અધ્યયન દ્વારા કામમાં પ્રાણસંચાર – વિનોબા ભાવે

[ તાજેતરમાં પ્રકાશિત થયેલ ‘વિચારવલોણું પ્રકાશન’ના પુસ્તક ‘સંસ્થા ઘડતર’માંથી સાભાર. આ પુસ્તકનું સંપાદન શ્રી મુનિ દવેએ કર્યું છે.]

[dc]આ[/dc]પણા કાર્યકરોમાં ખાટલે મોટી ખોડ છે, તે અધ્યયનની. અધ્યયન કરવાના ભારે ચોર. ઠેઠ તે જમાનાથી આજની ઘડી સુધી હું આ વિશે મૂકાય એટલો ભાર મૂકતો આવ્યો છું કે આપણે કાયમ અધ્ધયન કરતા રહેવું જોઈએ. તેના વિના ચાલવાનું નથી. અગાઉ હું કાર્યકરોને પૂછતો કે, ‘ગાંધીજીએ હાલમાં જે લેખ લખ્યો છે તે તમે વાંચ્યો કે ?’ તો ચટ જવાબ મળતો, ‘અરે ! અમે તો કામ કરીએ જ છીએ, પછી એમનો લેખ વાંચવાની લપમાં શું પડવું ? કહી-કહીને તેઓ કહેશે કે રેંટિયો કાંતો કે હરિજન-સેવા કરો, તો અહીં અમારું એ બધું કામ તો મજાનું ચાલે જ છે. લેખમાં વળી બીજું શું વાંચવું ?’

મતલબ કે એ બધા ગાંધીને પી જ ગયા હતા ! હું એમને સમજાવતો કે તમને વાંચવાની ફિકર નથી તો ગાંધીજીએ દર અઠવાડિયે લખવાની ફિકર શું કામ રાખવી જોઈએ ? તેઓ લખે છે શું કામ ? તેઓ રાત-દિવસ જોયા વિના લખે જાય છે, તેટલું યે તમે જોતાં નથી ? તો તેઓ મને કહેવા લાગ્યા કે, ‘એ તો બીજા લોકો માટે લખે છે, જે સમજ્યા નથી એમને માટે. અમે તો સમજી ગયેલા જ છીએ અને એમનું જ કામ કરી રહ્યા છીએ.’ એટલે સમજવાની વાત એ છે કે કામ તો સતત કરવું જ છે, પણ સાથોસાથ વિચારોનું આપણું અધ્યયન પણ સતત ચાલતું રહેવું જોઈએ. માત્ર કામ જ વધતું જાય તે નહીં ચાલે. કોઈ કામનો વિકાસ થતો જાય ત્યારે જોવાનું એ રહે છે કે તેના મૂળ તત્વનો પણ વિકાસ થાય છે કે નહીં. કેટલીયે વાર એમ જોવા મળે છે કે કામનો અંતરાત્મા સંકોચાતો જાય અને બહારનો આકાર વધતો જાય. આ રીતે જ્યારે વિચાર અને અધ્ધયનના ઊંડાણ તરફ જોઈએ તેટલું ધ્યાન નથી અપાતું, ત્યારે કામ નિષ્પ્રાણ થતું જાય છે અને સંસ્થા વગેરે ઊભી થઈ હોય તો પણ, તેનો આકાર ગમે તેટલો મોટો થયો હોય છતાં પ્રાણ વિનાના ખોળિયા જેવી તે બની રહે છે.

આના દાખલા આપણને ઘણા જોવા મળશે. રવીન્દ્રનાથ ટાગોરે શાંતિનિકેતન શરૂ કર્યું, ત્યારે તેમાં એક ઊંચું ધ્યેય અને ઉત્સાહ હતો. પરંતુ આજે તેમાં અને એક મામૂલી યુનિવર્સિટીમાં શો ફરક છે ? મારી પદયાત્રા દરમ્યાન હું શાંતિનિકેતન ગયો હતો. ત્યાં મેં નિકેતન જોયું, પણ શાંતિ ન જોઈ. મામૂલી કોલેજમાં ને યુનિવર્સિટીમાં જે ઝઘડા હોય છે, તે ત્યાં પણ છે. રવીન્દ્રનાથને ગયે હજી માંડ 25 વરસ (હવે 60 વર્ષ) થયાં હશે, પણ આટલાં વરસમાં તો એમનું મુખ્ય સ્થાન આવી રીતે સ્ફૂર્તિહીન બની જાય છે ! પંડિત માલવિયાજીએ બનારસ હિંદુ યુનિવર્સિટી સ્થાપી હતી. આજે તેના પણ શા હાલ છે ? પછી હું ગયો હતો વિવેકાનંદના સ્થાનમાં. ત્યાં સરકારની મદદથી કામ ચાલે છે. જે રામકૃષ્ણ પરમહંસની આંગળીઓને પૈસાના સ્પર્શથી વીંછી કરડતો હતો, તેના સ્થાનમાં જે કાંઈ બધું ઊભું કરવામાં આવતું હતું, તે દ્રવ્યમય હતું; અને તે પણ સરકારી દ્રવ્યથી ! હવે, મારી સામે સવાલ ઊઠે છે કે સ્ફૂર્તિ-ક્ષય કાળાનુક્રમે થતો રહે છે તેમાં કોઈ શક નથી. વેગક્ષયકારી સામર્થ્ય કાળમાં હોય છે. તેથી ફરી-ફરીને ગતિ આપવી પડે છે. ચૈતન્યનો સ્પર્શ ફરી-ફરી થવો જોઈએ, તો જ ગતિ મળે છે. ઘડિયાળને ફરી-ફરી ચાવી આપવી પડે છે. તેથી સમજી શકાય છે કે કાળાનુક્રમે સ્ફૂર્તિનો ક્ષય થશે. પણ તે આટલો જલદી અપેક્ષિત નહોતો. આ તો 15-20-25 વરસની અંદર પહેલાંની સ્ફૂર્તિ સાવ અલોપ થઈ જાય છે !

