બિલ્લોરી આંખો – ડો. નવીન વિભાકર

[‘અખંડ આનંદ’ સામાયિક જૂન-2012માંથી સાભાર.]

[dc]આ[/dc]જે સ્વાતિએ જિંદગીમાં નહોતો અનુભવ્યો તેટલો આનંદ બીજી વાર અનુભવ્યો. ખરેખર સાચું છે ? આ સમાચાર સંતોષ ને આનંદની ચરમસીમાના હતા. એક અઠવાડિયાથી તે રિપોર્ટની રાહ જોઈ રહી હતી. અમેરિકા આવ્યે ત્રણ વરસ થઈ ગયા હતાં. ધન, દોલત, બંગલો, ગાડી, ગુજરાતીમાં કહીએ તેમ વાડી વજીફા બધું જ હતું. સોહામણો પતિ પ્રોફેશનલ હતો. મિત્રવર્તુળ બહોળું હતું. આલાપનો સ્વભાવ ખૂબ મળતાવડો. તેણે તેને કશી કમી અનુભવવા નો’તી દીધી.

‘સોહામણો’ શબ્દ મનમાં કેમ ઊઠ્યો ?
સ્વાતિએ મનને ટપાર્યું, ‘કેમ ? જે માનવીનું દિલ-મન ખૂબ જ મોટું હોય, બધાને મદદ કરવા સદા તત્પર હોય, પોતાના કુટુંબને તો ઠીક પણ સ્વાતિના કુટુંબને પણ ખૂબ જ મદદ કરી હતી. એ ઉપરાંત બધા પેશન્ટ્સમાં પણ તે પ્રિય હતો. અમેરિકામાં ડૉક્ટરો એકદમ પ્રોફેશનલ ! પેશન્ટ્સ સાથે ઘરસંબંધ કદી ન રાખે. ભારતમાં તો પૅશન્ટ્ જ નહીં તેના કુટુંબ સાથે પણ ડૉક્ટરને એક ઘરોબો બંધાઈ જતો. એથી જ આલાપના સ્વભાવથી જ બધા પૅશન્ટ્સ તેની સાથે ઍપોઈન્ટમેન્ટ મેળવવા તડપતા. તો આવો આલાપ ‘સોહામણો’ જ હશે ને ! વળી પોતે ક્યાં મનની આંખોથી આલાપને નથી જોયો ?

‘ચાલ, આ સમાચાર, મુંબઈ માતાપિતાને આપું.’ કહી સ્વાતિએ ફોન ઉઠાવ્યો. નંબર દબાવતાં આંગળી અટકી ગઈ. આલાપને જણાવ્યા વગર બીજે પહેલાં સમાચાર આપવા ઠીક રહેશે ? ત્યાં બંગલાનું પ્રવેશદ્વાર ખૂલ્યું ને ગીત ગુનગુનાવતો આલાપ પ્રવેશ્યો. સ્વાતિના હાથમાં ફોન પકડેલો જોઈ, ત્યાં સોફા પાસે બેસી ગયો. સ્વાતિનો હાથ હાથમાં લઈ બોલ્યો,
‘સ્વાતિ ! તારી આંખોમાં આવી આનંદની ઝલક ? શું વાત છે ? તને ખબર છે, આભમાં જ્યારે નક્ષત્ર સ્વાતિ ચમકે તેમ તારી આંખો અત્યારે ચમકી રહી છે.’ સ્વાતિનું મોં થોડું ઝંખવાઈ ગયું, સાંભળીને ! પણ હાથમાંનો રિપોર્ટ તેણે આલાપને આપ્યો. વાંચીને આલાપ ઊછળી પડ્યો, ‘વન્ડરફૂલ સ્વાતિ !’ કહી સ્વાતિને ઊંચકી લીધી ને ગોળ ગોળ ચક્કર ફરવા લાગ્યો. સ્વાતિની બિલ્લોરી આંખોમાં તેના આ પ્યારને અનુભવી અશ્રુ છલકાઈ ગયાં. આલાપ તેને સોફામાં બેસાડી, તેની બાજુમાં બેસી ગયો.
‘સ્વાતિ !’ ને સ્વાતિ સામે જોઈ, તેનું આનંદમિશ્રિત પણ થોડું ઝંખવાઈ ગયેલું મોં જોઈ બોલ્યો, ‘કેમ ? શું થયું ?’
‘આલાપ !’ સ્વાતિનો સ્વર ધ્રૂજ્યો, રડું રડું થતાં બોલી, ‘ક્યાંક આપણા બાળકની આંખો….’ તેના મોં પર જાણે ડર લીંપાઈ ગયો હતો.
‘સ્વાતિ !’ સમજાવટભર્યા સ્વરે આલાપ બોલ્યો, ‘તારી આંખો આટલી સુંદર છે, તો આ ડર શું કામનો ? આનંદની આ ક્ષણોમાં એ ડર અસ્થાને નથી ? એટલે તો તારી આંખો પર એ ગીત રચી મેં તને સમર્પી નો’તું દીધું ?’ સ્નેહ નીતરતા સ્વરે તે બોલી રહ્યો, ‘તેરી આંખો કે સિવા, દુનિયામેં રખ્ખા ક્યા હૈ ?’ અને સ્વાતિની નજર સામેથી ત્રણ વર્ષનો પરદો સરી ગયો…..
****

