વિરહી પુરુષ વિશે કેટલુંક ચિંતન – રતિલાલ બોરીસાગર

[‘અમથું અમથું કેમ ન હસિયે !’ પુસ્તકમાંથી સાભાર.]

[dc]આ[/dc]પણા સાહિત્યમાં વિરહિણી સ્ત્રીની વેદનાનાં ઘણાં વર્ણનો મળે છે. પતિ પરદેશ ગયો હોય અને સ્ત્રી એના વિયોગે ઝૂરતી હોય, પતિના પાછા આવવાની વાટ જોતી હોય એનાં વર્ણનો કરવામાં કવિઓએ પાછું વળીને જોયું નથી. (જૂના જમાનામાં કામધંધાર્થે વતન છોડીને બહાર જવાનું થતું તો એ પરદેશગમન ગણાતું. હજુ હમણાં સુધી મુંબઈથી વતનમાં જવાનું થાય ત્યારે મુંબઈગરાઓ ‘દેશમાં જવું છે’ એમ કહેતા) કવિ દલપતરામે આવી વિરહિણીનું વર્ણન કરતાં કહ્યું છે :

‘નાજુકડી નાર ને નાકમાં મોતી,
પિયુ પરદેશ ને વાટડી જોતી,
ઉડાડતી કાગ ને ગણતી દા’ડા,
એ એંધાણીએ નાગરવાડા.’

જૂની ગુજરાતીમાં પણ આવો એક દોહરો છે :

‘વાયસુ ઉડ્ડાવન્તીઅએ પિઉ દિઠ્ઠઉ સહસત્તિ,
અધ્ધા વલયા મહિહિ ગય, અધ્ધા ફુટ્ટ તડત્તિ.’

પતિ પરદેશ ગયો છે. સ્ત્રી ઊંચા જીવે એની વાટ જુએ છે. આંગણામાં કાગડો બોલે છે. કાગડાનું બોલવું એ એક જમાનામાં (જ્યારે ટેલિફોન બોલતા નહોતા થયા) મહેમાન આવવાનું ઈન્ડિકેશન ગણાતું. આ તો એકદમ મનગમતા મહેમાનના આવવાની વાટ જોવયા છે. રિઝર્વેશનના પ્રૉબ્લેમ ન હતા. ટ્રેન કે ફલાઈટ મોડી થવાના પ્રશ્નો નહોતા તો પણ પતિના આવવાના અણસાર દેખાતા નથી. એટલે ખિજાઈને સ્ત્રી કાગડાને ઉડાડી મૂકવા પથ્થર લેવા નીચે નમે છે. પ્રિયતમના વિરહમાં સ્ત્રી એવી તો દૂબળી થઈ ગઈ છે કે એણે પહેરેલાં અરધાં કંકણ એમ જ જમીન પર પડી જાય છે. ત્યાં સ્ત્રી એકાએક (સહસત્તિ) પ્રિયતમને આવતો જુએ છે. અને ? પ્રિયતમને જોતાં એ એટલી બધી હૃષ્ટપુષ્ટ થઈ જાય છે કે બાકીનાં અરધાં કંકણ તડાક દઈને તૂટી જાય છે !

આની સામે સ્ત્રી પિયરદેશ ગઈ હોય અને પતિ ઘરે હોય ત્યારે પતિને થતી વેદનાનાં કાવ્યો, ગુર્જરગિરાના હે કવિઓ, તમે કેમ લખ્યાં નથી ? કદાચ રડીખડી એકાદ કવિતા મળી આવે (આપણા પ્રથમ પંક્તિના કવિ રાજેન્દ્ર શુક્લે પુરુષના વિરહને વર્ણવતી બારમાસી લખી છે.) પણ આવી થોકબંધ કવિતાઓ ગુજરાતી ભાષામાં કેમ નથી ? જે સ્ત્રી સાથે પોતાને કશી લેવાદેવા નથી એ સ્ત્રીની વિરહવેદના વર્ણવતાં કવિઓ ઝાલ્યા રહેતા નથી, તો પત્ની પિયર જાય ત્યારે કવિઓ ‘આંસુમેં કલમ ડુબોય’ કવિતા લખવા કેમ નથી મંડી પડતા ? આ બહુ મહત્વનો પ્રશ્ન છે. માત્ર સાહિત્યના પ્રશ્ન તરીકે જ નહિ, સામાજિક પ્રશ્ન તરીકે પણ આ મોટો પ્રશ્ન છે. વિરહી પુરુષના વિરહને ન વર્ણવીને પુરુષકવિઓએ જ પુરુષોને ઘણો મોટો અન્યાય કર્યો છે. પણ પુરુષજાતિની મથરાવટી એટલી મેલી છે કે સ્ત્રીના વિરહમાં પુરુષ ઝૂરે – આજના જમાનાનો પુરુષ ઝૂરે એવું માનવા જ કોઈ તૈયાર ન થાય અને ધારો કે ‘બેનિફિટ ઑફ ડાઉટ’ આપીને કોઈ પુરુષ સ્ત્રીના વિરહમાં ઝૂરી રહ્યો છે એવું માની લેવામાં આવે તો એ વખતે કરુણારસ નહિ, હાસ્યરસ જ પ્રગટે. આવા વિરહી પુરુષની સૌ મજાક જ ઉડાવે.

