કારણ વિના કશું બનતું નથી – ભૂપત વડોદરિયા

[‘જાગરણ’ પુસ્તકમાંથી સાભાર.]

[dc]દુ[/dc]નિયામાં પારાવાર અસમાનતાઓ અને અન્યાયો આપણે જોઈએ છીએ. કેટલાક આપણને અનેક બાબતમાં ‘ભાગ્યશાળી’ લાગે છે. આવા ભાગ્ય માટેની એમની કોઈ ખાસ લાયકાત પણ આપણી નજરે પડતી નથી. બીજી બાજુ જે સારા ભાગ્ય માટે અનેક રીતે લાયક છે અને ગુણવાન છે એવા માણસો બિચારા જાતજાતની કમનસીબીઓ વેઠતાં આપણે જોઈએ છીએ. એક બાળક રૂપાળું કે કાળું જન્મે છે, એક બાળક બુદ્ધિશાળી કે મંદબુદ્ધિનું જન્મે છે. એક બાળક મહેલ જેવા બંગલામાં જન્મે છે, બીજું એક બાળક ઝૂંપડામાં જન્મે છે. એક કુટુંબ કંઈ કરે કે ન કરે, તેની સુખસાહ્યબીનો સૂરજ જાણે આથમતો નથી. પડોશમાં એક બીજું કુટુંબ છે તેને રોજેરોજ ભોજનનો સવાલ હોય છે.

હવે આ પ્રકારની વિષમતાઓ અને અન્યાયોનો કોઈ સંતોષકારક ખુલાસો આપણી પાસે નથી- સિવાય કે કર્મનો સિદ્ધાંત. માણસ જેવું કરે તેવું પામે. ક્રિયા અને પ્રતિક્રિયા, કાર્ય અને તેની અસર, શબ્દ અને પડઘો – આ બિલકુલ વૈજ્ઞાનિક બાબત છે. કારણ વિના કશું બનતું નથી. તમે જેવું વાવો તેવું લણો છો- આ કર્મનો સિદ્ધાંત લગભગ બધા ધર્મોએ સ્વીકારેલો છે. આમ તો તે એક વૈજ્ઞાનિક તથ્ય લાગે છે, પણ બીજાં અનેક વૈજ્ઞાનિક તથ્યોની જેમ તે કંઈક અપૂર્ણ લાગે છે. વાવો તેવું લણો, પણ જેણે બરાબર વાવ્યું હોય, વાવેલાની માવજત પણ કરી હોય અને છતાં તેનો પાક નાશ પામે અને તેના હાથમાં કશું જ ન આવે એવું બનતું આપણે જોઈએ છીએ; બીજી બાજુ કેટલાય માણસો જાણે વાવ્યા વગર જ સારો પાક લણતા હોય તેવું આપણે સગી આંખે જોઈએ છીએ.

પણ જો કર્મનો સિદ્ધાંત બિલકુલ જડ હોય અને ગયા જન્મમાં માણસે કરેલાં પાપ કે પુણ્ય, અને સત્કર્મો કે દુષ્કર્મોનું ફળ તેણે ત્રાજવે તોળીતોળીને ભોગવવાનું હોય તો પછી આ જન્મનો- જીવનનો અર્થ શું ? ગયા જન્મનાં ફળો જ મારે ભોગવવાનાં હોય તો મારે કાંઈ પણ કરવાનો અર્થ જ શું રહ્યો ? હું કંઈ પણ સારું તો કરી શકવાનો નથી, કેમ કે ગયા જન્મનાં મારાં કર્મોએ મારા માટે કોઈ સ્વતંત્રતા રહેવા જ દીધી નથી ! છતાં હું ગમે તેમ કરીને સારાં કર્મો કરવા જાઉં તો તેનો બદલો તો મને હવે પછીના જન્મમાં જ મળે ! ખરેખર કર્મનો આ જ સિદ્ધાંત છે ? સિદ્ધાંત જો આટલો બધો ચુસ્ત અને ‘યાંત્રિક’ હોય તો મારા જીવનનો કોઈ અર્થ જ રહેતો નથી. મારા માટે સારા માણસ બનવાની પણ કોઈ ચાનક રહેતી નથી. મારે શા માટે ‘સારા’ બનવું જોઈએ ? ગયા જન્મનાં કુકર્મોનું જ ફળ મારે ભોગવવાનું છે. હું સારું કરું કે ખરાબ કરું તો તેની કોઈ અસર મારા વર્તમાન જીવન પર તો પડવાની નથી. કંઈ પણ પરિણામ મારા આ જિંદગીના કોઈક પુરુષાર્થનું આવવાનું હોય તો તે આવતા જન્મમાં જ આવવાનું !

