કાપલી કૌશલ્ય – નટવર પંડ્યા

[ પ્રસ્તુત હાસ્યલેખ ‘અખંડ આનંદ’ સામાયિક જૂન-2012માંથી સાભાર લેવામાં આવ્યો છે. આપ લેખકશ્રી નટવરભાઈનો (સુરત) આ નંબર પર +91 8530669907 સંપર્ક કરી શકો છો.]

[dc]‘ફૂ[/dc]ટેલું પેપર’ કેટલાક વિદ્યાર્થીઓનાં ફૂટેલાં નસીબને જગાડનારું છે. એ જ રીતે પરીક્ષા ખંડમાં કાપલી કે કાપલાં વિદ્યાર્થીઓનાં ફૂટેલાં નસીબને જગાડનારાં છે. પણ કાપલીની રચનાથી માંડીને પરીક્ષાખંડમાં એ કાપલીઓનો કુશળતાપૂર્વક ઉપયોગ કરી, સારા ગુણ પ્રાપ્ત કરવા માટે, કાપલીના સર્જકમાં હિંમત, ધીરજ, સમયસૂચકતા, બાજ-નજર, ‘સાંકેતિક ભાષા-સજ્જતા’ જેવા ગુણો હોવા જરૂરી છે. તેથી જ જે વિદ્યાર્થી મિત્રો વાંચીને સારા ગુણ પ્રાપ્ત કરે છે તેના કરતાંય કાપલીના સહારે ઊંચા ગુણ મેળવાનારના જીવનમાં ઘણું ગુણ વૈવિધ્ય જોવા મળે છે.

પહેલાનાં સમયમાં દીકરી પરણીને સાસરે જાય એટલે તેણે ‘કૂકિંગ કૌશલ્ય ટેસ્ટ’ આપવી પડતી. એટલે કે સાસુ સૌ પ્રથમ તેને લાપસી બનાવવાનું કહેતી. કૂકિંગ કોર્સમાં લાપસી બહુ અઘરી છે. એમાં સંજયકપૂર કે તરલા દલાલને ય ટપ્પા ન પડે. આમ જેટલી લાપસી બનાવવી અઘરી છે એટલી જ કાપલી બનાવવી અઘરી છે. કારણ કે કાપલીમાં કાંઈ છૂટથી લખી શકાતું નથી. પ્રિયાને લખેલા પ્રેમપત્રની જેમ કાપલીમાં છૂટથી લખી ન શકાય તેથી જ કાપલી અને પ્રેમપત્રો બંને અંતિમ ધ્રુવો પર ઊભેલા છે. જો કે આ બંને ચીજો તેના સર્જકોને ઉજાગરા તો કરાવે જ. તેથી મોડી રાત સુધી જાગી ને પણ તેના સર્જકો તેમાં વધુ ને વધુ ઠાલવવા ઉત્સુક હોય છે. માટે જ જેમ સ્કૂલ રિક્ષામાં બાળકો ઠાંસી-ઠાંસીને ભરવામાં આવે છે એ જ રીતે કાપલીમાં સંભવિત જવાબો ઠાંસી ઠાંસીને ભરવામાં આવે છે.