રામનારાયણ પાઠકે એમની ‘જક્ષણી’ વાર્તામાં એક દષ્ટાંત આપ્યું છે : એક નાનો છોકરો મંદવાડથી ઊઠ્યા પછી એક વાર જમવા બેઠો હતો. જમી રહ્યો એટલે એની બાએ કહ્યું : ‘ઊઠ, મોં ધોઉં’ કીકો ઊભો થયો અને રડવા લાગ્યો. કહે, ‘ચલાતું નથી. પગમાં કંઈ થાય છે. કાંટા વાગે છે.’ બેઠેલાં બધાં હસી પડ્યાં. તેને પગે ખાલી ચડી હતી. પાઠકસાહેબ કહે છે : સ્ત્રી પતિને ઘેર મૂકીને બહારગામ જાય છે ત્યારે હૃદયને ખાલી ચડે છે, હૃદય ચાલતું નથી, તેને જરા-જરા કાંટા વાગે છે. અને આપણાથી ન ચલાય તો લોકો હસે છે. પાઠકસાહેબ બહુ ભલા હતા એટલે એમણે માની લીધું કે પતિને ઘેર મૂકીને સ્ત્રી બહારગામ જાય છે ત્યારે પુરુષના હૃદયને ખાલી ચડે છે, હૃદય ચાલતું નથી, તેને જરા-જરા કાંટા વાગે છે. પણ ખરેખર એવું હોય છે ખરું ? આ લેખના પુરુષવાચકો હૃદય પર હાથ મૂકીને આ પ્રશ્નનો ઉત્તર આપે. સ્ત્રી બહારગામ જાય છે ત્યારે પતિના હૃદયને ખાલી ચડતી નથી. હા, પતિનું હૃદય ભરાઈ જાય છે પણ શોકથી નહિ, હર્ષથી. આવી માન્યતા ઘણી પ્રબળ છે અને આજ સુધી પુરુષોએ આ માન્યતાનો વિરોધ કર્યો નથી. આ માન્યતાનો વિરોધ કરવા સરઘસો કાઢ્યાં નથી. આ માન્યતાની સામે સૂત્રો પોકારીને પોતાનાં ગળાં બેસાડી દીધાં નથી. આ માન્યતાને કારણે પોતાની લાગણી દુભાઈ છે, એવું આવેદનપત્ર સમાજકલ્યાણ ખાતાને આપ્યું નથી. એટલે આ માન્યતા સાચી હોવાનું પુરુષોએ પણ લગભગ સ્વીકારી લીધું છે એમ કહેવાય.

આપણા સમર્થ હાસ્યકાર શાહબુદ્દીન રાઠોડ કહે છે કે પુરુષ પત્નીને વળાવવા સ્ટેશને ગયો હોય ત્યારે તેની ખરી કસોટી થાય છે : ભલે કામચલાઉ ધોરણે મળતી પત્નીમુક્તિથી હૃદયમાં થતો અપાર આનંદ હૃદયમાં જ દબાવી રાખવો અને હૃદયમાં જેનું નામનિશાન ન હોય તેવા શોકના ભાવો મોઢા પર પ્રદર્શિત કરવા, ‘તારા વગર મને સહેજે નહિ ગમે, વહેલી-વહેલી આવતી રહેજે’ એવાં કાલાં પણ ઠાલાં વચનો ઉચ્ચારવાં એ જેવીતેવી કસોટી નથી.

