ઈશ્વરનો અનુભવ – ગાંધીજી

[‘સત્ય એ જ ઈશ્વર છે’ પુસ્તકમાંથી સાભાર.]

[dc]મા[/dc]રે મન સત્ય જ સર્વોપરી છે અને તેમાં અગણિત વસ્તુઓનો સમાવેશ થઈ જાય છે. આ સત્ય તે સ્થૂલ-વાચાનું-સત્ય નહીં. આ તો જેમ વાચાનું તેમ વિચારનું પણ ખરું. આ સત્ય તે આપણે કલ્પેલું સત્ય જ નહીં. પણ સ્વતંત્ર ચિરસ્થાયી સત્ય; એટલે કે પરમેશ્વર જ. પરમેશ્વરની વ્યાખ્યાઓ અગણિત છે, કેમ કે તેની વિભૂતિઓ પણ અગણિત છે. એ વિભૂતિઓ મને આશ્ચર્યચકિત કરે છે. એ મને ક્ષણવાર મુગ્ધ પણ કરે છે. પણ હું પૂજારી તો સત્યરૂપી પરમેશ્વરનો જ છું એ એક જ સત્ય છે અને બીજું બધું મિથ્યા છે. એ સત્ય મને જડ્યું નથી, પણ એનો હું શોધક છું.

એ શોધવાને અર્થે જે વસ્તુ મને પ્રિયમાં પ્રિય હોય તેનો ત્યાગ કરવા હું તૈયાર છું, અને એ શોધરૂપી યજ્ઞમાં આ શરીરને પણ હોમવાની મારી તૈયારી છે અને શક્તિ છે એવો મને વિશ્વાસ છે. પણ એ સત્યનો હું સાક્ષાત્કાર ન કરું ત્યાં લગી મારો અંતરાત્મા જેને સત્ય ગણે છે તે કાલ્પનિક સત્યને મારો આધાર ગણી, મારી દીવાદાંડી ગણી, તેને આશ્રયે મારું જીવન વ્યતીત કરું છું. આ માર્ગ જોકે ખાંડાની ધારે ચાલવા જેવો છે, છતાં મને એ સહેલામાં સહેલો લાગ્યો છે. એ માર્ગે જતાં મારી ભયંકર ભૂલો પણ મને નજીવી જેવી લાગી છે. કારણ કે એ ભૂલો કરતાં છતાં હું બચી ગયો છું અને, મારી સમજણ પ્રમાણે, આગળ પણ વધ્યો છું.દૂર દૂરથી વિશુદ્ધ સત્યની-ઈશ્વરની ઝાંખી પણ કરી રહ્યો છું. સત્ય જ છે, એ સિવાય બીજું કાંઈ જ આ જગતમાં નથી, એવો મારો વિશ્વાસ દિનપ્રતિદિન વધતો જાય છે.

વળી, જેટલું મારે સારુ શક્ય છે તેટલું એક બાળકને સારુ પણ શક્ય છે એમ હું વધારે ને વધારે માનતો થયો છું, અને તેને સારુ મારી પાસે સબળ કારણો છે. સત્યની શોધનાં સાધનો જેટલાં કઠણ છે તેટલાં જ સહેલાં છે. એ અભિમાનીને અશક્ય લાગે અને એક નિર્દોષ બાળકને તદ્દન શક્ય લાગે. સત્યના શોધકને રજકણથી પણ નીચે રહેવું પડે છે. જગત આખું રજકણને કચડે છે, પણ સત્યનો પૂજારી તો રજકણ સુદ્ધાં તેને કચડી શકે એવો અલ્પ ન બને ત્યાં સુધી તેને સ્વતંત્ર સત્યની ઝાંખી પણ દુર્લભ છે.