મનસુખભાઈ અને જસુબહેન એકબીજાને જોઈ રહ્યાં. ફોન મૂકી મનસુખભાઈએ જસુબહેનને સમાચાર આપ્યા, ‘જસુ ! સ્વાતિને જોવા અમરભાઈ અને સુધાબહેન તેમના અમેરિકાથી આવેલા ડૉક્ટર પુત્ર આલાપને લઈ, સ્વાતિને જોવા આવવાના છે.’ જસુ બહેનના હાથમાંનો ચાનો કપ છલકાઈ ગયો. ‘હેં !’ આશ્ચર્યથી કહી તેઓએ કપ નીચે ટેબલ પર મૂક્યો.
‘હા, જસુ ! અમરભાઈ મને ગઈકાલે સી.સી.આઈ. કલબમાં મળેલા. વાતમાંથી વાત નીકળતાં તેમણે સ્વાતિના અભ્યાસ વિશે પૃચ્છા કરેલી.
‘મનુભાઈ ! તમારી સ્વાતિ શું ભણેલી છે ?’
‘અમરભાઈ ! સાયકોલોજીમાં પી.એચ.ડી. છે.’
‘ખૂબ સુંદર છે એવી વાતો સાંભળી છે. આટલો સુંદર અભ્યાસ કર્યો છે. ઉંમર શું હશે તેની ?’
‘પચ્ચીસ થયાં. પણ કેમ આમ પૃચ્છા કરી રહ્યા છો ?’ મનસુખભાઈ થોડા મૂંઝાયા…. વાત કહેવી કે નહીં તેની ગડમથલ તેના મનમાં થવા લાગી. ત્યાં બીજા મિત્ર આવતાં વાત અટકી ગઈ. આવેલા મિત્ર નલીનભાઈએ અમરભાઈને પૂછ્યું :
‘આલાપ આવી ગયો ?’
‘હા, નલીનભાઈ.’
‘ડૉક્ટર તો થઈ ગયો ને ? ભારત પાછો આવવાનો છે કે ત્યાં જ રહી જવાનો છે ?’
‘તે એક અમેરિકન ડૉક્ટરોના ગ્રૂપ સાથે જોડાયો છે…. ને પહેલા બે અઠવાડિયાં માટે તે આવ્યો છે.’ ત્યાં મનસુખભાઈને ઘરેથી ફોન આવતાં તેઓ ઊઠ્યા ને ગયા.
‘બે જ અઠવાડિયા માટે ? તમને બધાને મળવા આવતો હશે ખરું ને ?’
‘હા, કામ ચાલુ થતાં, પાછું નીકળાય નહીં ને ?’
‘પાછો જવાનો હોય તો તેનાં લગ્ન ક્યારે કરાવશો ?’
‘આવ્યો છે તો વાત કાઢીશ. તમારા ધ્યાનમાં કોઈ સારું સ્થળ હોય તો જણાવજો. ચાલો, જાઉં. આલાપ લેવા આવ્યો જ હશે.’