આમ કાપલીનું સર્જન ઘણી કુશળતા માગી લે છે. તેમાં કાપલી બનાવનારનું કૌશલ્ય રીતસરનું ઝળકી ઊઠે છે. કાપલી બનાવનાર કમ-સે-કમ સુવાચ્ય અક્ષરો ધરાવતો હોવો જોઈએ. સામાન્ય સ્થિતિમાં ભલે તેના અક્ષરો મોટા થતા હોય પણ જરૂર પડ્યે તે અક્ષરોને અતિસૂક્ષ્મ સ્વરૂપ આપી શકતો હોવો જોઈએ. આ લખનારનું માનવું છે કે આવી કળા પ્રભુની કૃપા વિના પ્રાપ્ત થતી નથી. કારણ કે ફક્ત ભગવાન જ જરૂર પડ્યે વિરાટ અને વામન સ્વરૂપ ધારણ કરી શકે છે. વળી અતિ સૂક્ષ્મ અક્ષરો તો ઘણા લખી શકે પણ કેટલીક વાર એવું લખાણ ખુદ તેના માટે જ અવાચ્ય બની જાય છે. માટે જ કાપલીના સર્જકમાં સુવાચ્ય લઘુલિપિનું કૌશલ્ય હોવું જરૂરી છે. કારણ કે કાપલી બનાવતી વખતે તેણે બિનજરૂરી લંબાણને ટૂંકાવવાનું હોય છે. જેમ કે ‘ભારત ખેતી પ્રધાન દેશ છે’ તો ‘ભા.ખે.પ્ર.દેશ છે.’ ‘વરસાદી હાલતમાં લીલી વનરાજી સુંદર લાગે છે’, ‘વ.હા.લી. વ.સું. લાગે છે.’ આ પ્રકારે કાપલીમાં લાઘવ અને ચોટ બંને હોવાં જરૂરી છે. પછી પરીક્ષા ખંડમાં એ જ લાઘવ અને ચોટનો વિચાર-વિસ્તાર કરી સર્જક ઉત્તરવહી પર છવાઈ જાય છે. વળી આવી કાપલી જ્યારે બે-ત્રણ સહાધ્યાયીઓએ સાથે મળીને બનાવી હોય ત્યારે તે લોકોને લઘુલિપિ ઉકેલવામાં વાંધો આવતો નથી. પણ આવી કાપલી એક પછી એક હાથમાંથી પસાર થતી છેક ત્રેવીસમા વિદ્યાર્થી પાસે પહોંચે છે ત્યારે તે અજાણ્યો વિદ્યાર્થી લઘુલિપિને કારણે મૂંઝવણ અનુભવે છે. પણ લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોં ધોવા કે મેકઅપ કરવા ન જવાય, એ જ રીતે કાપલી હાથમાં આવે ત્યારે વિચારવા ન બેસાય, લખવા લાગી જવાય. કારણ કે આખે-આખા પ્રશ્નને પ્રભુભરોસે છોડી દેવાના આરે આવીને ઊભા હોય અને બરાબર એ જ સમયે કાપલીરૂપી તરાપો મળી જાય તો પછી નહિ મામા કરતાં કાણો મામો શું ભૂંડો ! માટે કાપલીમાંથી જેટલું વંચાય એટલું લખાય અને પેપર તપાસનાર પાસે તો લખ્યું વંચાય.

તેથી કાપલીના સર્જક પોતાનું લખાણ પોતે માત્ર તિરછી નજરથી વાંચી શકતો હોવો જોઈએ. કારણ કે એ તિરછી નજરે જ વાંચવાનું હોય છે. એનો કાંઈ ધર્મગ્રંથની જેમ ઘોડી પર ગોઠવીને પરીક્ષાખંડ મધ્યે પાઠ ન કરાય. અમારા ગામના કુશળ સુથાર માત્ર ઝાડની કાપેલી ડાળી કે થડ જોઈને સચોટપણે કહી શકતા કે આમાંથી ત્રણ ખુરશી અને એક ટેબલ થાય. ક્યારેક તેઓ એમ પણ કહેતા કે આમાંથી ફક્ત દોઢ ટેબલ જ થાય. અડધા ટેબલનું લાકડું ઘટે.’ અને એમ જ થતું. આવી કુશળતા કાપલીના કસબીમાં હોવી જોઈએ. 5 x 5 સે.મી.ની કાપલી જોઈને તે સ્પષ્ટપણે કહી શકતો હોવો જોઈએ કે આમાં આટ-આટલા જવાબો સમાઈ શકે. કાપલી, પછી ‘અનુસંધાન અગિયારમે પાને’ એવું ન થઈ શકે. આમ છતાં ઈશ્વરની કૃપાથી આપણે ત્યાં કુશળ કાપલીકારોની ક્યારેય ખોટ વરતાઈ નથી.

