જો આ હોય મારું અંતિમ પ્રવચન – મોરારિબાપુ

[ ‘કોફીમેટ્સ’- ‘વિકલ્પ’ અને ‘ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી’ના ઉપક્રમે છેલ્લા ઘણા સમયથી ‘જો આ હોય મારું અંતિમ પ્રવચન’ની શ્રેણી યોજવામાં આવી હતી. આ શ્રેણીના ઘણા પ્રવચનો આપણે અહીં માણ્યા છે. આ શ્રેણીનું પચ્ચીસમું અંતિમ પ્રવચન તા. 8 એપ્રિલ, 2012ના રોજ યોજાયું હતું જેમાં મોરારિબાપુએ વક્તવ્ય આપ્યું હતું, જે અત્રે પ્રસ્તુત છે. આ વક્તવ્ય અગાઉ આદરણીય શ્રી નગીનદાસભાઈ સંઘવીએ બાપુનો આપેલો પરિચય આપણે અહીં વાંચ્યો [Click Here] હતો. આ પ્રવચનની વિડિયો લીન્ક લેખના અંતે આપવામાં આવી છે તથા આ પ્રકારના અન્ય પ્રવચનોની લીન્ક પણ આપ લેખના અંતે જોઈ શકશો.]

[dc]શ્રી[/dc]રામચંદ્રં શરણં પ્રપદ્યે
શ્રીરામદૂતં શરણં પ્રપદ્યે

આદરણીય વડીલમુરબ્બી શ્રી નગીનદાસજી બાપા, આપ સૌ વડીલ મુરબ્બીઓ, ભાઈઓ અને બહેનો…,

આ શ્રેણીના આખરી પ્રવચનમાં આવી શકાયું એનો મને આનંદ છે. મને ઘણાંએ કહ્યું કે આ તે કેવો વિષય ?! મેં કહ્યું કે પ્રવચન અમારું અંતિમ અને યોજનાર ‘અવિનાશ’ ! આવો સબ્જેક્ટ તો જે અવિનાશ હોય એ જ શોધી શકે ને ! મેં બહુ જ સહર્ષ આ વાતને સ્વીકારી. અહીં જે અલ્પવિરામનું ચિહ્ન આ શ્રેણી સાથે જોડવામાં આવ્યું છે એના અનેક સંકેતો હોઈ શકે છે. કદાચ હવે પછી આ શ્રેણી વધુ આગળ ચાલશે, એવું પણ હોઈ શકે. પરંતુ એક શબ્દ બરાબર વપરાયો છે કે આ ‘કલ્પિત’ અંતિમ પ્રવચન છે.

મને નગીનબાપાએ અગાઉના વક્તવ્યો વિશે વાત કરી અને ગઈકાલે હું અવિનાશભાઈને મળ્યો ત્યારે મેં પૂછ્યું પણ ખરું કે આપ કોઈ મુદ્દા કહેશો ? એમણે મને જણાવ્યું કે લગભગ એવું વિચારાયું છે કે બાળપણના સ્વપ્નો, જુવાનીની સિદ્ધિઓ અને તે પ્રાપ્ત કરવામાં આવતી હતાશાઓ તથા આગળના કોઈ લક્ષ્યાંકો…. વગેરે વગેરે… વિચારોનું વસિયતનામું નિખાલસતા અને નિર્દંભતાથી બધાએ આપવાનો પ્રયાસ કર્યો છે. આમ તો કોર્ટમાં ભગવદ ગીતા પર હાથ રાખીને એમ બોલાય છે કે હું જે કંઈ કહીશ તે સત્ય કહીશ. હું વ્યાસપીઠ પરથી બોલું છું ત્યારે એમ કહું છું કે હું ભગવદ ગીતા નહીં પરંતુ રામચરિત માનસ પર હાથ રાખીને બોલું છું. પરંતુ અહીં તો કોર્ટ નથી, વ્યાસપીઠ નથી, પોથીજી નથી અને ભગવદગીતા પણ નથી…. તેથી અહીં મારે એટલું જ કહેવાનું કે હું જે કંઈ કહીશ તે મારા હાર્ટ પર હાથ રાખીને કહીશ. અહીં નગીનબાપાએ મારો જે પરિચય આપ્યો એને હું શિરોમાન્ય ગણું છું અને એવો હું બનવાનો જાગૃત પ્રયાસ કરીશ.

કલ્પિત અંતિમ પ્રવચન વિશે વાત કરવાની છે ત્યારે ત્રણ વ્યક્તિ યાદ આવે છે. એક છે સૂફી સંત નિઝામુદ્દીન ઓલિયા. એ સંતને કદાચ પીર કરતાં પણ વધુ પ્રિય એવો અમીર ખુશરો. એમ કહેવાય છે કે નિઝામુદ્દીનની સાધના ચાલતી હોય ત્યારે પણ અમીર એની કુટિયામાં જઈ શકે. છેલ્લી અવસ્થામાં તો નિઝામુદ્દીને કહેલું કે અમીરની કબર પણ મારી બિલકુલ નજીક કરજો. આવા એ ગુરુશિષ્ય હતાં. એક વખત પોતાના ગુરુ નિઝામુદ્દીનને અમીર ખુશરો પૂછે છે કે ‘અવિવેક માફ કરજો, પરંતુ તમારા જીવનની જો આ અંતિમ ક્ષણ હોય તો તમે શું કરવાનું પસંદ કરો ?’ નિઝામુદ્દીને પ્રશ્નના જવાબમાં કશું જ કહ્યા વગર અમીર ખુશરોના મસ્તકને પ્રેમથી પોતાની છાતીએ લગાડીને એના કપાળ પર ચુંબન કર્યું અને પછી કહ્યું કે ‘મારી જો આ અંતિમ ક્ષણ હોય તો હું મને પૂરેપૂરો સમજનાર અમીરને બસ આ રીતે પ્રેમ કરું. આ સિવાય બીજું કશું જ નહિ, બંદગી પણ નહીં.’ આ થયો એક દાખલો. હવે બીજો દાખલો. રમણમહર્ષિને કોઈ જર્મન પત્રકારે પૂછ્યું કે ‘તમારા જીવનનો જો આ અંતિમ દિવસ હોય તો તમે શું કરવા ઈચ્છો ?’ રમણમહર્ષિએ પોતાની જે વાત હતી એ જ ફરીથી વ્યક્ત કરી અને કહ્યું કે ‘હું એ જાણવાનો આ ચોવીસ કલાકમાં ભરચક પ્રયત્ન કરી લઉં કે ‘Who Am I ?’’