આલાપ સાથે કારમાં પોતાના મલબારહિલના બંગલે જતાં અમરભાઈ વિચારી રહ્યા, ‘મનસુખભાઈની દીકરી સ્વાતિએ સાયકોલોજીમાં પી.એચ.ડી. કર્યું છે. સુંદર છે. આલાપ ડૉક્ટર છે. બંનેની જોડી સારી રહેશે. વળી મનસુખભાઈ વગદાર પ્રતિષ્ઠિત આદમી. સોફટવેર કંપની ધીકતી ચાલે છે અને કાર મરીન ડ્રાઈવથી ચોપાટી પહોંચે તે પહેલાં અમરભાઈએ પૂછ્યું : ‘આલાપ ! એક વાત પૂછું ?’
‘પૂછો ને પપ્પા ?’ આલાપે ગીયર બદલતાં પ્રસન્નતાથી કહ્યું. ઘરે આવવાથી તેનો આનંદ અછતો નો’તો રહેતો.
‘મિત્ર તરીકે પૂછું કે પિતા તરીકે ?’
‘બંને રીતે પપ્પા, શું વાત છે ?’
‘બેટા ! તને બધી રીતે સ્વતંત્રતા આપી છે. પહેલાં મિત્ર તરીકે પૂછી લઉં, ત્યાં કોઈ ગર્લફ્રેન્ડ છે ? કોઈ પસંદ છે તને ત્યાં ?’ ખડખડાટ હસતાં આલાપ બોલ્યો, ‘પપ્પા ! અમેરિકામાં ડૉકટરી કરવી સહેલી નથી. એવો સમય જ મળ્યો નથી, તમે પૂછો છો એ સંદર્ભમાં કોઈ ગર્લફ્રેન્ડ નથી. પણ સ્ત્રીમિત્રો ને પુરુષ મિત્રો ઘણા છે.’
‘તો તું બે અઠવાડિયાં માટે જ આવ્યો છે તો પિતા તરીકે પૂછું હવે, અહીંથી લગ્ન કરી જવાનો વિચાર છે ?’
‘પપ્પા !’ આશ્ચર્યથી આલાપે અમરભાઈ તરફ જોયું, ‘બે અઠવાડિયામાં કોણ મળી શકે ? અને કોઈ જાતના પરિચય વગર કોણ તૈયાર થાય ? ને થાય તો હું તેને જાણી પણ કેટલું શકું ને ટૂંક સમયમાં બંને પક્ષે તૈયારીઓ પણ કેવી રીતે થાય ?’
‘એટલે કોઈ યોગ્ય પાત્ર મળે તો લગ્ન કરવાની ઈચ્છા તો ખરી ને ?’
‘પપ્પા ! ડૉક્ટર થઈ ગયો. કામ શરૂ કરવાનું છે તેથી ગૃહજીવન વસાવવા ઈચ્છા તો થાય.’
‘તો બેટા એક પાત્ર છે. તું મારા મિત્ર મનસુખભાઈને તો જાણે છે ને ? તેમની દીકરી સ્વાતિ નામ છે. સુંદર છે. સાયકોલોજીમાં પી.એચ.ડી. છે. કહે તો જોવા જઈએ.’

