલદી અનુકૂળ થઈ શકતો નથી. આ સંજોગોમાં તેનાં સગાસંબંધીઓ દ્વારા તે જીવાત્માની શાંતિ માટે કરવામાં આવતા પૂજાપાઠ તેને તેની વિહવળતા ઓછી કરવામાં મદદરૂપ થાય છે, તેવી માન્યતા છે. અલબત્ત, આ બાબતમાં કોઈ પુરાવાઓ નથી.

[6] આત્માનો મોક્ષ થઈ જાય કે તે નિર્વાણ પામે તો તે પુનર્જન્મ ધારણ કરવાની ઈશ્વરીય યોજનાઓમાં દખલગીરી થઈ ન કહેવાય ?
પ્રતિદલીલ : ના, કેમ કે મોક્ષ કે નિર્વાણ પામવું, એટલે કે પરમ શક્તિમાં તદ્રુપ થઈ જવું, એ જ તો આત્માનું આખરી લક્ષ્ય છે. જ્યાં સુધી તે આવી કક્ષાએ ન પહોંચે ત્યાં સુધી તેણે પુનર્જન્મો લઈને પોતાનું વધુ ને વધુ શુદ્ધીકરણ કરતા રહેવાનું છે. કોઈ મહાપુરુષ અવસાન પામે એટલે તેનો આત્મા મોક્ષ પામ્યો છે કે નિર્વાણ પામ્યો છે તેમ આપણે માની લઈએ છીએ તે, તે મહાપુરુષે આ દુનિયામાં માનવજાત માટે કરેલાં અદ્દભુત સત્કાર્યોને લીધે આપણા મનમાં તેને માટે જે અહોભાવ અને કૃતજ્ઞતાની લાગણી પેદા થાય છે તેના કારણે છે. વાસ્તવમાં તેના (અને દરેક મૃત વ્યક્તિના પણ) આત્માનું શું થાય છે, તે જાણવાનું આપણી પાસે કોઈ સાધન નથી.

[7] મનુષ્ય જ્યારે નિદ્રાધીન હોય ત્યારે શું એનો આત્મા પણ નિદ્રાધીન હોય છે ? બેહોશ અને એનેસ્થેટિક અસર વખતે આત્માની શી સ્થિતિ હોય છે ?
પ્રતિદલીલ : માણસ જ્યારે સંપૂર્ણ રીતે જાગૃત અવસ્થામાં હોય ત્યારે, સૂક્ષ્મ શરીર તેના સ્થૂળ શરીર સાથે જ રહે છે. પણ જ્યારે તે નિદ્રાધીન અવસ્થામાં હોય ત્યારે સૂક્ષ્મ શરીર તેના સ્થૂળ શરીરથી થોડું દૂર રહે છે. તે જ રીતે એનેસ્થેસિયાની અસર વખતે પણ તેનું સૂક્ષ્મ શરીર તેના સ્થૂળ શરીરથી અલગ રહેતું હોવાથી શરીર પર થતી વાઢકાપની અસરથી પીડાની લાગણી અનુભવાતી નથી. મેડિકલ સાયન્સમાં ‘એનેસ્થેસિયા અવેરનેસ’ નામની એક ટર્મિનોલોજી છે. જેમાં કોઈ કારણસર દર્દી સર્જરી વખતે એનેસ્થેસિયાની અસર નીચે સંપૂર્ણ બેભાનાવસ્થામાં હોય તો પણ ઓપરેશન કરનાર સર્જનોએ દર્દીની માનસિક સ્થિતિને વિપરીત અસર થાય તેવી વાતચીત અંદરોઅંદર ન કરવી જોઈએ, તેવી સલાહ મેડિકલ સાયન્સનાં પુસ્તકોમાં અપાય છે. તેનું એક કારણે એ છે કે, કેટલીક વખત દર્દી એનેસ્થેસિયાની અસર નીચે હોય તો પણ ‘એનેસ્થેસિયા અવેરનેસ’ નામની સ્થિતિમાં પોતાના વિષે થતી વાતચીત સાંભળી શકે છે. કેટલીક વાર તો પોતે ઓપરેશનની સંપૂર્ણ ક્રિયા નિહાળી હોવાનો પણ ઑપરેશન પશ્ચાત દર્દીએ દાવો કર્યો હોય તેવા કિસ્સાઓ પણ નોંધાયા છે. આ બધું સૂક્ષ્મ શરીર વાટે વ્યક્તિ જોઈ સાંભળી શકતો હોવાથી બનવા પામે છે. સૂક્ષ્મ શરીર સિલ્વર કોર્ડ નામે ઓળખાતા અદશ્ય તંતુ વડે સ્થૂળ શરીરથી દૂર જઈ પરત આવી શકે છે.

