જોઈએ છે સર્વાંગ સુંદર વિવાહવિધિ – મીરા ભટ્ટ

[‘જન્મભૂમિ-પ્રવાસી’ અખબારમાંથી સાભાર. આપ મીરાબેનનો (વડોદરા) આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9376855363.]

[dc]દ[/dc]ર બે-ચાર વર્ષે આવો પ્રસંગ અચૂક આવે છે, જ્યારે લગ્ન કરવા ઈચ્છતું યુગલ અથવા તો એમનાં માતાપિતા અમારી પાસે માગણી કરે કે ચીલાચાલુ પદ્ધતિથી નહીં, પણ નવયુગને લાયક એવી કોઈ પદ્ધતિ દ્વારા અમારાં લગ્ન કરાવે. પુરાતન અને અદ્યતન યુગના સમ્યક વિચારોને સાંકળી લઈ નવયુગલને સુંદર સહજીવનની પ્રેરણા આપે તેવી, સમજાય તેવી કોઈ નૂતન-વિવાહ-પદ્ધતિ એ આજના યુગની માગ છે.

સહજ-સ્વાભાવિક છે કે માણસને કુળપરંપરા દ્વારા જે ધર્મ પ્રાપ્ત થયો હોય, તે ધર્મની લગ્નવિધિ માણસ પસંદ કરે. વૈદિક વિવાહપદ્ધતિ સંસ્કૃતના શ્લોકોના ઉચ્ચારણ સાથે થાય છે અને ગોર મહારાજ અગડંબગડં એવું કાંઈ બોલતા રહે છે. સૌ આટલો જ અર્થ તારવે છે કે- વર મરો યા કન્યા મરો, પણ ગોર મહારાજનું તરભાણું ભરો ! લગ્ન જેવો જીવનનો અત્યંત મહત્વનો પ્રસંગ, જીવનમાં લગભગ એક જ વાર આવતો અવસર ! આનંદ તો હોય જ, થોડીક ગંભીરતા, સજીવતા, પ્રફુલ્લિતતા પણ ઉમેરાય તો પ્રસંગ દીપી ઊઠે. અવસર સાચા અર્થમાં ઉત્સવ, એટલે કે ઊંચે લઈ જતો અવસર સિદ્ધ થઈ શકે.

ગયા વર્ષે, જાણીતી ફિલ્મ-કલાકાર નંદિતા દાસનો લગ્નવિધિ અત્યંત આગ્રહને વશ થઈ, વર્ષાબહેન સાથેના પારિવારિક મિત્રધર્મનું પાલન કરવા ખાતર મારા પતિ અરુણભાઈએ નિભાવેલી, પરંતુ તાજેતરમાં જ ગોવાથી કોઈ દક્ષિણી કન્યાની હઠભરી માગ આવીને ઊભી રહી ત્યારે થયું કે વર્તમાન સમાજને પૂર્ણ સમાધાન થાય તેવી કોઈ નૂતન વિવાહવિધિ પૂરી પાડવી એ સમાજધારકો અને સાહિત્યકારોની અનિવાર્ય ફરજ છે. માત્ર નંદિતાના નહીં, અગાઉ બીજા અનેક પ્રસંગોએ વિધિનો પ્રશ્ન ઊઠ્યો જ છે. જે તે પ્રસંગે થોડા થીંગડથાગડ કરી, આમ તેમ ઉમેરણ-બાદબાકી કરી પ્રસંગને પાર પાડ્યા છે. પણ ચિત્તને પૂરું સમાધાન નથી થયું. ગાંધીજીના સત્યાગ્રહ-આશ્રમમાં પણ પવિત્ર વાતાવરણમાં લગ્નવિધિ થાય તેવી માગ ઊભી થયેલી. 1936માં બાપુએ કાકાસાહેબ પાસે માગણી મૂકી કે- હવે સમય પાકી ગયો છે, જ્યારે આપણે ધર્મશાસ્ત્રને અનુસરીને, અત્યંત આવશ્યક બાબતોને સમાવીને એક નવી વિવાહવિધિ તૈયાર કરીએ, જે સૌ માટે એકસરખી હોય ! કોઈ પણ જાતના વિશેષ ખર્ચ વગર, ઘણાં બધાં સગાંવહાલાંને ભેગાં કર્યા વગર, અત્યંત સાદગીપૂર્વક એક જ દિવસમાં વિવાહ સંપન્ન થઈ જવા જોઈએ.’