અને અમરભાઈનો ફોન આવતાં મનસુખભાઈ ને જસુબહેન આશ્ચર્યચકિત થઈ ગયાં. જસુબહેન બોલી પડ્યાં :
‘પણ, પણ સ્વાતિ વિશે તેમને કાંઈ જાણકારી ?’
‘આવવા માગે છે તો ના કેમ પાડું ? આવશે પછી સાચી હકીકત બતાવી દઈશું.’
‘ડૉક્ટર થયેલો છોકરો….’ જસુબહેન બોલતાં અટકી ગયાં. પણ સ્વાતિને શું કહેશું ?’
‘ચાલો ! તેને આપણે જ વાત કરીએ.’ બંને સ્વાતિના રૂમમાં આવ્યા. રૂમમાંથી વીણાના આછા સૂરો આવી રહ્યા હતા. બંને દરવાજામાં અટકી ગયા. સામે જ જમીન પર જાજમ પર બંને પગ ઊંધા રાખી, વીણાને ખોળામાં ગોઠવી, સ્વાતિ તેની કરાંગુલિઓથી વીણાના તાર ઝણઝણાવી રહી હતી. આંખો બંધ હતી. મન જાણે અંદર ઊતરી ગયું હતું ને ભીતરથી અજબ રાગિણી હાથો માટે વીણામાં ઊતરી રહી હતી. જાણે સાક્ષાત સરસ્વતીદેવી બેઠાં ન હોય ! અને પગરવ સાંભળતાં સ્વાતિની આંગળીઓ અટકી ગઈ.
‘કોણ છે ત્યાં ? પપ્પા-મમ્મી તમે જ છો ને ?’
‘હા, દીકરી ! હૃદયને સ્પર્શી જાય તેવી વીણા વગાડે છે તું. સાંભળીને જ એવું એક દર્દ હૈયામાં પ્રગટી ઊઠે છે.’
‘મમ્મી ! દર્દનો અહેસાસ તો મારા સિવાય વધુ કોણ અનુભવી શકે ?’ સ્વાતિનો સ્વર થોડો ધ્રૂજ્યો.
‘બેટા ! દરેક બાબતમાં આટલા લાગણીશીલ થવું ઠીક નહીં.’ કહેતાં મનસુખભાઈ ને જસુબહેન અંદર પ્રવેશ્યાં, ‘બેટા, થોડી જરૂરી વાત કરવી છે.’
‘બોલો ! કશા આનંદના સમાચાર છે ? તમારા સ્વરમાં મેં આનંદનો રણકો સાંભળ્યો.’
‘હા, બેટા ! તું મારા મિત્ર અમરભાઈને જાણે છે ને ? મલબારહિલ પર રહે છે તે ? તેઓનો ફોન હતો. તેમનો ડૉક્ટર દીકરો અમેરિકાથી આવ્યો છે. ગઈ કાલે સી.સી.આઈ. કલબમાં તારા વિશે પૃચ્છા કરતા હતા. આજે તેઓ તને જોવા આવવા માંગે છે.’ ને ખટાક કરતાં વીણાનો તાર તૂટી ગયો, ‘પપ્પા !’ સ્વાતિનો સ્વર ધ્રૂજી ઊઠ્યો, ‘આ શું કહો છો ? તેઓ ને તમે…’
‘બેટા ! એવી વાતો નો’તી નીકળી. તેઓ અમસ્તા તારા અભ્યાસ વિશે પૃચ્છા કરતા હતા ને અચાનક આજે ફોન આવ્યો. શું કહું ?’
‘પપ્પા ! ના જ કહેવાની હોય ને ? મારી જાતનો તમાશો હું બનાવવા નથી માગતી.’
‘બેટા ! આટલા ભાવુક થવાની જરૂર ખરી ? મારા મિત્ર છે. મળવા આવે છે. આવે ત્યારે તમે બંને જ વાતો કરી લે જો ને ? શું વાંધો છે ? નિર્ભર બધું તો તારા પર જ છે ને ?’
ફિક્કું હસી સ્વાતિ બોલી, ‘ભલે, આ પરીક્ષા પણ આપી દઉં.’ મનસુખભાઈ ને જસુબહેન રૂમમાંથી આંસુ ભરેલ આંખોથી બહાર નીકળ્યાં ને કૃષ્ણ મંદિર પાસે જઈ પ્રાર્થના કરી, ‘હે કૃષ્ણ ! સ્વાતિને આ પરીક્ષામાં જરૂર ઉત્તીર્ણ કરજે.’
****

