ગાંધીદર્શનનો પાયો અધ્યાત્મ – ભાણદેવ

[‘શાશ્વત ગાંધી’ સામાયિક મે-2012માંથી સાભાર.]

[dc]ય[/dc]થાર્થતઃ ગાંધીજી અધ્યાત્મપુરુષ છે. ગાંધી-વિચાર ધર્મપ્રણીત વિચારધારા છે. ગાંધી-વિનોબા-પ્રણીત સર્વોદય સમાજ પણ આસ્તિક સમાજ છે, નાસ્તિક સમાજ નથી. આમ છતાં ગાંધી-વિનોબા-પ્રેરિત પ્રવૃત્તિઓ અને ગાંધીસમાજમાંથી ધર્મ-અધ્યાત્મ કાંઈક બાજુમાં ખસી ગયા હોય તેમ લાગે છે. ગાંધીવિચારમાં ધર્મ-અધ્યાત્મનું પાસું ગૌણ નહીં હોવા છતાં વ્યવહારમાં તો તે ગૌણ બની ગયું હોય તેમ લાગે છે. ગાંધીવિચાર અને ગાંધીજનસમાજમાં ધર્મ-અધ્યાત્મનો ઈનકાર તો નહીં, પરંતુ ઉપેક્ષા થઈ હોય તેમ લાગે છે.

ગાંધીજીના જીવનમાં અને તેમના જીવનદર્શનમાં અધ્યાત્મનું સ્થાન કેવું છે અને અધ્યાત્મનું સ્વરૂપ કેવું છે તે સમજવું જોઈએ. ગાંધીવિચાર અને ગાંધીજનસમાજ ધર્મ-અધ્યાત્મથી અનુપ્રાણિત બને તો તે એક નવા આયામનો પ્રારંભ બનશે. ગાંધીવિચાર અને વ્યવહારમાં નવા પ્રાણ પ્રેરાશે. સેવા દ્વારા સત્યને પામવાનો ગાંધીજીનો અભિગમ રહ્યો છે. આપણે સત્યને ચૂકીને સેવાનો સ્વીકાર કરીએ તો ગાંધીવિચાર ખંડિત બની જાય છે. એક અખંડ ગાંધીવિચાર આપણી સમક્ષ પ્રગટ થાય અને આવો અખંડ ગાંધીવિચાર આપણા સૌ માટે પ્રેરક-માર્ગદર્શક બને તે જોવાને અમારી આંખો આતુર છે.

ગાંધીજી પોતાને હિન્દુ ગણતા અને છતાં તેઓ કોઈ એક ધર્મ કે કોઈ એક સંપ્રદાયમાં બદ્ધ ન હતા. તેઓ સત્ય તરફ સતત ખુલ્લા રહ્યા છે. તેમની શોધ સતત ચાલતી રહી છે અને જ્યારે જ્યાંજ્યાં સારું લાગે ત્યારે તરત જ તેનો સ્વીકાર અને અમલ તેમણે કર્યો છે. સત્યની શોધ અને તેનો અમલ કરવામાં તેમણે કદી પાછી પાની કરી નથી. સત્યની પ્રાપ્તિ અને તદનુસાર જીવન જીવવા માટે તેઓ સતત જાગ્રત અમલકર્તા રહ્યા છે અને તેમ કરતાં મૃત્યુ આવે તો પાછી પાની ન કરવી એવું તેમનું પોત હતું અને એવું તેમના જીવનનું સ્વરૂપ હતું. ગાંધીજીના અધ્યાત્મ-દર્શનને સમજીને આપણે આપણા દર્શનને અને જીવનને વધુ સમૃદ્ધ બનાવી શકીએ. આવું ગાંધીદર્શનનું સ્વરૂપ છે. ગાંધીજીનાં જીવન અને દર્શનનાં અનેક પાસાં છે. ધર્મ-અધ્યાત્મ, સેવા, રચનાત્મક પ્રવૃત્તિઓ, લોકશિક્ષણ, રાજકારણ, નયી તાલીમ, ગૌસેવા આદિ – આ યાદી ઘણી લંબાવી શકાય તેમ છે. આ સર્વ પાસાંઓમાં કેન્દ્રસ્થ તત્વ શું છે ? અમારી મતિ અનુસાર ધર્મ-અધ્યાત્મ ગાંધીજીનાં જીવન અને દર્શનનું કેન્દ્રસ્થ તત્વ હતું.