ઈશ્વરમાં રહેલી આ શ્રદ્ધાનું ચણતર બુદ્ધિથી પર એવી શ્રદ્ધાશક્તિ પર કરવાનું છે. જેને સાક્ષાત્કાર કહેવાય છે એના મૂળમાં પણ, ખરેખર તો, શ્રદ્ધાનો અંશ રહે છે. તે વગર એની સત્યતા પુરવાર ન થઈ શકે. વસ્તુતઃ પણ એમ જ હોવું જોઈએ. પોતાના સ્વત્વની મર્યાદાઓને કોણ ઓળંગી જઈ શકે ? હું એમ માનનારો છું કે, સંપૂર્ણ સાક્ષાત્કાર આ શરીરમાં રહીને અશક્ય છે. અને એની જરૂર પણ નથી. માણસથી પહોંચી શકાય એવી સર્વોચ્ચ આધ્યાત્મિક ઉન્નતિ મેળવવા માટે જીવંત અચળ શ્રદ્ધા એ જ એક જરૂરની છે. ઈશ્વર આપણા આ ભૌતિક ખોળિયાની બહાર નથી. એટલે, કદાચ કાંઈકેય એની બાહ્ય સાબિતી હોય તોપણ તે બહુ કામની નથી. ઈન્દ્રિયો દ્વારા એને અનુભવવામાં તો આપણે હંમેશ હારવાના જ, કેમ કે એ ઈન્દ્રિયાતીત છે. ઈન્દ્રિયજીવનથી પર થઈને જ આપણે એને સ્પર્શી શકીએ. આપણી અંદર સતત દિવ્ય સંગીત ચાલી રહ્યું છે; પરંતુ, કોલાહલ કરતી ઈન્દ્રિયો એ સૂક્ષ્મ સંગીતને ઢાંકી દે છે. આ સંગીત આપણે ઈન્દ્રિયો દ્વારા સાંભળી કે અનુભવી શકીએ તેવી કોઈ પણ ચીજથી ક્યાંય ભિન્ન અને ચડિયાતું છે. મેં એમ જોયું છે ને હું માનું છું કે ઈશ્વર આપણને કદી જાતે દેખાતો નથી; નિરાશાની અંધારીમાં અંધારી પળે તમારા ઉદ્ધારને સારુ તે કર્મસ્વરૂપે કાર્યમાં પ્રગટ થાય છે.

સત્યથી ભિન્ન કોઈ પરમેશ્વર હોય એવું મેં નથી અનુભવ્યું…. મારી સત્યની ઝાંખી હજારો સૂરજને એકઠા કરીએ તોપણ જેના તેજનું પૂરું માપ ન મળી શકે એવા સત્યરૂપી સૂરજના એક કિરણમાત્રના દર્શનરૂપ છે. એનું સંપૂર્ણ દર્શન અહિંસા વિના અશક્ય છે, એટલે હું મારા આજ લગીના પ્રયોગોને અંતે અવશ્ય કહી શકું છું. ઈશ્વરની ઈચ્છાનો કશો ખાસ સાક્ષાત્કાર તો મને નથી થયો. મારી દ્રઢ માન્યતા છે કે ઈશ્વર પ્રત્યેક માણસને અહોરાત્ર સાક્ષાત્કાર આપ્યા જ કરે છે. પણ આપણે આપણા અંતરાત્માના એ ઝીણા અવાજને કાને ધરવાની ના પાડીએ છીએ. આપણે આપણી સામેના અગ્નિથંભ સામે આપણી આંખો મીંચીએ છીએ. મને સર્વત્ર એની સર્વવ્યાપકતાનું ભાન રહ્યા કરે છે.

માણસનું અંતિમ ધ્યેય ઈશ્વરનો સાક્ષાત્કાર છે, અને એની સામાજિક, રાજકીય, ધાર્મિક બધી પ્રવૃત્તિઓ ઈશ્વરદર્શનના અંતિમ ધ્યેયને અનુલક્ષીને થવી જોઈએ. મનુષ્યમાત્રની સેવા એ સાધનામાં એક આવશ્યક અંગ બની જાય છે, કેમ કે ઈશ્વરને પ્રાપ્ત કરવાનો એકમાત્ર રસ્તો એ છે કે એની સૃષ્ટિમાં એને જોવો ને એ સૃષ્ટિની સાથે તાદાત્મ્ય સાધવું. એ તો સૌની સેવા દ્વારા જ બની શકે. ને એ સેવા દેશસેવા વિના બની ન શકે. હું સમસ્ત વિશ્વનો એક અંશ છું, ને માનવજાતિથી ભિન્ન એવી રીતે હું ઈશ્વરને જોઈ ન શકું. મારા દેશબંધુઓ મારા નજીકમાં નજીકના પડોશી છે. એ એવા અસહાય, એવા નિર્ધન, એવા નિષ્ક્રિય બની ગયા છે કે મારે મારી બધી શક્તિ એમની સેવામાં વાપરવી જોઈએ. હિમાલયની ગુફામાં મને ઈશ્વર જડે એવું મારા મનમાં વસી જાય તો હું તરત ત્યાં ચાલ્યો જાઉં. પણ હું જાણું છું કે માનવજાતિથી ભિન્ન એવી રીતે હું ઈશ્વરને જોઈ નહીં શકું.