અને આલાપનું કૃષ્ણમય અતિ સુંદર રૂપ જોઈ મનસુખભાઈ ને જસુબહેન મનમાં જ બોલી ઊઠ્યાં, ‘નિયતિ કેવા ખેલ ખેલે છે, માનવી સાથે ?’ બંનેની આંખો સહેજ ભીની થઈ. ભાવભર્યો આવકાર તેમણે આલાપ, અમરભાઈ ને સુધાબહેનને આપ્યો. બધાં દીવાનખંડમાં આવ્યાં. દાઈમા અંબામા નોકર સાથે ચા નાસ્તાની પ્લેટોની કાર્ટ લઈ આવ્યાં. ચાલુચીલા કન્યાને બદલે આ ફેરફાર સુધાબહેને નોંધ્યો. તેમની નજર બધે ફરી વળી. જસુબહેન સમજી ગયાં ને બોલ્યાં, ‘અંબા ! આલાપભાઈને સ્વાતિ પાસે લઈ જાઓ. સુધાબહેન તમે અહીં મારી પાસે બેસો ને અમરભાઈ, તમે મનસુખ પાસે.’ આ ફેરફાર પણ અમરભાઈને સુધાબહેનને અજબ લાગ્યો. અંબા આલાપને લઈ સ્વાતિના રૂમ તરફ ગઈ. બંને દષ્ટિથી ઓઝલ થતા, મનસુખભાઈ બોલ્યા, હાથ જોડીને,
‘અમરભાઈ, સી.સી.આઈ. કલબમાં આપણી વાતો અધૂરી રહી ગઈ હતી. એ માટે મને માફ કરજો. પણ મને લાગે છે તમને બંનેને સાચી હકીકત કહેવા ચોખવટ કરવી જરૂરી છે. ધીરજથી ને શાંતિથી સાંભળો.’ મનસુખભાઈનો સ્વર ને આંખો ભીની જોઈ, બંને નવાઈ પામી રહ્યાં, પણ આખી વાત સાંભળીને બંને સ્તબ્ધ થઈ ગયાં. રૂમમાં ચાર માણસો બેઠાં હતાં, પણ નીરવ શાંતિ છવાઈ ગઈ હતી. અમરભાઈ ને સુધાબહેને એકબીજા તરફ જોયું. બંનેનાં હૈયામાં ઊથલપાથલ મચી ગઈ.
****

આલાપને સ્વાતિના રૂમ પાસે લાવી અંબા પાછી ફરી ગઈ. સાડીના પાલવથી તેણે અશ્રુઓ લૂછી નાંખ્યાં.
અને આલાપના પગ ત્યાં દરવાજામાં જ થંભી ગયા. આટલું રૂપ ! જાણે સૌંદર્યની મૂર્તિમંત મૂર્તિ સામે શુભ્ર વસ્ત્રોમાં નીચે જાજમ પર બેઠી હતી. નિમીલિત નયનોથી મુખ ખોળામાં ગોઠવેલી વીણાને જાણે જોઈ રહ્યું હતું. આંગળીઓ વીણાના તાર પર ફરીને એક મીઠ્ઠો રણઝણાટ વાતાવરણમાં પ્રસર્યો ને આલાપના હૃદય સોંસરો ઊતરી ગયો. સ્વાતિનું ઘેરવાળું કમીઝ જાજમ પર પથરાયેલું હતું. ચૂડીદાર શુભ્ર સલવાર ચપોચપ કેળ જેવા પાતળા પગો પર શોભી રહી હતી. ખભે પડેલી લાલ રંગની ચૂંદડી, જાણે લક્ષ્મીજીએ પહેરી હોય તેવો આભાસ હતો. સ્વાતિની બાજુમાં પડેલા પુસ્તકમાંથી મોરપીંછ ડોકિયું કરી રહ્યું હતું. આલાપના હૃદયમાં જાણે રણકો ઊઠ્યો :
‘આ જ, બસ આ જ મારા માટે છે. મને સ્વીકારશે ?’
પગરવ સાંભળીને સ્વાતિએ વીણા એક બાજુ મૂકીને બોલી, ‘આવો.’
જાણે મંદિરમાંથી બધી જ ઘંટડીઓ મંજૂલ સ્વરે રણઝણી ઊઠી, ‘બેસો.’ સ્વાતિએ ખુરશી તરફ હાથ લંબાવ્યો.
‘તમને વાંધો ન હોય તો તમારી પાસે, બાજુમાં જાજમ પર બેસું ?’ સ્વાતિ કલ્પનાતીત આ સાંભળી રહી. અમેરિકા રિટર્ન ડૉક્ટરમાં આવી સભ્યતા ? તેના મનનો ડર ઓછો થવા લાગ્યો.
‘ભલે !’
‘તમે વીણા સુંદર વગાડો છો. મને પણ સંગીતનો થોડો થોડો શોખ છે.’
નિમીલિત આંખોની પલકો થોડી ઊઠી. કેવી નજાકત હતી એ ઝૂકેલી પલકોમાં ! ને હવે ઊઠેલી પલકોમાંથી બિલ્લોરી કાચ જેવી આંખો કેટલી સુંદર હતી ! એમાંય તેમાંથી લંબાતી કાજલની રેખા છેક કર્ણો સુધી પહોંચી જઈ, શું છાની વાત સંભળાવતી હશે ?’