આ તો અહીં કલ્પિત અંતિમ પ્રવચન છે એટલે વાંધો નથી કારણ કે હું તો બોલવાનો જ છું, બોલ્યા જ કરવાનો છું અને જો આ અસ્તિત્વમાં કોઈ વ્યવસ્થા હોય તો જન્મોજન્મ બોલ્યા જ કરવાનો છું – આવો મારો વ્યાસપીઠ પરથી સંકલ્પ છે. મારે મુક્તિ જોઈતી નથી. મુક્તિ છે કે કેમ તે પ્રશ્નાર્થ છે ! મારે જે જોઈએ છે તે નરસિંહ મહેતાની પરંપરામાં ‘હરિના જન તો મુક્તિ ન માગે, માગે જનમ જનમ અવતાર રે… નિત્ય સેવા નિત્ય કિર્તન ઓચ્છવ, નિરખવા નંદ કુમાર રે….’. આદિ જગતગુરુ શંકરાચાર્ય પણ ‘ન મોક્ષ્યાકાંક્ષા…’ એમ કહે છે. રામાયણનો ભરત પણ ‘અર્થ ન ધર્મ ન કામ રુચિ….’ એમ કહે છે. એટલે જનમ જનમ મારે બોલતા રહેવું છે. પરંતુ ધારો કે આપનામાંથી કોઈ મને એમ પૂછે કે, ‘ખરેખર આ આપનું અંતિમ પ્રવચન હોય તો આપ શું કરો ?’ મારે જો મારો જવાબ આ પ્રશ્નના સંદર્ભમાં આપવો હોય તો હું એમ કહું કે – જો આ ખરેખર અંતિમ પ્રવચન હોય તો, એ પ્રવચન અંતિમ અને ત્રિગુણાતીત મૌનનો આરંભ… અહીં ત્રિગુણાતીત શબ્દ વાપરું છું કારણ કે મૌનમાં સત્વ-રજ-તમો ગુણ સતાવે છે. મૌનમાં આપણને બધા જ વિચારો આવે કે આમ કરી લઉં, મૌન પૂરું થાય પછી ફલાણાને મળી લઉં…. એમ થયા કરે… આ બધા રજોગુણી મૌનના લક્ષણો છે. મૌન ચાલુ હોય ત્યારે ફલાણાએ દ્વેષ કર્યો હતો, ફલાણાએ મને આમ કહ્યું હતું – એ બધું વધારે યાદ આવે. એ પ્રકારનું મૌન તમોગુણી મૌન છે. શાસ્ત્રચિંતન-શુભચિંતન એ બધા સત્વગુણી મૌનના લક્ષણો છે. એથી, મારે વ્યક્તિગત રીતે અંતિમ પ્રવચન પછી કંઈક કરવાનું હોય તો હું ગુણાતીત મૌન શરૂ કરું.

બચપણના સ્વપ્નાઓ, જુવાનીની સિદ્ધિઓ અને એમાં આવેલી હતાશાઓ વગેરે ત્રણ પડાવમાં બહુ જ હૃદયથી કહેવા માગું છું. મારો વેશ, નગીનબાપાએ કહ્યું તેમ મેં પસંદ કરેલો વેશ છે. કદાચ તમે ઈતિહાસ જોશો તો ખ્યાલ આવશે કે આવા ડ્રેસમાં કોઈ કથાકાર નહોતો. કોઈક હશે તો હું રાજી થઈશ. કાળી શાલ રાખીને કોઈએ કથા કરી હોય એવું સાંભળ્યું નથી. લોકો કાળા રંગને અપશુકનિયાળ ગણે છે. મેં શુકન ત્યાંથી જ શરૂ કર્યા છે ! મારો આ ગમતો વેશ છે. પાદુકા પહેરું છું, માળા રાખું છું અને આ બધું મને ગમે છે. આ વેશના સાધુ તરીકે હું તમારી સામે બોલવા ઊભો નથી થયો. હું સાધુ કૂળમાં જન્મ્યો છું એનો મને આનંદ છે, પણ હું સાધુપણાનો ડોળ કરીને બોલવા ઊભો નથી થયો. મારે જે કહેવું છે તે હૃદયથી કહીશ.