આનાં કારણો વિચારતાં બે-ત્રણ બાબતો ખ્યાલમાં આવે છે. આપણી સંસ્થાઓનો જીવનરસ જોતજોતામાં ઊડી જાય છે, તેનું કારણ એ છે કે સ્વાધ્યાયનો અભાવ છે. આપણે કર્મયોગમાં પડ્યા છીએ. કર્મયોગમાં તેના લાભો સાથે તેનાં નુકશાન પણ હોય છે. શંકરાચાર્ય, રામાનુજ, બુદ્ધ, મહાવીર વગેરેના અનુયાયીઓના જે કંઈ દોષ હતા તે આપણે સુધાર્યા છે, એ વાત ખરી. આપણે એમના કરતાં કર્મયોગ ઉપર વધારે ભાર દીધો. એ સુધારો જરૂરી હતો. પરંતુ એ લોકો આત્મજ્ઞાનમાં જેટલાં ઊંડાણે પહોંચતા, તેટલા ઊંડાણે આપણે પહોંચતા નથી. આથી કાર્યના વિકાસની સાથે સાથે આપણી વિચારનિષ્ઠા ને તત્વનિષ્ઠા ઘટતી જાય છે. આપણાં કામોની પાઘડી ભારે બનતી જાય છે, પણ તેનું તત્વ ઊડી જાય છે. માણસ જતો રહે છે, સંસ્થા રહી જાય છે, અને પછી એ નિસ્તેજ ને ફિક્કી પડતી જાય છે તથા દષ્ટિ છીછરી બનતી જાય છે.

હવે જુઓ ! શંકરાચાર્યના જ્ઞાનની પરંપરા અને તેમના મઠોની પરંપરા આશરે બારસો વરસથી ચાલતી આવી છે. હમણાં કેટલીક યુનિવર્સિટીઓની શતાબ્દી ઉજવાય છે. શંકરાચાર્યના મઠને આજે બાર શતાબ્દી થઈ છે. એ ખરું કે જૂના જમાનામાં આ મઠોથી લોકોને જે પ્રેરણા મળતી, તે આજે નથી મળતી. છતાં આટલો વખત થવા છતાં તે આજે પણ કંઈ ને કંઈ કામ કરી રહ્યા છે, અને આજે પણ તેના ઉપર લોકોની શ્રદ્ધા છે. તેનું શું કારણ ? આપણે જોઈએ છીએ કે દસ-વીસ વરસ થાય એટલે આપણી બધી સંસ્થાઓની પ્રવૃત્તિ મંદ પડી જાય છે. કેટલાયે આશ્રમો દસ-વીસ વરસ પ્રવૃત્તિમય રહ્યા અને પછી તેમની પ્રવૃત્તિ મંદ થઈ ગઈ. આવા કેટલાયે દાખલા છે. ત્યારે શંકરાચાર્યના મઠોની પરંપરા સેંકડો વરસોથી ચાલી આવી છે. એ સંસ્થામાં કોઈ એક એવી તાકાત છે કે જેથી તે સ્થિર ને ચિરંજીવી છે. તે કઈ તાકાત છે ? અધ્યયનની સાથે ‘વ્રતનિષ્ઠા’નો આપણા અનુભવી પુરુષોએ યોગ સાધ્યો છે. વિદ્યાસ્નાતક ને વ્રતસ્નાતક એમ બે પ્રકારે માણસ વિદ્યાસંપન્ન થાય છે. કોઈ વિદ્યાર્થી બાર વરસ સુધી ગુરુને ઘરે રહીને વિદ્યા ભણ્યો હોય, પણ વ્રત એટલે કે તેનું આચરણ ન કર્યું હોય, તો તેને પૂર્ણ સ્નાતક માનવામાં નહોતો આવતો. એનાથી ઊલ્ટું, જો તેણે વ્રત પૂર્ણ કર્યું હોય, પણ પૂરી વિદ્યા ન મેળવી હોય, તો તે પણ પૂર્ણ સ્નાતક નહોતો ગણાતો. આમ, વિદ્યા અને વ્રતનો યોગ એ આપણી વિશિષ્ટ પરંપરા છે. શંકરે પણ એ બંને ઉપર ભાર મૂક્યો.