જાણે આલાપના મનનો પડઘો સ્વાતિમાં પડ્યો, ‘આને કવિતાઓનો પણ શોખ હશે ?’
‘તમે તમારી બાજુમાં પડેલ પુસ્તક ‘કૃષ્ણરચના’ઓ વાંચી રહ્યાં છો ? અમે પણ કૃષ્ણભક્તિમાં ખૂબ માનીએ છીએ.’ અને સ્વાતિ બોલી ઊઠી :
‘આપણે આજે કેમ ભેગાં થયાં છીએ તે જાણો છો ?’
‘હા ! તમારી બિલ્લોરી કાચ જેવી સુંદર આંખોના ભાવ હું વાંચી શકું છું ને જાણી પણ શકું છું ને એ અનુભૂતિએ મને ભાવવિભોર કરી દીધો છે.’
‘જોવું છે આ પુસ્તક ?’ કહી સ્વાતિએ પુસ્તક આલાપ તરફ લંબાવ્યું. આલાપે લીધું ને મોરપીંછ હતું તે પાનું ખોલ્યું ને તે સ્તબ્ધ થઈ ગયો. થોડું મૌન ફેલાયેલું હતું તેથી સ્વાતિ સમજી ગઈ. પુસ્તક બ્રેઈલ લિપિમાં લખેલું છે.
‘તમે મારી આંખોને બિલ્લોરી કાચની ઉપમા આપી ને ? સાચું કહ્યું, હવે સમજ પડી ? હું આંધળી છું.’ એ સ્વરમાં રહેલું રૂદન આલાપને હચમચાવી ગયું. સ્વાતિની ભાવહીન આંખોમાંથી અશ્રુનું મોટા મોતી જેવું બુંદ ટપકીને જમીન પર પડે તે પહેલાં જ આલાપે હાથ લંબાવી પોતાની આંગળી પર ઝીલી લીધું. થોડો નજીક આવ્યો ને સ્વાતિની આંખો લૂછી, બીજા હાથથી હડપચી ઊંચી કરી, ભાવભર્યા સ્વરે બોલ્યો, ‘સ્વાતિ ! તમારી સુંદર આંખોથી હું જિતાઈ ગયો છું. સાંભળો,
‘તેરી આંખો કે સિવા દુનિયામેં રખ્ખા ક્યા હે….
યે કહીં સુબહ ચલે, યે કહીં શામ ઢલે,
મેરા મરના મેરા જીના ઈસી પલકોં કે તલે !….’
આ ગીત તમને સમર્પું છું. સ્વીકારશો ? હવે અચંબિત થવાનો વારો સ્વાતિનો આવ્યો. ધ્રૂજતા સ્વરે તે બોલી, ‘જાણવાં છતાં ?’
‘પહેલાં મને કહો, તમારી આંખો જન્મથી જ નથી ?’
‘ના. શીતળા થયા હતા ત્રણેક વર્ષની વયે. માતાજી લઈ ગયા મારી આંખો.’
‘બસ ! ચિંતા ન કરો. ધારો કે લગ્ન બાદ કંઈ અકસ્માત થયો હોત ને તમે આંખો ગુમાવી હોત તો હું તમને છોડી દેત ?’
‘પણ, આલાપ ! ત્યાં તમારે અમેરિકામાં, હું અંધ, તમારા મિત્રવર્તુળમાં, સમાજમાં તમે હાંસીપાત્ર ઠરશો.’
‘જુઓ, હું આંખનો ડૉક્ટર છું. તમે જન્મથી અંધ નથી તેથી જેનેટીક પ્રશ્નો નડવાના નથી. તમે શિક્ષિત છો. કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ વિશે તો જાણ્યું જ હશે ને ?’
‘ઓહ ! આલાપ !’ કહી સ્વાતિએ સ્નેહથી તેનો હાથ દબાવ્યો. જિંદગીમાં નો’તો અનુભવ્યો તેવો આનંદ સ્વાતિએ પહેલી વાર અનુભવ્યો. સ્વાતિના દિલની વીણના તાર પણ રણઝણી ઊઠ્યા….’
****