પહેલી વાત. મને સપનાં નથી આવતા. બચપણમાં ક્યારેક આવ્યા હોય તો યાદ નથી. મનોવૈજ્ઞાનિકો એમ કહે છે કે યાદ ન રહેતા હોય પણ બધાને સપનાં આવતાં તો હોય છે જ – એ વિચાર બરાબર હોય તોય હું સ્વીકારી લઉં કે મને યાદ ન રહ્યાં હોય. હું એની વિરુદ્ધમાં નહીં જાઉં. બાકી, મને સપનાંઓ આવતા નથી. પરંતુ હવે ક્યારેક ક્યારેક સપનાંઓ આવે છે. એ પાછા એવા હોય છે કે ક્યાંક કથા કરું છું, ક્યાંક મુશાયરામાં બેઠો છું, ક્યાંક કોઈ સંગીતના કાર્યક્રમમાં બેઠો છું. એવું ક્યારેક ક્યારેક સપનામાં આવે છે. બાકી મને સ્થૂળ રીતે પણ સ્વપ્નાં આવતાં નથી. એથી જ મેં બચપણમાં કોઈ સપનું સેવ્યું નથી. અહીં મુંબઈમાં જ અગાઉ એકવાર ‘મારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ’ એ વિશે બોલવાનું થયું હતું ત્યારે મેં એમ કહ્યું હતું કે મારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ જો મારે ઈમાનદારીથી કહેવો હોય તો એ છે મારી સાવિત્રીમાનો કોઠો. એનો ગર્ભ મારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો. એથી બચપણના કોઈ સ્વપ્ન મારા મનમાં હતાં જ નહિ. હા, ભજન તરફ લગન જરૂર. રામચરિત માનસ અને ભગવદ ગીતાના સંસ્કારો પરંપરામાં હતાં એટલે એક સ્વપ્ન ખરું કે ભજન કરીએ. પરંતુ પરિસ્થિતિ ચારે બાજુ જરા જુદી હતી. અગાઉ મેં ક્યાંક આ બાબતે લખ્યું છે પરંતુ આ વિશે ઓછું બોલ્યો છું. આજે અહીં વધારે સાર્વજનિક કરું છું. જીવનને બચપણમાં મેં ચાર વિભાગમાં વહેંચવાની કોશિશ કરી હતી. એક ગર્ભખંડ, બીજો વર્ગખંડ, ત્રીજો કર્મખંડ અને ચોથો ધર્મખંડ. આવું મને યાદ છે. ત્યારે મેં મારા દાદાજી પાસે રામાયણ ભણવાની શરૂઆત કરેલી. આ લગભગ મારી 10 થી 14 વર્ષની વચ્ચેની ઉંમરનો કાળ છે. મને એવું સમજાયું કે ગર્ભખંડ મનને કેળવે છે. જેમ રોગો જિન્સમાં આવે છે એમ સદગુણો અને સારી વસ્તુઓ પણ આવતી હોય છે. આજે પણ હું કથાની શરૂઆત કરું ત્યારે સૌથી પહેલા મારી માતાથી મારી યાત્રા શરૂ થાય છે અને એ રામાયણ મા સુધી પહોંચે છે. ગર્ભખંડ બહુ કામ કરે છે. એ આપણા મનને થોડું તૈયાર કરીને આપી દે છે. એ પછી વર્ગખંડ કે સ્કૂલ કે જે ગણો તે. એ આપણી બુદ્ધિને વિકસિત કરે છે. જો કે વર્ગખંડમાં હું કંઈ બહુ ભણી શક્યો નહિ. મેટ્રિક માંડમાંડ પાસ થયો જે આખી દુનિયા જાણે છે. વર્ગખંડ બુદ્ધિનો વિકાસ કરે છે એ થોડી ઘણી રીતે સાચું છે. પછી શિક્ષણનો કેવો પ્રકાર છે અને કઈ રીતે શિક્ષણ અપાય છે એ બધામાં આપણે ન જઈએ.

એ પછી ત્રીજો છે કર્મખંડ. એ ચિત્તને વિશુદ્ધ કરવાનું કામ કરે છે. ગીતાએ કહ્યું કે એક ક્ષણ પણ તમે કર્મ વગર ન રહી શકો. ઠાકુર રામકૃષ્ણ કહેતાં કે જે પાણી કિચડ ઊભો કરે છે એ કિચડની સાફસૂફી પાછી પાણીથી જ કરવી પડે છે. માણસે કર્મ કરતા રહેવું જોઈએ. એનાથી જ ચિત્ત શુદ્ધિ થાય. એ જરૂરી છે. ચોથો છે ધર્મખંડ. અહીં ધર્મખંડ એટલે અહંકારથી મુક્તિ તરફનું પ્રયાણ. સાહેબ, ધર્મ એટલે શું ? આદમી સહજ જીવન જીવે એ જ મોટામાં મોટો ધર્મ છે. આ તિલક, કાળી બિંદી મને ગમે એટલે હું કરું છું. સહજ હોવું જોઈએ. અહંકારથી મુક્ત થવા માટે ધર્મ છે. આજે તો ધર્મ જ આપણા અહંકારને પુષ્ટ કરે છે કારણ કે એક સ્થાન મળી જાય છે. અહીં આ સિંહાસન જેવી ખુરશી મૂકી છે એ એનું પ્રતિક છે ! આમાં જો ભાન ન રહે તો ભૂલા પાડી દે. આ ચોથા ખંડનું સાધકે બહુ ધ્યાન રાખવું પડે. મારા તુલસી તો એમ કહે ‘નહીં કોઉ અસ જન્મેઉ જગ માહીં….’ પ્રભુતા મળે પછી મદ ન આવે એવો કોઈ જન્મ્યો નથી. આપણે માણસ છીએ અને હું સતત કહ્યા કરું છું કે માણસને એની નબળાઈઓ સહિત સ્વીકારવો જોઈએ. માણસને પ્રભુ ન બનાવી દેવાય. એ પ્રભુ નથી. એ મારા-તમારા જેવો માણસ છે. હવે તો જો કે બધું નીકળી ગયું, બાકી હું જ્યાં જાઉં ત્યાં હનુમાનજીનો ફોટો હોવો જ જોઈએ એવું ત્રણ જણા અગાઉથી કહી આવે ! આ બધી ખોટી વાતો કાઢતા વર્ષો લાગ્યાં. તમે મને એકલાને ન જોઈ શકો ? પ્લીઝ… તમારી આંખો એવી ખોટી આદતી થઈ ગઈ છે કે તમારે આ બધું ભેગું જોઈએ ? મને ઘણા એમ કહે કે મોરારિબાપુ તો તુલસીદાસજી કે હનુમાનજીનો અવતાર છે !! મેં કીધું કે ભાઈ, મારે કોઈનો અવતાર થાવું નથી… હું શું કામ ઉધાર લઉં ? હું મોરારિબાપુ પર્યાપ્ત છું અને એમાં મને બહુ આનંદ છે. હું તમને એ કહેતો હતો કે ધર્મ અહંકારને દૂર કરે છે. કર્મએ મારું ચિત્ત બિલકુલ નિર્મળ કરી દીધું એવો હું દાવો નહીં કરું. ગર્ભખંડમાં કઈ પ્રક્રિયા થઈ એ યાદ નથી પરંતુ એમાં મારું મન કેળવાયું છે એમ તો હું ચોકકસ કહીશ. વર્ગખંડમાં હું બહુ રહ્યો નથી, પણ એ પછી ભણાવ્યું એ મારી મજબૂરી હતી કારણ કે એ સમયે મને નોકરીની જરૂર હતી. એથી વર્ગખંડમાં પણ બુદ્ધિ વિકસિત થાય છે એ વિશે હું કંઈ બહુ કહી શકું એમ નથી. પરંતુ અહંકાર માટે આ ધર્મખંડે મને જાગૃત રાખવાની કોશિશ કરી છે અને મેં પણ ભરચક પ્રયત્નો કર્યા છે.

