આ તો ખરું કે’વાય ! – સંકલિત

[1] નોખા પુસ્તકનું અનોખું વિમોચન – અજ્ઞાત

‘પ્રિય પત્ની’…. જી હા, આ એક નોખું પુસ્તક છે. અત્યાર સુધી પિતા, માતા કે દીકરી વિશે ઘણું લખાયું છે, ઘણાં પુસ્તક પણ લખાયા છે. પરંતુ પત્ની વિશે લખવાનું ભાગ્યે જ કોઈએ સાહસ કર્યું છે. કારણ કદાચ એ હોય કે આપણા સમાજમાં દામ્પત્ય જીવનની વાતોનું સ્થાન અંગત ગણાય છે, એટલે મોટાભાગે પત્ની કે પતિ વિશે જાહેરમાં લખવાની કોઈ ઓછી હિંમત કરે. લેખક પ્રદીપ ત્રિવેદી દ્વારા સંપાદિત અને સાહિત્ય સંગમ (સુરત) દ્વારા પ્રકાશિત પુસ્તક ‘પ્રિય પત્ની’માં કેટલાક ખ્યાતનામ મહાનુભાવોએ આવી હિંમત દાખવી છે. આ પુસ્તકનંં ગુજરાત સાહિત્ય પરિષદ, અમદાવાદ ખાતે તાજેતરમાં જ વિમોચન કરવામાં આવ્યું હતું, જેમાં આ મહાનુભાવોના જીવનમાં બનેલા ખટમીઠા પ્રસંગોનો ખજાનો છે. આ નોખા પુસ્તકની અનોખી વાત એ છે કે તેનું વિમોચન સાત સન્નારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમના વિશે તેમના પતિદેવોએ આ પુસ્તકમાં લેખ લખ્યા છે. બીજી ખાસ વાત એ હતી કે, વિમોચન કરવા માટેના પુસ્તકને ચમકતા રેપરમાં વીંટવાને બદલે મોગરાની વેણીથી લપેટીને સજાવવામાં આવ્યું હતું. હજુ એક વિશેષ વાત…. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ પતિઓને તેમની પત્નીઓના હસ્તે મોગરાનો છોડ આપવામાં આવ્યો હતો, એ આશય સાથે કે, મોગરાની ખુશ્બુની જેમ તેમનું દામ્પત્ય જીવન સદા મહેકતું રહે…. છે ને અનોખી વાત ! (‘ફીલિંગ્સ’ સામાયિકમાંથી સાભાર.)
.

[2] મરને કે લિયે કુછ ભી કરેગા – ઈશિતા

અમુક પ્રદૂષણની જેમ કેટલાંક પ્રદૂષણ પણ ઘણાને અકળાવનારાં હોય છે. ઉદાહરણ તરીકે, સિગારેટ ફૂંકવાની, તમાકુ કે ગુટકા ફાંકવાની લત…. આવી નુકશાનકારક આદતોથી ભયભીત થઈ ગયેલા ચેન્નઈના એક વાચકમિત્ર સુરેશ શાહે થોડા સમય પહેલાં ઈશિતાને એક જાહેરાત મોકલી છે. એમાંની વાત તો આમ જાણીતી છે, પરંતુ એની રજૂઆત સિગારેટ-તમાકુ-ગુટકાના બંધાણીને વિચારતાં કરી મૂકે એવી છે. તમે પણ વાંચો…