કાકાસાહેબને કામ સોંપાયું અને એમની મદદમાં વિનોબાજી અને વાઈના તર્કતીર્થ લક્ષ્મણશાસ્ત્રીને પણ કાકા સાથે જોડી દેવાયા. આ વિદ્વાન ત્રિપુટીએ જુદાજુદા પ્રદેશોની અનેક વિવાહપદ્ધતિઓ તપાસી જોઈ. એમાંથી જરૂરી ચીજો સંઘરી, બિનજરૂરી દૂર કરી. છેવટે એક નાનકડી વિવાહ-વિધિ તૈયાર કરી, જેમાં કન્યાદાન-વિવાહ-હોમ-લાભ-હોમ, સપ્તપદી જેવી મહત્વની વિધિઓ કાયમ રાખી. સ્વાભાવિક છે કે ‘કન્યાદાન’ અંગે ખળભળાટ ઊભો થાય. આ ત્રિપુટીના મનમાં પણ શંકા હતી જ, પરંતુ શાસ્ત્રો તરફ જોવાની વિધાયક દષ્ટિને કારણે એમને શાસ્ત્રોમાં એક સ્થળે ‘કન્યાદાન’ને બદલે ‘સમાશ્રય વિધિ’ મળી, જેમાં યુવક કન્યાના પિતા પાસે જઈને કહે છે કે- ‘ધર્મ, અર્થ, કામ (વિવિધ પુરુષાર્થ)ની સિદ્ધિ માટે હું આપની કન્યાનો આશ્રય લેવા ઈચ્છું છું, એમાં આપની અનુમતિ જોઈએ છે.’ ધર્મ-અર્થ-કામના ક્ષેત્રમાં દીકરીની પ્રતારણા ન કરવાની પ્રતિજ્ઞા જમાઈ પાસે કરાવી કન્યાના પિતા પોતાની સંમતિ આપે છે. ત્રિપુટીને આ વિધિ ગમી. કન્યાદાન વિધિમાં કન્યાના પિતા જમાઈને કહે છે : ‘વચન આપો કે ધર્મ, અર્થ, કામ આ ત્રણેય બાબતોમાં તમે મારી દીકરીની પ્રતારણા નહીં કરો !’ વર ત્રણ વખત વચન આપે છે : ‘नातिचरामि, नातिचरामि, नातिचरामि !’ કન્યાદાનની વિધિ સાર્વભૌમ છે. વળી, વિનોબાએ કહ્યું કે કન્યાદાનની વસ્તુ ન માનવી. દાનનો અર્થ માત્ર ‘દેવી’ એટલો જ સમજવો. વળી, કોઈ પણ બે વ્યક્તિ સાત પગલાં ચાલે તો મૈત્રી થઈ જાય એ રીતે सप्तपदेषु सख्यम ને સ્વીકારી ‘સપ્તપદી-વિધિ’ને સ્વીકારી, વિવાહને અતૂટ અને પૂર્ણ મનાયો.