સ્થાનથી અહંકાર પુષ્ટ થાય છે. મારી ખુરશી જુદી શું કામ ? લોકો આપણને આદરપાત્ર બનાવીને પછી આપણી ટીકા કરે ! આવી આખી યોજના બનતી હોય છે !! એ અજ્ઞાત ચિત્તમાંની નીકળેલો પ્રહાર છે. બાકી, હું બધાની જેમ જ ન બેસી શકું ? હા, સાંભળતો હોઉં ત્યારે મને જરા પાછળ તકિયો જોઈએ છે. તકિયા વગર બેસી શકવાની મને આદત નથી. મારા શ્રોતાઓ ટટ્ટાર ત્રણ કલાક બેસી શકે છે એ જોઈને મને આશ્ચર્ય થાય છે કે તેઓ કેવી રીતે બેસી શકતા હશે ?! ટૂંકમાં, આ બધામાં બહુ જાગૃત રહેવું પડે. બચપણની ચાર ખંડની વાતમાં એક વાત હું ચોક્કસ કહીશ કે બચપણમાં પહેલી રામ કથા શરૂ કરી એ પછી પાંચેક રામકથા મેં ગામડામાં કરી. એ મારો આશરે 14 થી 20 વર્ષની ઉંમરનો ગાળો. આ ગાળામાં મારે ખોટું બહુ બોલવું પડ્યું છે. આ હૃદયથી કહું છું સાહેબ ! એ મજબૂરી જૂઠ હતું, મહોબતી જૂઠ નહોતું. મારે ઘર-કુટુંબ ચલાવવા માટે વ્યવસ્થા નહોતી. હું મોટો હતો. ગામડામાં અમે સાધુ પૂજારી તરીકે ખરા અને લોટ પણ માંગતા. પરંતુ એ છતાં બહુ જ અભાવમાં જીવન હતું. એથી ખોટું બહુ બોલવું પડતું હતું. કોઈને કહેવું પડે કે ભાઈ, પચાસ રૂપિયા ઉછીના આપો. એ પછી તે આપે પણ એનું વ્યાજ નક્કી થાય. એ એમ કહે કે તમારે પંદરમે દિવસે પૈસા આપી દેવાના. પરંતુ થાય એવું કે પંદરમે દિવસે હું આપી શકું નહીં ને મારે ખોટું બોલવું પડે કે મેં કીધું’તું પણ હું આપી શકીશ નહીં, પાંચ દિવસ બીજા આપો. ફરી પાંચ દિવસ વીતે પણ આપી શકું નહીં એટલે ખોટું બહાનું કાઢવું પડે કે પૈસા આવ્યા નથી. એક જૂઠ કેટલા જૂઠને નિમંત્રણ આપે છે. મેં કોઈ ઉધાર વસ્તુ લીધી હોય, કાપડ લીધું હોય – મારા માટે કે માતાપિતા માટે – એના પૈસા બાકી હોય, ત્યારે સાહેબ….. મહુવાની એક ગલીમાંથી હું નીકળું નહીં. દૂર ફરી ફરીને જાઉં કારણ કે એ વેપારી મને જોઈ જાય તો રૂપિયા માગે. રૂપિયા હું આપી શકું એમ ન હોય તો વળી પાછું મારે ખોટું બોલવું પડે. મજબૂરીનું જૂઠ બહુ બોલવું પડ્યું છે. મારે ગાયન સત્યનું કરવાનું અને વાસ્તવિક જીવનમાં આવા જૂઠનો આશ્રય લેવો પડતો હતો.

મારી પાસે કોઈ કથા માગવા આવ્યું હોય તો મેં ક્યારેય કોઈને કીધું નથી કે તું મને શું આપીશ ? પણ હું એ જે દક્ષિણા આપે એ લઈ લેતો કારણ કે એ દક્ષિણા મને મળે તો પેલા કાપડવાળાના પૈસા ચૂકવી દઉં. જૂઠ બોલવાની એક પીડા હતી. મારા એક પંજાબી સ્નેહી મહાત્મા હતા, હવે નથી રહ્યા. એ સમયે મેં પહેલી વાર શિવસંકલ્પ કર્યો કે હવે જૂઠ નહીં બોલું, ભલે ને ગમે તે થાય… થવું હોય તે થાય. એ સંકલ્પ કરીને મેં પત્રમાં એ પંજાબી સાધુને લખેલો. એમાં મેં લખેલું કે ત્રણ દિવસથી આ વિશે વિચારું છું, એમાં ત્રીસ વખત જૂઠ બોલ્યો છું… જો કે એ પછી તો મારી સારી યાત્રા ચાલી. પરંતુ એનો અર્થ એમ નથી કે હું અત્યારે બધું બોલું છું એ સાચું જ બોલું છું. ક્યારેક ક્યારેક કોઈ કથા માગવા આવે તો મજબૂરીનું જૂઠ બોલીને એમ કહેવું પડે છે કે હમણાં બહુ સમય નથી. કદાચ સમય હોય પણ ખરો. પરંતુ એમ કહેવું પડે છે. એ સમયે જૂઠનો આશ્રય ઘણો લેવો પડ્યો એનું મને દુઃખ છે અને તમારી સૌની સામે વ્યક્ત કરવાનું સુખ પણ છે. મેં તલગાજરડામાં છસ્સોમી એક આખ્ખી કથા કરી એનું નામ રાખ્યું હતું ‘માનસ મુરારિ’. એ આત્મશ્લાઘા નહોતી, આત્મનિવેદન હતું. ટૂંકમાં, બચપણમાં આવું બધું થયું છે. કોઈ લોભ, કોઈ ક્રોધ કે કોઈ કામનાએ મને બહુ હેરાન નથી કર્યો, પણ વ્યવહારની સંકડામણો, મજબૂરીઓ… એણે જૂઠનો આશ્રય બહુ કરાવ્યો. ‘નહીં અસત્ય સમ પાતક દૂજા’ એ તુલસીને ગાનારને આમ જૂઠું બોલવું પડે, એની કેવી પીડા થતી હશે ! અંતિમ પ્રવચન હોય તો આ બધા અધ્યાયો ખોલવાની આ વાત છે.