એક બીજી વાત પણ સમજવા જેવી છે. આપણી ઉપર જે કંઈ સુખ-દુઃખ આવી પડે છે તે આપણા ઈરાદાપૂર્વકના કોઈ કાર્યનું સીધું જ પરિણામ હોતું નથી. ‘જિંદગી અને મૃત્યુનું ચક્ર’ નામના પુસ્તકના લેખક ફિલિપ કેપલેવે એક દષ્ટાંત આપ્યું છે. માનો કે એક માણસ રસ્તા ઉપર ચાલ્યો જાય છે. સખત પવન ફૂંકાય છે અને તેની ઉપર ઝાડની એક ડાળી તૂટી પડે છે. એમાં એ માણસનો દોષ શું ? કોઈ કહે તે પવન ફૂંકાતો હતો અને ઘરની બહાર નીકળ્યો અને તેથી તેટલા પૂરતી તેની જવાબદારી, પણ માણસ કંઈ આવો વિચાર કરીને પોતાના ઘરમાં પુરાઈને રહી ન શકે. કોઈ કહે કે તેના ગતજન્મના કોઈક કર્મનું તેને ફળ મળ્યું. આમ જુઓ તો અકસ્માત બનવાનું કારણ તો ફૂંકાતો પવન અને ઝાડની નબળી ડાળ જ છે, પણ તેનું પરિણામ એક નિર્દોષ માણસને ભોગવવું પડે છે. પણ માણસ એમ વિચારી શકે કે આવું તો બની જ શકે છે. માણસ પોતાના ઘરમાં બેઠો હોય અને તેની ઉપર કોઈક વજનદાર વસ્તુ પડે તેવું બની શકે છે. આમાં પૂર્વજન્મના કર્મ માટે અફસોસ કરીને દુઃખી થવાની જરૂર નથી. જિંદગીની આવી અચાનકતાઓને પહોંચી વળવાની, સહી લેવાની શારીરિક, માનસિક સુસજ્જતા માણસે કેળવવી જ જોઈએ.

ટૂંકમાં કર્મના સિદ્ધાંતને અફર ભાગ્ય કે અફર નિયતિરૂપે જોવાની જરૂર નથી. માણસ પોતાની સ્વતંત્ર ઈચ્છાશક્તિ અને વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને પુરુષાર્થ વડે ભાગ્ય તથા સંજોગોને બદલી શકે છે. ભલે પૂર્વજન્મનાં કર્મોનાં ફળ ભોગવવાં પડે, પણ માણસ સાથેસાથે આ જન્મમાં પુરુષાર્થ વડે, પોતાની સુસજ્જતા વધારીને પોતાના જીવનની દિશા બદલી શકે છે અને ખરાબ ફળને ઓછું કરી શકે છે.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous આરીમાં – ચંદ્રેશ મકવાણા ‘નારાજ’
ગાંધીદર્શનનો પાયો અધ્યાત્મ – ભાણદેવ Next »   

7 પ્રતિભાવો : કારણ વિના કશું બનતું નથી – ભૂપત વડોદરિયા

 1. કર્મના સિધ્ધાંતની વાત એ એક ફળદ્રુપ ભેજાની શોધ લાગે છે. કપરા સમયમા-વિપરીત સંજોગોમા મનને મનાવવામા કારગત નીવડતી હોય સર્વ સ્વીકાર્ય બની.
  અન્યથા કર્મના સિધ્ધાંતમા કોઇ સજ્જ્ડ કે ઠોસ પુરાવાઓ નથી.

  • Mundhava haresh says:

   ના આવુ નથી.
   કર્મ ના સિધાંત ને સમજવા માટે તમે હીરાભાઇ ઠક્કર નુ પુસ્તક “કર્મ નો સિધાંત”(THEORY OF KARMA) (ભોજક પબ્લિકેશન અમદાવાદ) વાચવુ જોઇએં.
   આભાર

  • geeta says:

   મને ખરેખર આ લેખ ખુબ ગમ્યો

 2. dinesh bhai bhatt says:

  કર્મનિ બાબત મા તો એવુ પણ્ કહેવાય કે કર્મ પ્રધાન વિશ્વ કરિ રાખા જસ કરની કર
  તસ ફલ સાખા માટૅ કર્મ કરવુ એ આપણા હાથનિ વાત છે. હીરાભાઇ ઠક્કર નુ પુસ્તક “કર્મ નો સિધાંત”(THEORY OF KARMA) છે ઍમા પણ સારુ સમજાવેલુ છે.
  માટૅ સત્ય એજ ઇશ્વર છે. માટૅ ગમે એવા સન્જોગોમા સત્યનો ત્યાગ કરવો નહિ એવુ ઘણા મહા પુરુશો એ કહ્યુ છે માટૅ સત કર્મ પર ધ્યાન આપવુ જરુરિ બને એવુ
  મારુ મનત્વય છે

 3. Shah mit c. says:

  . . .

 4. Sangita says:

  ઉત્તમ ….

 5. Arvind Patel says:

  આ ખુબ જ અઘરો વિષય છે. જે કદાચ સામાન્ય વ્યક્તિ ની સમાજ ની બહાર છે. આપણે આપણને સોંપાયેલ કામ કરે જવું, ઝાઝી ચિંતા કરવી નહિ. કર્મ કેટલું કરીશું અને ફળ ક્યારે મળશે, કેટલું મળશે !! આ બધી કડા કૂટ માં બને ત્યાં સુધી ના પડવું. ભગવાન કહે છે કે ફળ ની ચિંતા કર્યા વગર તું તને સોંપાયેલ કામ કરે જા. બીજી બધી ચિંતા તું મારી ઉપર છોડી દે. જો આપણી ભક્તિ સાચી હશે તો આપણે તેમ જ કરીશું. નહીતર અર્થ વગર ના કર્મ અને ફળ અને પ્રારબ્ધ વગેરે ની માથાકૂટ માં થી બહાર આવીશું નહિ.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.