ગીત પૂરું થાય તે પહેલા…. – હર્ષદ દવે

[‘પલ દો પલ’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. આજે એક જ લેખ પ્રકાશિત કરવામાં આવ્યો છે, જેની નોંધ લેશો.]

[dc]રો[/dc]જિંદી એકધારી જિંદગીથી કંટાળીને ઘણા લોકો નવાં આયોજનો કરે છે. એવાં આયોજનોમાં પ્રવૃત્ત થવું એ તેમની આદત નથી હોતી તેથી તેને વિશે તેમણે બહુ વિચાર પણ કર્યો હોતો નથી. તેથી તેઓને તેમની નિયમિતતાથી અલગ થવું આમ તો ગમતું હોતું નથી.

એક રાત્રે ભોજન સમયે હું સ્ત્રીઓને ભોગવવી પડતી હાડમારી અને મુશ્કેલીઓ વિશે વિચારી રહ્યો હતો. પત્નીનું પીરસવાનું કાર્ય ચાલતું હતું. મારા વિચારોનો ટૂંકો સાર મારા મનમાં એવો આવ્યો કે હવે પછીથી મારે વધારે કટકટ કર્યા વગર થોડું ચલાવી લેવું જોઈએ. મેં મનોમન તેમ કરવાનું નક્કી કર્યું. સહનશીલતાની મર્યાદા ઓળંગી જવાય તેટલી હદે ઘણી સ્ત્રીઓ સહન કર્યે જતી હોય છે. ઘણીવાર સ્ત્રીઓને દિવસભરના ઢસરડામાંથી થોડી રાહત મેળવવા માટે ક્યારેક રાત્રે બહાર જમવા જવાનું મન થતું હોવા છતાં મન મારીને ઘરકામ ચાલુ રાખવું પડતું હશે ? શું ‘હતોત્સાહ થઈ જવું’ કે ‘ઠંડા પડી જવું’ જેવા શબ્દોનો તમારે મન કોઈ જ અર્થ નથી ?
તમે કેટલીકવાર એવું નોંધ્યું છે કે જ્યારે તમારો પુત્ર કે તમારી પુત્રી ઉત્સાહભેર તમારી સાથે કોઈ વાત કરવા ઈચ્છે ત્યારે તમે ટી.વી. જોવામાં એટલા મશગૂલ થઈ ગયા હો કે તેણે તમારી પાસેથી ઉદાસ ચહેરે ચૂપચાપ પોતાની વાત રજૂ કર્યા વગર સૂઈ જવું પડ્યું હોય ? મેં કેટલીય વાર મારી બહેનને કહ્યું હશે, ‘અડધી કલાકમાં જમવાનું મળશે ?’ તેનો મગજનો પારો ઝડપથી ઊંચે ચડી જાય અને બબડે, ‘ના મારે કપડાં ધોવાનાં છે. મારે સ્નાન કરવાનું બાકી છે. ગઈકાલે હું માથું ધોવાની હતી, પણ સમય ન મળ્યો. મેં નાસ્તો પણ નથી લીધો. ગઈકાલે બુધવારે પણ એવું જ બન્યું હતું. હવે વરસાદ પડશે એવું લાગે છે.’ અને તેનો રોષ ઠંડો પાડવા હું મારી પ્રિય યુક્તિ અજમાવતો : ‘પણ આજે તો શુક્રવાર છે !’ તે થોડાં વર્ષો પહેલાં જ મૃત્યુ પામી. કેટલાં વર્ષો તેણે વૈધવ્યમાં ગાળ્યાં ? મને યાદ નથી અમે ક્યારે સાથે બેસીને જમ્યા હોઈશું. જાણે મારા એકલા પર જ દુનિયાભરનો બોજ હોય તેમ હું વર્તતો હતો. ‘હવેથી’ એ શબ્દને મુદ્રાલેખ બનાવી મેં કેટલીયે વાર મારી ખોટી રીતનાં વર્તનને પોષ્યા કર્યું છે. જ્યારે મુન્ની થોડી મોટી થઈ જશે ત્યારે આપણે દાદા-દાદીને મળવા જઈશું, આપણા ઓરડાને રંગ-રોગાન કરાવી લઈએ પછી આપણે ‘નાટક’ જોવા જઈશું. હજુ એક સંતાન થઈ જાય પછી આપણે કાશ્મીર ફરવા જઈશું. પણ ‘પછી’ ક્યારેય ‘આજે’માં બદલાતું જ નથી.

