વીણેલી વાતો (ભાગ-2) – બેપ્સી એન્જિનિયર

[‘વીણેલી વાતો’ પુસ્તકમાંથી અગાઉ આપણે થોડી કૃતિઓ અહીં માણી હતી. આજે બીજા ભાગ અંતર્ગત થોડીક વધુ કૃતિઓનું આચમન કરીએ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] ગુલાબની કળી

શ્રી રવીન્દ્રનાથ ટાગોરે એક વાર મહાત્મા ગાંધીને તેમના વિદ્યાધામ શાંતિનિકેતન આમંત્ર્યા. વહેલી સવારે સૂર્યનારાયણ હજી પૂર્વમાં ડોકિયું કરતા હતા તે ટાણે બન્ને મહાનુભાવો શાંતિનિકેતનના બગીચામાં ટહેલવા નીકળ્યા. જુએ છે તો સૂર્યનાં કિરણો ગુલાબની નાજુક કળીઓ પર બાઝેલાં ઝાકળ બિન્દુઓ પર ઝળકી રહ્યાં હતાં. બન્ને જણ તે અદ્દભુત દશ્ય જોતા ઊભા. ત્યાં ટાગોર કહે, ‘ગુલાબની આ ખીલતી કળીઓ મને એક ગીત લખવા આમંત્રે છે.’ ગાંધીજી કહે : ‘મને તો કવિતા લખતાં આવડતી જ નથી. પણ હાં હું જરૂર ઈચ્છું કે મારા દેશનું હરેક શીશુ આ ગુલાબની કળીઓ જેવું તાજગીભર્યું શક્તિશાળી અને આ કળીઓ જેવું સ્વપ્નશીલ બને.’ એક ગુલાબની નાજુક નાનકડી કળીએ બે ઉમદા વ્યક્તિઓના મનમાં કેવા ઉમદા વિચારો પ્રેર્યા !

[2] સૌથી દુઃખી કોણ ?

રાજાના દરબારમાં સૌ ભેગા થયેલા. ચર્ચાનો વિષય હતો – સૌથી દુઃખી કોને કહેવો ?
ભેગા થયેલામાંના કોઈએ કાંઈ કહ્યું અને કોઈએ કાંઈ. બધા એક વાતે સંમત હતા જ- જે ગરીબ છે અને રોગી છે એ સૌથી દુઃખી કહેવાય. રાજાને આ જવાબથી સંતોષ ન થયો. દરબારમાં ચતુરનાથ નામે એક સરદાર ચૂપચાપ બેઠો હતો. રાજાએ તેને પૂછ્યું : ‘ચતુરનાથ, તમે શું માનો છો ? – દુનિયામાં સૌથી દુઃખી કોણ ?’ ચતુરનાથ કહે- ‘રાજાજી, મારા મત મુજબ સૌથી દુઃખી ઈર્ષ્યાળુ માનવ છે. બીજાને જીવનમાં પ્રગતિ કરતો જોઈ જે દુઃખી થાય છે, જેના મનની શાંતિ સામાનું સુખ જોઈ નાશ પામે છે એને સૌથી દુઃખી સમજવો. તે સ્વભાવે વહેમી હોય છે, સદા શંકાશીલ રહે છે. બીજાનું સૌભાગ્ય જોઈ તે એને ધિક્કારે છે તેવી વ્યક્તિ સૌથી દુઃખી ગણાય.’ રાજાએ ચતુરનાથની વાત માન્ય રાખી.

[3] સોનું ખોદવા માંડો

ઍન્ડ્રુ કાર્નેગી અમેરિકા આવી નાનાંમોટાં કામ કરવા લાગ્યો. આગળ જતાં તે અમેરિકાનો લોઢાનો ઉત્પાદક બન્યો અને એ હુન્નરમાં ખૂબ નામ કમાયો. લાખો લોકો એના હાથ નીચે કામ કરવા લાગ્યા. કોઈએ એમને પૂછ્યું ‘લોકોને તમે કેમ અંકુશમાં રાખી શકો છો ?’
ઍન્ડ્રુ કહે, ‘લોકો સાથે કામ લેવું એટલે માટી ખોદી સોનું મેળવવા બરાબર છે. એક ઔંસ જેટલું સોનું મેળવવા તમારે ગંદવાડ ભરેલી માટી ઉલેચવી પડે. સોનું પ્રાપ્ત કરવું હોય તો પહેલાં આ કામ કરવું જ પડે. મનુષ્યપ્રકૃતિમાં છુપાયેલ સારી શક્તિઓને પામવા એની ઊણપો અને મર્યાદાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે એનામાં જે કાંઈ ઉત્તમ છે તે જુઓ અને વખાણો. હંસ પાણીમાંથી દૂધ તારવી લે છે તેવી રીતે આપણે પણ મનુષ્યના કેવળ દોષો જ જોવાને બદલે તેના સદગુણો તરફ ધ્યાન કેન્દ્રિત કરીએ. સારાં સંબંધો આ રીતે જ સ્થાપી શકાય.’