બસ આજે આ રિપોર્ટ વાંચી જેમ આનંદના તાર રણઝણી ઊઠ્યા હતા તેમ ! આજે પણ, એ જ ગીત આલાપ ગઈ રહ્યો હતો. બંને જ્યારે ગાયનેકોલોજિસ્ટ પાસે પહેલું ચેક અપ કરાવવા ગયાં ત્યારે ધડકતા દિલે સ્વાતિએ ડૉક્ટરને પૂછ્યું :
‘ડૉક્ટર ! એક સંશય મને ડરાવી રહ્યો છે !’
‘બોલો ! આ અવસ્થામાં કોઈ તણાવ મન પર રાખવો યોગ્ય નથી.’
‘ડૉક્ટર ! મારે નેત્રો નથી. તો મારું બાળક….’
‘અરે ! ડૉ. આલાપ, આજે બાર અઠવાડિયાં થઈ ગયાં, સોનોગ્રાફી કરીને ?! તમે જ તમારાં પત્નીને સમજાવો.’
‘સ્વાતિ !’ આલાપે સ્નેહથી સ્વાતિનો હાથ હાથમાં લઈ કહ્યું : ‘ડૉક્ટરના કહેવા મુજબ કોઈ ખામી નથી. ડોક્ટરે બધા ‘જેનેટીક’ ટેસ્ટ કરી લીધા છે. ક્યાંય કશી ખામી નથી.’
‘અરે ! ડૉક્ટર આલાપ ! સ્વાતિની આંખોનો રિપોર્ટ શું કહે છે ?’
‘હા, સ્વાતિ ! તારા આ સમાચારમાં એ રિપોર્ટ વિશે કહેવાનું તો ભૂલી ગયો. તારી બંને આંખોનું કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે તેમ છે. ડૉક્ટર ! પ્રેગનન્સીનાં બાર જ અઠવાડિયાં થયાં છે. પ્રસૂતિ પહેલાં આંખોનું ઓપરેશન થઈ શકે ?’
‘ચોક્કસ ! ડૉ. આલાપ !’

અને આજે, આજે પ્રસૂતિ પછી, પોતાના અંશને હાથમાં લઈ સ્વાતિ તેને જોઈ રહી. નાજુક નમણી, જુહીના ફૂલ જેવી કલીને નીરખી રહી. નામ પણ પાડ્યું ‘કલી’ ! આલાપ સ્વાતિની જેવી કલીની સુંદર આંખોને આનંદભર્યા ચહેરે જોઈ રહ્યો. આજે બીજી વાર જિંદગીમાં નો’તો અનુભવ્યો તેટલો આનંદ સ્વાતિ અનુભવી રહી.

Leave a Reply to Ankit shah Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

13 thoughts on “બિલ્લોરી આંખો – ડો. નવીન વિભાકર”

Copy Protected by Chetan's WP-Copyprotect.