આપણા મહાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી પોતાની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ની પ્રસ્તાવનામાં લખે છે : ‘મારે જે કરવું છે, જેની હું 30 વર્ષ થયાં ઝંખના કરી રહ્યો છું, તે તો આત્મદર્શન છે, તે ઈશ્વરનો સાક્ષાત્કાર છે, મોક્ષ છે. મારું ચલનવલન બધું એ જ દષ્ટિએ થાય છે. મારું લખાણ બધું એ જ દષ્ટિએ છે અને મારું રાજ્યપ્રકરણની ક્ષેત્રની અંદર ઝંપલાવવું પણ એ જ વસ્તુને આધીન છે.’ વળી આ જ પ્રસ્તાવનામાં બાપુ આગળ લખે છે, ‘એ સત્ય મને જડ્યું નથી, પણ એનો હું શોધક છું. એ શોધવાને અર્થે જે વસ્તુ મને પ્રિયમાં પ્રિય હોય તેનો ત્યાગ કરવા હું તૈયાર છું અને એ શોધરૂપી યજ્ઞમાં આ શરીરને પણ હોમવાની મારી તૈયારી છે અને શક્તિ છે એવો મને વિશ્વાસ છે.’ આનો અર્થ સ્પષ્ટ જ છે કે ગાંધીજીના જીવનનું કેન્દ્ર અધ્યાત્મ છે. તેમના જીવનનાં અનેક પાસાં છે અને તેમનું પ્રદાન જીવનનાં અનેક ક્ષેત્રોમાં છે. ભારતની સ્વતંત્રતા, રાષ્ટ્રકારણ, કેળવણી, ચિકિત્સા, સ્ત્રી-સ્વાતંત્ર્ય, હરિજનોદ્ધાર, ખાદી, ગોપાલન, સાહિત્ય, ગ્રામોદ્યોગ આદિ જીવનનાં અને રાષ્ટ્રનાં લગભગ સર્વ ક્ષેત્રોમાં ગાંધીજીનું પ્રદાન જ નહીં, વિશિષ્ટ પ્રદાન છે. આમ છતાં બાપુ પોતે જ કહે છે તેમ તેમના જીવનનું કેન્દ્ર અધ્યાત્મ અર્થાત આત્મદર્શન જ છે.

ગાંધીજીનું પ્રદાન માત્ર વૈચારિક ક્ષેત્રે જ સીમિત રહ્યું નથી, લગભગ પ્રત્યેક ક્ષેત્રમાં તેમની વિચારધારાનો અમલ પણ થયો છે. ગાંધીજીની હયાતીમાં અને પછી પણ જીવનનાં સર્વ ક્ષેત્રને સ્પર્શતી તેમની વિચારધારા ‘ગાંધીવિચારદર્શન’ તરીકે ઊપસી આવી છે. આ વિચારધારા જીવનના લગભગ પ્રત્યેક ક્ષેત્રને સ્પર્શે છે અને આ સર્વ ક્ષેત્રમાં ગાંધીવિચારધારા પ્રમાણે અપરંપાર સંસ્થાઓ, પ્રવૃત્તિઓ, સાહિત્ય આદિ વિકસ્યાં છે અને હજુ કાર્યરત છે. આ બધું છતાં, જીવનનાં લગભગ સર્વ ક્ષેત્રોમાં ગાંધીવિચારનો વિકાસ અને વિનિયોગ છતાં દુઃખની વાત છે કે ગાંધીવિચારધારાનું કેન્દ્રસ્થ તત્વ લગભગ ઉપેક્ષિત રહ્યું છે. વિનોબાજી-પ્રણીત ‘બ્રહ્મવિદ્યામંદિર’ને અપવાદ ગણીએ તો અધ્યાત્મક્ષેત્રે ગાંધીવિચારને વરેલી કોઈ અધ્યાત્મસંસ્થા બની નથી. ગાંધીવિચાર અનુસાર અધ્યાત્મ-સાહિત્યનો પણ બહુ વિચાર કે વિકાસ થયો નહીં. ગાંધીવિચારને વરેલા વિશાળ સર્વોદય-સમાજના અપરંપાર વિચારકો-કાર્યકરોએ ગાંધીવિચારધારાને સમજવાનો અને તદનુસાર પ્રવૃત્તિઓ ચલાવવાનો વિશ્વદુર્લભ પ્રયત્ન કર્યો છે. આમ છતાં ગાંધીજીવનનું અને ગાંધીવિચારદર્શનનું એક ક્ષેત્ર સર્વથા નહીં તોપણ લગભગ ઉપેક્ષિત રહ્યું છે અને તે છે ગાંધીજીવન અને ગાંધીવિચારદર્શનનું કેન્દ્રસ્થ તત્વ અધ્યાત્મ !