આશ્રમ-પદ્ધતિની આ વિવાહ વિધિમાં વરવધૂ, નાહી, ધોઈ, સ્વચ્છ ખાદીનાં વસ્ત્ર પહેરી પંચ મહાયજ્ઞ માટે તૈયાર થાય, તે પહેલાં ભૂમિ-પૂજન અને ગોપૂજન કરી લે, જેમાં ભૂમિને સમથળ કરી, કાંટા-જાખરાં-તરણાં કાઢી સ્વચ્છ કરી, કૂવામાંથી પાણી સીંચે. વનસ્પતિપૂજન માટે ક્યારી બનાવી તેમાં પાણી સીંચી કોઈ ક્યારાનું કે વૃક્ષનું પૂજન કરે. ગોપૂજન માટે ગૌશાળાને સાફ કરી, ગાયને પણ નવડાવી-લૂછી, સ્વચ્છ કરી એની સામે ઘાસની પૂળી ધરવી. ચોથું તકલી-પૂજન. જેમાં તકલી કે રેંટિયા પર સૂતર કાંતવું. છેલ્લે ગીતા-પૂજન, જેમાં ગીતાના બારમા અધ્યાયનો શ્રદ્ધાપૂર્વક પાઠ કરવો. ત્યાર પછીની વિગતોમાં ન જતાં, મંગલાચરણ, ગણપતિપૂજન, પાણિ-ગ્રહણ, અગ્નિવેદી, વરને વસ્ત્રદાન, કન્યા-સંપ્રદાન, કન્યા સમાશ્રયની વિધિ આવે છે. વિવાહ હોમ પત્યા પછી લાજા હોમ થાય છે, જેમાં વરવધૂને પૂર્વ દિશામાં ઊભાં રાખી, વધૂની અંજલિમાં વધુનો ભાઈ ડાંગર અને ફૂલ આપે છે. ત્યાર બાદ અગ્નિની સામે ચાર મંગલફેરા ફેરવાય છે. અંતે સપ્તપદી આવે છે, જેમાં વરરાજા કન્યાને જુદાજુદા સાત પદે સાત જુદીજુદી પ્રતિજ્ઞા લેવડાવે છે. ત્યાર બાદ આસન પર વધૂ વર પાસેનું વામાપદ પામે છે. અંતે સૂર્ય યા ધ્રૂવ-અરુધંતીના તારાનું દર્શન આવે છે. પરિસમાપ્તિમાં વડીલોના આશીર્વાદ લીધા બાદ ગુરુજન દ્વારા આશીર્વાદરૂપે બે વચન કહેવાની વિધિ સંપન્ન થાય.

ગાંધીજીને આ શાસ્ત્રોક્ત વિધિ ગમી, પરંતુ એમણે કહ્યું કે- આ તો વૈદિક વિધિ થઈ, પરંતુ અન્ય ધર્મોના લોકો માટે નવી વિધિ જરૂરી છે, તે હું બનાવીશ.’ આ સંકલ્પ મુજબ ગાંધીજીએ પણ નવી વિવાહવિધિ તૈયાર કરી, જેમાં સપ્તપદીને બદલે ‘સપ્ત-યજ્ઞ’ રાખ્યા. યજ્ઞપૂર્તિ પછી વરવધૂ સાથે પ્રશ્નોત્તરની વિધિ થાય. અંતે હાથે કાંતેલી સૂતરની આંટી વરવધૂને પહેરાવાય. છેવટે રામધૂન લેવાય. સ્વાભાવિક જ છે કે ગાંધીજીના લખાણમાં એક પતિ-પત્ની વ્રત તથા સંયમ, સેવા તથા ત્યાગભાવનો સમાવેશ હોય જ. તદુપરાંત, વરવધૂ સ્ત્રીપુરુષના સમાન અધિકાર માને, પરસ્પર સહયોગી ગણે, દાસ-દાસી કે આશ્રયદાતા-આશ્રયી નહીં.