આપણે ત્યાં છેક સેકન્ડરીથી ગુજરાતીના પ્રશ્નપત્રોમાં સંક્ષેપ લેખન (સાર ગ્રહણ) પુછાય છે. જેમાં એક ફકરો આપેલો હોય તેનો સાર તેનાથી એક તૃતીયાંશ ભાગમાં લખવાનો હોય છે. આવું સંક્ષેપલેખન કાપલીવાળાને સહજ હોય છે. કુશળ કાપલીકાર ગાઈડના બે પેજને સાવ નાનકડી ચબરખીમાં સહેલાઈથી સમાવી શકે છે. આ રીતે તે ઉત્તમ એડિટર પણ ખરો જ. ઉપરાંત કાગળ બચાવી તે પર્યાવરણનું રક્ષણ કરે છે. તેની પ્રવૃત્તિ ઈકો-ફ્રેન્ડલી છે. આમ ગાગરમાં સાગર સમાવી તે આપણી ઉત્તમ સેવા કરે છે પણ આપણે આજ સુધી તેવી પર્યાવરણલક્ષી સેવાઓની નોંધ લીધી નથી. કેટલાકમાં હિંમત ઘણી હોય છે પણ વિવેકભાન હોતું નથી. તેથી તેઓ જ્યાં સોયની જરૂર હોય ત્યાં તલવાર વાપરે છે. એટલે કે આયોજનબદ્ધ રીતે બનાવેલાં થોડાંક કાપલામાંથી પતી જતું હોય ત્યાં તેઓ જેમ વીર યોદ્ધો કમરે તલવાર બાંધી રણમેદાનમાં જતો હોય તેમ આખી ગાઈડ કમરમાં ભરાવી પરીક્ષા ખંડમાં જાય છે. અંતે ચેકિંગ સ્ક્વૉર્ડના હાથે રેડ-હેન્ડેડ ઝડપાઈ જાય છે. સ્ક્વૉર્ડવાળા આવે ત્યારે કોઈ રસ્તો ન બચે તો તમે ચબરખીનો ડૂચો વાળીને છેક પાંચમી સાતમી બેંચે બેઠેલા સ્ટુડન્ટના ચરણક્મળમાં ચડાવી શકો પણ આખે-આખી ગાઈડ ક્યાં ફેંકવી ?!

આમ જ્યારે ચેકિંગ સ્ક્વૉર્ડ આવે છે ત્યારે કાપલીને ફેંકી દેવામાં આવે છે. પછી એકલી-અટૂલી ફર્શ પર પડેલી કાપલી ઉઠાવીને સ્ક્વોર્ડવાળા પૂછે છે, ‘આ કાપલી કોની છે ?’ નિષ્ફળતાની જેમ કાપલી પણ અનાથ હોય છે. કોઈ ખુલ્લી છાતીએ (કે બંધ છાતીએ- જે અનુકૂળ હોય તે) એમ નથી કહેતું કે ‘એ મારું શબ્દ-સંતાન છે. પરીક્ષામાં પાસ થવાની લ્હાયમાં હું ભૂલ કરી બેઠો અને તેમાંથી જ આ કાપલીનો જન્મ થયો.’ જ્યારે ચેકિંગ સ્ક્વૉડવાળા એ કાપલીને જે તે વિદ્યાર્થીના ચરણકમળમાંથી ઉઠાવે છે ત્યારે સ્વાભાવિક છે કે એ વિદ્યાર્થી તો કાપલી સામે ન જ જુએ. પણ સ્ક્વૉડવાળાના હાથમાં પતંગિયાની જેમ ફફડતી કાપલી વખતે જેમ દ્રૌપદી વસ્ત્રાહરણ સમયે પાંડવો નીચે નજરો ઢાળીને બેઠા હતા એમ બધા જ પરીક્ષાર્થીઓ નીચી નજરો ઢાળીને ‘સ્ક્વૉડ ક્યારે જાય’ તેનો વિચાર કરતા અને લખતા હોવાનો અભ્યાસ કરાવતા બેસી રહે છે. (કાપલી વિના લખવું શું ?!) જેમ દ્રૌપદી વસ્ત્રાહરણ સમયે પાંડવોએ દુઃશાસનનું માથું ફોડવાની પ્રતિજ્ઞા લીધી હતી. એ જ રીતે બીજી ટ્રાયલવાળો પરીક્ષાર્થી પ્રતિજ્ઞા કરે છે કે જો આ વખતે કાપલીઓથી પાસ નહીં થાઉં તો નેક્સ્ટ ટ્રાયલે સીધું પેપર જ ફોડીશ અથવા પેપર તપાસનારને ફોડીશ. તેમ છતાં જો પેપર તપાસનાર નહિ ફૂટે તો તેનું માથું ફોડીશ.