આનંદો…. આનંદો…. સુવર્ણ અવસર…..
ધૂમ્રપાન તથા તમાકુના બંધાણીઓ માટે એક અનોખી સ્પર્ધા.
પહેલું ઈનામ : મોત
બીજું ઈનામ : ફેફસાનું કૅન્સર
ત્રીજું ઈનામ : અસ્થમા
ત્રણ આશ્વાસન ઈનામ : અંધત્વ, નપુંસક્તા, લકવાની અસર.
સ્પર્ધા માટે પ્રવેશપત્ર પ્રાપ્ત કરવાનું સ્થળ : પાનની દુકાન.
ઈનામો અર્પણ થશે આદરણીય શ્રી યમરાજ મહારાજના હસ્તે
સ્થળ : સ્થાનિક સ્મશાનગૃહ
આવો, પધારો…..
આ સ્પર્ધામાં ભાગ લો અને દુનિયાની નાની-મોટી તમામ તકલીફોમાંથી તુરંત છુટકારો મેળવો !
સ્પર્ધાયોજક : રા.રા. શ્રી યમરાજ, મોતનિકેતન, નર્ક.
(‘ચિત્રલેખા’ સામાયિકમાંથી સાભાર.)
.

[3] ચોપડા પાછળ ધુમાડો કરાય ? – યશવન્ત મહેતા

પુસ્તકો પ્રત્યેના ભિન્ન ભિન્ન વ્યક્તિઓના અભિગમ વિશે મિત્રો જણાવતા રહે છે. ભાઈ મુનિકુમાર પંડ્યાએ જૂનાગઢના પોતાના પડોશી એક વ્યવસાયીની વાત જણાવી. સમાજમાં જેમ જેમ ટાપટીપનો મહિમા વધતો જાય તેમ જેમની આવક વધતી જાય એવા એક વ્યવસાયમાં પ્રવૃત્ત એ સજ્જન વારે-તહેવારે ખૂબ ગાણાં, વાજાં, ધૂમધડાકા કરે. આ દિવાળીએ તો દરરોજ એમણે હજાર કે બે હજાર રૂપિયાનાં દારૂખાનાં ફોડ્યાં. કલાકો સુધી સમગ્ર પાડોશને ગજાવ્યો અને ધુમાડાથી પજવ્યો. બેસતે વરસે મુનિકુમારને ઘેર સગાં-સંબંધીઓ મળવા આવ્યાં. એમાં પોતાની કૉલેજના વાણિજ્ય વિભાગના એકાઉન્ટન્સીના પ્રાધ્યાપક પણ હતા.

એ પ્રાધ્યાપક મળીને, મોં મીઠું કરીને ગયા ત્યાં જ પેલા પાડોશી ધસી આવ્યા. કહેવા લાગ્યા,
‘હમણાં મળવા આવ્યા હતા તે ઍકાઉન્ટન્સીના પ્રોફેસર હતા ને ? મારો છોકરો કહે છે કે એ જ હતા.’
મુનિકુમારે સ્વીકાર્યું, ‘હા, એ જ હતા.’
‘સાહેબ, મારો છોકરો અને છોકરી કૉમર્સમાં ભણે છે. તમારા આ દોસ્તને જરાક ભલામણ કરો ને. એમને નમૂના તરીકે મળતા ચોપડા અમારા છોકરાને આપે.’
‘કેમ ? એવું શા માટે ?’
‘સાહેબ, એમ ચોપડા મળી જાય તો સારું ને ! નકામો ચોપડા પાછળ પૈસાનો ધુમાડો ક્યાં કરવો !’
(‘ઉદ્દેશ’ સામાયિકમાંથી સાભાર.)
.

[4] ઑફિસ પોલિટિક્સની શરૂઆત કેવી રીતે થાય છે ? – મૃગેશ શાહ

આપણું શિક્ષણતંત્ર ભ્રષ્ટાચારમાં પ્રથમ ક્રમાંકે પાસ થાય તેવું છે, એ વાત સર્વવિદિત છે. કૉલેજની ડિગ્રીઓ ભાગ્યના દરવાજા ખોલી નાખશે એવા ભ્રમમાં રહેવા જેવું નથી. અઘરામાં અઘરા ઑપન ટેસ્ટ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઊંચા માર્ક મેળવનારો યુવાન પણ થોડું જોખમ લઈને પોતાનો નાનકડો બિઝનેસ શરૂ નથી કરી શકતો. માત્ર એટલું જ નહિ, નોકરીમાં જોડાયા પછી પણ સામાન્ય જ્ઞાનનો અભાવ તેને સતત નડતો રહે છે. આ બાબત અંગે એક રસપ્રદ વાત હમણાં એક વાચકમિત્ર પાસે જાણવા મળી. ઘણી બધી ઑફિસોમાં વિવિધ પ્રકારનું રાજકારણ આજકાલ રમાતું હોય છે ! આની શરૂઆત કેવી રીતે થાય છે ?

