એષાનું મન – અવંતિકા ગુણવંત

[‘એક દૂજે કે લિએ’ પુસ્તકમાંથી સાભાર.]

[dc]એ[/dc]ષા અને નક્ષત બેઉ શિક્ષિત, સભ્ય, સંસ્કારી રીતભાત અને સારી ટેવોવાળાં છે. બેઉનાં કુટુંબની સમાજમાં પ્રતિષ્ઠા છે. એષાના પિતા શિક્ષક છે, ટેનામેન્ટ સોસાયટીમાં એમનું મકાન છે. નક્ષતના પિતા એક ધમધોકાર ચાલતા કારખાનાના માલિક છે. ઉદ્યોગપતિને છાજે એવી વૈભવી એમની રહેણીકરણી છે. અદ્યતન સગવડવાળો વિશાળ એમનો બંગલો છે.

એષાને નક્ષત મળ્યાં. પ્રથમ દષ્ટિએ આકર્ષણ જાગ્યું. બીજી વાર મળવાનું નક્કી કર્યું. બીજી વાર સહેજ વધારે અંગત વાતો થઈ અને ત્યારે એકબીજાના ગમા-અણગમાનો ખ્યાલ આવ્યો. એષા ભણતી હતી ત્યારથી એને સાઈકલ વાપરવાની ટેવ હતી. અત્યારેય એને સાઈકલ વાપરવી ગમતી. આવું જાણીને નક્ષત બોલ્યો, ‘અમારા ઘરે તો નોકરોય સાઈકલ નથી વાપરતા. એમને સ્કૂટી લઈ આપ્યા છે.’ નક્ષત જે બોલ્યો એમાં એનું અભિમાન છતું થતું હતું. એની સામે એષાએ કોઈ જવાબ ના આપ્યો પણ એના મનમાં આ વાતની નોંધ તો લેવાઈ જ ગઈ.

નક્ષતના હાથની આંગળીએ હીરાની કિંમતી વીંટી હતી. એષાની આંગળીએ કશું ન હતું. પણ એણે કાનમાં જે બૂટિયાં પહેર્યાં હતાં એ ત્રણ દરવાજા આગળ ફૂટપાથ પર બેઠેલી બાઈ પાસેથી લીધાં હતાં. સાવ સસ્તાં બૂટિયાં. એષાને એ બૂટિયાં શોભતાં હતાં. એષા હતી જ એટલી રૂપાળી કે એ જે પહેરે એમાં શોભી ઊઠે. નક્ષત એષાના રૂપ પાછળ લગભગ ઘેલો થયો હતો પણ એષા રોડસાઈડે મળતાં પાંચ રૂપિયાનાં બૂટિયાં પહેરે એ એને ગમ્યું નહીં. એ બોલ્યો :
‘આવી જંક બુટ્ટી તું પહેરે એ કેવું લાગે ?’
‘કેવું લાગે એટલે ? મને આ બુટ્ટી ગમી એટલે ખરીદી ને પહેરી લીધી.’ એષા બોલી.
‘જે ગમે એ બધું ઓછું પહેરાય છે ? આપણા માન, મોભા, ઘર પ્રમાણે પહેરવું જોઈએ. હું તો આવી બુટ્ટી હાથમાં લઈને જોઉં ય નહીં. આવું પહેરવું કેવું ચીપ લાગે ?’ નક્ષતની કારમાં નક્ષત ને એષા હાઈવે પર લોંગડ્રાઈવમાં નીકળેલાં હતાં. નક્ષતે સાઈકલ અને બુટ્ટી વિશે જે ટીકા કરી હતી એથી એષાનું મન દુભાયેલું હતું. એ વિચારતી હતી નક્ષત સાથે સંબંધ બાંધવો કે અહીં જ અટકી જવું.

વિચારોની ગડમથલથી એ મૌનમાં સરી પડી હતી. એના ચહેરા પરનું હાસ્ય અદશ્ય થઈ ગયું હતું. નક્ષત તો એના મદમાં હતો. એષામાં આવેલા ફેરફાર તરફ એનું ધ્યાન ગયું જ ન હતું. એ બોલ્યો, ‘તમે કેટલાં નસીબદાર છો, હવે તમે મોંઘી મોંઘી ચીજો ખરીદી શકશો. આવી મોંઘી ગાડીમાં ફરી શકશો. હવે કદી ફૂટપાથ પર ચાલવાનો સમય નહીં આવે, આવી જંક જ્વેલરી પહેરવી નહીં પડે.’ આ સાંભળ્યું ને એષા અકળાઈ ઊઠી. અપમાનથી એ પ્રજવળી ઊઠી, પરંતુ એ સંસ્કારી હતી, સંયમ ગુમાવ્યા વગર એ બોલી :
‘મને મોંઘી મોંઘી ચીજો કે ગાડીઓનો કોઈ મોહ નથી. એના વગર મારું કામ ચાલે છે. હું ખુશીથી જીવું છું, પણ મને એ લોકોની દયા આવે છે જેમની દષ્ટિ ભૌતિક ચીજ કરતાં જરાય આગળ જતી નથી. સારું થયું આપણી વચ્ચેના આ તફાવતની ખબર પડી ગઈ. અહીંથી આપણે પાછાં વળીએ.’ એષાએ લાગણીશૂન્ય સૂરમાં કહ્યું. હવે નક્ષતને એષાના બદલાયેલા માનસની ખબર પડી ને એ ચમક્યો.