ગુજરાતમાં વડોદરા જિલ્લામાં રહેતા સ્વ. રમણભાઈએ પણ એક લગ્નવિધિ તૈયાર કરેલી, જેને અનુસરી કેટલાંક લગ્ન યોજાયાં. મકરંદભાઈ દવેએ પણ પ્રયત્ન કરતાં થોડા ગીતો લખેલાં, પરંતુ એકંદરે મનને પૂરું સમાધાન થાય એવું કોઈ યુગાનુરૂપ સ્વરૂપ હજુ સુધી બંધાયું નથી. આજના યુગનાં મૂલ્યો બદલાયાં છે. સ્ત્રી-પુરુષ સંબંધ પણ નવી ક્ષિતિજ પર જઈને ઊભો છે. ખુદ લગ્ન વિશેના વિચારોમાં પણ ઘણું બધું પરિવર્તન આવ્યું છે, ત્યારે આવી તમામ બાબતોના જવાબ મળે તેવી વિધિ નિર્માણ થવી જોઈએ.

લગ્ન એ બંધન છે, આ વાત તો સ્વયંસ્પષ્ટ છે. બે કાંઠા બાંધ્યા વગર નદી ગમે ત્યાં વહેતી રહે તો તે જંગલમાં ચાલે. માનવ-વસાહતમાં ક્યારેક નદીને પણ નાથવી પડે. વરકન્યાનો સંબંધ સંયમની ભૂમિ પર જ પૂરબહારમાં ખીલી શકે. સ્વચ્છંદતાની શૈલી વિવાહજીવનને માફક ન આવે. લગ્ન એ પારસ્પરિક છે, અન્યોન્યતા છે, જેમાં કોઈ એક ઊંચું અને બીજું નીચું નથી. કોઈ આગળ નથી, કોઈ પાછળ નથી. બન્નેય હસ્તી સ્વતંત્ર છે, સ્વકીય છે, સ્વાયત્ત છે, સમર્થ છે. આ જોડાણ બે સમર્થોનું પરસ્પરાવલંબન છે, અસમર્થ કે અસહાયોનું નહીં, જેમાં કોઈ એક સામર્થ્યવાન બીજા કોઈ નબળાનું રક્ષણ કરે. કાકાસાહેબવાળી આશ્રમપદ્ધતિમાં ‘કન્યાદાન’નો પણ જે સમાધાનકારી સૂર નીકળે છે, તેની સાથે સંમત નથી થવાતું. ‘દાન’નો પ્રશ્ન જ ઊભો નથી થતો. વર અને કન્યા બન્નેને જીવનનાં મૂલ્યોનો આશ્રય કરવાનો છે અને એમાં બન્નેએ પૂરેપૂરી પરસ્પર જવાબદારી નિભાવવાની છે. વળી, પાણિગ્રહણમાં પણ વરવધૂનું પાણિગ્રહણ કરે તેવું નહીં, પરસ્પર પાણિગ્રહણ થવું જોઈએ. મંગલફેરામાં પણ કોઈ આગળ તો કોઈ પાછળ એવું નહીં. સાથે ફરીને પણ યજ્ઞ-પ્રદક્ષિણા થઈ જ શકે છે. ચોથા ફેરામાં વર આગળ આવી મોક્ષસાધના માટે મુક્ત રહે, આ વાતમાં પણ એકાંગીતા છે. મોક્ષધર્મ વ્યક્તિ-માત્ર માટે છે, માત્ર વરરાજાઓ માટે નહીં. ક્યારેક પત્નીના જીવનમાં પણ મહાભિનિષ્ક્રમણનું મૂરત આવીને ઊભું રહી શકે. એટલે ભલે વિધિમાં લગ્નબંધનના આ પરમ-અપવાદનું સ્થાન રહે, પરંતુ તેમાં વરવધૂ બન્ને માટે સમાન ભૂમિકા હોવી જોઈએ. શિવારોહણમાં પણ કેવળ વધૂ પાસે આક્રમણના પ્રસંગે વૃત્તિ સ્થિર રાખવાની અપેક્ષા કરાઈ છે, તે પણ બરાબર નથી. મોટા ભાગનાં દામ્પત્યજીવનમાં તો પતિ જ ભમરો થઈને જ્યાં ત્યાં ભ્રમણ કરતો રહે છે. આ ભ્રમરવૃત્તિ પર અંકુશ વધુ તો વરને જરૂરી છે, છતાંય ઉલ્લેખ કરાય તો ભલે બન્ને માટે કરાય તે અનિવાર્ય છે.