પરીક્ષામાં પાસ થવા માટે બનાવવામાં આવતી કાપલી ખુદ પરીક્ષાખંડમાં કેટલીકવાર એક પરીક્ષા બની જાય છે. કારણ કે ઘણી-બધી કાપલીઓ ભેગી કર્યા પછી જેમ કોઈ લગ્નોત્સવમાં સજી-ધજીને ઊભેલી દશ-બાર સ્ત્રીઓમાંથી આપણી પત્નીને આપણે પોતે જ ઓળખી શકતા નથી (બીજીઓની વાત જુદી છે) એ જ રીતે ક્યા પ્રશ્નના જવાબ માટે કઈ કાપલી છે અને તે ક્યાં છે એ પામી શકતા નથી. ત્યારે ‘તું છૂપી હૈ કહાં….’ વાળી પરિસ્થિતિ સર્જાય છે. વળી બધી જ કાપલીઓ કાંઈ એક જ જગ્યાએ ન રખાય. એટલે જેમ બસ કે ટ્રેનની મુસાફરી વખતે બધા જ પૈસા એક જ ખિસ્સામાં ન રાખતાં જુદાં-જુદાં બે-ત્રણ ખિસ્સામાં રાખવામાં આવે છે, એ જ રીતે કાપલીઓને જુદાં-જુદાં સાત-આઠ ભૂગર્ભસ્થળોએ સંતાડવામાં આવે છે. અને એમાં જ ઉપરોક્ત ગોટાળો સર્જાય છે. પણ કામ કામને શીખવે. એ રીતે ‘જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી’ એમ અમારો એક કાપલાંનુભવી મિત્ર કાપલીઓની ગાઈડ-લાઈન રૂપે એક સ્પેશિયલ નાનકડી કાપલી બનાવતો. અને તે કાપલીમાં બધો માલ ક્યા ક્યા સ્થળોએ છુપાવવામાં આવ્યો છે તેની વિગતો હોય છે. જેમ કે પ્રશ્ન-1 શર્ટના કોલરમાં, પ્રશ્ન-2 પેન્ટના ચોર ખિસ્સામાં, પ્રશ્ન-3 પેન્ટની મોરીમાં, પ્રશ્ન-4 બાંયના કપમાં અને Most IMP પ્રશ્ન-5 (અ) કમરમાં (પાછળ), અને પ્રશ્ન-5 (બ) કમરમાં (આગળ), આવી અનુક્રમણિકાઓ બનાવતો. અને પ્રશ્નપેપરોના જવાબ શોધવા માટે તે ગાઈડલાઈનવાળી ચબરખીને અનુસરતો, પછી જેમ બિગ બેચલર (વાંઢો) કોઈ વિજાતીય સુપાત્રને જુએ એમ બાજુવાળો તેની કાપલીને જોતો હોય છે. અંતે બાજુવાળો તે લહિયાને પ્રશ્નનો જવાબ પૂછે ત્યારે જેમ ગાંધીબાપુએ કહ્યું હતું કે ‘મારું જીવન એ જ મારો સંદેશ’ એ જ રીતે વીર કાપલીવાળો ‘મારી કાપલી એ જ મારો જવાબ’ એવું ઈશારાથી સમજાવી દે છે. આમ છતાં પણ અમારો મિત્ર એવો વીર કાપલીવાળો ગ્રૅજ્યુએટ થઈ શક્યો નહિ. અંતે ગ્રૅજ્યુએશનના અધૂરા ઓરતા સાથે તેણે શિક્ષણ મેળવવાનું છોડી, શિક્ષણ આપવાનો પવિત્ર (?) વ્યવસાય શરૂ કર્યો. આજે તેની માલિકીની દશ-બાર સ્કૂલો ધમધોકાર ચાલે છે. અને તેની ગણના ‘જાણીતા કેળવણીકાર’ કે ‘જાણીતા શિક્ષણવિદ’માં થાય છે. તેથી જ તેની સ્કૂલના વિદ્યાર્થીઓ કાપલીની કડાકૂટમાં પડતા નથી. કારણ કે જેમ ગોકુળમાં કનૈયો ખૂબ ઊંચે ટાંગેલી મટકીન ફોડતો તેમ તે છેક ઉપરથી પેપરો ફોડે છે. આ ઉપરાંત તેઓ ‘પરીક્ષાની તૈયારી કેમ કરશો ?’ એ વિષય પર મનનીય પ્રવચનો પણ આપે છે.