[8] જો મનુષ્ય-જન્મમાં દુઃખો જ દુઃખો હોય અને આખરી ઉદ્દેશ મોક્ષ મેળવવાનો જ હોય તો મનુષ્ય તરીકે જન્મવાની શી જરૂર રહે ?
પ્રતિદલીલ : વેદાંત ફિલોસોફી પ્રમાણે, મોક્ષ મેળવવા આત્માએ ઉચ્ચ કોટિની અવસ્થા પ્રાપ્ત કરવી પડે તેમ છે. પૂર્વજન્મોનાં કર્મો જો સારાં જ હોય તો મનુષ્ય કોટિથી ઉચ્ચ લોકમાં સ્થાન મળે છે અને જો કર્મો બૂરાં હોય તો મનુષ્ય કોટિમાં અવતાર લઈને પ્રાયશ્ચિત કરવાની કે સારાં કર્મો કરીને ફરી ઊર્ધ્વ ગતિ પ્રાપ્ત કરવાની જરૂર હોય છે. મનુષ્ય જન્મ સારાં કર્મો કરી તેનું સારું ફળ ઉપલી કોટિમાં ભોગવવા માટેની એક આદર્શ અવસ્થા છે (એને તાલીમશાળા ગણીએ તો પણ ચાલે). સાથોસાથ, બૂરાં કર્મોનાં પરિણામો ભોગવીને તેનો ક્ષય કરવા માટે તે એક જ વિકલ્પ છે. મનુષ્ય જીવનમાં દુઃખો જ હોય છે તેવું નથી. નરસિંહ મહેતાએ તો કહી પણ દીધું, ‘હરિનાં જન તો મુક્તિ ન માગે, માગે જનમોજનમ અવતાર રે.’

[9] કઈ સ્ત્રીના ગર્ભમાં પ્રવેશવું તેનો નિર્ણય સૂક્ષ્મ શરીર કેવી રીતે લેતું હશે ?
પ્રતિદલીલ : સૂક્ષ્મ શરીરનો જીવાત્મા પોતાના આગલા જન્મની અધૂરી રહી ગયેલ સારી કે નરસી ઈચ્છાઓ, જે માતાની કૂખે જન્મવાથી સારી રીતે પૂરી થઈ શકશે તેમ ધારતો હોય, તેવી માતાના ગર્ભને પસંદ કરે છે. પણ તે સહેલું નથી. કેમ કે, અનુકૂળ ગર્ભ માટે પણ ત્યાં હરીફાઈ હોય છે. (આટલા પૂરતી ત્યાં પણ લાઈન છે, પણ કોઈ ‘તત્કાલ સ્કીમ’, ‘વીઆઈપી ક્વોટા’ કે ‘એનઆરઆઈ સીટ’ નથી, કે ન તો કોઈ અનામત ક્વોટા છે.)

[10] કોઈના શરીરમાંથી જીવન માટે અનિવાર્ય એવું કોઈ અગત્યનું અંગ (vital organ) કાઢી લેવામાં આવે અને તે વ્યક્તિ મૃત્યુ પામે, પછી તે અંગ ફરી તેના શરીરમાં મૂકી દેવામાં આવે તો આત્મા તો શરીરમાં જ રહેલો હોઈ, વ્યક્તિ ફરી જીવિત કેમ નથી થતી ?
પ્રતિદલીલ : શરીરનાં અન્ય અંગોને કાર્યશીલ રાખવા માટે જરૂરી પુરવઠો, જેવો કે ઑક્સિજન, લોહી, ચેતાતંતુઓ મારફતે સંદેશાવ્યવહાર વગેરે પૂરાં પાડનારાં અંગો પૈકીનું કોઈ પણ અંગ કાઢી લેવામાં આવે તો તેનું કાર્ય અટકી જવાને પરિણામે શરીરને જીવંત રહેવાના કાર્યમાં વિઘ્ન ઊભું થાય છે. એટલે શરીરનું તે કાર્ય બંધ થવાથી તેની અસર તેની હડતાલથી તેનાં કાર્ય પર નભતાં બીજાં અંગોને પણ થાય તે સ્વાભાવિક છે. તેથી અન્ય અંગો પણ ધીરે ધીરે કામ કરતાં બંધ થઈ જાય છે. તે વખતે તેવાં અંગોના શરીર સાથેના જોડાણ રૂપ રક્તવાહિનીઓ અને ચેતાતંતુઓ (blood vessels & nerves) વિકૃત થઈ જવાથી ફરી પાછું તે અંગ યથાસ્થાને મૂકવામાં આવે તો પણ તે અંગ પુનઃ કામ કરતું નથી. આ શરીર ધર્મ છે. આવું જ્યારે બનવા પામે ત્યારે હવે આ શરીર પુનઃ જીવંત થવાનું નથી તે સમજી જઈ આત્મા પણ શરીરમાંથી વિદાય લે છે. એક ભાડાના મકાનમાં કોઈ વ્યક્તિ રહેતી હોય તો તે મકાનની સાચવણીની જવાબદારી તે મકાનના માલિકની છે. મકાનમાલિક તે મકાનની સમયસર કાળજી અને મરામત કરવામાં બેદરકાર રહે, અથવા તો તેના કાબૂ બહારના સંજોગો જેવા કે કુદરતી આપત્તિ (ભૂકંપ) વડે તે મકાન પડી જાય, તો પછી બિચારો આત્મા ત્યાં ખંડેરમાં થોડો બેસી રહે ? તે પણ બીજું મકાન શોધી લે તે દેખીતું છે. વાસ્તવમાં, શરીરને જીવંત રાખવા માટે જે કંઈ કરવું પડે તે કરવાની જવાબદારી બુદ્ધિ (મગજ) અને મનની છે. તેઓ જ્યારે સ્વેચ્છાએ કે મજબૂરીવશ શરીરને ટકાવવામાં નિષ્ફળ જાય ત્યારે આત્માએ તેને છોડવું પડે છે.

[ આ પુસ્તક અહીં ક્લિક કરીને PDF સ્વરૂપે ડાઉનલોડ કરી શકાય છે : Click Here ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

15 thoughts on “આત્મા-પરમાત્મા, જન્મ-પુનર્જન્મ – સં. હિરાલાલ વરિયા”

Copy Protected by Chetan's WP-Copyprotect.