[4] વારસો

એક વૃદ્ધ મરણપથારી ઉપર હતા.
તેમણે પોતના પુત્રને પોતાની પાસે તેડ્યો.
પછી વૃદ્ધ કહે : ‘બેટા, હું ગરીબ રહ્યો. તારે માટે પાછળ મૂકી જવા સારુ મારી પાસે કાંઈ મૂડી નથી. પણ મારા બાપે મને જે આપ્યું હતું તે આજે હું તને આપતો જાઉં છું. જિંદગીભર તું તેને સાચવજે. જ્યારે તને ક્રોધ ચડે ત્યારે ચોવીસ કલાક પહેલાં તું તેનો જવાબ વાળતો નહીં. ચોવીસ કલાક વીત્યા બાદ તું જવાબ આપી શકે. બસ આટલી મૂડી હું તને વારસામાં આપતો જાઉં છું.’

પિતાએ આપેલી મૂડી દીકરાએ જીવ્યો ત્યાં સુધી સાચવી. આથી તે ઘણું કમાયો. તેને જીવનમાં ઘણાં અપમાન સહન કરવાં પડ્યાં. ક્રોધ ચડે એવા અનેક સંજોગો વારંવાર ઊભા થયા; પણ પિતાનાં વચનો યાદ રાખી પુત્રે પરિસ્થિતિ સંભાળી લીધી. સામી વ્યક્તિને તે શાંતિથી કહેતો કે, ‘આનો જવાબ હું તમને ચોવીસ કલાક બાદ આપીશ.’ ચોવીસ કલાક બાદ એના મનમાં પેદા થયેલો રોષ, વેરની ભાવના ઈત્યાદિ આપમેળે ઓગળી જતાં. પછી તો એ આખો પ્રસંગ એને એટલો તો નજીવો લાગતો કે અપમાનનો બદલો વાળવા તે પાછો પેલી વ્યક્તિ આગળ કદી જતો નહીં. આમ કરતાં તેના હૃદયમાંથી બધો ક્રોધ અદશ્ય થયો. તેનું હ્રદય સ્વચ્છ બની ગયું. આ છોકરો મોટો થતાં ગુર્જેફ નામે મોટા જ્ઞાની પુરુષ તરીકે ઘણી ખ્યાતિ પામ્યો.

[5] એક વક્તાની વાત

શાળાના એક વિદ્યાર્થીને એના સહપાઠીઓ સમક્ષ બોલવાનું થયું. દરેક પ્રસંગે એનો પ્રયત્ન નિષ્ફળ નીવડ્યો. દર વખતે તે ફારસમાં જ પરિણમતો.
એ વિદ્યાર્થીના પોતાના જ શબ્દો-
‘શાળાના વિદ્યાર્થીઓ સમક્ષ બોલતાં મારી જીભ સિવાઈ જાય. કેટલાયે ફકરાઓ, કવિતાઓ કંઠસ્થ કરતો, દહાડાઓ સુધી એકાંતમાં પઠન કરતો. મારા બંધ ઓરડામાં દિવસો સુધી આ પૂર્વભજવણીનો કાર્યક્રમ ચાલતો. પછી સૌ સમક્ષ બોલવાનો દિવસ આવતો, મારું નામ બોલાતું, બધા સહાધ્યાયીઓ હું જ્યાં બેઠો હોઉં ત્યાં પાછા ફરીને મને તાકી રહેતા. તે ક્ષણે હું મારી બેઠક ઉપર એવો જડાઈ જતો કે જાણે પથ્થરનું પૂતળું. પગ એવા થથરે કે ઊભા થવું અશક્ય. આ અગ્નિપરીક્ષામાં પૂરો નિષ્ફળ રહ્યા બાદ હું ઘરભેગો થતો. શરમિંદો બની એકલો પોશ પોશ આંસુ પાડતો.’ પછી એક દિવસ એ યુવાને દઢ નિશ્ચય કર્યો કે કોઈ પણ ભોગે તે પોતાને કોરી ખાતી એ બીકણ વૃત્તિ ઉપર વિજય મેળવીને જ જંપશે. પછી ભલે તેમ કરતાં મૃત્યુ સામું આવી ઊભું રહે !

છેવટે એનો આ ભગીરથ પ્રયત્ન સફળ થયો. પૂરો સો ટકા ! અમેરિકાના એક પ્રખર વક્તા તરીકે ડેનીયલ વેબસ્ટર એના વકૃત્વ માટે વિશ્વવિખ્યાત છે.

[કુલ પાન : 120. કિંમત રૂ. 80. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “વીણેલી વાતો (ભાગ-2) – બેપ્સી એન્જિનિયર”

Copy Protected by Chetan's WP-Copyprotect.