આખરે વિધિ એ સંકેત છે. સાંકેતિક વચનો દ્વારા જ એના મર્મને ખુલ્લા કરી શકાય. સ્વસ્થ લગ્નજીવન એ સ્વસ્થ સમાજનો મહત્વનો પાયો છે. આટલા જ માટે લગ્નમાં આપણે ગાંભીર્ય ઈચ્છીએ છીએ. ગાંભીર્ય એટલે દિવેલિયા ચહેરા નહીં, વાતાવરણ પ્રસન્નતાયુક્ત, પ્રફુલ્લિત, ઊગતી સવારસમું મંગલમય હોય ! આનંદ પ્રમોદ, હસી-મજાક, હળવાશ-નરવાઈ બધું જ હોય, પરંતુ હળવાશને નામે હલકટતા તરફ આગળ વધી જઈએ તેવું ન થવું જોઈએ, લગ્નમાં એક અદબ જળવાવી જોઈએ. આ અદબ એ જ ગાંભીર્ય છે.

આપણે લગ્નને શુભ-પ્રસંગ કહીએ છીએ. આપણે ત્યાં તો લગ્ન એટલે પ્રભુતામાં પગલાંનો પ્રવેશ કહ્યો છે. માત્ર બે દેહ જોડાય, તેથી લગ્નજીવન સાર્થક નથી થતું. બે હૃદય અક્ષરશઃ એકરૂપ થાય તે માટે લગ્નજીવન એક સાધના છે. અમારાં લગ્ન પછી વિનોબાજીએ લખેલું કે બે હૃદય અક્ષરશાં એકરૂપ થઈ શકે છે, એટલું જો સાબિત કરી લો, તો વિશ્વહૃદય જીતવાની ચાવી તમને જડી જશે ! લગ્નમાં પરસ્પર અનુરાગ જરૂરી છે. અન્યોન્ય પ્રેમ એ સફળ લગ્નજીવનની ચાવી છે. વિચારપૂર્ણ, મંગળમય, પ્રસન્નતાપ્રેરક, પ્રફુલ્લિત, ચિત્તાકર્ષક એવી વિવાહવિધિ એ વર્તમાન યુગની માગ છે. વિજ્ઞાનયુગમાં વિવાહવિધિને કોઈ એક ધર્મ, જાતિ કે ભાષા સાથે જોડવાની પણ જરૂર નથી. આ આવાહન છે સાહિત્યકારો સમક્ષ, સમાજચિંતકો સમક્ષ, ગુરુવર્યો સમક્ષ. આ કોઈ એક વ્યક્તિનું કામ નથી. અનેકોનું ચિંતન આમાં રેડાય, પછી ભલેને કોઈ રસાયણશાસ્ત્રી બધાંનું સંયોજન કરી કોઈ સમરસ નવું દ્રવ્ય તૈયાર કરી આપે. ‘લગ્ન’ એ એવી બાબત છે, જેના છેડા અનેક ઘટકોને અડે છે. એ સૌને સમાવી એક પરિપૂર્ણ ચીજ બનાવવી એ દુષ્કર કાર્ય તો છે જ, પરંતુ કરવા જોગ કામ છે !

આશા છે કે નંદિતા અને સત્યશ્રુતિની જેમ બીજી કોઈ વ્યક્તિના ફોનની ઘંટડી રણકે તે પહેલાં સમાજ સામે આંગળી ચીંધવાનું ઠામઠેકાણું જડી જાય ! કોક તો જાગે, કોક તો જાગે, આપણામાંથી કોક તો જાગે !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “જોઈએ છે સર્વાંગ સુંદર વિવાહવિધિ – મીરા ભટ્ટ”

Copy Protected by Chetan's WP-Copyprotect.