થોડા દિવસ પહેલાં મારા મિત્રને ઘરે ગયો હતો. મિત્ર નિવૃત્ત છે. એમનો પુત્ર કૉલેજમાં અધ્યાપક છે. હું ઘેર ગયો ત્યારે મિત્રનો પુત્ર પણ ઘેર હતો. એને ખુશખુશાલ જોઈ મેં પૂછ્યું, ‘કેમ આજે આટલો રિલેક્સ અને પ્રફુલ્લિત દેખાય છે ? વૅકેશન પડી ગયું ?’ મિત્ર બહુ આનંદી સ્વભાવના છે. એમણે કહ્યું, ‘વૅકેશન પડવાને તો હજુ વાર છે. પણ આવતી કાલે પુત્રવધૂ એક મહિના માટે પિયર જાય છે. એટલે પુત્ર આટલો પ્રફુલ્લિત દેખાય છે.’ પુત્રે પણ હસીને જાણે પિતાની વાતનું સમર્થન કર્યું. એણે પિતાના કથનનો રદિયો ન આપ્યો. એટલે શાહબુદ્દીનભાઈ કહે છે તેમ પત્ની બહારગામ જઈ રહી હોય, થોડા સમય માટે મુકમ્મિલ આઝાદી મળવાની હોય ત્યારે હૃદયમાં ઊભરાતો આનંદ હૃદયમાં સમાવવાનું ઘણું અઘરું છે. મુકમ્મિલ આઝાદી એટલે કેવી ? ચરણ ચાંપી મૂછ મરડી કોઈ કાચી ઊંઘે જગાડી દેનાર ન હોય, હવે છાપું મૂકો ને બ્રશનું પતાવો, નાહી લો. એવું કોઈ કહેનાર ન હોય, હવે નાચનખરાં કર્યા વગર જે છે તે ખાઈ લો એવી આજ્ઞા કરનારું કોઈ ન હોય – ‘માંહી પડ્યા તે મહાસુખ માણે’ એવી આ વાત છે. સ્વાનુભવ વગર આ સુખનો અંદાજ આવવાનું મુશ્કેલ છે.

લેખની શરૂઆતમાં જૂની ગુજરાતીનો દોહરો આપ્યો છે તેમાં પતિવિરહે સ્ત્રી એટલી દૂબળી થઈ ગઈ છે કે નીચી નમે છે તો હાથનાં કંગન નીચે જમીન પર પડી જાય છે એવું વર્ણન છે. આની સામે અમારા મિત્રનાં પત્ની પિયર જાય ત્યારે મિત્રનું વજન ખાસ્સું વધી જાય છે. મને એમણે જ કહેલી આ વાત છે એટલે એમાં શંકા કરવાનું કારણ નથી. મિત્રના હેમોગ્લોબિનના પ્રમાણમાં પણ નોંધપાત્ર વધારો થાય છે. ચહેરા પર આવી ગયેલી લાલીને કારણે હર્ષ છુપાવવાનું શક્ય નથી હોતું. આમાં ક્યાંથી કરુણરસનાં કાવ્યો રચાય ? આમાં તો હાસ્યરસને જ અવકાશ છે. કવિ કાન્તનું ‘સાગર અને શશી’ નામે પ્રસિદ્ધ કાવ્ય છે. આ કાવ્યનો આરંભ આવો છે :

‘આજ, મહારાજ ! જલ પર ઉદય જોઈને,
ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે’

મેં આનું પ્રતિકાવ્ય લખવા ધાર્યું છે. એનો આરંભ આવો હશે :

‘આજ મહારાણી ! પિયરઘર જતી જોઈને
પતિના હૃદયમાં હર્ષ જામે.’

પ્રતિકાવ્ય અત્યારે તો આટલું જ લખાયું છે. પણ એ પૂરું થશે. ક્યારે ? પત્ની પિયરઘર જશે ત્યારે !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “વિરહી પુરુષ વિશે કેટલુંક ચિંતન – રતિલાલ બોરીસાગર”

Copy Protected by Chetan's WP-Copyprotect.