એ વખતે મને ત્રણ વિચારો આવેલા કે એક નાની એવી દુકાન કરું ? કારણ કે મારા કાકાને ચાની દુકાન હતી. એથી મનમાં થતું કે દુકાન કરીએ તો બધું બરાબર ચાલે ખરું ? પણ જીવ હતો ભજનમાં. મન કોઠામાંથી એ રીતે કેળવાયેલું. પછી કોઈક એવો વિચાર આવેલો કે કોઈ સારું સ્થાન બનાવીએ અને પછી એમાં કંઈક કરીએ. પણ એવું બનાવવું કઈ રીતે ? એ પછી તો સહજ ગતિ જ્યાં હતી એ તરફ હું વળ્યો. શિક્ષક બન્યો ત્યારે પણ ખોટું બોલવું પડતું. ખોટી રજા લઈને કથામાં જવાનું. કેઝ્યુઅલ રિપોર્ટ લખવાનો અને પછી બધા ફાડી નાખે એમ પછી હુંય ફાડી નાખતો. અત્યારે પણ હસતાં હસતાં ક્યારેક આવું વિનોદી જૂઠ કહેવું પડે છે કે થાક લાગ્યો છે… કામ છે… એમ કહીને વાત ટાળવી પડે છે પણ, એ જે સમયે અસત્ય ઉચ્ચારાય એની પીડા છે, એનું દુઃખ પણ છે. ટૂંકમાં, આ ચાર મારા બચપણના પડાવો હતા. એમાં મને બહુ સફળતા પણ મળી છે, બહુ સારું લાગ્યું છે. હું અત્યારે ઊભો છું એનો પહેલો અધ્યાય મારા માટે બહુ જ ઉપયોગી થયો છે. બુદ્ધિ કેટલી વિકસિત થઈ એ મને ખબર નથી પણ હૃદય બહુ જ વિકસિત થયું. પરમાત્મા કરે મારી વ્યાસપીઠ કદી સંકીર્ણ ન બને. આ વિશાળતા મને ચાર ખંડોમાંથી પ્રાપ્ત થઈ. અહંકાર ન આવે એવું પણ હું ન કહી શકું. કોઈ આપણા વખાણ કરતું હોય તો થોડાક તો અંદરથી ગલગલિયાં થાય, યાર ! આપણે જીવ છીએ. આપણે આપણી વાતને સ્વીકારવી જોઈએ. પરંતુ આપણા માંહ્યલાનો એ સ્વભાવ ન હોવો જોઈએ. નહીંતર આપણે ટકી ન શકીએ. ઊંચાઈ તો ઘણાને મળી જાય પરંતુ એ ઊંચાઈ પર ટકી રહેવું અઘરું છે. એમાં જો ક્યાંક અહંકાર આવે એટલે પેલી સાપસીડીવાળી રમત જેવું થઈ જાય.

હવે યુવાનીની સિદ્ધિઓની વાત. આમ તો મારા બધા જ શ્રોતાઓ જાણે છે પરંતુ અહીં સાંભળનારો વર્ગ જૂદો છે એટલે હું કહું કે આ ‘સિદ્ધિ’ શબ્દ જ મને ગમતો નથી. આ દેશને હવે સિદ્ધોની જરૂર પણ નથી, શુદ્ધોની જરૂર છે. કેટલાય સિદ્ધો આ દેશમાં થયા. એ સૌને નમન. પરંતુ શુદ્ધ કેટલા ? હમણાં હમણાં હું એકલો બેઠો હોઉં ત્યારે મારું જે ચિંતન ચાલે છે અથવા મારું મન જે બાબત પર વધારે કેન્દ્રિત થાય છે એ છ વસ્તુ છે. હમણાં બે-ત્રણ કથાઓમાં હું એ કહી રહ્યો છું. આ સિદ્ધિઓ, આ પ્રતિષ્ઠા, આ જયજયકાર, આ આજુબાજુના ચમત્કારો, ગોઠવી દીધેલા પરચાઓ, આ અકારણ આરોપિત અહોભાવ – આ બધું શું છે ? મેં મુંબઈની સભામાં પણ કહ્યું કે લોકો ક્યાં ક્યાં સુધી પોતાની જૂઠી આસ્થાનું આરોપણ કરતાં હોય છે. હું ‘ચિત્રકૂટ’માં મારા ઝૂલા પર બેઠો હતો અને એક ભાઈ ફોટો લેવા આવ્યા. ઝૂલો ચાલુ હતો એટલે ફોટો બરાબર આવ્યો નહિ. બીજા ભાઈએ એને કીધું કે બાપુની ઈચ્છા હોય તો જ ફોટો બરાબર આવે ! હકીકતે એ બરાબર ફોક્સ કરી શકતો નહોતો, ઝૂલો ચાલુ હતો અને એ થોડો એક્સાઈટ હતો…. પણ લોકો આ બધું ગોઠવી દે છે ! એથી બહુ સાવધાન રહેવું પડે છે. આ સિદ્ધિ નથી પણ આપણે જે પાંચ કે દસ ટકા શુદ્ધ હોઈએ એને બગાડવાની રીત છે. હું એ કહેતો હતો કે છ વસ્તુઓ વિશેની વાત મને બહુ ઉપયોગી થઈ છે. એ વિશે વાત કરું.

