[1] પાલકના પરોઠા (આઠ થી દશ નંગ)
સામગ્રી :
1 કપ પાલકની ભાજી
1 ટી સ્પૂન વાટેલાં આદુ-મરચાં
2 કપ ઘઉંનો લોટ
1 ડુંગળી
4 ટેબલ સ્પૂન ઝીણી સમારેલી કોથમીર
તેલ પ્રમાણસર
મીઠું પ્રમાણસર
બનાવવાની રીત :
સૌપ્રથમ પાલકની ભાજીને સમારીને 2 મિનિટ બાફો. ડુંગળીને બારીક સમારી જરા તેલ મૂકી સાંતળી લો. હવે, ઘઉંના લોટમાં બાફેલી ભાજી, ડુંગળી, આદુ, મરચાં, કોથમીર, મરચું, મીઠું, 1 ટેબલ સ્પૂન તેલ નાખી પરોઠાનો લોટ બાંધવો. લોટ બાફેલી ભાજીના પાણીથી બાંધવો. ત્યારબાદ મોટા લુઆ કરી, પરોઠા વણી, તવી પર તેલથી સાંતળવા અને દહીં સાથે પીરસવા. આ પરોઠામાં કોપરાનું છીણ અને સીંગનો ભૂકો પણ નાખી શકાય. ડુંગળીના બદલે 1 બાફેલ બટાકો પણ નાખી શકાય.
.
[2] લીલા ચણા ને બટાકાનું શાક (પાંચ વ્યક્તિ માટે)
250 ગ્રામ લીલા ચણા,
250 ગ્રામ બટાકા,
100 ગ્રામ ટામેટા,
1 કપ દહીં, 2 ચ. ચણા લોટ,
કોથમીર, તજ, મીઠું, મરચું અને લવિંગ
બનાવવાની રીત :
સૌપ્રથમ ચણાને બાફો અને બટાટાને બાફીને સમારી લો. ત્યારબાદ તપેલીમાં ઘીનો વઘાર મૂકીને ચણા તથા બટાટાને વધારી લો. તેમાં દહીં, ચણાનો લોટ તથા ઉપરની સામગ્રીમાં બતાવ્યા પ્રમાણે મસાલો નાખો. આ મિશ્રણને બરાબર ઉકાળીને છેલ્લે તેમાં ઝીણા સમારેલા ટામેટા અને કોથમીર ઉમેરો. આ શાકમાંથી 600 કૅલેરી મળે છે. આહારમાં પ્રોટીનના ઉણપની ફરિયાદ રહેતી હોય છે તે દૂર કરવા માટે આ શાક ઉપયોગી છે. ચણામાં પ્રોટીનનું વિપુલ પ્રમાણ હોય છે.
.
[3] બ્રેડ મસાલા
સામગ્રી :
3-4 નંગ બટેટા,
100 ગ્રામ પનીર (ક્યુબ પણ લઈ શકાય)
3-4 ડુંગળી,
3-4 ટામેટા,
3-4 કેપ્સીકમ મરચા, ટોમેટો સોસ, કોથમીર
1 પેકેટ બ્રેડ,
તળવા માટે તેલ, મીઠું, મરચું, ખાંડ, ધાણાજીરૂ, ગરમ મસાલો સ્વાદ અનુસાર.
માખણ (બ્રેડ શેકવા માટે)
બનાવવાની રીત :
સૌપ્રથમ ટામેટા-ડુંગરી એકસરખા નાના ટૂકડામાં સમારવા. બટેટાને ચીપ્સના આકારમાં તળવા. આટલી તૈયારી કર્યા બાદ હવે એક કઢાઈમાં થોડું તેલ લો. તેલ ગરમ થાય પછી તેમાં ટામેટા, ડુંગળી, મરચાં સાંતળી લો. ત્યારબાદ તેમાં મીઠું-મરચું, ગરમ મસાલો, ખાંડ, ધાણાજીરૂ સ્વાદ અનુસાર નાખો. તળેલા બટેટા તેમાં ઉમેરો તથા પનીર ઉમેરો અને 5-7 મિનિટ ગેસપર રાખી હલાવો. બ્રેડને નોનસ્ટીકમાં શેકી લો. જમવા બેસતા પહેલાં બ્રેડના નાના ટુકડા કરો. મસાલા સબ્જીમાં તે મિક્સ કરો અને કોથમીર નાંખીને સર્વ કરો. મસાલા સબ્જીમાં શેક્યા વગરની કાચી બ્રેડનાં ટૂકડાનો પણ ઉપયોગ કરી શકાય. તથા બ્રેડને બદલે પાઉં પણ વાપરી શકાય. (આ વાનગી ‘સ્વાદ-સોડમ’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવી છે.)
4 thoughts on “વાનગી વૈવિધ્ય – સંકલિત”
આજે સાંજે પાલક પરોઠા બનાવાશે..:)
i have so many recipes to be shared, but the problem is i cant type in gujarati. anybody have any solution.
GO TO THIS SITE AND GET YOUR TRANSLATION…
http://translate.google.com/
OR
http://mylanguages.org/gujarati_write.php
ENJOY!!!
dawnload “google gujarati input” and enjoy gujarati typping