બુદ્ધે પણ પોતાના શિષ્યોને ઊંડા વિચારમાં જવા દીધા નહીં. શંકરાચાર્ય વિચારના ઊંડાણમાં ઊતરતા અને શિષ્યોને પણ ઉતારતા. તેથી બૌદ્ધ દર્શનમાં પાછળથી જે અનેકવિધ મતભેદ પડ્યા, જુદા જુદા સંપ્રદાયો પડ્યા, તેવું શંકર-વિચારમાં થયું નહીં. આવો જ ડર ગાંધીજીના વિચારો વિશે છે. કારણ કે વિચાર અને અધ્યયનના ઊંડાણ તરફ જેટલું ધ્યાન આપવું જોઈએ, તેટલું ધ્યાન આપવામાં આવ્યું નથી. ખરું જોતા, આપણે વિચારના ઊંડાણમાં ઊતરવું જોઈએ અને અધ્યયનનિષ્ઠ થવું જોઈએ. આ બે વસ્તુના અભાવને લીધે જ આપણી પરંપરા ટકતી નથી, એ ધીરે ધીરે તૂટતી જાય છે. પરંતુ આ બાબત તરફ આપણા લોકોનું ધ્યાન ઝાઝું જતું નથી. આપણને તો બસ, કામ કામ ને કામ ! સતત કામ ! આમ તો ગીતાએ પણ કર્મનો મહિમા ગાયો છે, કર્મ વિના કોઈ માણસ નથી જીવતો, એક ક્ષણ પણ નથી જીવતો. આમ જોવા જઈએ તો, બધા લોકો કામ કરે જ છે. આપણે માનીએ છીએ કે આપણે રચનાત્મક કામો કરીએ છીએ. પણ હું એમ પૂછું કે રચનાત્મક કામો પણ કોણ નથી કરતા ? લાખો ખેડૂતો, વણકરો, લુહારો, મોચીઓ, બધા રચનાત્મક કામો જ કરે છે ને ! એમના આધારે તો દુનિયા ચાલે છે. માટે આપણે રચનાત્મક કામો કરીએ છીએ, તેમાં કોઈ વિશેષ વાત નથી. આ રીતે રચનાત્મક કામો કરતા રહીશું, માત્ર તેનાથી સર્વોદય વિચાર દુનિયામાં કાયમ રહેશે અને તે દ્વારા આપણે આપણો વિચાર દુનિયા આખીમાં ફેલાવી શકીશું, એવી આશા રાખવી ખોટી છે.

સર્વોદય-વિચારની જે ભૂમિકા છે, તેમાં જે બુનિયાદી તત્વો પડેલાં છે, તેનું જો અધ્યયન થતું નહીં રહે અને માત્ર અમુક સારાં કામો કરતા રહીશું, તો ચાલશે નહીં. ગાંધીજી સાથે જેમણે કામ કર્યું છે, એવા કાર્યકરો તો હવે થોડા દિવસમાં બધા વિદાય થશે. પછી જો અધ્યયન નહીં હોય, તો મૂળ પ્રેરણાને કોઈ આધાર નહીં મળે. આ સાથીઓએ પણ ઝાઝું અધ્યયન નહોતું કર્યું. અધ્યયનની આપણામાં પહેલેથી કમી જ હતી. પરંતુ ગાંધીજી જેવા મહાપુરુષના સહવાસથી તેની પૂર્તિ થઈ ગઈ. પરંતુ હવે એ ગાંધીજીનો સહવાસ રહ્યો નથી, અને જેમને મળેલો તે બધા પણ એક પછી એક આ દુનિયા છોડીને ચાલ્યા જાય છે. તેથી હવે જો આપણા પાયાના વિચારોનું અધ્યયન નહીં થયું, તો આપણે પણ દુનિયાના ધસમસતા પ્રવાહમાં વહી જઈશું તથા થોડા દિવસમાં આ બધા વિચાર ભૂલાઈ જશે. જો આ વિચારોનું ઊંડાણથી અધ્યયન સતત ચાલતું રહેશે અને વિચાર-પ્રવાહ વહેતો રહેશે, તો જ આપણાં કામોમાં પ્રાણ-સંચાર કાયમ રહેશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

One thought on “અધ્યયન દ્વારા કામમાં પ્રાણસંચાર – વિનોબા ભાવે”

Copy Protected by Chetan's WP-Copyprotect.