રામાયણમાં એમ લખ્યું છે કે : ‘હાનિ, લાભ, જન્મ, મરણ, જશ, અપજશ બિધિ હાથ’ આ છ વસ્તુ વિધાતાના હાથમાં છે એવું વશિષ્ટજી માનસમાં બોલ્યા છે. હું એમ વિચારતો થયો કે હાનિ એ વિધાતાના હાથમાં છે એ વાત તો ચોક્કસ. પણ એ હાનિથી હારી ન જવું એ મારા હાથમાં છે. આવું હું બહુ વિચારું છું. લાભ ભલે તારા (વિધાતાના) હાથમાં, પણ શુભ મારા હાથમાં છે. આપણા હાથમાં શુભ હોય એ જ ઉત્તમ છે. બધા લાભ શુભ નથી હોતા. આપણને કોઈ એક લાખનું દાન આપે ને તો એ લાભ પણ ઘણીવાર શુભ નથી હોતો. પરંતુ એટલું મને કહેવા દો કે તમામ શુભો, હંમેશા લાભ જ હોય છે. જન્મ એટલે કે જીવન એ તારા હાથમાં છે. તું જીવાડે ત્યાં સુધી જીવીએ. પરંતુ જીવનને પરમાત્માનું વરદાન માનીને રસમય અને આનંદમય જીવી લેવું એ મારા હાથમાં છે. શું કામ સોગિયા થવું ? ધર્મ જગતે તો એટલા બધા સોગિયા ઊભા કર્યા છે કે એની વાત નહિ ! સુરેશભાઈ દલાલ કહે કે ઘણા લોકો ઊઠે ત્યાં ઊઠમણું અને બેસે ત્યાં બેસણું !! આ કંઈ જીવન છે ? તમને નથી લાગતું કે આ જીવન રસમય છે ? આ પહાડો, નદીઓ, સમુદ્ર, પૃથ્વી…. કેટલું સુંદર જગત છે. આપણે ઈચ્છીએ કે કોઈ ગરીબ અને દુઃખી ન રહે પરંતુ તમે ગામડામાં જઈને જોજો. કોઈ ધૂલધુસરિત ગામડાનું નાનું બાળક રડે ત્યારે એના આંખમાંથી નીકળતા આંસુથી એના ગાલ પર ધૂળને લીધે એક આકાર બનતો હોય છે. એ ભૂખ, વંચિતતા જોઈને ઈશ્વર ન દેખાય એને તો કરસનદાસ માણેકની ભાષામાં કહેવું જોઈએ કે ‘તે દી આંસુ ભીનાં રે હરિનાં લોચનિયાં મેં દીઠાં.’ ધર્મજગતને તો બહુ મુશ્કેલી… ખુલીને હસી પણ ન શકાય ! એ તો હવે બધા હસતા થયા છે. આ માટે હું ટીકા બહુ સહન કરું છું પરંતુ મારે જે કરવું છે તે વિનમ્રતાથી કહું છું. આ તો કેવું ? તમે હસવા પણ ન દો તો અમારે શું કરવું ? અમારે હવે મરવું ? મુસ્કુરાહટ તો વરદાન છે. ગમે તેવી પરિસ્થિતિને રસમય અને આનંદમય રાખવું એ આપણા હાથમાં છે. મરણ તારા હાથમાં છે પરંતુ તારું સ્મરણ મારા હાથમાં છે. એને તું છીનવી નહીં શકે. સ્મૃતિને પ્રસાદ કહ્યો છે. સ્મરણ એટલે કેવળ હરિસ્મરણ જ નહિ, આપણા પોતાના જીવનનું સ્મરણ. એ પછી વાત આવે છે જશ-અપજશની. જશ એટલે આ બધી વાહ-વાહ અને પ્રતિષ્ઠા. તમારે કેટલું સારું છે કે તમે ઈચ્છો ત્યાં જઈ શકો, મારાથી એ રીતે જવાય જ નહિ. તમે રેંકડીએ ઊભા રહીને ખારીશિંગ ખાઈ શકો. મારાથી એ પણ ન ખવાય ! તોય જો કે મેં તો મર્યાદા મૂકીને ચાલુ પ્રોગ્રામે ખારીશિંગ ખાવાની શરૂઆત કરી છે. વ્યાસપીઠ પરથી નથી ખાતો… રાહ જોજો, જો આ અંતિમ પ્રવચન નહીં હોય તો ! સાહેબ, માણસને કેમ સહજ નથી રહેવા દેતા ? આ યશ શું કામનો જે તમને તમારી રીતે જીવવા ન દે ? હું તો બધા બંધનોથી બહાર નીકળું છું.

એક બહુ મોટા સાધિકાબેન છે. અમારા એક સ્નેહી અવારનવાર એમને ત્યાં જતા હોય એટલે એમણે એકવાર પૂછ્યું કે ‘આ તમારા મોરારિબાપુ છે એ સાધના શું કરે છે ? હું તો યોગા કરું, પ્રાણાયામ કરું, પુસ્તક લખું, બધાને યોગા શીખવું…. તો એવું એ શું કરે છે ?’ એટલે આ ભાઈએ તો કહ્યું કે એમાં અમને કંઈ ખબર ન પડે. અમારે પૂછવું પડે. એમ કહીને એ ભાઈ મને પૂછવા આવ્યા. એટલે મેં એ ભાઈને કહ્યું કે તું એમ કહેજે કે અમારી સાથે બેસીને ચા ને ગાંઠિયા ખાય છે ! આ સિવાય બીજી કોઈ સાધના નથી અને ખરેખર આ હકીકત છે, સાહેબ ! હું ચા ને ગાંઠિયા ખાઉં જ છું. વાહ-વાહ તથા આ બધી પ્રતિષ્ઠા આપણી સહજતા તોડી નાખે છે. હે પ્રભુ, જશ તારા હાથમાં છે પરંતુ એ જશને વહેંચી દેવો એ મારા હાથમાં છે. વિનોબાજીનું એક સુત્ર છે : ‘દાનં સંવિભાગઃ’ આપણને મળેલી કીર્તિ, પ્રતિષ્ઠા અને યશ જો આપણે વહેંચી ન શકીએ તો એના દબાણમાં આપણે જ દબાઈ જતા હોઈએ છીએ. કવિ કાગનું એક ભજન છે, કહેતા હોવ તો ગાઈને સંભળાવું…. આ અંતિમ પ્રવચન છે ને એટલે કહી નાખું જે કહેવું હોય તે, કલ્પિત તો કલ્પિત !!

હોશિયારીની ગાંસડીઓ સહુને બંધવજે
પણ છેતરાજે સમજ્યા છતાં તું એકલો.

તારા સુંદર વાજિંત્રો મિત્રોને દઈ દેજે
અને લઈ લે જે તારો તંબુર એકલો.

ચિરજીવીઓને ધરતીના છેડા દઈ દેજે
અને કરી લે જે કાચી મઢૂલી એકલો

તારા હંસોના ટોળામાં સહુને ભેળવજે
પણ બની રહેજે તું તારે કાગ એકલો.