સર્વોદયસમાજ અને ગાંધી-વિનોબા-પરિવાર જીવનનાં લગભગ સર્વ ક્ષેત્રોમાં ગાંધીવિચાર સાથે આગળ આવ્યા, અધ્યાત્મને છોડીને ! પ્રત્યેક રાષ્ટ્રને, પ્રત્યેક સંસ્કૃતિને પોતાનું કેન્દ્રસ્થ તત્વ હોય છે. ભારતનું, ભારતીય સંસ્કૃતિનું કેન્દ્રસ્થ તત્વ છે અધ્યાત્મ ! આ દેશની પ્રજાનું પોત એવું છે કે જે વિચારધારાના પાયામાં ધર્મ-અધ્યાત્મ ન હોય તે વિચારધારાને ભારતીય પ્રજા હૃદયપૂર્વક સ્વીકારતી નથી અને સ્વીકારે તોપણ લાંબો સમય ધારી શકતી નથી. જેના પાયામાં ધર્મ-અધ્યાત્મ ન હોય તેવી કોઈ વિચારધારા કે તેવી પ્રવૃત્તિઓનું આ દેશની પ્રજાનું હૃદય સ્વાગત કરી શકતું નથી. ગાંધીવિચારધારાના કેન્દ્રમાં અધ્યાત્મ હોવા છતાં વ્યવહારમાં આપણે કેન્દ્રચ્યુતિની ભૂલ કરી બેઠા છીએ. સામાન્ય જનસમાજ ગાંધીવિચારને એ રાજકીય-આર્થિક-સામાજિક વિચારધારા ગણે છે. તેના કેન્દ્રમાં અધ્યાત્મ છે, તે કાં તો નજરે ચડ્યું નહીં અને કાં તો ઉપેક્ષિત રહ્યું. આપણે રેંટિયાને રચનાત્મક પ્રવૃત્તિઓનું પ્રતીક ગણીએ તો આપણે એમ માની લીધું કે ગાંધીજી એટલે રેંટિયો ! વસ્તુતઃ આમ માનવું સત્ય નથી. ગાંધીજી અંતિમ ક્ષણે બોલ્યા હતા – ‘હે રામ !’ આપણે આ ઘટનાનો સંકેતાર્થ સમજીએ તો આપણે સમજી અને સ્વીકારી શકીએ કે ‘ગાંધીજી એટલે રેંટિયો’ એમ કહેવા કરતાં ‘ગાંધીજી એટલે હે રામ’ – એમ કહેવું વધારે સાચું છે.