જ્યારે આખો પરીક્ષાખંડ કાપલીના કેફમાં હોય અને કેટલાક કાપલી વિરહમાં ઝૂરતા હોય છે, એવા સમયે એક સાવ જુદો જ વર્ગ પરીક્ષાખંડમાં જોવા મળે છે. કાપલી તરફ નજર સુદ્ધાં ન કરનાર બ્રહ્મચારીઓ પરીક્ષાખંડમાં જોવા મળે છે. પણ બ્રહ્મચર્યના કેફમાં જ આધેડવયના થઈ ગયા પછી તેમને સમજાય છે કે લગ્ન કરવાં જરૂરી છે. અને પછી લગ્નગ્રંથિથી જોડાવા માટે તે મેરેજ બ્યુરોથી માંડીને તમામ ટચુકડી જાxખ વાંચી નાખે છે અને અંતે રઘવાયો થાય છે. એ જ રીતે અટપટા પ્રશ્નની અડફેટે ચડ્યા પછી કાપલીનો બ્રહ્મચારી કાપલી માટે રઘવાયો થાય છે. પછી તેનો અંતરાત્મા ‘એક જ દે ચિનગારી’ ની જેમ ‘એક જ દે ચબરખી’ ગાતો હોય છે. આમ કાપલીની અવગણના તેને ભારે પડી જાય છે. કાપલી વગર તે કાપો તો લોહી ન નીકળે એવો થઈ જાય છે.

અંતમાં એટલું જરૂર કહી શકાય કે છેક ઉપરથી પેપર ફોડી લાવનારાઓએ કાપલી કળાને ઘણું નુકશાન કર્યું છે. જો કાપલીકળાને જીવંત રાખવી હશે તો પરીક્ષાર્થીએ ભલે પેપરની તૈયારી સો ટકા કરી હોય છતાં એકાદ પ્રશ્ન તો કાપલીના જ સહારે લખવાનો આગ્રહ રાખવો પડશે. નહિ તો નજીકના ભવિષ્યમાં આપણી ભવ્ય કાપલીકળા લુપ્ત થઈ જશે.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous વીણેલી વાતો (ભાગ-2) – બેપ્સી એન્જિનિયર
દુબઈના પ્રવાસે…. – તંત્રી Next »   

5 પ્રતિભાવો : કાપલી કૌશલ્ય – નટવર પંડ્યા

 1. vishal says:

  Superb article. Loved it!!

 2. Hitesh Zala says:

  વાહ દસમુ યાદ આવિ ગયુ

 3. kishor joshi says:

  વાહ ખરેખર સુન્દર લેખ. કાપલિ કુમારોને ખરિ તકલિફ તો ઇન્ગ્લિશના પેપરમા પડતિ હોય,કારણ કે મોટાભાગે પ્ર્શ્ન જ સમજાતો ન હોય ત્યા જવાબ કેમ લખવો?

 4. http://natavarpandya.blogspot.in/ This is my blog to read more humour articles.

  Enjoy

 5. Lata kanuga says:

  આહા.. હું ભણતી એ દિવસો યાદ આવી ગયા. મેં 73 માં કોલેજના પહેલાં વરસમાં હતી ત્યારે એવો એક લેખ લખ્યો હતો તે કોલેજના મેગેઝીનમાં છપાયો હતો.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.