પાંદડે પાંદડે દીવા – સં. મહેશ દવે

[‘પાંદડે પાંદડે દીવા’ પુસ્તકમાંથી સાભાર.]

[1] બે રત્નો

ગૌતમભાઈ સંસારી સાધુ જેવા હતા. સંસારમાં હતા તોય લાલસા કે લોલુપતા નહોતી. પ્રામાણિક રીતે પોતાનો ધંધો કરી ઘર સારી રીતે ચાલે એટલું કમાઈ લેતા. તેમનાં પત્ની શોભનાબહેન પણ ધર્મપરાયણ અને સરળ સ્વભાવનાં હતાં. દંપતીને બે પુત્રો હતા. બંને ભણવામાં હોશિયાર. ગૌતમભાઈને એક વાર ‘માસિવ હાર્ટઍટેક’ આવી ગયેલો, પણ ઈશ્વરકૃપાથી ઊગરી ગયેલા. ડૉક્ટરોએ તેમને કાળજીપૂર્વક જીવવાની સલાહ આપેલી.

એક વાર ગૌતમભાઈ ધંધાના કામ માટે બે-એક મહિના પરદેશ ગયા. તેમના ગયા પછી પંદરેક દિવસમાં જ તેમના બંને પુત્રો અકસ્માતમાં મૃત્યુ પામ્યા. શોભનાબહેનને માથે આભ તૂટી પડ્યું પણ તેમની ઈશ્વરશ્રદ્ધા, મજબૂત મનોબળ અને સગાં-સંબંધીઓનો સહવાસ- આશ્વાસનથી તે આઘાત સહી શક્યાં. એમની ચિંતા એ હતી કે ગૌતમભાઈને જાણ કેવી રીતે કરવી ? તેમને એકાએક ટેલિફોન કે પત્ર મળે તો તેમની શી દશા થાય ? પારકે પરદેશ એમને ‘હાર્ટઍટેક’ આવી જાય તો ? ગૌતમભાઈ પાછા આવે પછી જ તેમને જણાવવું એવું શોભનાબહેને નક્કી કર્યું. ઈશ્વરને એ રોજ પ્રાર્થના કરતાં કે ગૌતમભાઈને જાણ કરવાનો રસ્તો સુઝાડે અને ખરેખર ઈશ્વરે રસ્તો સુઝાડ્યો.

ગૌતમભાઈ આવ્યા. શોભનાબહેનને ભેટી પડ્યા. ઘરના ખબર-અંતર પૂછ્યા અને તરત છોકરાઓ કેમ દેખાતા નથી, તેની ફરિયાદ કરી. શોભનાબહેને કહ્યું કે બંને મજામાં છે. શિક્ષણ માટેની ખાસ સફરે ગયા છે. રાત સુધીમાં આવી જશે. ગૌતમભાઈ અને શોભનાબહેન જમવા બેઠાં. ગૌતમભાઈએ વિવિધ અનુભવોની વાત કરી. શોભનાબહેને વાતવાતમાં કહ્યું કે એક ખાસ વાત કરવાની છે. મારી એક બહેનપણી મને બે સુંદર હીરા સાચવવા આપી ગઈ છે. મને હીરા બહુ ગમી ગયા છે. મારે એ પાછા આપવા નથી. તે માટે કોઈ રસ્તો બતાવો. શોભનાબહેનની વાતથી ગૌતમભાઈ ડઘાઈ ગયા. શોભનાબહેનને કદી આવું વિચારતાં તેમણે જોયાં નહોતાં. તેમણે કહ્યું, ‘તું આ કેવી વાત કરે છે ? આ તો ચોરી કહેવાય. બહેનપણી માગે ત્યારે હીરા પાછા આપી જ દેવા જોઈએ.’ શોભનાબહેનની આંખોમાંથી આંસુનો ધોધ વહ્યો, ‘ગૌતમ આપણને પણ ભગવાને બે રત્ન જેવા દીકરા સાચવવા આપ્યા હતા. ઈશ્વરે હવે તે પાછા લઈ લીધા છે. ઈશ્વર આપણી કસોટી કરવા માગતો હશે.’ શોભનાબહેને દીકરાઓના અકસ્માત-મૃત્યુની વાત કરી. પતિ-પત્ની એકબીજાને ભેટીને ખૂબ રડ્યાં, પણ ઈશ્વર તરફની બેઉની શ્રદ્ધા એવી જ રહી.

આપણા પ્રિયજનને મૃત્યુ છીનવી લે તે બહુ આકરી બાબત છે, પણ ઈશ્વરે જે આપેલું તે ઈશ્વર પાછું લઈ લે એમ માની સહન કરી લેવાથી શ્રદ્ધા ટકી રહે છે. સર્વ નાશવંત છે, ઈશ્વર કસોટી કરે છે એમ મન વાળવું જોઈએ. નહીં તો જીવનમાં નિરર્થક વિષાદ છવાઈ જાય છે.
.