અત્યાર સુધી તો એ એવું માનતો હતો કે ભલે એષા એમ.એ. થયેલી હોય, રૂપાળી હોય, સંગીત અને નૃત્ય જાણતી હોય, પણ એને અમારા ઘર જેવું પૈસાદાર ઘર અને મારા જેવો જીવનસાથી મળશે એવો તો સ્વપ્નેય ખ્યાલ નહીં હોય. અમે પૈસાનો લોભ રાખતા નથી તેથી આવી મધ્યમવર્ગની કન્યા પસંદ કરીએ છીએ. એ માટે એષા મનોમન મારો આભાર માનતી હશે ને પોતાની જાતને નસીબદાર ગણીને ગૌરવ લેતી હશે. એનાં મા-બાપ આજીવન અમારાં ઋણી રહેશે. એના બદલે આ શું ? એષા ગાડી પાછી વાળવાનું કહે છે. એને કંઈ સમજાયું નહીં. એ બોલ્યો, ‘કેમ મૂડ એકદમ બદલાઈ ગયો ? તબિયત ઠીક નથી ?’
‘તબિયત ઠીક છે અને એ ઠીક રહે માટે હું મારા ઘરે જવા ઈચ્છું છું.’ એષા કડકાઈથી બોલી. એક સંબંધ બંધાતા બંધાતા રહી ગયો. નક્ષતે કોઈ દલીલ ના કરી. ના એણે એષાને સમજવા પ્રયત્ન કર્યો, ના પોતાની જાતને સમજાવવા પ્રયત્ન કર્યો. એષા ભાવનાશીલ હતી. એ માનતી હતી કે જીવનભરના સંબંધનો પાયો પ્રેમ હોવો જોઈએ. પરસ્પરનો પ્રેમ અને અન્યોન્ય માટે આદર.

પ્રેમ મૃદુ હોય છે, પ્રેમ બડાશ મારતો નથી કે અભિમાની કે ઉદ્ધત બનતો નથી. એ તો પ્રિયજનની નાનામાં નાની વાતની દરકાર કરે છે, સૂક્ષ્મમાં લાગણી સમજે છે ને કદર કરે છે. પ્રેમ અતિશય સંવેદનશીલ હોય છે, એ આપવામાં માને છે. એ કદી સ્વાર્થી નથી બનતો કે પોતાને ચડિયાતો નથી માનતો. પ્રેમમાં અહમ ઓગળી જાય છે. પ્રેમ કદી દઝાડતો નથી, વીંધતો નથી, કચડતો નથી, શોષણ નથી કરતો. પ્રેમ તો પૂરક બને, પ્રોત્સાહન આપે, પ્રેરણા આપે. પ્રેમની આવી સમજ હોય તો જ એક અતિ સુંદર, મધુર સંબંધ ખીલે અને બેઉ હૃદય પ્રકાશિત થાય. નક્ષતને એના પૈસાનું એટલું અભિમાન હતું કે જીવનસંગિનીનાં મન અને માન કેમ સાચવવાં એ એને આવડતું ન હતું. આને સંસ્કારિતાની ઊણપ કહેવાય. જીવનસંગિનીનાં મન અને માન સાચવવામાં કદાચ એ માનતોય નહીં હોય. પ્રેમ એક હૃદયથી બીજા હૃદય સુધી પહોંચવાનો સેતુ છે. પ્રેમ અને આદરથી સામા માણસનું દિલ જિતાય છે.

જીવનસાથીની દરેક નાની વાતની કદર કરો. એનાથી જે ખુશી મળે છે એથી ઉત્સાહ વધે છે. વધુ આત્મીયતા અનુભવાય છે. મોંથી એક શબ્દ એવો ન નીકળવો જોઈએ કે જેથી સામી વ્યક્તિની લાગણી ઘવાય. યાદ રાખો કે મન બહુ નાજુક છે. એને નંદવાતા વાર નથી લાગતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

18 thoughts on “એષાનું મન – અવંતિકા ગુણવંત”

Copy Protected by Chetan's WP-Copyprotect.