વાત એક સખા અને સખીની – હરિશ્ચંદ્ર

[‘વીણેલાં ફૂલ’ પુસ્તકમાંથી સાભાર.]

[dc]‘જી[/dc]વન વિશે તમારી શી કલ્પના છે ?’
-ફરી એક મુલાકાત. લગભગ એના એ રેડીમેડ સવાલો અને શરમાતાં-શરમાતાં એના એ જવાબો !
‘મારી શી કલ્પના હોય ?’
‘કેમ ન હોય ? તમે કમાવ છો, નોકરી કરો છો, ગ્રેજ્યુએટ થયાં છો અને આ તો સમાનતાનો જમાનો છે.’
‘ગ્રેજ્યુએટ તો આજકાલ ઘેર ઘેર છે.’
‘એ જ તો મારે નથી જોઈતું. સુશિક્ષિત પત્ની કેવળ ઘરની શોભા પૂરતી નથી. લગ્ન પછી પતિ પત્ની બંનેનું સ્વતંત્ર આગવું વ્યક્તિત્વ જળવાવું જોઈએ. મારે પત્ની નહીં, સખી જોઈએ છે.’

બેલાને સારું-સારું લાગતું. જો કે ઝટ ગળે નહોતું ઊતરતું. ક્યાંથી ઊતરે ? સમજણી થઈ ત્યારથી ઘરમાં એણે બાપનું મા ઉપરનું ધણીપણું જ કાયમ જોયું હતું. આવા વાતાવરણમાં ઊછરેલી એટલે ઝટ ગળે ક્યાંથી ઊતરે ? લગ્ન પછી વરસેક તો સપનામાં ગયું. ક્યારેક ક્યારેક બેલાને વિનુનું વર્તન ખૂંચતું’તું, પણ સપનામાં એ બધું ક્યાંય ભુલાઈ જતું. પછી ઉપરાઉપરી બે બાળકો થયાં. બેલા ઘરમાં વધુ ને વધુ કેદ થતી ગઈ. વિનુ ધંધા-રોજગારમાં વધુ ને વધુ વ્યસ્ત થતો ગયો.
****

‘ફરી મને પાર્ટીમાં ન લઈ જશો.’
‘કેમ ? સહુ પોતપોતાની પત્નીને લાવે છે. પાર્ટીમાં એકલા જવાનો રિવાજ નથી.’
‘હું સાવ બાઘી ઠરું છું. ઑફિસની કોઈ વાત હવે તમે નથી કરતા, શશિનાં લગ્ન થયાં તે હું નહોતી જાણતી. તમે નવી ફેકટરી ખોલવાના છો તેની મને ખબર નહોતી…..’
‘આમ બાળકવેડા ન કર. ઑફિસની બધી વાતો મારે તને કહેવાની ?’
‘પહેલાં તો કરતા હતા.’
‘ત્યારે તુંય સાંભળવા નવરી હતી. આજે તો તું તારાં છોકરાંવમાં એવી….!’
‘શું મારાં છોકરાં ?’
‘ના, બાબા ! આપણાં છોકરાં….. પણ બેલુ, જો ને ! ધંધાધાપાના કેટકેટલા પ્રોબ્લેમ્સ ?’
‘મને કહેવાથી એની તાણ ઓછી ન થાય ?’
‘બેલુ, તને એમાં શી સમજણ પડે ?’

બેલા એકદમ ચમકી ગઈ. શું આ વિનુ જ બોલે છે કે બાપુ માને સંભળાવે છે ? બાપુની ઑફિસનું નામ-ઠેકાણું, તે સિવાય માને કશી જ ખબર નહોતી. બહુ-બહુ તો ટેલિફોન નંબર. તો પછી મા અને પોતાનામાં શો ફરક ? આવું કાંઈક ને કાંઈક બનતું ચાલ્યું. વિનુ કહેતો, ‘હમણાં હમણાં તું બહુ મૂડી થઈ ગઈ છે. ચાર દિવસ પિયર જઈ આવ.’ આથી બેલાને ઓછું આવતું. એ તો પેલા સપનાનું સખ્ય ઝંખતી હતી. થોડા દિવસ એણે કહ્યું : ‘હવે હું સર્વિસ કરીશ. છોકરાં છોકરાંવમાં, તમે તમારામાં, હું એકલી ભૂતની જેમ ઘરમાં.’
‘સર્વિસની શી જરૂર છે ? કલબમાં જા. હર-ફર, ગાડી-ડ્રાઈવર આપવાની મેં ક્યારેય ના પાડી છે ?’
‘તમે શું કામ ના પાડો ? પણ મને જ ગમતું નથી. આ બધા વચ્ચે મને ગૂંગળામણ થાય છે.’
‘બધું જ કાલ્પનિક દુઃખ તારું.’

પરંતુ છોકરાંવને નિશાળેથી આવે ત્યારે નવો-નવો નાસ્તો દેનારી મમ્મીની જરૂર હતી અને વિનુને ઑફિસેથી પોતાના આવવાની વાટ જોનારી પત્નીની. વળી, પત્ની ક્યાં, શું કરે છે, તેના સહકારી કોણ, અધિકારી કોણ એ બધું જ ધણીએ જાણવું જોઈએ ને ! પોતે ઘેરઆવે ત્યારે પત્ની ઘર બહાર હોય એ વિનુને મંજૂર નહોતું. એટલે એક દિવસ એણે કહ્યું : ‘હવે તારે ઈન્ટરવ્યૂ આપવા જવાની જરૂર નથી. હવે તો મારી બેલા બીજાનો ઈન્ટરવ્યૂ લેશે. હું નવી ઑફિસ ખોલું છું – બેલા ઍન્ટરપ્રાઈઝ. તું એના ચાર્જમાં.’
બેલા અવાક થઈ ગઈ.
માંડ-માંડ બોલી, ‘પણ મને તેમાં શું સમજાશે ?’
‘તારે સમજવાની કાંઈ જરૂર નથી. હું છું ને ! ઉપરાંત બેચાર મદદનીશ હશે. તારે માત્ર હું કહું ત્યાં સહી કરી દેવાની. રોજ કલાકેક ઑફિસે આવશે તો ચાલશે. અને તેમ ન ફાવે તો હું રોજ કાગળો ઘેર લેતો આવીશ. બોલ, કેવી છે આ યોજના ? હવે તો ખુશ ને ?’ બેલા પરાણે હસી. જતાં-જતાં દરવાજામાં ઊભો-ઊભો વિનુ બોલ્યો, ‘તારા બા-બાપુને તાર કરી દેજે. એમની દીકરીની ઑફિસના ઉદ્દઘાટનમાં હાજર રહેતાં એમને ખૂબ આનંદ થશે.’

વિનુ આખું બારણું રોકી ઊભો હતો. બહાર-બહારની દુનિયા. અંદર પોતે. વચ્ચે વિનુ. તેને અંદર આવવાનું બંધન નહોતું. પોતાને બહાર જવાની પરવાનગી નહોતી. બેલા મનોમન બબડી : ‘બા-બાપુને બોલાવતી નહીં. એમને બતાવવા માટે એમના દાંપત્ય કરતાં જુદું કાંઈ છે તારી પાસે ?’

(શ્રી મંગલા ગોડબોલેની મરાઠી વાર્તાને આધારે.)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

13 thoughts on “વાત એક સખા અને સખીની – હરિશ્ચંદ્ર”

Copy Protected by Chetan's WP-Copyprotect.