કૉલેજમાં પ્રવેશ મેળવનાર યુવાન બે પ્રકારના હોય છે. એક તો જેને પુષ્કળ મહેનત કરીને ઊંચું પરિણામ મેળવવું છે અને કારકિર્દી બનાવવી છે. આ પ્રકારના યુવાનો પોતાના કામની જ મતલબ રાખે છે. સખત મહેનત કરે છે. પરિણામ પણ સારું લાવે છે. પરંતુ દુર્ભાગ્યે આ લોકો માત્ર માર્ક્સને જ જીવનનો આધાર ગણીને જીવતા હોય છે. જ્યારે નોકરીમાં કામ કરવાનું આવે છે ત્યારે ત્યાં કોઠાસૂઝની જરૂર પડે છે. ગોખેલું-પુસ્તકિયું જ્ઞાન કેવી રીતે કામ આવી શકે ? ગણિતના દાખલા ગણવાની રીતે ટેક્સ રિટર્ન ફાઈલ થતા નથી. ચોપડીમાં રાગના શબ્દો લખ્યા હોય એનાથી કંઈ સંગીત આવડી જતું નથી અને એ જ રીતે સ્વીમિંગના બધા પાઠો ગોખી નાખવાથી તરવામાં ચેમ્પિયન બની શકાતું નથી. માત્ર ટકાને જ આધારે કોઈ પ્રતિભા નક્કી થઈ શકતી નથી. હવે બીજા પ્રકારના જે યુવાનો કૉલેજમાં આવે છે તે છે મનમોજીલા ! એમને માટે કેમ્પસ એ જ કૉલેજ છે અને ગાર્ડન એ જ ક્લાસરૂમ છે. કૉલેજલાઈફ એન્જોય ન કરી તો જિંદગીમાં કર્યું શું ? – એવો એમનો જીવનમંત્ર છે. ‘જલસા’ એ એમનો પ્રિય શબ્દ છે ! એ લોકો પણ ગમે તે કરીને પાસ થઈ જાય છે અને જોઈતું પરિણામ લાવી દે છે. પરંતુ નોકરીમાં જોડાયા બાદ આ લોકોને કંઈ આવડતું તો હોય નહિ ! એથી એ લોકો શોર્ટકટ અપનાવે છે અને ઉચ્ચ અધિકારીઓ અથવા પોતાની ટીમના લિડર કે પછી અન્ય આસપાસના પરિચિતોની ખુશામત કરવા લાગે છે. એમાં હાસ્યથી લઈને કિંમતી ભેટ સુધીના અનેક શસ્ત્રોનો ઉપયોગ થાય છે અને આ રીતે તેઓ ઑફિસ પોલિટિક્સની શરૂઆત કરે છે. જેમનું નામ વધુ બોલાતું હોય કે ચર્ચામાં હોય, તેઓ હંમેશા ઓછું કામ કરતા હોય છે ! સાચા માણસનું તો કામ જ બોલે છે.