આપણી આસપાસ જે અભેદ્ય અંધકાર વ્યાપેલો છે તે આપત્તિ નથી પણ આશીર્વાદ છે. એણે આપણને એક ડગલું આગળ જોવાની શક્તિ આપી છે, ને એ પ્રેમળ જ્યોતિ આપણને એ એક જ ડગલું જોવા દે તો આપણે માટે બસ હોવું જોઈએ. તો પછી આપણે ‘પ્રેમળ જ્યોતિ’ના કવિની જેમ ગાઈ શકીએ, ‘મારે એક ડગલું બસ થાય.’ અને આપણે ભૂતકાળના અનુભવ પરથી ખાતરી રાખીએ કે એક ડગલું ભર્યા પછી બીજું ડગલું આપણને દેખાશે જ. બીજા શબ્દોમાં કહીએ તો આ અભેદ્ય અંધકાર આપણે કલ્પીએ એટલો અભેદ્ય નથી. પણ જ્યારે આપણે અધીરા થઈને એ એક ડગલાની આગળ જોવા માગીએ છીએ ત્યારે એ અભેદ્ય જણાય છે.

તમે ને હું આ ઓરડામાં બેઠા છીએ એ વાતની મને જેટલી ખાતરી છે એના કરતાં વધારે ખાતરી ઈશ્વરના અસ્તિત્વ વિશે છે. વળી હું તમને મારી એ સાક્ષી પણ આપી શકું છું કે કદાચ હવા ને પાણી વિના જીવી શકું પણ ઈશ્વર વિના ન જીવી શકું. તમે મારી આંખો ભલે ફોડી નાખો, પણ એથી હું મરી નહીં જાઉં. તમે મારું નાક કાપી નાખો, પણ એથી હું મરી નહીં જાઉં. પણ તમે મારી ઈશ્વર વિશેની આસ્થા ઉડાડી દો, તો મારા બાર વાગી જવાના. તમે આને વહેમ કહેવો હોય તો ભલે કહો, પણ હું કબૂલ કરું છું કે એ વહેમ સેવવો મને ગમે છે, જેમ હું નાનો હતો ત્યારે કંઈક ડર આવી પડે ત્યારે હું રામનામ લેતો. મારી એક ઘરડી દાઈએ મને એ શીખવેલું.

આ પૃથ્વી પર મારી પાસે કામ લેનારા મેં જે જે જાણ્યા છે તેમાંનો સૌથી કરડો ને સખતમાં સખત ધણી ઈશ્વર છે. તે તમારી પૂરેપૂરી તાવણી કરે છે. અને જ્યારે તમને લાગે કે તમારી શ્રદ્ધા ડગી જવાની અણી પર છે અથવા તમારું શરીર તૂટી જવાની અણી પર છે અને તમે છેક હારી જવાની અણી પર હો ત્યારે તે ગમે તે રીતે તમારી વહારે ધાય છે અને તમને ખાતરી કરાવી આપે છે કે તમારી શ્રદ્ધા ગુમાવવાની હોય નહીં અને ધા નાખો કે વહારે દોડી આવવાને તૈયાર ઊભો છે; તમારી વહાર જોકે તે તમારી નહીં પણ તેની પોતાની શરતે કરશે. આ મારો અનુભવ છે. છેક છેવટની ઘડીએ તેણે મને તરછોડ્યો હોય એવો એક પણ દાખલો મને યાદ આવતો નથી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

8 thoughts on “ઈશ્વરનો અનુભવ – ગાંધીજી”

Copy Protected by Chetan's WP-Copyprotect.