ચૌદ રત્નો મંથનના વિષ્ણુને દઈ દેજે
અને શિવ થાજે સાગર કિનારે એકલો

યશ તારા હાથમાં, વહેંચી દેવો મારા હાથમાં. કોઈ પણ ક્ષેત્રમાં તમે ખૂબ ધનવાન બનો – બુદ્ધિમાં, પ્રતિષ્ઠામાં, ધનમાં – કોઈ પણ રીતે તમે ખૂબ સમૃદ્ધ બનો….. પરંતુ પ્લીઝ, ઉદારતાનો ગુણ ગુમાવવો નહીં. જેણે ઉદારતાનું લક્ષણ ગુમાવ્યું છે એની સંપત્તિ વિપત્તિ માટેનો એક પૂર્વયોજિત શ્રાપ છે. માણસે વહેંચવું જોઈએ. આપણને ક્યાં ખબર છે કે કોની લીધે આપણી પાસે આ બધું આવ્યું છે ? એ રીતે અપજશ વિધાતાના હાથમાં છે. ઘણી વખત અપયશ મળે. ઘણી વખત તમારી બહુ નિંદા થાય, તમારા માટે બહુ જ ગેરસમજો ઊભી કરવામાં આવે, ચિત્ત ડામાડોળ થાય…… પણ આપણને અંદર માંહ્યલામાંથી સૂઝતું હોય કે આપણે બરાબર કરી રહ્યાં છીએ તો એ અપજશથી જરાય ઉદ્વિગ્ન ન થવું એ મારા હાથમાં છે. સત્ય હોય તો સ્વીકારવું, બાકી શું કામ ઉદ્વિગ્ન થવું ? આના માટે હિંમત જોઈએ. મુશ્કેલીઓ પણ બહુ આવે. આ જ સત્ય છે. મને તો સત્યનો જય થાય એ સુત્ર પણ ગમતું નથી. સત્ય ને જય-પરાજય સાથે શું લેવા દેવા ? સત્ય શું એટલું નાનું છે કે પરાજય થાય એટલે નાનું થઈ જાય અને જયજયકાર થાય એટલે મોટું થઈ જાય ? સત્યને આ દ્વંદ્વોની સાથે કંઈ જ લેવાદેવા નથી. ‘સત્યમેવ જયતે’ સુત્ર સારું છે, એને વંદન, પણ ઘણી વખત તો એવું થાય છે કે જેનો જય થયો હોય એ જ સત્ય ગણાય છે ! અપજશમાં જો કોઈ સારી વાત હોય તો પ્રમાણિકપણે સ્વીકારવી જોઈએ. મારું એક સુત્ર છે કે દ્વેષમૂલક નિંદાને મન પર લેવી નહીં અને સંદેશમૂલક નિંદાને વંદન કરીને આવકારવી. દ્વેષમૂલક નિંદા હોય તો આપણે કંઈ ચિંતા કરવા જેવું નથી, બોલનાર એનો પરિચય આપે છે ! સંદેશ હોય તો આપણે પ્રમાણિકતાપૂર્વક સ્વીકારવું જોઈએ જેથી આપણી આગળની યાત્રા સુરક્ષિત થાય. એ પ્રકારની નિંદા કરનાર તો આપણો હિતચિંતક છે. કબીર સાહેબે તો કીધું કે નિંદકોને નજીક રાખો. અપજશ મળે ત્યારે આત્મશોધન કરીને એ દ્વેષમૂલક છે કે સંદેશમૂલક છે એ આપણે જાણી શકીએ. ટૂંકમાં, વચ્ચેના જીવનમાં માણસને જે સિદ્ધિઓ મળે છે એ બાબતમાં હું આવું વિચારું છું.

ત્રણ મુદ્દામાં હવે છેલ્લો મુદ્દો છે આગળના લક્ષ્યાંકોનો. આમ જુઓ તો મારા માટે ત્રણે મુદ્દાઓ નકામા છે ! કારણ કે મને બચપણમાં સપનાં નહીં, યુવાનીની સિદ્ધિઓનો કોઈ રસ નહીં અને મારું આગળનું કોઈ લક્ષ્યાંક જ નહીં ! ગંગાને ખબર જ નથી કે એને દરિયે જવાનું છે, એ તો પહોંચી જાય છે. જે કૃષ્ણમૂર્તિ કહેતા એમ ‘Pathless Path.’ એટલે કે માર્ગ મુક્ત માર્ગ ! ગામડામાં મેં જોયું છે કે વરસાદ પડે અને પાણી આવે ત્યારે રસ્તામાં જો ખાડો આવે તો એ ખાડો ભરાય નહીં ત્યાં સુધી પાણી આગળ ન જાય. સાહેબ, જીવનમાં કોઈ સારા વ્હેણ આવ્યા હોય ત્યારે રસ્તામાં જે અભાવગ્રસ્ત હોય એને ભર્યા વગર આગળ ન જાવું. નહીંતર તો પાણીમાંથીયે ગ્યા ! લક્ષ્યાંક વિશે મને ખબર નથી. શું લક્ષ્યાંક ? કયું લક્ષ્યાંક ? ક્યાં પહોંચવાનું ? શું અત્યારે જ આનંદ નથી ? આ ‘મધ્યે મહાભારતમ’ જેવા વચ્ચેના સમયમાં બહુ આનંદ છે. મારું કોઈ લક્ષ્યાંક નથી. ઘણા મને પૂછે છે કે હવે પછી તમે કઈ કથા કરશો ? ક્યાં જવાનું છે ? શું તમારું લક્ષ્યાંક છે ? ભાઈ, મને કંઈ જ ખબર નથી ! ક્યાં પહોંચવું છે ? ક્યાં આપણે નહોતાં કે ત્યાં પહોંચવું છે ? ઓલરેડી આપણે ત્યાં જ છીએ જ્યાં પહોંચવાનું છે એમ કૃષ્ણમૂર્તિ કહે છે. લક્ષ્યાંકમાં તકલીફ એ છે કે લક્ષ્યાંક સિદ્ધ ન થાય તો આટલી લાંબી સાધના પછી નિરાશા આવે. જગતનું સર્વશ્રેષ્ઠ લક્ષ્યાંક આપણે સિદ્ધ કરેલું છે અને તે એ કે આપણે માનવ તરીકે જીવીએ છીએ. એનાથી મોટું લક્ષ્યાંક કયું ? છતાંય આમાં જે ટોપિક નક્કી કરવામાં આવ્યો છે એના આધારે ભવિષ્યના લક્ષ્યાંક વિશે વિચારોનું વસિયતનામું જો મારે કરવું હોય તો હું એમ કહીશ કે ત્રણ લક્ષ્યાંક છે : સત્ય, પ્રેમ અને કરુણા. હું વર્ષો અગાઉ આના વિશે બોલી ગયો છું. પછી તો વાંચતા વાંચતા મને વિનોબાજીના સૂત્રો મળ્યા કે એમણે ઓલરેડી આ કહી દીધું હતું. મારા મનમાં તો એમનેમ આ વાત આવેલી પરંતુ એક ઋષિની મહોર લાગી ગઈ. લક્ષ્યાંક વિશે જ જો કંઈ કહેવાનું હોય તો એમ કહું કે સત્ય મારા માટે, પ્રેમ તમારા માટે અને કરુણા બધા માટે. સત્ય હંમેશા આપણા માટે હોવું જોઈએ. પ્રેમ બીજા માટે હોવો જોઈએ. પ્રેમ કેવળ પોતા માટે હોય તો કદાચ એનું રૂપ પણ બદલાઈ જાય. તુલસી કહે છે ‘સબ નર કરહીં પરસ્પર પ્રીતિ.’ સત્ય વ્યક્તિ માટે તો પ્રેમ બધા વ્યક્તિત્વો માટે. જેવો માણસ હોય તેવો, એને બસ પ્રેમ કરો. રાજેન્દ્ર શુક્લ કહે છે :