ઈશાવાસ્ય ઉપનિષદનો એક મંત્ર છે કે ‘જેઓ નથી જાણતા તેઓ અંધકારમાં પડે છે, જેઓ જાણે છે તેઓ તો એનાથી મોટા ગહન અંધકારમાં પડે છે.’ કંઈક એવી આ વાત છે ! ગોખી-ગોખીને ટકા લાવનારની પણ જરૂર નથી અને કૉલેજને ટાઈમપાસ સમજનારની પણ જરૂર નથી. દેશને જરૂર છે પ્રતિબદ્ધતાથી કામ કરનાર ત્રીજા પ્રકારના લોકોની કે જેઓ જ્યાં જાય ત્યાં પોતાની આગવી ઓળખ ઊભી કરી શકે.
.
[5] બાળ દેવો ભવ ! – દક્ષા વાય. રાણા

મને બહાર ફરવાનો શોખ ઓછો છે. પરંતુ ગમતી પ્રવૃત્તિ માટે બહાર જવાનું હોય તો એ તક ઝડપી લેવામાં મને આનંદ પ્રાપ્ત થાય છે. આવી જ એક તક મને બાળકો સાથે આજવા ફનવર્લ્ડમાં જવાની મળી. મારે પૂર્વપ્રાથમિક વિભાગના બાળકો સાથે પ્રવાસનો આનંદ માણવાનો હતો. એટલે સ્વાભાવિક છે કે, તેઓ સતત હૂંફ, પ્રેમ તથા માતૃત્વ ઝંખતા હોય. માત્ર બાળકોને જ ડર લાગે અને આપણે તેઓને હૂંફ અને નિર્ભયતા પ્રદાન કરીએ છીએ તેવું દરેક વખતે સાચું નથી. ખરેખર મને ટોરા-ટોરા અને કોલંબસની રાઈડ્સમાં બેસવામાં ખૂબ ભય લાગતો હતો. મારે તો શિક્ષિકાની જવાબદારી નિભાવવાની હતી. એટલે મારે તો તમામ રાઈડ્સમાં બેસવું ફરજિયાત હતું પછી ભલેને મને ખૂબ ડર લાગતો હોય. મારે તો બાળકોને હિંમત આપવાની હતી !

મને કોલંબસ રાઈડમાં બેસવાની ભયંકર બીક લાગતી હતી. મારી તેમાં બેસવાની સહેજ પણ ઈચ્છા નહોતી. પરંતુ મારાથી તો ના પાડી શકાય તેવી સ્થિતિ નહોતી ! હું ગભરાતી ગભરાતી કોલંબસ રાઈડ્સમાં બેઠી. બાળકો મને ઘેરી વળ્યા. રાઈડ્સ જેવી ઉપર જાય કે મારી સાડી, હાથ કે પગ જોરથી પકડી લે અને મારી બાથમાં સમાઈ જાય. હું તેમને મારા બે હાથથી જેટલા ચુસ્ત રીતે પકડી શકાય તેમ પકડી રાખું. બાળકોને લાગે કે હું તેમને સાચવું છું પરંતુ સાચી વાત તો એ હતી કે બાળકો મને સાચવતા હતા ! હું તેમને બાથમાં લેતી ત્યારે તેઓ મને હિંમત આપતા હોય તેવો અનુભવ થતો. મારી બીક દૂર કરવા માટે હું તેમને વીંટળાઈ વળતી. તેઓ મને સાચવતા હોય તેવું મેં અનુભવ્યું. સાચી વાત તો એ કે હું આ રાઈડ્સનો આનંદ એટલા માટે માણી શકી કે બાળકો એ મને ભયરહીત કરી હિંમત આપી – મનોમન તેઓ કહી રહ્યા હતા, ‘ટીચર, અમે બીતા નથી પછી તમે કેમ ગભરાવ છો ?’ કેટલીકવાર બાળકો આપણને હિંમત આપતા હોય છે.

આ પ્રવાસ મને એક અનોખો અને આગવો અનુભવ આપી ગયો. મનોમન બોલી ઉઠી, ‘બાળ દેવો ભવ !’ (‘બાલમૂર્તિ’ સામાયિકમાંથી સાભાર.)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “આ તો ખરું કે’વાય ! – સંકલિત”

Copy Protected by Chetan's WP-Copyprotect.