જીવન તો વેગથી ચાલતું જ રહે છે. દિવસો ઓછા થતા જાય છે અને ‘હવેથી હું આમ કરીશ’ એવા ખુદને આપવાં પડતાં વચનોની સંખ્યા વધતી જ રહે છે. એક સવારે સફાળા જાગીને આપણે ‘હવે હું… આમ કરવાનો છું’, ‘હું વિચારું છું કે….’, ‘ક્યારેક તો પરિસ્થિતિ આપણી મરજી મુજબનો વળાંક લેશે જ.’ જેવા વિચારોથી ખુશ થઈ જતાં હોઈએ છીએ ! પત્ની કહે છે : ‘તક ઝડપી લો, આજે ફરવા જઈ શકાય તેમ છે.’ તે ખુલ્લા દિલથી કહે છે, સાવ સ્વાભાવિકપણે તેનો ઉત્સાહ મને પણ ઉત્સાહિત કરે છે. પછી ? તેની સાથે પાંચ મિનિટની વાતચીત અને મુન્ની માટે ‘વોકર’ લાવવા માટે અમે બન્ને સહમત થઈ જઈએ છીએ. ઘણીવાર તે કહે : ‘મેં દસ વર્ષથી આઈસ્ક્રીમ ચાખ્યો જ નથી. મને આઈસ્ક્રીમ બહુ જ ભાવે.’ એક દિવસ હું સારી પેઠે આઈસ્ક્રીમ લઈને ઘરે આવ્યો. સાચ્ચે જ ! જો ઘરે આવતાં અકસ્માતમાં મારું મોત થાય તો હું ખુશીથી મરી શકત એટલો આનંદ મને તે દિવસે થયો હતો !

અરે ભાઈ ! હવે ઘરે જાઓ અને તમારો આજનો દિવસ સારી રીતે ગાળો ! તમે જે કરવા ઈચ્છતા હોત તે કરો… પણ તેને ‘હવે પછી કરીશ’ની યાદીમાં ન મૂકી દો ! તમારા અંતિમ શ્વાસ ચાલતા હોય અને તમારે એક જ ફોન કરવાનો હોય, તમે કેવળ એક જ વ્યક્તિ સાથે વાત કરી શકો તેમ હો તો તમે કોને ફોન કરશો ? શી વાત કરશો ? તમે કોની રાહ જોશો ? શા માટે ? દિવસ પૂરો થઈ ગયો હોય, તમે પથારીમાં સૂવાની તૈયારી કરતા હો ત્યારે શું તમારા દિલોદિમાગ પર અનેક પ્રશ્નો છવાઈ જાય છે ? શું તમે તમારા બાળકને હંમેશાં એમ જ કહો છો કે : ‘કાલ આપણે આમ કરશું.’ અને તમારી ભાગદોડની ધમાલમાં તેના ચહેરા પર છવાઈ જતી ઉદાસી તમે જોતા જ નથી ? શું તેનો અને તમારો સ્નેહનો તાંતણો તૂટી ગયો છે ? ભલેને સુંદર મૈત્રીનું મૃત્યુ થતું, એવું થાય છે ? માત્ર ‘કાં કેમ છે ?’ જેવા અર્થહીન પ્રશ્નોની આપ-લે પૂરતો જ સંબંધ રહ્યો છે ?

તમે જ્યારે જીવનની ઘટમાળમાં તમારો દિવસ ચિંતા અને દોડધામમાં ગાળો છો ત્યારે એવું બને છે કે ઈશ્વરે આપેલી જીવનની અણમોલ બક્ષિસનું બોક્સ ખોલ્યા વગર જ તમે સમય ગાળો છો. જાણે કે તમે તેની અવગણના કરો છો. જીવન કોઈ સ્પર્ધાનું મેદાન છે ? બિલકુલ નથી. જરા ધીરજપૂર્વક જીવો. ગીત પૂરું થઈ જાય તે પહેલાં તેનું મધુર સંગીત તો સાંભળો !

[કુલ પાન : 128. કિંમત રૂ. 100. પ્રાપ્તિસ્થાન : પ્રવીણ પ્રકાશન પ્રા. લિ. લાભ ચેમ્બર્સ, મ્યુ. કોર્પો. સામે, ઢેબર રોડ, રાજકોટ. ફોન : +91 281 2232460.]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “ગીત પૂરું થાય તે પહેલા…. – હર્ષદ દવે”

Copy Protected by Chetan's WP-Copyprotect.