નિષેધ કોઈનો નહિ…
વિદાય કોઈની નહિ….
હું શુદ્ધ આવકાર છું,
હું સર્વનો સમાસ છું.

મારી સામે જે જગત છે એ બધા સાથે હું જોડાયેલો છું એટલે એ સૌ માટે પ્રેમ હોવો જોઈએ. એ જગત મને પ્રેમ આપે ન આપે, એ એની મરજી. દબાણ ન કરી શકાય. એમ થાય તો તો વેપાર થઈ ગયો ! સમગ્ર અસ્તિત્વ પર કરુણા. એમાં જીવ, જંતુ, વૃક્ષો, પહાડ બધા આવી ગયા. એ બધા તરફ જો આપણી કરુણા જાગે ને તો ઘણા પ્રશ્નો ઓછા થઈ જાય. લક્ષ્યાંક માટે જો મારે કહેવું હોય તો હું આ ત્રણ સુત્રો કહું. મારા અનુભવમાં એવું આવ્યું છે કે સત્યથી અભય આવે છે, અભયથી શાંતિ આવે છે. પ્રેમથી ત્યાગ આવે છે અને ત્યાગથી અનંત શાંતિ આવે છે એમ ગીતાએ કહ્યું છે. એવી જ રીતે કરુણાથી અહિંસા આવે છે અને અહિંસામાં કોઈ અશાંત હોય જ નહિ. હિંસક માણસ જ અશાંત હોય. અહિંસક અશાંત હોઈ શકે જ નહિ. એમ જ ઉપનિષદના ‘ૐ શાંતિઃ શાંતિ: શાંતિ:’ એમ ત્રણેય સૂત્રો પૂરા થાય છે. બાકી કોઈ લક્ષ્ય નથી. મારું સત્ય સચવાય, હું બધાને પ્રેમ ને મમતા કરતો રહં’ અને સમગ્ર પર આપણી કરુણા રહે.

આ જો હોય મારું અંતિમ પ્રવચન તો મારે મારા જીવનને ખોલીને કંઈક વાત કહેવાની હતી, તે ઈમાનદારીપૂર્વક આ છે. તમે એનો જે અર્થ કરો તે. મેં પૂરેપૂરું પ્રમાણિક રહેવાની કોશિશ કરી છે અને પૂરેપૂરી પ્રામાણિકતાની આલોચના કરવી એ આપણો સ્વભાવ છે…. એવું પણ બની શકે ! જે હોય તે, એની સાથે મને કોઈ નિસ્બત નથી, પણ અંતિમ પ્રવચનમાં મારી આ વાત છે. આ પ્રવચન શ્રેણીનું પણ આ અંતિમ પ્રવચન છે. ઘણા પૂછતા હતા કે તમે શું બોલશો ? મેં કહ્યું જાવા તો દ્યો ! જે થાય તે ! મારે કંઈ સ્વધ્યાય કરીને બોલવાનું હોતું નથી. મારે તો ‘વન્દે વાણી વિનાયકૌ…’. એને યાદ કરીને હું બોલું છું. જો આપને એમ લાગ્યું હોય કે મેં આ ત્રણેય મુદ્દાને ઈમાનદારીપૂર્વક ન્યાય આપ્યો છે તો હું રાજી છું અને ન માનો તોય હું રાજી જ છું ! કારણ કે લાભ એના હાથમાં છે, શુભ આપણા હાથમાં છે. વિશેષ કંઈ નહીં કહેતા, છેલ્લે એટલું જ કહીશ કે,

દિલ કી ધડકને યે દે રહી હે સદા
જા, કોઈ તેરે ઈન્તજાર મેં હૈ……
જા, ઊઠ બાદે મૈકદા ઓ સાકી
એક ફરિશ્તા ભી તેરે ઈન્તજાર મેં હૈ…..

(આલેખન : મૃગેશ શાહ)

‘જો આ હોય મારું અંતિમ પ્રવચન’ શ્રેણીના અન્ય પ્રવચનો આ પ્રમાણે છે :

[1] જો આ હોય મારું અંતિમ પ્રવચન – અમૃતલાલ વેગડ
[2] જો આ હોય મારું અંતિમ પ્રવચન – દિનકર જોષી
[3] જો આ હોય મારું અંતિમ પ્રવચન – ધીરુબહેન પટેલ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

23 thoughts on “જો આ હોય મારું અંતિમ પ્રવચન – મોરારિબાપુ”

Copy Protected by Chetan's WP-Copyprotect.