માનવીની સામાન્ય મનોવૃત્તિનું સ્વરૂપ એવું છે કે તેને આંતરજગત કરતાં બાહ્ય જગતનાં તત્વો વધુ આકર્ષક લાગે છે. આપણી આ મનોવૃત્તિને કારણે આપણે ગાંધીજીને બહિરંગ પ્રવૃત્તિ તરફ બરાબર ધ્યાન આપ્યું અને તેમના આંતરતત્વ-અધ્યાત્મ પ્રત્યે ઉપેક્ષા સેવી. આપણે પરિચયને પકડી લીધો, પરંતુ આપણે કેન્દ્રને ચૂકી ગયા. સામાન્ય રીતે અધ્યામપથના પથિકો-સાધકો અને સિદ્ધો સૌ બાહ્ય પ્રવૃત્તિઓથી વિરક્ત રહે છે અને અધ્યાત્મમાં જ રમમાણ રહે છે. ગાંધીજી એવા પુરુષ છે જેઓ અધ્યામપથના પથિક- પરમ સત્યના શોધક હોવા છતાં મહદઅંશે બાહ્ય પ્રવૃત્તિઓમાં ગળાડૂબ રહ્યા અને અંદરથી પરમ સત્યના શોધક જ રહ્યા. આમ હોવાથી ગાંધીજીના જીવનનું કેન્દ્રસ્થ તત્વ અધ્યાત્મ આપણી નજર બહાર રહી ગયું. મહાત્મા ગાંધીજીએ પોતે કહ્યું છે અને તેમના અંતરંગને જાણનાર-સમજનાર સૌ જાણે છે કે ગાંધીજી મૂલતઃ અધ્યાત્મપુરુષ છે. હા, ગાંધીજી માત્ર અધ્યાત્મપુરુષ નથી, ગાંધીજી બીજું ઘણું છે, પરંતુ આ બીજું ઘણું પછી છે, સૌથી પહેલાં ગાંધી છે અધ્યાત્મપુરુષ !

હવે આપણે ગાંધીજીના અધ્યાત્મતત્વને સમજવાનું છે. હવે આપણે ગાંધીજીને એક અધ્યાત્મપુરુષ તરીકે- પરમ સત્યના શોધક તરીકે ઓળખવાના છે. આપણે ગાંધીજીના રેંટિયાને ખૂબ જોયો છે, આપણે ખૂબ કાંત્યું છે. હવે આપણે ગાંધીજીના ‘હે રામ !’ને સમજવાના છે. આપણે ગાંધીજીના હાથ-પગને ખૂબ સમજ્યા છે. હવે આપણે ગાંધીજીના હૃદયને સમજવું છે. શું છે ગાંધીજીનું હૃદય ? ગાંધીજીનું હૃદય છે- અધ્યાત્મ !


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous કારણ વિના કશું બનતું નથી – ભૂપત વડોદરિયા
વીણેલી વાતો (ભાગ-2) – બેપ્સી એન્જિનિયર Next »   

3 પ્રતિભાવો : ગાંધીદર્શનનો પાયો અધ્યાત્મ – ભાણદેવ

 1. PANKAJBHAI P. PATEL says:

  mudda ni vat

  pan gandhivadi o no pano tuko padyo. kadach evu lage k nanabhai bhatt, mulshankarbhai bhatt samaji shakya hoy. aape gandhi vadio
  ne kahevani himmat kari te badal khub khub abhar.

 2. hasmukh desai says:

  પુજ્ય ભાન દેવ્જિએ ગાન્ધિજિ ના વિશે સુન્દર પ્રકાશ પાદ્યો.ધન્યવાદ્

 3. Hemant O. Desai says:

  હા, આ લેખ બહુ ગમ્યો. આ લેખ વાચતી વખતે, વારંવાર એ વિચાર મગજમાં ફરતો રહ્યો કે ગાંધીજીના મનમાં આધ્યાત્મ વીશે તો ઘણુ બધુ ચાલતું હશે અને ગાંધીજી સ્વયમ્ સ્વિકારે છે કે તે પોતાના આધ્યાત્મ લક્ષને પામ્યા નથી. લેખક જાણે કે આ વિચારને સંમતી આપતા, વાચનારને વિચાર અને સરખા કર્મ કરવા પ્રેરે તેમ આ લેખને બરાબર રીતે પુરો કરે છે.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.