[2] અર્થનો અનર્થ

નાનું એવું ગામ હતું. ગામની બહાર એક સૂફીસંત રહેતા હતા. એમની ઝૂંપડીમાંથી દિવસે એ ભાગ્યે જ બહાર નીકળે. સાંજ પડે ત્યારે બહાર ઓટલે બેસે. આવેલા ગામલોકો સાથે સાદી-સીધી વાતો કરે. ગામમાંથી કોઈ ને કોઈ એમને રોજ જમવાનું પહોંચાડતું. ક્યારેક જમવાનું વધારે આવી જાય તો પશુપક્ષીઓને ખવડાવી દે. ક્યારેક જમવાનું ન આવે તો એના વગર ચલાવે. ગામલોકમાંથી કોઈ મૂંઝવણ રજૂ કરે તો એ સંસારી માણસને અનુકૂળ પડે એવી સલાહ આપે.

ગામમાં દામજી નામે દરજી હતો. હમણાં હમણાં એની સ્થિતિ બગડી હતી. લોકો નજીકના શહેરમાંથી તૈયાર કપડાં લાવતા થયા હતા. વળી, ટેરિલીન અને ટેરિકોટનનાં કપડાં ફાટતાં નહીં તેથીય ઘરાકી ઓછી થઈ હતી. મોંઘવારી વધતી જતી હતી. છોકરાં મોટાં થતાં જતાં હતાં તેમ ખર્ચા વધતા જતા હતા. દામજી સૂફીસંત પાસે ગયો અને પોતાની વીતકકથા કહી. દામજી કરગરી પડ્યો. ‘સાહેબ, મારું દુઃખ દૂર કરવા કંઈક સલાહ આપો.’ સૂફીસંતે સલાહ આપી, ‘ભાઈ રોજ પ્રાર્થના કર. ફુરસદનો બધો સમય પ્રાર્થનામાં ગાળ. ઈશ્વર સંકેતથી રસ્તો બતાવશે.’

દામજી રોજ પ્રાર્થનામાં સમય ગાળવા માંડ્યો. ત્રીજે દિવસે જ એને સપનું આવ્યું. સપનામાં એને સૂચવવામાં આવ્યું, ‘જંગલમાં જા, ત્યાં તને અજબ દશ્ય જોવા મળશે. એના પરથી શીખ લેજે.’ બીજે દહાડે સવારે દામજી જંગલમાં ગયો. આખો દિવસ રખડ્યો, પણ કંઈ જોવા મળ્યું નહીં. થાકીને સાંજે એક ઝાડ નીચે બેઠો ત્યાં જ એણે એક આશ્ચર્યજનક દશ્ય જોયું. ચારે પગ કપાઈ ગયા હતા એવું એક વરુ બે ખડક વચ્ચે ઠંડકવાળી જગ્યામાં પડ્યું હતું. વરુ ખાસ્સું તગડું હતું. દામજીને અચંબો થયો. આ વરુ કેવી રીતે ટકી રહ્યું હશે ! વરુ કેવી રીતે જીવી રહ્યું છે એ જોવા દામજી ત્યાં બેસી રહ્યો. થોડી વારમાં એક સિંહ ત્યાં આવ્યો. તેણે વરુના મોં પાસે તાજું માંસ મૂક્યું. આ દશ્યનો સંકેત પોતે સમજી ગયો છે એમ માની દામજી તો ઘેર ઊપડ્યો.

દામજી સમજ્યો કે ઈશ્વર પર શ્રદ્ધા રાખીને બેસી રહેવું. ઈશ્વર બધું આપશે. દાંત આપ્યા છે તે ચવાણું આપશે. એક દિવસ ગયો. દામજી ધીરજ રાખી બેસી રહ્યો. એમ કરતાં સાત દિવસ થયા. ન મળ્યું કંઈ ખાવાનું કે ન મળ્યું સુખ. દામજી તો દૂબળો ને નબળો થઈ ગયો. તેને ફરી સપનું આવ્યું. કોઈ દિવ્ય વ્યક્તિ દેખાઈ. તેણે કહ્યું : ‘મૂરખ, તારે વરુ પાસેથી નહીં, સિંહ પાસેથી શીખવાનું હતું. તારી ચિંતા કર્યા વગર બીજાનું કામ કર, ઉદાર થા, ઉપકાર કર. આપોઆપ બધાં સારાં વાનાં થઈ જશે.’

માણસ ઘણી વાર અર્થને બદલે અનર્થ કરે છે. પોતાને મનગમતો અર્થ કરી ખત્તા ખાય છે. માત્ર શ્રદ્ધાથી ન ચાલે, યત્ન અને સદભાવ પણ જોઈએ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “પાંદડે પાંદડે દીવા – સં. મહેશ દવે”

Copy Protected by Chetan's WP-Copyprotect.